સર્જકને તૈયાર કરતી સામગ્રી કેવા પ્રકારની હોય ? તેનું ઉદાહરણ બાળપણમાં ડોકિયુ કરતા મળે. ગુણવંતરાય આચાર્યના પિતા પોલીસ ખાતામાં નોકરી કરતા હતા. વારંવાર તેમની બદલી થયા કરતી હતી. એક ગામથી બીજા ગામ જવું અને નોખી માટીના માનવીને મળવું. એ અરસામાં તેમની મુલાકાતો બારોટ, મેર અને આહિર કોમ્યુનિટીના લોકો સાથે થઇ. તેમના ગળામાં ભરાઇને પડેલા સાહિત્યને તેમણે નાના ગુણવંતની આગળ ઠાલવ્યું. ગુણવંતની આગળ એ ઠલવાતું ગયુ અને તે યાદ રાખતા ગયા. શરીરમાં કંઇક નવો સંચાર થઇ રહ્યો હતો. નવું મળી રહ્યું હતું. મગજના સ્નાયુઓમાં સાહસના બીજ રોપાઇ રહ્યા હતા. આ કથાઓ સાંભળીને તો ગુણવંતને માત્ર એટલું જ કે મનોરંજન મળે. પણ તેને શું ખબર કે ભવિષ્માં તે પણ આવી જ કથાઓ કરવાનો છે.
કથાઓમાં ક્યાંક મધદરિયે બે જહાજો બાખડી પડ્યા હોય. ક્યાંક કિનારે આંખના ખૂણા જેવી તિક્ષ્ણ તલવારો સામસામી વીંઝાતી હોય. ગેંડો, હાથી, સિંહની લડાઇ અને આ કથાઓની વચ્ચે જીવનની નાવને હલેસા મારી કહેવાતા સંવાદો એ ગુણવંતમાં વ્યક્તિ ઘડતરનું કામ કર્યું. આમ કહેવામાં આવે તો સાહિત્યના વટવૃક્ષનું બીજ રોપાયુ.
આમ ફરતા ફરતા માંડવી સ્થિર થયા. મોટાભાઇની ત્યાં નોકરી લાગી હતી. માંડવીનો ઘુઘવતો દરિયા કિનારો અને પેલી કથાઓ તેમના રોમરોમમાં ફુટી નીકળી હતી. પણ એમ કંઇ પ્રેરણાનું ઝરણું થોડુ ફુટી નીકળે. નદીમાં ધુબાકો મારવો હોય તો કોઇ પારંગત તરવૈયા પાસેથી પ્રશિક્ષણ લેવું પડે.
ગોકુળદાસ તેજપાલ હાઇ સ્કૂલમાં પ્રવેશ મેળવી લીધો અને મુલાકાત થઇ મુગટરાય માસ્તર સાથે. મુગટરાય માસ્તર ઘણા વિષયોમાં પારંગત હતા. પણ તેમનો સારો એવો અભ્યાસ તો ઇતિહાસ અને સાહસકથાઓમાં હતો. તેમણે ગુણવંતને આ સાહસકથાઓની વાતો કહેવા માંડી. ઇતિહાસની કેડીએ ચાલવા માંડ્યા. હવે ગુણવંતની અંદર બે કથાબીજ હતા. બારોટ, આહિર અને મેરની વાતો અને તથ્ય સત્ય સાથે અનુબંધ ધરાવતો ઇતિહાસ. પણ ત્યાં સુધી તો ગુણવંતને ખ્યાલ નહોતો કે હું આગળ જતા કંઇક લખવાનો છું.
દરિયામાં સાગરના મોજા અથડાતા હોય અને ગુણવંત તેને એકીટશે નિરખતો હોય. તેના મોટા કપાળ પર ખારા પાણીની છાલક પડે અને ચહેરા પર સ્મિત સર્જાય. ઇતિહાસ ભણેલ એટલે એ વાતનું કૂતુહલ તેને બિલ્કુલ નહોતું કે દરિયાની ઓલીપાર કેવા પ્રકારની સૃષ્ટિ હશે. પણ હા, અહીંથી ત્યાં જવાની વૃતિને કારણે તેનું મગજ કંડારવા લાગ્યું હતું. કદાચ સાહિત્યમાં મન લાગવા માંડ્યું હતું.
