ગુજરાતી સાહિત્યમાં રવીન્દ્ર ઠાકોરને કેટલા લોકો ઓળખે છે ? આ એટલો જ યક્ષ પ્રશ્ન છે, જેટલો વિકાસ હોય. કારણ કે અત્યાર સુધી મેં અથવા તો કોઈ બીજાએ તેમને જોયા હોય, તો તેમનું અહોભાગ્ય કહેવાય. ઉપરના ટાઈટલ મુજબ તો ગુજરાતી સાહિત્યમાં અનુવાદકો રિતસરના ગાંઠિયાના ભાવે જ વેચાઈ છે. જો તેમની સાહિત્યકાર તરીકે ગણના થતી હોત, તો કંઈક અલગ વસ્તુ હોત. અનુવાદકને હંમેશા હું અડધો સાહિત્યકાર ગણું છું. કેમ કે રવીન્દ્ર ઠાકોરે ગેબ્રિયલ ગ્રેસિયા માર્કવેઝની વન હન્ડ્રેડ યેર્સ ઓફ સોલિટ્યુડ જેવી મસમોટી ભરાવદાર અને મુશ્કેલ લાગતી વિશ્વની ક્લાસિક નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તે પણ કોઈ પ્રકારની બાંધછોડ કર્યા વગર. જે સો વર્ષની એકલતા કરતા ઓછો નથી.
મૂળ સ્પેનિશ સાહિત્યમાંથી અંગ્રેજીમાં આવેલી આ નવલકથાની કોપી જુઓ તો ખ્યાલ આવે કે ઘણા વાંચકો આ નોવેલના કેરેક્ટરના નામ વાંચીને સાઈડમાં મૂકી દે છે. તો આલ્બેર કામૂની ઈતરજન એટલે કે આઉટસાઈડરનો પણ તેમણે અનુવાદ કર્યો છે. ફ્રાન્ઝ કાફ્કાની મેટામોર્ફોસિસ અને ટ્રાયલને પણ. આમ છતા કોઈ જગ્યાએ મેં રવીન્દ્ર ઠાકોરનું નામ ચગતું નથી જોયું.
આવુ જ કદાચ ચેતન ભગતની નવલકથાઓ અનુવાદ કરનારના કિસ્સામાં પણ છે. સૌરભ શાહ સિવાય ગુજરાતીનો કોઈ અનુવાદક જેણે સૌ પ્રથમ ચેતન ભગતની અનુવાદિત બુક આપી તેને કોઈ જાણતું નથી. લોકોને ટ્રાંસલેટર, સારી ભાષા અને શૈલીથી મતલબ છે, જેમ તલવારને લોહીથી હોય. આવુ જ સુધા મૂર્તિના તમામ પુસ્તકોના અનુવાદક સાથે જોડાયેલું છે. જેમના પુસ્તકો તેમની જ રાશિના સુધા મહેતાએ અનુવાદ કર્યા છે. કોણ જાણે છે ? રિયલી અહીં અનુવાદક ગાંઠિયાના ભાવે જ વેચાઈ છે. કદાચ હવે ગાંઠિયા પણ મોંઘા થઈ ગયા છે !
ગુજરાતીમાં એવા લેખકો જોઈએ છે, જે લોકો નવી સાહિત્યકૃતિ ભેટમાં આપી શકતા હોય પછી ભલે તેમાં કોઈ પ્રકારનું લેવાલ કે લેવલ ન હોય. પણ અનુવાદ કરવો એ મગજની કસરત કરવા બરાબર છે. મૂળ કૃતિ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વિના કે તેની આબરૂનું ચિરહરણ કર્યા વિના તેને જેવી છે તેવી જ બતાવવી. હું ગુજરાતીના અનુવાદકો કે અનુવાદ થયેલી કૃતિઓની ફેવરમાં નથી. કારણ કે એન્ટોન ચેખવ અને વિલિયમ સિડની પોટરની (ઓ.હેનરી) વાર્તાઓનો ગુજરાતીમાં ભંગાર અનુવાદ થયો છે.
