ચાંદલો
ચાંદલોઃ સાચ્ચે, કાજલ ઓઝા વૈદ્યના ચાહકોને ગોળનું ગાડું મળી ગયું છે! ફિલ્મની સ્ટોરી-સ્ક્રીનપ્લે એમનાં, ફિલ્મનાં સહસંવાદલેખક એ અને ફિલ્મની મુખ્ય ભુમિકામાં પણ એ. મજાની વાત આ છેઃ આ તમામ ડિપાર્ટમેન્ટમાં કાજલ ઓઝા વૈદ્યે મસ્ત-મસ્ત દેખાવ કર્યો છે. તેઓ સિદ્ધહસ્ત નવલકથાકાર-વાર્તાકાર છે તે હકીકત જગજાહેર છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવો એ, અલબત્ત, જુદી વિદ્યા છે. અંગત રીતે મને બિગ સ્ક્રીન પર કાજલબેનનું ફિલ્મ અભિનેત્રી તરીકેનું સ્વરુપ જોવાની સૌથી વધારે ઉત્સુકતા હતી. મને કહેવા દો કે કાજલ ઓઝા વૈદ્ય ‘ચાંદલો’નું અસલી સરપ્રાઇઝ પેકેજ છે. એમના પર્ફોર્મન્સનો સૂર લગભગ ક્યાંય ઇધર-ઉધર થતો નથી. તેમનો અભિનય ધારી અસર પેદા કરે છે. અભિનંદન, કાજલબેન, દમદાર સ્ક્રીન ડેબ્યુ માટે. કાજલ ઓઝા વૈદ્ય તકની રાહ જોઈને બેસી રહે એવાં વ્યક્તિ નથી. તેઓ પોતાની સઘળી તાકાતથી સ્વયં તક ઊભી કરે છે. જેમ કે, આ ફિલ્મ બની તેની પાછળનું મુખ્ય ચાલકબળ તેઓ જ છે. કાજલબેનનો આ સ્પિરિટ મને ખૂબ ગમે છે.
શ્રદ્ધા ડાંગર વિશે શું કહેવું. શ્રદ્ધા મારી પર્સનલ ફેવરિટ એક્ટ્રેસ છે. મેં એમની બધ્ધેબધ્ધી ફિલ્મો જોઈ છે, એમની હજુ સુધી વિધિવત્ રિલીઝ ન થયેલી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ પણ જોઈ છે (ડિરેક્ટરઃ દર્શન ત્રિવેદી , લેખકઃ રામ મોરી). શ્રદ્ધામાં એક કુદરતી, ઇઝી ચાર્મ છે. એમના અભિનયમાં સહજતા છે. સાયલન્ટ શોટ્સમાં પણ માત્ર આંખો અને એક્સપ્રેશનથી એ ઘણું બધું કહી દે છે. માનવ ગોહિલ તો નીવડેલા અભિનેતા છે જ. બહુ વર્ષો પહેલાં ‘સપ્તપદી’ નામની ગુજરાતી ફિલ્મમાં એમને જોયા હતા. ગુજરાતી ફિલ્મમેકરોએ માનવ ગોહિલનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જયેશ મોરેના હિસ્સામાં ઇન્ટેન્શનલ અને અનઇન્ટેન્શનલ એમ બન્ને પ્રકારનાં લાફ્ટર આવ્યાં છે.
‘ચાંદલો’નો વિષય બોલ્ડ છે, પણ ડિરેક્ટર હાર્દિક ગજ્જરે એને યોગ્ય રીતે જ ટ્રીટમેન્ટ મુલાયમ આપી છે. કવિતા, કાવ્યાત્મકતા આમેય આ ફિલ્મનું એક કેન્દ્રીય એલિમેન્ટ છે. આખી ફિલ્મ શરૂઆતથી અંત સુધી સ્મૂધલી વહે છે. હાર્દિક ગજ્જર એવા ડિરેક્ટર છે જેમનો કરીઅર ગ્રાફ હવે કઈ દિશામાં આગળ વધશે તે જાણવાની ઉત્સુકતા રહેશે. સિનેમેટોગ્રાફી (હૃષિકેશ ગાંધી) સરસ છે એટલે ફિલ્મ રૂપકડી દેખાય છે. ફિલ્મના વસ્ત્ર-વિભાગ (એટલે કે કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટ)ની પણ નોંધ લેવી જોઈએ. સચિન-જિગરે કંપોઝ કરેલાં ગીતોમાંથી ખાસ કરીને ‘સાયબા’ (ગાયિકા ગાર્ગી વોરા, ગીતકારઃ મિલિંદ ગઢવી) એટલું મીઠું છે કે મેં યુટ્યુબ પર તે શોધીને આજે ત્રણેક વાર સાંભળી નાખ્યું. (એક નાનકડી પૂરક માહિતીઃ ‘આવ અષાઢી’ ગીતમાં સ્ક્રીન પર માનવ ગોહિલની પાછળ કાજલબેન – સંજય વૈદ્યનો ટેલેન્ટેડ દીકરો તથાગત ગિટાર વગાડતો દેખાય છે. તથાગત રિઅલ લાઇફમાં પણ બહુ અચ્છો, ઇનોવેટિવ ગિટારિસ્ટ છે.) આખી ફિલ્મમાં ખૂંચે એવી વાત એક જ છે: પાત્રો ગુજરાતીમાં જે વોટ્સએપ ચેટ કરે છે તેમાં જોડણીની ઘણી ભૂલો છે. આ ભૂલો ટાળવા જેવી હતી.
એવરીબડી ડિઝર્વ્સ અ સેકન્ડ ચાન્સ – ‘ચાંદલો’ની આ સેન્ટ્રલ થીમ છે. આ ફિલ્મ કોઈ પણ ભાષામાં હોઈ શકત. સીધી ઓટીટી પર સ્ટ્રીમ થવાને બદલે તેની થિયેટ્રિકલ રિલીઝ થઈ હોત તો વધારે સારું થાત. ખેર, આ આખો અલગ વિષય થયો. જિઓસિનેમા પર ‘ચાંદલો’ જોજો. તમને ગમશે, સંતોષ થશે. કાજલ ઓઝા વૈદ્યના ચાહકોને ખાસ. ગોળનું ગાડું મળી જાય એ કોને ન ગમે!
– શિશિર રામાવત
Leave a Reply