ભણવા સિવાય ગુણવંતને એક જ શોખ પનપ્યો. દરિયાકાંઠે જઇ ત્યાંના માછીમાર મિત્રો સાથે દરિયા કિનારાની અને દરિયાપારની વાતો સાંભળવી. કોઇ ખલાસીના છોકરાને ન આવડે તેવું ગુણવંતને આવડી ગયેલું. કોઇ ખારવો જોતો તો તેને પણ પૂછવાનું મન થતું કે દરિયાની આ પ્રવૃતિ તું કેમ શીખ્યો ? તેનું કારણ માંડવીના કિનારે રહેતા તેના માછીમાર મિત્રો. આ મિત્રોના કારણે જ તેણે પછીથી બગદાદ સુધીની સફર ખેડી અને દરિયાની છાલક જે કિનારે ઉભી માણતા તેને મધદરિયે પણ માણી.
માંડવીમાં તેને મઝા આવતી હતી. પણ મોટાભાઇની નડિયાદ બદલી થઇ ગઇ એટલે નડિયાદ ચાલ્યા ગયા. થોડા દિવસ મન ન લાગ્યું પણ પછીથી ત્યાંની સ્કૂલમાં અભ્યાસ કરવા બેઠા. મેટ્રિક પાસ કરી લીધું. અને હવે કૉલેજમાં ભણવાનું હતું.
ત્યારે સારી કહી શકાય એવી ભણવા લાયક કૉલેજ જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજ હતી. જ્યાં મેઘાણી અને ધૂમકેતુ ભણ્યા. નડિયાદથી જૂનાગઢ ભણવા માટે ફસ્ટ યર બીએનો કોર્ષ કરવા ધક્કો ખાધો. પણ જૂનાગઢમાં આખું ભણતર અને ગીરનારની ગોદમાં રહેવું તેમના ભાગ્યમાં નહોતું લખાયું. માંદા પડ્યા એટલે જૂનાગઢ છોડી દીધું. દરિયાથી વિરૂદ્ધનું સીધુ જંગલમાં ! આ વાતાવરણ તેમના શરીરને પચ્યુ નહીં હોય. પછી તો ભાવનગરની કોલેજમાં એડમિશન લીધું. શામળદાસ કોલેજમાં ભણ્યા પણ પછી ભણતર અધૂરુ છોડી દીધું. સીધી ઘરની પરિસ્થિતિ સંભાળી લીધી.
કૉલેજ છુટી ગઇ હતી. ભણવાનું અધૂરૂ હતું. આગળ ભણવાની તેમની કોઇ ઇચ્છા નહોતી. જો આગળ ભણી ન શકે તો આ માણસે નોકરી મેળવી લેવી જોઈએ. આવું પરિવારના લોકોને લાગતું હતું. પરંતુ પરિવારના સંઘર્ષને જ ખાળવા માટે તેઓ નોકરી શોધવા લાગ્યા. તેમના માટે પગભર થવું એ માથાના દુખાવા સમાન હતું.
પણ ફ્લેશબેકમાં જઇએ તો… કોલેજમાં હતા એ સમયે તેમનું વેવિશાળ ગોઠવી દેવામાં આવેલું. એ છોકરીનું નામ હતું નિર્મળા. જે પછીથી ગુણવંતરાયની અર્ધાંગીની બની. 1919માં બંન્નેનું લગ્ન થયું. હવે નોકરી વિના પત્નીને સાચવવાની જવાબદારી માથે આવી પડી હતી.
એટલામાં ઘર પર આભ તૂટી પડ્યું. પિતા પોપટલાલનું અવસાન થયું. હવે મોટાભાઇએ પણ અમદાવાદ આવી જવાનું નક્કી કરી લીધું હતું. એટલે સહ પરિવાર ગુણવંત અમદાવાદ આવી ગયો. અહીં મીલોમાં કામ કર્યું, ક્યાંક છૂટક કામ કર્યું. પણ કોઇ જગ્યાએ સ્થિર ન રહી શક્યા. ગુજરાતી સારૂ આવડતું હતું એટલે ક્યાંક પ્રૂફ રિડરની નોકરી કરે, ક્યાંક જીનીંગની નોકરી કરે. ક્યાંક વળી ભાષાના કામમાં લાગી જાય. પણ અમદાવાદમાં નહીં. આ બધુ જામનગર,રતલામ, ડીસા જેવા ભીન્ન ભીન્ન સ્થળોએ થતું રહેતું હતું. રોજગારી મેળવવા ભાટકવું પડતું હતું.
