સિમ્પલ સ્વીટ કિફાયતી અને અસામાન્ય લોજીક છે. ભારતમાં વેપાર કઈ રીતે થાય છે. જો તમે લોકોએ ધ્યાનથી જોયુ હશે તો… આમા તમારૂ અલગ પ્રકારનું મંતવ્ય હશે. મારૂ અલગ પ્રકારનું છે. અને ‘હાઊ ગુજરાતી ડુ બિઝનેસ’ પુસ્તકના લેખકનું પણ કંઈક અલગ હશે, જે મેં વાંચી નથી. પરંતુ પુસ્તકથી યાદ આવ્યું, વર્ષો પહેલા એક પુસ્તક આવેલું. જેણે અમેરિકન માર્કેટમાં ધૂમ મચાવી દીધેલી. મને આ પુસ્તકનું નામ યાદ નથી, પણ તેના લેખકના મતે આ પુસ્તક વાંચશો તો તમે જીવનમાં સફળ થઈ જશો તેવું હતું. અડધા અમેરિકાએ વાંચ્યું. હવે જ્યાં સફળતા કેવી રીતે હાંસિલ કરાય આ માટે ટેડ ટોક જેવા શોમાં લોકોની ભરમાર હોય ત્યારે આ પુસ્તક આવા કાવા અને દાવા કરતું હોય તો અચુક ખરીદાય…
લોકોએ પુસ્તક ખરીદ્યુ અને તેના થોડા મહિના પછી વધુ એક પુસ્તક આવ્યું. જે આ ભાગની સિક્વલ હતી. જેના મુખપૃષ્ઠ પર લખેલું હતું, આ પુસ્તક ખાલી તમારે તમારા ઘરમાં રાખવાનું છે. વાંચવાનું નથી કારણ કે પાનામાં કંઈ લખેલું જ નહતું. હવે અક્કલના ઓથમીરોની અક્કલ આદુ લેવા ગઈ હશે, તે અમેરિકનોએ તે પણ ખરીદીને રાખ્યું. હવે રસ્તામાં ભગવાન મફતમાં નથી મળતા, ત્યારે ઘરમાં પુસ્તક રાખવાથી સફળતા થોડી મળે. પરંતુ છે. આ દુનિયામાં લોકો મુર્ખ છે, અને લોકોને મુર્ખ બનાવી ધંધો કરનારા પણ છે. સામાન્ય રીતે એવુ ટાંકવામાં આવે કે દુશ્મનને હરાવવો હોય તો પ્રકાશનનો ધંધો કરવાનું કહેવાનું, પણ આ અમેરિકન ભાઈ પ્રકાશનમાંથી જ કમાણી કરી ગયા. હું આ ભાઈ અને પુસ્તકનું નામ સર્ચ કરી લઈશ… પણ આગળ જુઓ….
આ તો થઈ અમેરિકાની વાત, જે આંખ સામે હોવા છતા લોકોને મામુ બનતા વાર ન લાગી. ભારત તેનાથી પણ વધારે હોશિયાર છે. વધારે ચાલાક છે, અને આમ કહો તો અમિતાભ બચ્ચને હમણાં જ લાગણી વ્યક્ત કરી કે, હું ભારતને વિકાસશીલ દેશ તરીકે જોવા માગું છું, અરે, એ વિકાસશીલ છે, ખાલી કોઈના ધ્યાનમાં નથી. આ જોઈ લો અમિતાભ ભાઈ….
વર્ષો પહેલા સંતૂર સાબુ આવેલો. આખા માર્કેટમાં એકલો જ રણીધણી. ત્વચા કો ઓર નિખારે સંતૂર.. સંતૂર… ત્યારે તેની સાથે કોઈ સ્પર્ધામાં નહતું. સંતૂરની સૌથી મોટી ખાસિયત એ હતી કે, તેને તમારા ઘરના 8 સભ્યો નાહ્યા રાખે તો પણ સંતૂર સંતૂર રહે… એટલે કે પીગળે ઓછો. પાછો મોટો આવે ! એટલે લોકો આ સંતૂર જ ખરીદતા. સંતૂરની કોઈ વસ્તુ સૌથી વધારે આકર્ષી ગઈ હોય તો તેની ખૂશ્બુ હતી. તેના પછી નિરમા આવ્યો. નિરમાએ સંતૂર કરતા સારી સુગંધ આપી એટલે લોકો આકર્ષાયા. બન્યું એવુ કે સંતૂરની ઘર વાપસી થઈ ગઈ. વાત એવી હતી કે ભારતના લોકોને ત્યારે સુગંધથી મતલબ હતો પીગળે છે કે નહીં તેમાં નહીં. શરીરમાંથી સુગંધ આવવી જોઈએ. અને નિરમાએ આ બખૂબી કર્યું. આજે લોકોને સુગંધ કરતા પીગળવાની વધારે તકલીફ છે. સમજદારી વધી ગઈ !
તમને યાદ છે, ભારતમાં બ્યુટી પ્રોડક્ટ કેવી રીતે પોતાનો સકંજો કસી ગઈ. તમે જે મિસ યુનિવર્સ અને મિસ વલ્ડ બનેલી એશ્વર્યા અને સુષ્મિતા સેનને જુઓ છો, તેના કારણે !!!
