વેલકમ પૂર્ણિમાઃ ‘વેલકમ પૂર્ણિમા’,
હિતેનકુમારે પ્રીમિયર શોની પોસ્ટ-સ્ક્રીનિંગ સ્પીચમાં હતું તેમ, એક ‘હોર-કોમ’ છે. હોર-કોમ એટલે હોરર-કોમેડી. ‘ભૂલભૂલૈયા’ સિરીઝ અને ‘સ્ત્રી’ હોર-કોમ જૉનરનાં સફળ ઉદાહરણો છે. ગુજરાતી સિનેમામાં, ટુ બી પ્રિસાઇઝ, આપણે જેને અર્બન ગુજરાતી સિનેમા કહીએ છીએ તેમાં અગાઉ હોરર-કોમેડી આવી ચૂકી છે, જેમ કે ‘અફરાતફરી’ (2020) અને ‘બાગડબિલ્લા’ (2022). આ શૃંખલામાં લેટેસ્ટ એડિશન ‘વેલકમ પૂર્ણિમા’નું થયું છે. ‘વેલકમ પૂર્ણિમા’ના કથાનકમાં હોરર અને કોમેડી ઉપરાંત રોમાન્સ તેમજ ફેમિલી ડ્રામાનાં એલિમેન્ટ્સ પણ છૂટથી વાપરવામાં આવ્યાં છે. હિતેનકુમાર અહીં હીરો નહીં, પણ હીરોના ફાધર બન્યા છે. આખી સ્ટારકાસ્ટના સૌથી અનુભવી અને સૌથી વધારે સ્ટાર-વેલ્યુ ધરાવતા અદાકાર હોવાના નાતે એમણે પુષ્કળ હેવી લિફ્ટિંગ કર્યું છે. સવાલ આ છેઃ શું એમનું હેવી લિફ્ટિંગ ફળ્યું છે?
આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતા ફરી એક વાર. આપણી ભાષાની ફિલ્મોને આપણે સૌએ પ્રોત્સાહન આપવું જોઈએ, એના પ્રત્યે સારો ભાવ ધરાવવો જોઈએ, જો ફિલ્મમાં ક્ષતિ હોય તો સહેજ આંખ આડા કાન કરી નાખવાનો એટિટ્યુડ રાખવો જોઈએ, ફિલ્મ ગમે તો એના પર ધોધમાર પુષ્પવૃષ્ટિ કરવી જોઈએ અને જો ન ગમે તો એને બહુ જ પ્રેમથી, હળવે હળવે લવિંગ કેરી લાકડીએ જ પ્રહાર કરવો જોઈએ…. આ બધું આપણે બહુ કર્યું. અર્બન ગુજરાતી સિનેમાને ભાખોડિયા ભરતું નાનકડું ક્યુટ બાળક સમજીને આપણે એને ઓલરેડી બહુ લાડ કરી નાખ્યા છે. પોપ્યુલર થિયરી પ્રમાણે ‘કેવી રીતે જઈશ?’ને ગુજરાતી સિનેમાના અર્બન વેવનું ઉદગમબિંદુ ગણીએ તો આ ફિલ્મ આવી તે વાતને 15 જૂને અગિયાર વર્ષ પૂરાં થશે. અગિયાર વર્ષ! ઉર્જાથી ઊછળતા અગિયાર વર્ષના બચ્ચાએ તો દોડમદોડ કરવાની હોય, ભૂસકા મારવાના હોય, રેસ લગાવવાની હોય. અગિયાર વર્ષનું બાળક હજુય ચાર પગે ભાખોડિયા ભરવાની ચેષ્ટા કરે તો ભૂંડું લાગે.
તેથી જ ‘વેલકમ પૂર્ણિમા’ વિશે વાત કરતી વખતે ‘લવિંગ કેરી લાકડી’ પ્રકારનો એટિટ્યુડ અપ્રસ્તુત બની જાય છે. શું ‘વેલકમ પૂર્ણિમા’નું હોરર ધારી અસર પેદા કરે છે? ના. શું ‘વેલકમ પૂર્ણિમા’ની કોમેડી મસ્ત રીતે લેન્ડ થાય છે? ના. ‘વેલકમ પૂર્ણિમા’ તમને જકડી રાખે છે કે થકવી નાખે છે? થકવી નાખે છે. શું ‘વેલકમ પૂર્ણિમા’નાં ટ્વિસ્ટ્સ-ટર્ન્સ ને સસ્પેન્સ તમને ચોંકાવી દે છે કે એક કિલોમીટર દૂરથી એ દેખાઈ જાય છે? એક કિલોમીટર દૂરથી ચોખ્ખા દેખાઈ જાય છે. શું ‘વેલકમ પૂર્ણિમા’માં કલાકારોએ અભિનયના જોરદાર ઓજસ પાથર્યા છે? અમુક અદાકારોનાં પર્ફોર્મન્સ સારાં છે, અમુકના અતિ લાઉડ કે નબળા. અભિનયના ડિપાર્ટમેન્ટમાં સૌથી વીક લિન્ક હોય તો એ છે ફિલ્મનો હીરો બનતા નવોદિત હેમ સેવક. દેખાવમાં રૂપકડા, પણ પર્ફોર્મન્સમાં કાચા. ચેતન નામધારી અભિનેતાઓને હોરર-કોમેડી જૉનર બહુ અનુકૂળ આવી ગઈ લાગે છે. જુઓને, ચેતન દૈયા ‘અફરાતફરી’, ‘બાગડબિલ્લા’ અને ‘વેલકમ પૂર્ણિમા’ આ ત્રણેયમાં છે, ચેતન ધનાણી આ ત્રણમાંથી બે ફિલ્મોમાં છે! આ બન્ને એક્ટર્સની સ્ક્રીન પ્રેઝન્સ સરસ.
સમગ્રપણે, રિશિલ જોશીએ ડિરેક્ટ કરેલી ‘વેલકમ પૂર્ણિમા’ એક સારો અને નિષ્ઠાવાન પ્રયત્ન જરૂર છે. આ વાક્યમાં ‘પ્રયત્ન’ શબ્દ લખવાની જરૂર ન વર્તાઈ હોત તો વધારે ગમત.
– શિશિર રામાવત
Leave a Reply