પરંતુ આ પહેલાનો પૂર્વાધ તેમના માટે અલગ સર્જાયો હતો. જ્ઞાતિના એક સામાયિકમાં તેમણે થોડુ ઘણું કામ કર્યું હતું. જેમાં તેમની કલમનો નિખાર પહેલી વાર પ્રકટ થયો હતો. પછીથી પાછી નોકરી બદલી નાખી હતી. પણ આ કલમનો નિખાર રાણપુરમાં એક માણસના હાથમાં ચડી ગયો. તેનું નામ અમૃતલાલ શેઠ. તેમણે સૌરાષ્ટ્ર મિત્ર સંભાળવાની જવાબદારી ગુણવંતને આપી અને ગુણવંત જામનગરથી રાણપુર આવી ગયા. લેખન પ્રવૃતિમાં એવા મસ્ત થઇ ગયા અને પેલા બાળપણના અનુભવો પણ તેમના માનસપટ પરથી તેમની કલમમાં ક્યારે ઉપસી આવ્યા તે જાણવાની તેમણે દરકાર સુદ્ધા ન કરી. (અગેઇન સ્ટીવ જોબ્સનું કનેક્ટ ધ ડોટ્સ અહીં સાચું પૂરવાર થાય છે)
આ સૌરાષ્ટ્રમિત્ર છાપાને તેમણે ભેટ પુસ્તક આપ્યું જેનું નામ હતું સોરઠી સમશેર. પણ એ પુસ્તક કરતા તેમની ડિટેક્ટિવ વાર્તાઓ ખૂબ ચાલી અને વખાણાઈ. ડિટેક્ટિવ સામાયિક બહુરૂપીમાં તેઓ રહસ્ય અને રોમાંચથી ભરપૂર વાર્તાઓ લખતા હતા. ગુજરાતી રહસ્યકથાઓના એ મેગેઝિન પછી ઘણા બહુરૂપી આવ્યા. બહુરૂપી નામની ગુજરાતી ફિલ્મ પણ આવી. પણ જેટલી બહુરૂપીઓ બની તે બધી અકાળે વિસરાય ગઇ. પછી તે સાહિત્યમાં હોય કે સિનેમામાં.
જે પછી અસલી ગુણવંતરાયનો જન્મ થયો. શ્રેષ્ઠ સાગરકથાઓ લખી તેમણે સાગરમાં થતી સાહસિક પ્રવૃતિને સાહિત્યમાં નામ અપાવ્યું. પીરમનો પાદશાહ, મહાબલિદાન જેવી નવલકથાઓને અપ્રતિમ સફળતા પ્રાપ્ત થઇ. તેમની કૃતિઓમાં જીણવટ પૂર્વકનું વર્ણન, ઘટનાને ઘડવાનો કસબ અને પાત્રોનું ઉંડાણ વાચકોના હ્રદયને સ્પર્શી ગયું.
તેમની કૃતિઓમાં ગેંડા સાથેનું યુદ્ધ પણ આવે અને સાગર સાથે બાથ ભીડતા સાહસિકની કથા પણ આવે. ક્યાંક ખુમારી હોય તો ક્યાંક ઉષ્માભર્યા સંબંધોની વચ્ચે પોક મુકાવી દે તેવી ઘટનાઓના રસપ્રચૂર વર્ણન પણ આવે.
આ બધુ લખવામાં અને પરિવાર સંભાળવામાં તેમણે બે લાકડે બળવું પડતું હતું. એ સમયનો રાજરોગ કહેવાતો ક્ષયનો રોગ પત્ની નિર્મળાને થયો. પત્નીને સ્વસ્થ કરવા માટે તેમણે તમામ કિમીયા અજમાવ્યા. એ સમયે પુત્ર શિશિર ને સાચવવાની જવાબદારી હતી. પૈસા, સંઘર્ષ, પત્નીને ક્ષય અને બાળકની જવાબદારી. પણ સાહસ સાથે રૂદનનો પ્રસંગ પણ તેમના જીવનની નવલકથામાં ભજવાઈ ગયો અને પત્નીએ આ ફાની દુનિયાને અલવિદા કહ્યું.
