બાઈક સાફ કરવાનો ગાભો ચોરાવાના મુદ્દે લખેલા આર્ટિકલને સારો પ્રતિસાદ મળતા એ સમજાયું છે કે, આ તોફાની સોરી ફાની દુનિયામાં હું એકલો જ નથી જે આ સમસ્યાથી ગ્રસિત હોય. દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ… લોગો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગયા…
આ ગાભાપૂરાણના પાર્ટ 1માં મેં વર્ણવેલી સમસ્યાઓ સાથે સમાજ જે રીતે તાદાત્મય સાધી રહ્યો છે, એ જોતાં મને એ જ્ઞાન લાધી રહ્યું છે કે, જ્યારે જ્યારે તમે કોઈ સામાજિક નિસબત સાથે નિ:સ્વાર્થ ભાવે કલમ ઉઠાવો છો ત્યારે ત્યારે તમે નથી લખતા પણ મહાઋષિ નારદ તમારી કલમમાં પ્રવેશીને આવું બધુ લખાવી જાય છે.
ઉપરના બે પેરેગ્રાફને બહુ ગંભીરતાથી લેવા નહીં. એ તો લેખકે વાચકો પર પોતાની મહાનતા અને વિનામરતા ઉપ્સ Vનમ્રતાનો છાપ પાડવા એમ જ ઢસડી નાખ્યા છે. ખુદ લેખકે ગંભીરતાથી નથી લીધા.
ગાભો ચોરાવાની સમસ્યા પર રડારોડ કરી મુકનારા લેખકને આણંદ-કરમસદ બાજુના વડિલ વાચકો યોગ્ય રીતે જ કાન ખેંચીને ટપારે છે કે, ‘ગાભો ટૂલબોક્સમાં મુકો તો આવા કોઈ જ ઘચમારીના ઝાડવા થાય ખરા?’ (અહીં કાઠિયાવાડ બાજુના મિત્રોને એ વાંધો પડી શકે કે સાચો શબ્દ ‘ઘચમારી’ નથી, અને ‘જોડણીખોરો’ તો ત્યાં સુધી કહી શકે કે આવો કોઈ શબ્દ જ નથી. જો ન હોય તો એને આ ભાષામાં લેખકનું પ્રદાન માનવું. આપણને એવું કોઈ અભિમાન ની મલે.) ટુલબોક્સ તરફ ધ્યાન દોરનારા વાચકોને એટલું જ કહેવાનું કે, જો એવું સૂઝતું હોત તો આવો લેખ સુઝેત ખરો?
આઈ નો કે, ઉપરના પેરેગ્રાફમાં પણ ખાસ કોઈ પંચલાઈન નથી, પણ વાચકો પ્રત્યે લેખકની Vનમ્રતા જોઈ?
ગાભાચોરોના ગાભા કાઢી નાખવા અમને એક ક્રૂર વિચાર આવી રહ્યો છે કે, બાઈકમાં કાર્બાઈડવાળો ગાભો જ રાખવો. જેથી ગાભાચોર શખ્સો જેવા એ ગાભાથી પોતાની સિટનું(આઈ મિન બાઈકની) ‘ભીનુ સંકેલવા’ જાય કે તરત જ પાણીના સંપર્કમાં આવતા પેલો ગાભો ‘કાર્બાઈડ બોમ્બ’ બની જાય અને પેલાને હાથના કર્યા હૈયે વાગે. બાળપણમાં અમે વિરમગામમાં કાકાના ગેરેજમાં બહુ સમય પસાર કર્યો છે. દિવાળી ટાણે અમને સીંદરી બોમ્બ કે 555 કરતા વધારે મજા કાર્બાઈડના ટુકડાઓ પર પાણી છાંટી ઉપર ઉંધી કટોરી રાખીને ધડાકા કરવાની વધુ મજા આવતી. ગાભાચોરો પણ આવા ધડાકાઓ વિના નહીં સુધરે. ભગતસિંહ પણ કહી ગયા છે કે ક્રાંતિ લાવવી હોય તો ધડાકા કરવા જ પડે.
હઓ..હમ્બો…હમ્બો…!
કહે છે કે, આ શ્રેણીના પ્રથમ લેખમાં લેખકે બાઈક સાથે હેલ્મેટ જ નહીં પણ ગાભો પણ ફરજિયાત કરવાનું જે સૂચન કરેલું એ સરકારે ખરેખર ગંભીરતાથી ધ્યાને લીધુ છે. યુ નો, આપણી સરકારો સાવ જ ‘ગાભા જેવા’ વિષયો પર લખનારા લેખકોના સૂચનો ધ્યાનમાં લે છે અને ‘ગાભા કાઢી નાખતા’ લેખકોને ‘ધ્યાનમાં’ રાખે છે! ઘણીવાર તો સરકારો નિર્ણય લઈને રાહ જોતી હોય છે કે ક્યારે ‘દવે સાહેબ'(આ તો ખાલી એક ઉદાહરણ છે. બીજા કોઈનું નામ લખવામાં ભરાઈ પડાય એવું છે.) પોતાની કોલમમાં આ સૂચન કરે અને આ નિર્ણય આપણે અમલમાં મુકીએ?
હા, તો ફરી એકવાર મુદ્દા પર આવીએ. સરકારે લેખકના ગત લેખને ખૂબ જ ગંભીરતાથી ‘ધ્યાનમાં’ લીધો છે અને તેને(એટલે કે સરકારને) પેલી આધાર સાથે લિંક્ડ કરાવવાની વાત તો બહુ ગમી છે. સરકાર એવો કંઈક નિયમ લાવવા વિચારી રહી છે કે, દરેક લેખકે પોતાની કલમ આધાર સાથે લિંક્ડ કરાવવાની રહેશે. કલમને આધાર સાથે લિંક્ડ કરાવનાર દરેક લેખકને પ્રોત્સાહન માટે એક એક જોડ મંજીરાની ભેટ અપાશે. બિલકુલ એ જ રીતે જે રીતે કટોકટીના સમયમાં નસબંધી કરાવનારાને ઈન્દિરા સરકાર દ્વારા ભેટમાં રેડિયો અપાતો. જોકે, વર્તમાન સરકાર પણ મંજીરાના બદલે રેડિયો આપવાનું વિચારી શકે. (સરકારને લેખકનું વધુ એક સૂચન યુ નો…) જેથી લેખકો વ્યવસ્થિત ‘મન કી બાત’ સાંભળી શકે!
હઓ…હમ્બો…હમ્બો…!
ફ્રિ હિટ :
આ લેખ લખતી વખતે મને સતત એવા લેખક-ડિરેક્ટર જેવી ફિલિંગ આવતી રહી જેની પાસે કોઈ સ્ક્રિપ્ટ નથી આમ છતાં તે પહેલી ફિલ્મની સફળતાને તાત્કાલિક વટાવી ખાવા ધરાર તેની સિક્વલ બનાવી રહ્યો હોય!
હઓ…હમ્બો…હમ્બો…!
~ તુષાર દવે
આર્ટીકલ લખાયા તારીખ : ૧૨-૦૯-૨૦૧૮
Leave a Reply