જ્હોન રેમ્બો. જ્યારે નવલકથા લખાઇ ત્યારે રેમ્બોને કોઇ ફસ્ટ નેમ ન હતું. આ તો ડિરેક્ટરનો સુઝાવ હતો કે રેમ્બોને આગળ પણ કંઇ નામ હોવુ જોઇએ એટલે તેણે આ ખમતીધરને જ્હોન નામ આપી દીધુ. રેમ્બો જેટલુ જ આગળનું જ્હોન નામ એટલુ પોપ્યુલર થયું કે બાદમાં “જ્હોન રેમ્બો” 80ના દાયકાના છોકરાઓના નામ પડવા માંડેલા. આજે રેમ્બોને એટલા માટે યાદ કરવો પડે કે તે સિરીઝની ફિલ્મ ફસ્ટ બ્લડને 33 વર્ષના વહાણ વીતી ગયા છે.
પહાડી સિલ્વેસ્ટર સ્ટેલોન સિવાય તમે રેમ્બોના રોલમાં કોઇની કલ્પના ન કરી શકો. અંગ્રેજી આવડતું ન હોય તે છોકરા પણ ટીવી સ્ક્રિન પર ચોંટીને બેસી ગયા હોય. ઉપરથી પરીક્ષાનો માહોલ હોય. મા-બાપ એકધારા છોકરાઓને વઢતા હોય. પણ છોકરા રેમ્બોનું સાચું નામ ન જાણતા હોવા છતા તેની એક્શનને જોવા માટે એકધારા સ્ક્રિનને નીરખતા હોય. બીજા દિવસનું વાતાવરણ કંઇક એવુ હોય કે, કોઇના મકાન બનાવવા માટે આવેલી રેતી પર ટાબરીયાઓ જ્હોન રેમ્બો બનીને કુદાકુદ કરતા હોય.
રેમ્બોએ ગુજરાતના છોકરાઓના માનસપટ પર આ છાપ છોડેલી. કસાયેલુ શરીર. અર્ધનગ્ન અવસ્થા અને હાડ થીજાવતી ઠંડીમાં લાંબા વાળ રાખીને ફરતો યુવક. જેના પર પાણીનો ફુંવારો છોડવામાં આવે ત્યારે પ્રેક્ષકના શરીરમાં ઠંડીનું લખલખુ પસાર થઇ જાય. ઈમાનદાર ઓફિસરનો તેના પર વિશ્વાસ અને આર્મી કેડેટમાં જ એક ભ્રષ્ટ ઓફિસર. જેને રેમ્બો મેથીપાક ચખાડવા માટે રાહ જોતો હોય.
ખભા પર હોકઆઇની માફક તીર કામઠુ અને કોઇવાર ગન હાથમાં આવી જાય તો સામે વાળના ભૂરદા બોલાવી દે. આ રેમ્બોનો પરિચય. ફિલ્મમાં રેમ્બો સિવાય કોઇ પણ મેજર કેરેક્ટરને લેવામાં આવે તે રેમ્બોથી ચાર ચાસણી નીચે જ ઉતરવાનો.
હોલિવુડમાં જેમ ટર્મિનેટર માટે આર્નોલ્ડ અને વે ઓફ ધ ડ્રેગનમાં બ્રુસલી કે સિટી હંટર અથવા આર્મર ઓફ ગોલ્ડમાં જેકી ચેન સિવાય કોઇની કલ્પના ન કરી શકો, તેમ રેમ્બોમાં સિલ્વેસ્ટર સ્ટેલોન સિવાય કોઇની કલ્પના ન કરી શકો.
સિલ્વેસ્ટર તો અચ્છો રાઇટર પણ રહી ચૂક્યો છે. જે પોતાની ડેબ્યુ ફિલ્મ રોકીની સ્ક્રિપ્ટ લઇને પ્રોડ્યુસરના ઘેર ઘેર રખડતો. અને એવા દિવસો આવેલા કે પોતાના પ્રિય કૂતરાને વેચવાના વારા આવ્યા હતા. જોકે એ કૂતરો બાદમાં તેને મળી ગયો હતો.
