મેકોન્ડો નામનું એક નગર છે. જ્યાં Buendía ફેમિલી રહે છે. ટાઉન પણ ફિક્શનલ છે. ગેબ્રિયલ ગ્રેસિયા માર્કવેઝે વન હન્ડ્રેડ યેર્સ ઓફ સોલિટ્યુડમાં પોતાની દાદીની કે દાદાની (અત્યારે યાદ આવતું નથી) કહાનીઓ પરથી પ્રેરણા લઇને આખી સ્ટોરી ઘડી છે. તેમાં લેખકે એક ફેન્ટસી કરી છે. ભૂંડની પૂંછડીમાંથી બાળકનો જન્મ થાય અને તેને કિડીઓ ઉઠાવીને લઇ જાય. હેરી પોટરમાં સ્કેબર્સ છે, જે રેટના સ્વરૂપમાં રહે છે. સિરીયસ બ્લેક તેને દબાણ કરે ત્યારે તે ઉંદર માનવનું રૂપ ધારણ કરે છે અને સત્ય સામે આવે છે. ત્યાર સુધી તો ઉંદર રોન વિઝલીનો સામાન્ય ઉંદર છે તેમ વર્તે છે. હારૂકી મુરાકામીએ ટૂંકીવાર્તા આફ્ટર ધ ક્વેકમાં એક દેડકો તૈયાર કર્યો. જેના શરીરનું કદ માણસ જેટલું છે અને તે ટોકિયોને બચાવવા આવ્યો છે. (ભૂકંપથી કે ભૂકંપ જેના દ્રારા આવવાનો છે તે ટનલના કીડાઓથી !!) ફેન્ટસીનું નિરૂપણ કરતી આવી અને આનાથી સારી વાર્તાઓ વિદેશમાં લખાઇ છે. Neil Gaimanની અમેરિકન ગોડ્સથી પણ તે આગળ વધે છે.
પણ હરખાવાની જરૂર આપણે પણ છે. કારણ કે સિનેમેટિક કૃતિ જેવી વાર્તા ગુજરાતીમાં વર્ષો પહેલા ઘનશ્યામ દેસાઇએ લખી હતી. ઘનશ્યામ દેસાઇ આમ તો માત્રને માત્ર ટોળું વાર્તાસંગ્રહ માટે ગુજરાતી સાહિત્યમાં ખ્યાતનામ છે. જ્યારે શ્રેષ્ઠ વાર્તાઓનું પુસ્તક સંપાદિત કરવાની વાત આવે ત્યારે ઘનશ્યામ દેસાઇની કાગડો, કાંચીડો, ગોકળજીનો વેલો જેવી પ્રયોગશીલ વાર્તાઓ સંપાદકોનું ધ્યાન ખેંચે છે. ટોળું વાર્તાસંગ્રહ પણ તમને માંડ માંડ મળશે. નાના શહેરોમાં તો પ્રાપ્ય પણ નહીં હોય. કિરીટ દૂધાતે ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી વર્ષ 2006માં તેમની વાર્તાઓને સંપાદિત કરી હતી. એ તમને કદાચ હાથ લાગી શકે.
ફેન્ટસી કૃતિના સાહિત્યપ્રકાર તળે રામનારાયણ વિશ્વનાથ પાઠકે જમનાનું પૂર નામની વાર્તા લખી હતી. એ પછી મધુરાયે સરલ અને શમ્પા નામની વાર્તા લખી. જેમાં અચાનક અલોપ થઇ ગયેલી યુવતીની શોધખોળ કરવા માટે નાયક સરલ ઠેબા ખાઇ છે. પણ છેલ્લે તો તેનું ખૂદનું જ અસ્તિત્વ જોખમમાં છે. હરિયાની વાર્તાઓમાં હાર્મોનિકા સાથે મધુરાયે ફેન્ટસીનું નિરૂપણ કર્યું. પણ પ્રયોગશીલ વાર્તાકાર ઘનશ્યામ દેસાઇની કાગડો આ બધાથી અલગ છે. તેમાં પ્રતિકો પણ છે, ફેન્ટસી પણ છે. પ્રતીક સાથે ફેન્ટસીનું નિરૂપણ થયું હોય તેવી વાર્તાઓ અલીબાબા ચાલીસ ચોરમાં ન ખપી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જે કાગડોમાં રખાયું છે.
