અમેરિકામાં ઘરનું ઘર વસાવી ચુકેલો સીધો-સાદો યુવાન ગૌરવ(સિદ્ધાર્થ મલ્હોત્રા) તેની જ ઓફિસમાં કામ કરતી કાવ્યા(જેકલીન ફર્નાન્ડિઝ)ના પ્રેમમાં છે. પણ કાવ્યા તેને પસંદ નથી કરતી કારણ કે તે કંઈક વધારે પડતો જ ‘સુંદર’ અને ‘સુશીલ’ છે, ‘રિસ્કી’ નથી.
બીજી તરફ રિશીનો ટ્રેક ચાલે છે જે ‘બોર્ન’ સિરિઝ અને ટોમક્રૂઝની કેટલીક સહિત હોલિવૂડની અનેક ફિલ્મોની યાદ અપાવે છે. કર્નલ(સુનિલ શેટ્ટી) નામના ચીફની અંડરમાં સરકાર દ્વારા જ બનાવાયેલી એક એજન્સી યુનિટ એક્સના એજન્ટ્સ વિદેશોમાં ખુફિયા મિશનો પાર પાડતા હોય છે. અચાનક જ એ એજન્સી કાબુ બહાર થઈ જાય અને દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો પર અસર પડે તેવી ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવા લાગે. એજન્સીનો ચીફ દેશપ્રેમના નામે કંઈક ભળતી જ પ્રવૃત્તિઓને અંજામ આપવા લાગે. એમાં સિવિલિયન્સના જીવ લેતા પણ અચકાય નહીં. આ બધુ જોઈ-જાણીને હિરોનું ભ્રમનિરસન થઈ જાય અને તે એજન્સી છોડવા ઈચ્છે. ધાર્યા મુજબ જ એને છોડતા પહેલા એક અંતિમ મિશન સોંપવામાં આવે અને પછી એ મિશનની આસ-પાસ જ આખી ફિલ્મ ફરવા લાગે.
રિશીના જીવનમાં પણ આવું જ બને છે અને એક પોઈન્ટ પર રિશી અને ગૌરવના ટ્રેકના છેડા એક-બીજાને અડે છે. એ મિશન શું હતું? એ બંન્ને વાર્તામાં ક્યાં ટકરાય છે? શું બંન્ને એક જ વ્યક્તિ છે? એ સહિતના તમામ રહસ્યો જાણવા તમારે ફિલ્મ જોવી રહી.
‘શોર ઈન ધ સિટી’, ‘99’ અને ભારતની ફર્સ્ટ ઝોમ્બી ફિલ્મ ‘ગો ગોવા ગોન’ જેવી ફિલ્મો આપી ચુકેલી ડિરેક્ટર્સ જોડી રાજ અને ડીકેની સ્ટોરી ટેલિંગની પોતાની એક આગવી સ્ટાઈલ છે. તેમણે અનેક હોલિવૂડ ફિલ્મોમાંથી મસાલા ઉઠાવીને તેનો રાજ એન્ડ ડીકે સ્ટાઈલમાં વઘાર કર્યો છે. તેમની ફિલ્મોની ખાસિયત એ હોય છે કે તેમની ફિલ્મમાં સ્ટાર્ટિંગથી એન્ડ સુધી સતત હળવાશ જળવાઈ રહે છે. ફિલ્મ ક્યાંય પણ ભારેખમ બનતી નથી. ફન્કી વનલાઈનર્સ અને સિચ્યુએશનલ કોમેડી દર્શકોને સતત હસાવે રાખે છે. આ ફિલ્મમાં પણ એ બધા જ એલિમેન્ટ્સ છે. પણ પ્રમાણમાં ઓછા છે. ‘જ્યાદા ખુશ મત હો, વો બોલી કી જીના હરામ કર દેગી, પપ્પી નહીં દેગી.’, ‘વો મુજે ડિનર કે લિયે એસી જગાહ લે જા રહા હૈ, જો પ્રપોઝલ કે લિયે બદનામ હૈ.’ અને ‘પહેલી હી ડેટ પે શાદી મત કર લેના’, ‘બપોરિયા છોડકે આયા હૈ જીજ્ઞેશભાઈ તેરે લિયે ઈધર’, ‘એક ફોટો વોટ્સએપ કરું છું દેશી સ્ટોર માફિયા ગ્રૂપ પે’ અને ‘તારી માંયનો આઈફોન મોંઘો કૂતરો સાલો…’ જેવા સિચ્યુએશનલ કોમેડી સર્જતા ડાયલોગ્સ આ ફિલ્મના રાઈટિંગની ખાસિયત છે.