-> ડેવિડ મોર્સેલે 1972માં રેમ્બો નામની નવલકથા લખી હતી. જેમાં તેમણે રેમ્બોનો ઉલ્લેખ પીટર ગુનેર્સો રેમ્બો તરીકે કરેલો હતો. પણ ફિલ્મ બની પછી રેમ્બોની નવલકથા ક્યાંય ન ટકી, ને ક્યાંયની ન રહી. આજે પણ એ નવલકથાને કોઇ યાદ નથી કરતું. માત્ર ફિલ્મને જ યાદ કરે છે. નવલકથા લખતી વેળાએ મેઇન પ્રોટોગોનીસ્ટનું નામ લેખકને યાદ નહોતું આવી રહ્યું. તેણે એપલ લઇ બટકુ ભર્યુ અને પોતાની પત્નીને પૂછ્યું, આ સફરજન તો સરસ છે, પત્નીની જીભે જ્યારે રામનું નામ હોય તેમ હરફ કરતા બોલી ગઇ રેમ્બો જેવુ છે. આવા સારા સફરજનને તો રેમ્બો કહેવાય?! અને લેખકે આ નામ ટપકાવી લીધુ. જોકે આ નામ પાછળ ડેવિડનું પોતાનું પણ ફ્રેન્ચ કનેક્શન હતું. તેનું નામ હતું રીમ્બુડ. જે લેખક હતો અને તેની પ્રસિદ્ધ કૃતિ હતી અ સિઝન ઇન હેલ, જે ડેવિડને ઘણી પસંદ હતી.
-> બીજા વિશ્વયુદ્ધના સમયે એન્ડી મર્ફી નામનું એક કેરેક્ટર હતું. આ કેરેક્ટરે પોતાના નીજી જીવનમાં રેમ્બો જેવુ કિરદાર પ્લે કરેલું. પોતાના બાહુબલી સ્વભાવના કારણે તે બીજા વિશ્વયુદ્ધનો હિરો સાબિત થયેલો. બાદમાં સફળ આર્મીની કારકિર્દીને તેણે ચોપડીના પાને અંકિત કરવાનું વિચાર્યું અને બુક લખી ટુ હેલ એન્ડ બ્લેક. તેના પરથી ડેવિડને પ્રેરણા મળી અને તેણે રેમ્બોના પાત્ર ફસ્ટ બલ્ડ-2ને વર્લ્ડ વોર-2ની જગ્યાએ વીએતનામમાં ખસેડી દીધું.
-> નવલકથાને પડદા પર ઉતારવા માટે ટોટલ 26 ડ્રાફ્ટ લખવામાં આવેલા હતા. આ સમયે સિલ્વેસ્ટર સિવાય ટેવ મેક્વિન, પોલ ન્યૂમેન, ક્લિન્ટ ઇસ્ટવુડ, અલ પચીનો, રોબર્ટ ડી નીરો, નીક નોલ્ટ, જ્હોન ટ્રાવેલ્ટો અને ડસ્ટ હોફમેન સહિતના ધૂરંધર કલાકારોનો રેમ્બોના રોલ માટે સંપર્ક સાધવામાં આવેલો. આ સમયે રોકીના કારણે સ્ટેલોન દુનિયાભરમાં પોપ્યુલર થઇ ગયો હતો. સ્ટેલોનને મનાવવામાં આવ્યો, પણ ફિલ્મોમાં તેનો ચઢતો સૂરજ હોવાથી સ્ટેલોને ના પાડી દીધી. પ્રોડ્યુસર અને ડિરેક્ટરે પૂછ્યું કે, તને વાંધો શું છે ? ત્યારે સ્ટેલોનનો એક માત્ર જવાબ હતો, સ્ક્રિપ્ટને રિ-રાઈટ કરવામાં આવે. ઓલરેડી 26 ડ્રાફ્ટ થઇ ચૂકેલી સ્ક્રિપ્ટને ફરી લખવામાં આવી અને તે પણ સ્ટેલોનના મુતાબીક ત્યારે ફિલ્મમાં સ્ટેલોન કામ કરવા માટે રાજી થયેલો.
-> ફિલ્મના પહેલા ભાગમાં રેમ્બો ધબધબાટી મચાવે છે, પણ રેમ્બો રસિયા ફિલ્મ જોવે તો ખ્યાલ આવશે કે ફિલ્મમાં રેમ્બો એ એક પણ માણસનું કત્લ નથી કર્યું. કત્લ કરવાની શરૂઆત બીજા પાર્ટથી કરવામાં આવી.
-> ફિલ્મમાં રેમ્બોનું પ્રિય હથિયાર હતું ચાકુ. અને તે સિલ્વેસ્ટરે પોતે પસંદ કરેલું હતું. જ્યારે પણ તેની પાસે કોઇ હથિયાર નથી હોતું, ત્યારે તે પોતાના ચાકુની મદદથી દુશ્મનોનો ઘાણ બોલાવી નાખે છે. અમેરિકામાં થયેલા સર્વે મુજબ રેમ્બો ફિલ્મ આવ્યા પછી રેમ્બો રસિયાઓ બંદુકની જગ્યાએ ચાકુનો ઉપયોગ કરતા થઇ ગયા હતા. ફિલ્મની તમામ સિરીઝ પૂરી થઇ ત્યાર સુધીમાં 6 અલગ અલગ ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો. જેવી રીતે એન્ડ્રોઈડ વર્ઝન હોય તેમ ચાકુ પણ અપડેટ થતુ જતુ હતું. ફિલ્મમાં જોઇએ તો એક જ ચાકુ હોય, હા હતું એક જ પણ તેની સાઇઝ ટુંકી મોટી થયા કરતી હતી.