અહીં કાગડો એ જ ‘હું’ છે. માનવચેતનાની પીડનવૃતિ છે. આ તો આપણે વર્ષો બાદ નોલાનની ફિલ્મો માટે તાળીઓ પાડીએ છીએ. બાકી નોલાનની ફિલ્મ ડનક્રિકનો એક સીન પણ કાગડો વાર્તાની જેમ જ આકાર લે છે
1977માં ઘનશ્યામ દેસાઇનું ટોળું વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો. ગુજરાત સરકારનું પારિતોષિક પણ આ વાર્તાસંગ્રહને પ્રાપ્ત થયું હતું. તેની સાથે જ મૌલિક કથામાળા (1990)માં પ્રગટ થઇ. જેને બાળસાહિત્ય વિભાગમાં પારિતોષિક મળ્યું. 1994માં લેખકે અભિનવકથામાળા લખી. પણ આજે તેઓ વાંચકોમાં ટોળુંના કારણે અને તેની અંદર રહેલી પ્રયોગશિલ વાર્તાઓના કારણે જ યાદ કરાઈ છે, રખાઈ છે.
વાર્તામાં કોઇ સંવાદ નથી. એક ‘હું’ છે અને બીજો ‘નેરેટર’ એટલે કે કથા કહેનારો છે. નરેટર પોતે કાં તો મૃત્યું પામી ચૂક્યો છે અથવા તો મૃત્યુંની ઘણી નજીક છે. નેરેટર રેતીમાં ઢંકાયેલો અને સૂતો હોવા છતા તેને આજુબાજુની પ્રકૃતિ દેખાઇ આવે છે. તે ક્યાં પડ્યો છે ? દરિયાકિનારે રેતીના ઢગલામાં ઢંકાયેલો. તેની પગની આંગળીઓ પણ મૃત માનવીની જેમ ફિક્કી પડી ચૂકી છે. પણ માનવ કરતા કંઇક અલગ દેખાઇ રહી છે. એવામાં આકાશમાં તેને એક કાળું ટપકું દેખાઇ આવે છે. જોત જોતામાં એ ટપકું વિશાળ થાય છે. નેરેટરને તે કાગડો હોવાનો ભાસ થાય છે. હા, તે કાગડો જ હોય છે, પણ આટલો વિશાળ !! એ તો નજીક આવે ત્યારે ખબર પડે છે. કાગડો સૌ પ્રથમ તેના ફિક્કા પગને નિરખે છે. પછી તેના ઘૂંટણીયે બેસે છે ત્યારે હાડકા ભાંગવાનો કડડ ધ્વનિ સંભળાય છે. તેના પેટના ભાગે આવી તે ખોતરવા માગે છે. નેરેટરના પેટને ખોતરી ઉપર આકાશમાં નીરખે છે. જેથી તે કાગડો લોહી પી શકે. સ્વભાવ પ્રમાણે કાગડો થોડુ ખાઇ ઉડી જાય છે. હવે નેરેટરને પાંખો ફૂટે છે. તે હવામાં અધ્ધર થાય છે. કાગડાને પકડવા તે હવામાં દોડ લગાવે છે. સામે સરુનું વૃક્ષ જે તેણે પહેલા જોયું હતું તે દેખાઇ છે, ત્યાં કાગડો બેઠો છે, પણ ત્યાંથી કાગડો આગળ જઇ અલોપ થઇ જાય છે. તે દૂર આકાશમાં ઉડે છે. કાળા ટપકુ બને છે. તેના પેટમાં લાવા જરી રહ્યો છે. તેને કંઇક થઇ રહ્યું છે. અચાનક તેની નજર દરિયા પર જાય છે. ત્યાં કોઇ રેતીથી ઢંકાયેલો વ્યક્તિ પડ્યો છે. તેના પગની આંગળીઓ ફિક્કી પડી ગયેલી છે. તે તેના ઘૂંટણીયે બેસે છે અને કાગડાએ કરેલી ક્રિયાનું પુનરાવર્તન થાય છે !!!