પત્નીના મૃત્યુ પછી તેમેણે જીવનમાં બે જ કામ કરવાના હતા. સાહિત્યની સાથે દોસ્તી અકબંધ રાખવાની હતી અને પુત્ર શિશિરનો યોગ્ય ઉછેર કરવાનો હતો. સાહિત્યની માફક જ રસોડુ તેમણે પોતે સંભાળી લીધું. ઘરમાં કોઇ સ્ત્રી ન હતી એટલે પોતે રાંધીને શિશિરને ખવડાવતા હતા. દિકરામાં સંસ્કારનું સિંચન કરવું અને સાહિત્ય પ્રવૃતિમાં વ્યસ્ત રહેવું.
પણ ઘરમાં એક સ્ત્રીની ખોટ વર્તાતી હતી. તેમને બીજા લગ્ન કરવા પડે તેમ હતા. નિર્મળા બહેન બાદ ઘરમાં કોઇ સ્ત્રી જોઇએ જે મકાનને સાચવી રાખે અને પરિવારને એક તાંતણે બાંધી રાખે. પોતાના માટે નહીં, પણ પુત્ર શિશિરની તબિયત સાચવવા સ્ત્રી જોઇતી હતી. આ બધી મુશ્કેલીઓ વચ્ચે તેઓ બીજા લગ્ન કરવા માટે તૈયાર થયા.
એ વખતે આફ્રિકન સાથે લગ્ન કરી દુ:ખના દાડા વિતાવતી લલિતાબહેન સાથે તેમનો સંપર્ક થયો. તેમની આપવિતી સાંભળી અને પછી તેમની સાથે જ લગ્ન કરવાનો નિર્ધાર કર્યો. પણ જ્ઞાતિ એ સૌથી મોટો પ્રશ્ન હતો. નાગરોની ખરીખોટી સાંભળવાનો ગુણવંતને વારો આવ્યો. ધમકી પણ મળતી હતી. પરંતુ છેલ્લે તેમણે નીલાના આફ્રિકન પતિના નિધન બાદ અમદાવાદમાં લગ્ન કરી લીધા.
લગ્ન પછી સાહિત્યમાં તેમની નવી ઇનિંગની શરૂઆત થઇ. ગુજરાત સમાચારમાં લાગ્યા. અને એ સમયે સાહિત્યકમિત્રો સાથે ઘરોબો વધ્યો. ધૂમકેતુ, શંભૂભાઇ, ગોવિંદભાઇ, મધુસુદન મોદી, અનંતરાય રાવલ આ બધા મિત્રો સાથે અનોપચારિક રીતે ‘ચા-ઘર’ નામના ગોષ્ઠી કાર્યક્રમો કરતા હતા. જેણે તેમનામાં નવા વિચારો અને વ્યક્તિત્વ ઘડતરનું કામ કર્યું. સાહિત્યમાં પહેલા જે પાપા પગલી ભરતા તે હવે આંગણામાં બાળક રમવા માટે જીદ કરે અને દોટ મુકે તેવા થઇ ગયા હતા.
અને આ સમયે ગુણવંતરાય આચાર્યએ ગુજરાતી સાહિત્યની ન ભૂતો ન ભવિષ્યતી જેવી નવલકથા દરિયાલાલ લખી. ગુજરાતી શું ? કેટલીક રિજનલ ભાષાની દરિયાઇ સાહસકથા લઇ લેવામાં આવે તો પણ ગુણવંતરાય આચાર્યની આ નવલકથા ને તોલે ન આવે. આ નવલકથાથી તેઓ વિવેચકોને ખુશ કરવામાં સફળ થયા.
પણ સાહિત્ય માત્રથી ઘર ન ભરાઇ. ગુજરાતીમાં તો બિલ્કુલ નહીં !!! તેમની વાર્તા ઘડવાની આવડતને કારણે મુંબઇ સાગર મુવીટોનમાં ચલચિત્ર લખવાનું આમંત્રણ મળ્યું અને ફિલ્મોના રંગે રંગાયા. સાહિત્યથી ફિલ્મી દુનિયામાં આવ્યા ત્યાં સુધીમાં તેમને ‘ગુરૂજી’ ઉપનામ મળી ચૂક્યું હતું.