તો બીજી તરફ ગુજરાતીમાં પરિસ્થિતિ અંગ્રેજી કરતા વિપરિત છે. જે અંગ્રેજીનો એક અનુવાદક વિદેશી કૃતિને રૂપાંતરણ કરી શકે, ત્યાં આપણે બે-બે લોકો તો જોઈએ. જેમકે 499 રૂપિયાની હાલમાં અંગ્રેજીમાં મળતી ધ ગ્લોરી ઓફ પાટણ એટલે કે પાટણની પ્રભૂતા સાથે થયું છે. રીટા અને અભિજીત કોઠારીએ અનુવાદ કરેલ આ બુક માટે બે વ્યક્તિઓની શા માટે જરૂર પડી ? તેનું કારણ તેના શબ્દો છે. ગુજરાતીમાં બાર ગાવે બોલી બદલાય. તેમ પંડિતયુગની ભાષા પણ અલગ, અત્યારની આપણી ભાષા પણ અલગ અને અનુગાંધી કે ગાંધીયુગના યુગપ્રવર્તક કહેવાતા લેખકોની પણ અલગ. પરિણામે જ્યાં ગુજરાતી સમજવામાં જ સળગતી લાકડીના બે છેડા વચ્ચે વાંચક ઉભો હોય, ત્યાં અંગ્રેજી વાંચકના ગળે આ વિષનો ઘૂંટ ઉતારવો તે જન્મ થયેલા શિશુને ચાલતો કરવા બરાબર છે.
આપણે ત્યાં ઓળખતા ગુજરાતી સાહિત્યકારોની કૃતિઓનો અંગ્રેજીમાં અનુવાદ થયો હોય તેમાં તમે કેટલા લોકોને જાણો છો ? તેમાંથી કેટલાને ઓળખો છો ? તેમાંથી કેટલાને મળી ચૂક્યા છો ? કાજલ ઔઝા વૈદ્યની સિમ્પથી ઓફ સાયલન્સ એટલે કે મૌન રાગ, ધ્રૂવ ભટ્ટની અકૂપાર, સમુદ્રાન્તિકે, કે આટલા વર્ષો પછી સરસ્વતીચંદ્રનો અંગ્રેજીમાં અનુવાદ થાય ત્યારે છાપામાં આપણે તેની સ્ટોરી બનાવીને લખવી પડે કે ફલાણા ભાઈએ આટલી જહેમત બાદ ગુજરાતીના શબ્દો સમજીને અંગ્રેજી વાંચકોને મીઠો ગોળ ખવડાવ્યો છે. અરે ક્યાંય પન્નાલાલ પટેલની માનવીની ભવાઈનો અંગ્રેજી અનુવાદ નથી મળતો… જે થયેલો છે…
ગુજરાતી મૂળ સાહિત્યકારોની કૃતિનો અંગ્રેજીમાં અનુવાદ થાય તે જરૂરી છે, પરંતુ શું ગુજરાતી લેખકોએ તે અંગ્રેજી કૃતિની મરામ્મતમાં ભાગ લીધો છે. માત્ર એકવાર ઈન્ટરવ્યુ દીધેલો હશે, બાકી નહીં લીધો હોય એમ પણ બને ! પછી વાંચકના મગજમાં જે ચશ્મામાંથી દુનિયા ચોખ્ખી દેખાતી હોય, તે જ ચશ્મા ધૂળમાં પડી જાય અને પહેરો તો ધૂંધળું દેખાવા માંડે. સારૂ છે કાચ નથી તૂટી જતા !
સૌરભ શાહે અત્યારસુધીમાં ત્રણ અનુવાદનો આપ્યા છે. નંબર વન ગોડફાધર, બે અનિતા કરવાલ અને અતુલ કરવાલની થીંક એવરેસ્ટ અને ત્રણ વન ઈન્ડિયન ગર્લ. તેના પરથી તારણ એ નીકળે કે ગુજરાતીનો એ સાહિત્યકાર પોતાની શૈલીથી અનુવાદ કરે તો ગુજરાતીઓને મજા આવી જવાની. ગોડફાધર અને મહારાજાનું લખાણ વાંચશો તો તમને સમાન લાગશે. સૌરભ શાહના ઓળખીતા વાંચકોને એ ચોક્કસ લાગવાનું કે આ અનુવાદ નથી મૂળ લેખકે લખેલી કૃતિ છે. થીંક એવરેસ્ટ વાંચતી વખતે ક્યાંક કાકાસાહેબ પણ યાદ આવી જાય. અનુવાદકે કાકાસાહેબ કાલેલકરને વાંચ્યા હશે, તો આવતા હશે ને ? ગોડફાધરના અનુવાદમાં તો ખલનાયકના મુખે બોલાયેલો શબ્દ જે અંગ્રેજીમાં તો ચાલે પણ ગુજરાતીમાં કઈ રીતે લાવવો તે સૌરભ શાહ પાસેથી શીખવા જેવી વાત છે, જેમ કે, પ્રથમ પ્રકરણમાં આવતી ગાળને કંઈક આવી રીતે તેમણે મૂલવી છે : ક્યાં મરાવીને આવી ? ભલે ચીપ લાગે પણ અનુવાદ બરાબર થયો છે.
