ત્રણ એક્કા
કાલે જબરું થયું. રાત્રે ઓચિંતા ‘ત્રણ એક્કા’ જોવાનું મન થયું. પહોંચી ગયા પીવીઆર આર્વેદ ટ્રાન્સક્યુબ (રાણીપ, અમદાવાદ)માં. સવાદસનો શો અને સાડાદસનો શો – આ બન્ને નાઇટ શોઝ હાઉસફુલ. કેટલાય લોકો મોઢું વકાસીને ઊભા હતા. એક તો આખું બાર જણાનું ગ્રુપ ‘ત્રણ એક્કા’ જોવા આવ્યું હતું. મારી સાથે લિફ્ટમાં જે પરિવાર ઉપર ચડ્યો હતો તે પણ આ જ ફિલ્મ જોવા આવ્યો હતો. બોક્સઓફિસ પર બેઠેલો માણસ કહેતો હતોઃ ઓનલાઇન ટ્રાય કરી જુઓ. બધા માંડ્યા ધડાધડ બુકમાયશો ફંફોસવા. નો લક, ઓબ્વિયસલી. મેં એક પણ પળનો વિલંબ કર્યા વગર એબી મિનીપ્લેક્સ (શિવરંજની)માં રાતના 11.50 વાગ્યાના શોની બે ટિકિટ ઓનલાઇન બુક કરી લીધી.
નીચે ઉતરતી વખતે ઓવરસ્માર્ટ લિફ્ટમેન કહી રહ્યો હતોઃ ‘સર, હું તો ત્રણ દિવસથી બેઝમેન્ટમાં જ લોકોને કહી દઉં છું કે ઉપર ધક્કો ખાવા જેવું નથી, ‘ત્રણ એક્કા’ હાઉસફુલ છે, પણ કોઈ મારું સાંભળતું નથી! કોઈ ફિલ્મ હાઉસફુલ હોય તો અમને લિફ્ટમેન લોકોને સૌથી પહેલી ખબર પડી જાય!’
એબી મિનિપ્લેક્સમાં રાતનો 11.50નો ટાઇમ એટલે ઓફિશિયલી મધરાત જ કહેવાય. આ શો પણ હાઉસફલ… અને લોકો શું એન્જોય કરતા હતા. સીટીઓ, ચિચિયારીઓ, ક્યાંક ક્યાંક ઇવન તાળીઓનો ગડગડાટ. ‘ત્રણ એક્કા’ સાચા અર્થમાં એક માસ એન્ટરટેઇનર છે. આપણી ભાષાની ફિલ્મ માટે આ કક્ષાનો ક્રેઝ અને રિસ્પોન્સ જોઈને દિલ બાગ-બાગ થઈ ગયું. બસ, આ ફિલીંગ પૂરતી છે, એક ગુજરાતી ફિલ્મની પ્રશંસા કરવા માટે. જે ફિલ્મને દર્શકો આટલી તીવ્રતાથી પ્રતિસાદ આપતા હોય તેને ચાંપલા રિવ્યુની કશી જરૂર નથી. તોય હું એટલું જરુર કહીશ કે ‘ત્રણ એક્કા’ ખાસ્સી રિસ્કી ફિલ્મ છે, કેમ કે ફિલ્મનો આખો સેકન્ડ હાફ ક્લાઇમેક્સ છે! આટલો પ્રલંબ ક્લાઇમેક્સ ડિઝાઇન કરવા માટે રાઇટર-ડિરેક્ટરમાં ગજબનું કન્વિક્શન જોઈએ. એમાંય સેકન્ડ હાફનો પણ જ્યારે ક્લાયમેક્સ આવે છે ત્યારે ફિલ્મ એક જુદા જ લેવલ પર જતી રહે છે. તમામ આર્ટિસ્ટ ફુલ ફોર્મમાં છે. ફિલ્મ એ બધું જ ડિલિવર કરે છે, જે એનું ટ્રેલર પ્રોમિસ કરે છે.
મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા, એશા કંસારા, તર્જની ભાડલા, કિંજલ રાજપ્રિયા, પ્રેમ ગઢવી, ચેતન દૈયા, સિનેમેટોગ્રાફર પ્રતીક પરમાર, સંગીતકાર કેદાર ઉપાધ્યાય- ભાર્ગવ પુરોહિત, પ્રોડ્યુસર આનંદ પંડિત – વૈશલ શાહ, લેખક પાર્થ ત્રિવેદી- ચેતન દૈયા અને ડિરેક્ટર રાજેશ શર્મા… અભિનંદન – ગુજરાતી સિનેમાને એક બહુ જ જરૂરી સોલિડ બૂસ્ટ આપવા માટે.
– શિશિર રામાવત
Leave a Reply