વાર્તામાં કોઇ સંવાદ નથી. ભરચક પ્રતીકો ભર્યા છે અને વાર્તાના અંતમાં ફેન્ટસી બનતી દર્શાવાય છે. કથાના અંતમાં ઇન્ફિનીટી ક્રિયા થવાની હોવાનો લેખકે સ્પષ્ટ અંદેશો આપી દીધો છે. બિભત્સરસનું લેખકે આલેખન કર્યું છે. સૂતેલો નેરેટર પીડાનું પ્રતીક છે. તે મરી ગયો છે કે મરવાની અણી પર છે તેનો લેખક ફોડ પાડતા નથી. તે તેમણે વાંચકો પર છોડી દીધું છે. કરકસર કરીને વાપરવામાં આવેલા શબ્દો છે. કહેવા ખાતર નહીં પણ આ સાડા ત્રણ પેજની વાર્તા જ પરફેક્ટ ટૂંકી વાર્તા છે. ન’તો શબ્દોને વધારે લખ્યા ન તો ઓછા લખ્યા. લેખક જ્યારે આંગળીના વેઢે શબ્દો ગણવા બેઠા હોય તે મુજબ તેમણે ચીપી ચીપીને આખી ઘટના લખી છે.
‘‘આંખ ખોલી જોયું તો ડાબી બાજુ સમુદ્ર ઉછળેલો, પણ ઉછળીને અટકી ગયેલો દેખાયો. એનાં સફેદ ટોચવાળાં મોજા ઠેર ઠેર ઉંચા દેખાયેલા. વાંકા વળેલા, થોડાંક પાણીના ટીપાં, ઉપર કે નીચેની દિશામાં જતા હવામાં અધ્ધર લટકેલાં. ને દરિયાનો ભાગ વાંકીચૂકી લીટીઓ વડે દોરેલો હોય એવો. પડી ગયેલા પવનને લીધે જમણી બાજુ હારબંધ ઉભેલા સરુવૃક્ષોનો પડદો આકાશમાં ખીલા મારીને ટીંગાડેલો હોય એમ હાલ્યાચાલ્યા વિનાનો સ્થિર.’’ (પ્રતિનિધિ ગુજરાતી નવલિકાઓ-172)
વાર્તાનું આ શરૂઆતનું વર્ણન વાંચકના મનોજગતમાં બે રીતે આકાર લે છે. એક કાં તો નેરેટર કોઇ ચિત્રની વાત કરી રહ્યો છે. કારણ કે અહીંની તમામ વસ્તુઓનું તેણે વર્ણન કર્યું તે સ્થિર છે. હલનચલન નથી કરી રહી. અથવા તો તે આ બધું જોતા પહેલા મૃત્યું પામી ચૂકેલો છે. અને થોડી યાદો રહી ગઇ છે. પણ બીજા ફકરામાં અગાઉની ક્રિયાને સિનેમેટિક દ્રશ્યની માફક લેખકે થોડો હલવાવ્યો ચલાવ્યો. જેમ કે કાળું ટપકું દેખાયું, તે થોડું મોટું થયું, નેરેટરના મનમાં ભાવ જાગ્યો કે ક્યાંક તે પીળા કલરનું નહીં થઇ જાયને, પણ તેની આ ધારણા ખોટી ઠરી. તે ટપકું નજીક આવતું ગયું. પવનથી વૃક્ષ હલ્યું. હવે ઘટના ફરી સ્થિર થઇ ગઇ છે. એટલે તમે પેન્ટીંગ એક્ઝિબિશનમાં છો. જ્યાં તમારો ચિત્રશૈલીનો અભ્યાસ નથી. માત્ર સમય પસાર કરવા જુઓ છો, પણ પ્રથમ ચિત્ર જોયા બાદ બીજા ચિત્રને જોતા તેના અનુસંધાનનો તાગ મેળવી શકો છો.
ત્રીજા ચિત્રમાં જાઓ. કાગડો હવે કિનારે આવી પહોંચ્યો છે. નેરેટર નોંધે છે કે જ્યારે કાગડો દરિયાને ખેંચીને ન લાવ્યો હોય. એટલે કે કાગડાને અભિમાન છે અને જો કાગડાને અભિમાન હોય તો સૂતેલા નેરેટરના જીવનમાં પણ અભિમાન હોવાનું. કારણ કે બંન્ને એકબીજાના પર્યાય છે.
ઘનશ્યામ દેસાઇ લખે છે ‘’મારા ઘૂંટણ પરથી કૂદીને એ મારી દૂંટી પર એક પગે બેઠો. કાળા રંગના બ્રહ્મા મારી દૂંટીમાંથી ન ફૂટી નીકળ્યા હોય’’(પ્રતિનિધિ વાર્તા-173)
પુરાણો પ્રમાણે બ્રહ્માનો જન્મ વિષ્ણુની નાભીમાંથી નીકળેલ કમળમાંથી થયો હતો. એટલે નેરેટરને પણ તે બ્રહ્મા જ લાગે છે, પણ કાળો બ્રહ્મા. એ કાગડો છે એટલા માટે નહીં, બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું પણ આ કાગડો તો નેરેટરની નાભીમાં બેસીને તેનો જીવ લેવા માટે અધીરો બન્યો છે. બ્રહ્માનું વિરૂદ્ધાર્થી સ્વરૂપ.