ગુજરાતીના મોટાભાગના અનુવાદકોની સમસ્યા એ હોય શકે કે, બીજુ કંઈ વાંચ્યા વિના અનુવાદ કરવું, ત્રાજવામાં તોલ્યા વિના ગ્રાહકને જેટલું છે તેટલું આપી દેવું. પરિણામે કૃતિને વિકૃતિ બનતા વાર ન લાગે. રવીન્દ્ર ઠાકોરનો અનુવાદ એટલે વાંચવો ગમે કે તે ગુજરાતી સાથે અંગ્રેજી સાહિત્યના દળદાર થોથાઓ પી ગયા છે.
આ રવીન્દ્ર ઠાકોર સિવાય ગુજરાતી અનુવાદનમાં શિર્ષસ્થાને બીરાજતું નામ છે મોહન દાંડિકર. વિભાજનની કથામાંથી વહેતી રિજનલ સાહિત્યકૃતિઓનો તેમણે અનુવાદ કર્યો છે. મંન્ટો પર તેમની પકડ વધારે છે. ગાંધીયુગના શબ્દો સાથેની હળવીશૈલી તેમનું પુસ્તક વાંચવા મજબૂર કરે છે. પણ ઉપાધી એક જ કોઈ દિવસ સામે નથી આવ્યા કે ખૂદને પ્રમોટ નથી કર્યા. પણ હા, સોશિયલ મીડિયાના માર્કેટમાં રહ્યા વિના દાંડિકર સાહેબે પોતાની હયાતીના હસ્તાક્ષર વાંચકોની છાતીમાં કરી દીધા છે. એ રીતે શરીફા વિજળીવાળા જેમને લોકો વાર્તાકાર તરીકે ઓળખે પણ તેના કરતા પણ તેમની અનુવાદિત વાર્તાઓ પરની પકડ તેમની મૂળ વાર્તા કરતા વધી જાય છે. આવુ જ ગુજરાતના જાણીતા અને ખ્યાતનામ ‘રાઈટરની’ વર્ષા પાઠકનું છે. તેમના પોતાના સાહિત્ય કરતા તેમનું અનુવાદ કરતું સાહિત્ય લોકો વધારે વાંચે છે. તેમની અશ્વિન સાંઘી પરની કૃષ્ણયુગ વાંચવી. જેની તેમણે રજૂઆત કરી છે ! એ સિવાય તમામ ઈંગ્લીશની માઈથોલોજીકલ બુકના ગુજરાતી અનુવાદક તરીકેના રાઈટ્સ તેમના છે.
એક સમયે બક્ષીસાહેબે કહેલું કે ગુજરાતી લેખિકાઓ આત્મકથા નથી લખતી, તેમાં હવે થોડું ઉમેરવું પડે કે અનુવાદો કરતી થઈ ગઈ છે, એટલે ટૂંક સમયમાં જ એક આત્મકથા મળી જશે. પણ લોહીનું પાણી કરી નાખો તો પણ ગુજરાતીનો અનુવાદક જન્મે અને ગુજરી જાય આ સિવાય આપણે તેમનું ક્યાંય મૂલ્યાંકન નથી કર્યું. એકવાર અનુવાદકનો સિક્કો તમારા કપાળે લાગી જાય, તો ગુજરાતીનો દિમાગથી ગંધાતો વાંચક તમારી પોતાની સાહિત્યકૃતિને નહીં અપનાવે. કેટલીક વિશ્વ સાહિત્યની કૃતિઓ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. ગાંધી રોડ પર જાવ તો તૂટેલા પાનાવાળી મળી જાય. જેને હવે કોઈ પ્રકાશક છાપતું નથી. હમણાં કેટલીક જગ્યાએ તેનો જૂનો સ્ટોક કાઢેલો જ્યાં 60-60 રૂપિયામાં કઝીન બેટ્ટી મળી જાય. પણ હવે જો આ ક્લાસિક કૃતિઓનો અનુવાદ થશે, તો નવી પેઢી કેવો કરશે ? તે શેઠીયા ટાઈપ પ્રશ્ન મનમાં આકાર લેવા માંડ્યો છે. મૂળ વાત તો એ કે નવી પેઢી નવી કૃતિનો અનુવાદ કરશે, પણ તેને કોઈ છાપશે ? કારણ કે ગુજરાતીનો વાંચક અંગ્રેજીમાં ચાલ્યો ગયો છે. અને ક્રોસવર્ડમાં ગુજરાતી ચોપડી લઈ ખરીદતા સમયે અંગ્રેજીમાં વાતો કરે છે !
~ મયુર ખાવડુ
Leave a Reply