-> જેમ્સ કેમરૂન જેવા દિગ્ગજ ડિરેક્ટર ટર્મિનેટર અને એલિસ ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા હતા. તેમના ભાગે પણ રેમ્બો આવી હતી. ફસ્ટ બલ્ડના બીજા ભાગમાં રેમ્બોના કેરેક્ટરને દૂધની માફક ઉફાણવા માટે કેમેરૂને કલમ ચલાવેલી. જેમાં તેમણે ટર્મિનેટરની જીણી જીણી વાતો પણ નાખી દીધેલી. જેના કારણે રેમ્બો બનતા સિલ્વેસ્ટરનો મગજ ગયેલો.
-> રેમ્બો અને ઓસ્કરનું કનેક્શન એક જ વાર થયુ છે. હાલ 33 વર્ષ જે ફિલ્મે પૂરા કર્યા તે ફિલ્મને બેસ્ટ સાઉન્ડ ઇફેક્ટ એડિટીંગનું 1986માં નોમિનેશન મળેલું, પણ તે હારી ગઇ હતી. કોની સામે ખ્યાલ છે ? બેક ટુ ધ ફ્યુચર ! મહાન સ્પીલબર્ગની સામે તો હારવુ જ રહ્યું.
-> વાસ્તવમાં તમે જે વિએતનામનું જંગલ ફિલ્મમાં જોવ છો, તે વિએટનામનું જંગલ નથી. તે મેક્સિકોનું જંગલ છે. માત્ર પાત્રો વિએટનામના લેવામાં આવ્યા છે. પણ ઓપનીંગ સિનમાં આવતા બુદ્ધાના સ્ટેચ્યુને બનાવતા ટીમને ફીણા આવી ગયા હતા. જે ડિરેક્ટર જ્યોર્જ પી કોસ્મોટ્સે પણ સ્વીકાર્યું હતું. આ સમયે ત્યાં તુફાન આવ્યો. અને ડિરેક્ટર સહિતની ટીમે કહી દીધુ કે મેક્સિકો આ દુનિયાનો જન્નત પ્રદેશ તો કોઇ દિવસ ન હોઇ શકે. વાવાઝોડુ ભારે હતું અને ભારે કરી પણ હતી. ડિરેક્ટરે સિલ્વેસ્ટરને આદેશ આપ્યો કે, જા જલ્દી તારો સામાન પેક કર. પણ સિલ્વેસ્ટરના મગજમાં સામાન એટલે રેમ્બોનો સામાન આ ફિટ થઇ ગયેલું. તેણે જઇ પોતાના ચાકુ, તીર-કામઠા ફટાફટ રેમ્બો સ્ટાઇલમાં ભરાવ્યા. તુફાન વધતુ જતુ હતું અને સિનેમેટોગ્રાફર જેફ કેડ્રિફનો કેમેરો સિલ્વેસ્ટર તરફ હતો. ઝડપથી રેમ્બો સ્ટાઇલમાં તેને સામાન પેક કરતો જોઇ તેણે કેમેરામાં કેપ્ચર કર્યું અને એ જ સીન બાદમાં ફિલ્મમાં લેવામાં આવ્યો.
-> સ્ટેલોનનું વર્કઆઉટ ટાઇટ હતું. એ તો તેની બોડી જોઇને જ ખ્યાલ આવે. દિવસમાં 12 કલાક શૂટિંગ અને 3 કલાકની કસરત સ્ટેલોન કરતા હતા. 6 કલાક સુતા હતા. જે 6માંથી 2 કલાક રિહર્સલમાં કાઢી નાખતા હતા. જેનો ફાયદો તેને રોકીના આગામી પાર્ટમાં પણ થયેલો.
-> સ્યુસાઇડ મિશન પર જતી વખતે રેમ્બો ડાઇલોગ બોલે છે, આઈ એમ એક્સપેન્ડેબલ. કોને ખબર હતી કે એ ડાઇલોગને સિલ્વેસ્ટર 24 વર્ષ બાદ ફિલ્મમાં રૂપાંતરીત કરી એક્સપેન્ડેબલ ફિલ્મ બનાવશે.
-> રેમ્બો આટલો ફેમસ હોવા છતા રેમ્બોનો ચોથો પાર્ટ ડિરેક્ટ કર્યા પછી તે મ્યામારમાં બેન થયેલો. તેનું કારણ ફિલ્મના પાત્રો જ છે. લવ યુ રેમ્બો એન્ડ સ્ટેલોન.
~ મયુર ખાવડુ
Leave a Reply