એક વસ્તુ સમજી નથી શકાતી. લેખકે કહ્યું છે કે તેની ચાંચ સીધી નહોતી, પણ સર્જ્યનની જેમ કાતર જેવી હતી. પણ તેની આગળની લીટીમાં જ લેખક ટપકાવે છે કે, ‘એક રીતે મને તે લક્કડખોદ લાગ્યો. હવે મને સમજાયું કે એની ચાંચ સર્જ્યનની કાતર જેવી ધારદાર કેમ હતી.’ હવે નેરેટરને ચાંચ લક્કડખોદ જેવી ભાંસી રહી છે કે પછી આ ફિલ્મોમાં આવતો મહજ એક સંયોગ છે ?
હવે કાગડો તેના શરીરમાંથી ખાવાની શરૂઆત કરે છે, પણ નેરેટરને કંઇ ભાંસી નથી રહ્યું. આ શું થઇ રહ્યું છે ? અને પછી કાગડો ક્ષણિક ભોજન પતાવી ઉડી જાય છે અને નેરેટર પણ તેની પાછળ પાછળ. હવે આ ક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે. શું આ એક પ્રકારનું નર્ક છે ? શું નેરેટર પોતાના કર્મ ભોગવી રહ્યો છે ? આવા ઘણા પ્રશ્નો લેખકે વાર્તામાં છોડ્યા છે.
પ્રયોગશીલ વાર્તાઓ લખવામાં ઘનશ્યામ દેસાઇને કોઇ ન પહોંચે. તેમની વાર્તાઓમાં ઉતરાર્ધ અને પૂર્વાધનું ગજબનું સંયોજન હોય છે.ગોકળજી વેલામાં પેઢીનો ગ્રાફ તૈયાર કરી બતાવ્યો હતો. લીલો ફણગો, રેણ, ગણગણાટ, પ્રોફેસર એક સફર, તુકા મ્હણે, ચીસ, કાંચીડો, નેપોલિયન નંપુસક હતો, હૂંફ જેવી પ્રયોગશીલ વાર્તાઓ લખી. પણ કાગડો તો કાગડો !!
પરબના 1982ના અંકમાં કાગડોના વિવેચન અંગે ચંપૂ વ્યાસે લખ્યું છે કે, ‘The others is not only the whom I see, but the one who see me’
વાર્તાના બંન્ને પાત્રો એકબીજામાં ઓતપ્રોત થઇ ગયેલા છે. કે કહો બંન્ને એક જ છે કોઇ બીજુ પાત્ર જ નથી. પૂરક છે ? કાગડો એ અહીં શૈતાનનું પ્રતીક છે અને નેરેટર જે ભોગવી રહ્યો છે એ પીડાનું પ્રતીક છે. શૈતાન નેરેટરને રહેસી નાંખે છે અને પછી વારો નેરેટરનો ‘કાગડો’ બની આવે છે. તેની સાથે એ જ ક્રિયા વારંવાર ઘટવા માંડે છે.
લેખકે વાર્તાને સિનેમાના ફોર્મેટમાં લખી છે. એક પછી એક ઘટનાઓ કોઇ ફિલ્મની રિલની માફક બનતી જાય. રોકાઇ,ફરી બને. કહી શકીએ જ્યારે કોઇ સાઇલેન્ટ ફિલ્મ હોય. માત્ર દ્રશ્યો દેખાતા હોય. વાર્તામાં પણ કોઇ સંવાદ નથી એટલે વાર્તા વાંચતી વખતે તમારા મગજે બનાવેલી ફિલ્મમાં પણ સંવાદને કોઇ સ્થાન નથી.
વાર્તાની પોતાની જ એક અલગ ફિલોસોફી છે અને તે વાંચકે વાંચકે બદલ્યા કરશે. ઘનશ્યામ દેસાઇનું વાર્તા સાહિત્ય સુરેશ જોશીના ક્વોટ જેવુ છે ,‘સર્જકને માટે હથોટી બેસી જવી એ એક ખતરનાક વસ્તુ છે.’
~ મયૂર ખાવડુ
Leave a Reply