ઈન્ડિયા @90 ડોક્યુમેન્ટ્રીમાં આ વિશેનો ખુલાસો છે. તેમાં કહેલું છે કે, એશ્વર્યા અને સુષ્મિતાને આ સ્પર્ધા પરાણે જીતાડવામાં આવી હતી. તેની પાછળનું કારણ ભારતનું માર્કેટ મોટું હતું. લોકોમાં ગોરા બનવાની અને હુસ્નપરો તરીકે દેખાવાની ચાહત હતી. મોટાભાગે ઘઊંવર્ણા લોકો હતા તે પ્લસમાં. અને જો એશ અને સુષ્મિતાના હાથે કોઈ પ્રોડક્ટનું ભારતમાં એડવર્ટાઈઝમેન્ટ કરવામાં આવે તો અંધશ્રધ્ધામાં રાચતો ભારત એ ચોક્કસ ખરીદે. અને ત્યારે પોન્ડસની પાછળ પાછળ બધી પ્રોડક્ટ ઘુસી ગઈ.
પેલા પેરાશૂટના તેલ આવતા. અને હજુ આવે જ છે. ખાલી સાઈઝ નાની મોટી થઈ છે. હોસ્ટેલ કે રૂમ રાખીને રહેતા વિદ્યાર્થીઓ માટે અલગ. બાકી પેરાશૂટનો મોટો શીશો જોઈ રૂમના લોકો મફતમાં હનુમાન થાય. આ બ્લુ કલરની બાટલીઓનો પોતાનો એક નિરાલો અંદાજ છે. પેલા આ બાટલીઓમાં સોઈ લઈ કાણું પાડવામાં આવતું. અને આપણા વડવાઓ એ વાતનું ધ્યાન રાખતા કે કાણું માપે પળે બાકી મનીયો વધારે વાપરી જાશે. પરિણામે એ બોટલ થોડા દિવસ વધારે ચાલતી. હવે ? બીઝનેસ બે ડગલા આગળ વધ્યો છે. લોકો કાણું પાડે તેના કરતા સારી વાત એ છે કે આપણે જ કાણું પાડી દઈએ. ગઈકાલે વર્ષો બાદ મેં તે બોટલ લીધી મા કસમ હાથમાં રેગડા ઊતર્યા.
એક વસ્તુ તો તમારી નજર સામે છે. વેફરની કોથડી. જેને ગાળો ભાંડતા તમે રોજ બોલો છો, મામાએ હવા ભરીને આપી દીધી, પણ હવા તો બાલાજી પણ ભરે છે, કિન્તુ તેની ક્વોલીટી સારી હોય છે. પણ જો કોઈ ક્વોલીટી અને ક્વોન્ટીટી આ બંન્ને વસ્તુ સાથે આપે તો ? તો ગોપાલની આઈટમો બીજુ કંઈ નહીં. અમદાવાદ બાજુ ગોપાલવાળાએ પોતાનું વર્ચસ્વ એટલે જ જમાવી લીધુ છે. અને બાલાજી ગુજરાતની બહાર નીકળતી નથી. ગોપાલે પોતાનું કદ વિસ્તાર્યુ, ભાવ માપે રાખ્યો, અને હવાને બાઈ બાઈ કરી નાખી.
હવે મને જેના પર વધારે ખીજ ચડે છે એ વસ્તુ કોલગેટ, પેપ્સુડન્ટ, આ બધી પેસ્ટ. મોટાભાગની દેખાવમાં મોટી લાગે, પણ અંદર હોય ઓછી, પાછુ જ્યાંથી પેસ્ટ નિકળવાનું કાણું હોય તે મોટુ રાખે. ઊંઘમાં ઊઠેલો માણસ કેટલી લે તે ખબર નહીં !? મોંમા જેટલી મેળ પડે તેટલી કાઢે. લોકોને આ વાતની ધીમે-ધીમે પણ ખબર પડવા લાગી. એટલે હવે જુઓ માસ્ટરસ્ટ્રોક… કંપનીએ એવી પેસ્ટ કાઢી જેનું કાણું તો મોટું જ હોય, પણ અંદર કેટલી છે એ દેખાઈ. પાછી ખુદની કોઈ વસ્તુ જ તેની સાથે સ્પર્ધામાં ન ઊતરે. અને તે પ્રોડક્ટ જ એકધારી વેચાયા ન રાખે તેની પણ તકેદારી રાખી. ઊદાહરણ… કોલગેટ મેક્સ ફ્રેશ…
તમારા હાથમાં રહેલા મોબાઈલ જુઓ. એક તરફ સસ્તા લેવા માટે લોકોની પડાપડી તો ઓછી કિંમતે વધારે ઈનબિલ્ટ મેમરી આપતા એમઆઈમેક્સની કટૌતી. ઊપરથી એપલ જેવી કંપની એક જ મોડેલમાં વધારે મેમરી માટે 16. 31, 64 GBની અલગ અલગ કિંમતો રાખે.
હવે આવુ ઊડધુડ લખવાનો વિચાર મને કેમ આવ્યો આવુ તમને થતું હશે. આનું કારણ અમારા રૂમ પાર્ટનર જગદીશ ગેલાની છે. રૂમની તમામ વ્યક્તિઓ એક જગ્યાએથી ટિફિન લઈને ખાઈ તે એકલો કોઈ બીજી જગ્યાએથી. અમે બધા TV9ની નીચે આવેલી ચાની દુકાને ચા પીયે, તે ગોવિંદને ત્યાં એકલો. (કારણ કે ગોવિંદ ચા સારી પકાવે) તો બધા વાળ કપાવવા અમદાવાદ જીવરાજ ચાર રસ્તા સુધી લાંબા થાય અને ભાઈએ બે દિવસ પહેલા નવી દુકાન શોધી છે. મારા આ મિત્ર લુહાણા છે. અને તેમના કારણે હું અડધો લુહાણો થઈ ગયો છું.
કહેવાનો સાર એટલો કે પ્રોડક્ટ ગમે તેટલા તાળા શોધે, તેની ચાવી જગદીશ જેવા સ્માર્ટ ગ્રાહકો પાસે હોય જ છે. અસ્તુ જયહિંદ….
~ મયુર ખાવડુ
Leave a Reply