મુંબઇમાં ફિલ્મો ચાલે છે એ માટે તેમણે મેગેઝિન પણ શરૂ કરેલ. પણ વખત જતા ખોટ આવી અને મેગેઝિન તેમણે વેચી દીધું. જામનગરથી જામસાહેબનું આમંત્રણ આવ્યું અને ફરી જામનગર ચાલ્યા ગયા. જ્યાં તેમણે પહેલા આયુર્વેદિક મુદ્રણાલય અને બાદમાં લીલા પ્રિન્ટસની સ્થાપના કરી. પણ મુંબઇમાં શરૂ કરેલી મોજમજાહ મેગેઝિનની માફક આ પ્રિન્ટ પણ લાંબુ ન ચાલ્યું. ખોટ ગઇ અને આર્થિક ઉપાર્જન કરવાના હેતુથી તેમણે ફરી મોહનગરી મુંબઇની વાટ પકડી.
ગુણવંતને એક વસ્તુ કનડગત કરતી હતી. પોતે ભણી ન શક્યા. ઉપરથી સાહિત્યક પ્રવૃતિ કરતા હોવાના કારણે શું દિકરા શિશિર અને બે દિકરી ઇલા-વર્ષાનો અભ્યાસનો ખર્ચ કાઢી શકશે ? સાહિત્યમાંથી તો એટલું મળતું નથી.
ગુણવંતના મગજના સ્નાયુઓ સામાન્ય માનવી કરતા કઠોર હતા. જીવનની તમામ લીલી સુકી તેમણે જોઇ હતી. એ જોતા પુત્ર શિશિરને સીએ સુધીનો અભ્યાસ કરાવ્યો. બંન્ને પુત્રી વર્ષા-ઇલાને એમ.એ સુધી ભણાવ્યા. એ સમયે ઘરની દિકરીઓને નાટકોમાં કામ કરવાનો હક નહોતો. પણ ગુણવંતરાય આચાર્ય આધુનિકતામાં માનનારા નોખી માટીના માણસ હતા. વર્ષા અડાલજા જેમની ઓળખ સાહિત્યકાર તરીકેની છે, તેમણે પોતાના કરિયરની શરૂઆત અભિનેત્રી તરીકે જ તો કરી હતી. આમ એ સમયના માનવીઓના વિચાર વર્તુળને ટપીને તેમણે દિકરીઓને નોખો ચીલો ચાતરતા શીખવ્યું. પણ કહેવું પડે દિકરી વર્ષા પિતાના વર્તુળમાંથી બહાર ન નીકળી શક્યા અને તેમણે પણ સફળ સાહિત્ય સર્જન કરી પિતાના જ શોખને આગળ ધપાવ્યો.
વર્ષા બહેને તેમના પિતાના સ્મરણમાં કહેલું છે કે, ‘મેં પપ્પાને હંમેશા અવિરત લખતા જોયા છે, આરામખુરશી પર પગ વાળી પેડને ખોળામાં રાખી ટટ્ટાર બેસી એકમગ્ન થઇ લખે. સડસડાટ પેન ચાલે. લખાયેલું પાનું લખ્યું તે ફર્યું. આજે દરિયાઇ નવલકથાનું આઠમું તો આવતીકાલે ઐતિહાસિક નવલકથાનું વીસમું પ્રકરણ લખતા હોય. ત્રીજા દિવસે તેમની અતિ લોકપ્રિય રાજનીતિ પરની ગુજરાત સમાચારમાં છપાતી કૉલમ લખાતી હોય. જે પછી રેડિયો નાટક, અખંડ આનંદમાં છપાતી વાર્તા… ને ઘણું બધુ. માત્ર ચા ઉપર ટક્યા રહે આખો દિવસ જમે નહીં.’
એવામાં રાજકોટ આવવાનું થયું. પ્રકાશકની રોયલ્ટીમાંથી રાજકોટ જમીન લીધેલ હતી, ત્યાં મકાન કર્યું. કેવું કહેવાય ? આટલું ગુજરાત અને મુંબઇ પણ ફર્યા પણ તેમનું અવસાન રાજકોટમાં લખાયેલું હતું. રાત્રે સુતા અને હ્રદયરોગનો હુમલો આવ્યો તે કોઇ દિવસ ન ઉઠ્યા. પાછળ રહી તો માત્ર તેમની નવલકથાઓ તેમની થોડી ઘણી યાદો.
~ મયૂર ખાવડુ
Leave a Reply