ઈન્ટરવલ બાદ વાર્તાપ્રવાહ થોડો ગુંચવાતો હોય એવું લાગે. યુનિટ એક્સ એજન્સીની જેમ પાત્રો ડિરેક્ટરના કાબુ બહાર જઈને કંઈ પણ કરવા લાગ્યા હોય એવું પણ લાગ્યા કરે. જો વાર્તાને થોડી મુશ્કેટાટ બનાવાઈ હોત, ડાયલોગ્સની થોડી વધુ ધાર કાઢવામાં આવી હોત, સિદ્ધાર્થ મલ્હોત્રા પાસે એક્ટિંગમાં વધારે મહેનત કરાવાઈ હોત તો ફિલ્મ વધુ સારી બની શકી હોત.
બાય ધ વે, એક્શન સિક્વન્સમાં હિરોઇન વિલનના ટોળાં પર બે બે બંદૂક વડે સીધી જ ડઝનબંધ ગોળીઓ ચલાવે તો પણ એકપણ ગોળી એકે’યને છરકો પણ ન કરે અને પછીના જ દ્રશ્યમાં હિરો એક એક ગોળીમાં એક એકને ઢાળતો જાય એ હિન્દી ફિલ્મોમાં ચાલતી જાતીય અસમાનતાનું પ્રતીક છે. કેમ કોઈ કંઈ બોલતું નથી? ક્યાં છે કંગના? કોઈ અવાજ ઉઠાવો આ અન્યાય સામે યાર…! LOL
સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન્સના દિલ પર પથ્થર રાખીને આ વાત લખી રહ્યો છું કે આ ફિલ્મમાં સિદ્ધાર્થની એક્ટિંગ થર્ડ ક્લાસ છે. બિલો ધ એવરેજ. એ મીઠુ પાન પણ શેકેલી સોપારી વિના માત્ર ધાણાદાળ અને ટુટીફૂટી નંખાવીને ખાતો હોય તેવા સુંદર અને સુશીલ અવતારમાં તો જામે છે પણ ‘રિસ્કી’ અવતારમાં સાવ જ ‘દૂધમાં કાકડી’ લાગે છે. એકદમ ફ્લેટ. કોઈ શીખાઉ એક્ટર જેવો. ‘ઘીન્ન આતી હૈ મુજે, રાત કો નિંદ નહીં આતી, મરે હુએ લોગો કે ચહેરે નજર આતે હૈ મુજે…’ એ ‘બોર્ન’ સિરિઝની યાદ અપાવે તેવો ડાયલોગ સાવ જ ફ્લેટ જાય છે. રિશીના કેરેક્ટરાઈઝેશનનું એ સૌથી મહત્વનું ગણી શકાય તેવું એ દ્રશ્ય સાવ જ ઉભડક ફિલ્માવાયુ હોય તેવું લાગે છે. જેકલીન ફર્નાન્ડિઝ અને કેટરીના કેફને હવે આપણે ઉચ્ચારણો અને એક્ટિંગના માપદંડોથી માપવાની બંધ કરી દેવી જોઈએ. ફિલ્મમાં જેકલીનનો લુક, ચાર્મ, સેક્સ અપીલ અને એનર્જી કમાલની છે. ફિલ્મમાં સિદ્ધાર્થ કરતા જેકલીનના બે અવતાર હોત તો મજા આવી જાત!
સુનિલ શેટ્ટીનું કેરેક્ટર તેની પર્સનાલિટીને અનુરૂપ છે, જેને તેમણે ઠીકઠાક નિભાવ્યુ છે. ફિલ્મમાં એક્ટિંગનો મેન ઓફ ધ મેચ છે ‘મેરી કોમ’ ફેમ દર્શન કુમાર. ‘દેવોના દેવ મહાદેવ’ સિરિયલમાં શુક્રાચાર્યનો રોલ કરનારા અને ‘એનએચ 10’, ‘સરબજીત’ અને ‘તેરે નામ’ જેવી ફિલ્મોમાં નાના-મોટા પાત્રો ભજવી ચુકેલા આ એક્ટરની એક્ટિંગ ‘અ જેન્ટલમેન’માં દમદાર છે. વિલનના રોલમાં એની બોડી લેંગ્વેજ અને આંખો ખાસ માર્ક કરજો. ‘શોર ઈન ધ સિટી’ અને ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં ચમકી ચુકેલો અમિત મિસ્ત્રી કોમિક રોલમાં મજા કરાવી જાય છે. રાઈટર-એક્ટર હુસેન દલાલની એક્ટિંગ પણ સારી છે.
સચિન-જીગરનું મ્યુઝિક એવરેજ છે. એક પણ ગીત યાદ રહી જાય તેવું નથી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીનના ચાહક હોવ તો ટાઈમપાસ ખાતર એક વાર જોવા જજો.
ફ્રિ હિટ :
હકીકત તો એ જ છે કે #BabaRamRahim ને પહેલા 10 વર્ષની સજા જ થયેલી પણ જજ #jagdeepsingh ને અચાનક જ બાબાની ફિલ્મો યાદ આવી ગઈ…!
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૨૩-૦૭-૨૦૧૭ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply