યોગી આદિત્યનાથ: ગોરખપુરને યુપીનું પાવર સેન્ટર બનાવનાર ગોરખપીઠના મહંતની કથા
યુપીના છેલ્લા સાડા ત્રણ દાયકામાં કોઈ સરકાર રિપીટ ના થવાનો રેકોર્ડ તોડીને યોગી આદિત્યનાથે પોતાનો પરચો તો બતાવ્યો છે. પણ પહેલીવાર 2017માં એમનું નામ જ મુખ્યમંત્રીપદના લિસ્ટમાં નહોતું. ભાજપને સ્પષ્ટ બહુમતી પણ પહેલીવાર મળી હતી, બાકી બીજેપી માટે યુપી ક્યારેય મજબૂત ગઢ રહ્યો નહોતો. વોટબેંકની દ્રષ્ટિએ પણ ગોરખપુરમાંની પીઠ કંઈ આખા યુપીમાં પ્રભાવ પાથરી શકે એમ નહોતી. તો પછી આ રાજનૈતિક ચમત્કાર થયો કંઈ રીતે?
2013-14માં ચુંટણી પહેલા પ્રવાસે નીકળેલા અમિત શાહ હજી ગૃહમંત્રી બન્યા નહોતા, એટલે સ્વભાવિક જ આજના જેવો એમનો પાવર નહોતો. પોતાની ટીમ સાથે નીકળેલા અમિત શાહનો અમુક ગામડાઓમાં બહિષ્કાર થયો, તોફાની તત્વોએ રોડ બ્લોક કરી દીધા, અમુક ગાડીઓ પર પથ્થરમારો પણ થયો. અમિત શાહ લાચાર હતા. પ્રોપર સિક્યુરિટી હતી નહિ,પોતાના સમર્થકો એ તોફાનીઓને પહોંચી શકે એમ નહોતા. શાહે બે ચાર ફોન અમુક મોટા માથાઓને જોડ્યા પણ કંઈ મેળ પડે એવી આશા નહોતી. અચાનક એમને એક નામ યાદ આવ્યું… એ નામને ક્ષણનાય વિલંબ વિના ફોન કર્યો ને મદદ માંગી. શાહના આશ્ચર્ય વચ્ચે અડધો કલાકમાં એક હજાર યુવાનો મારતી ગાડીએ આવી પહોંચ્યા મદદ માટે. પછી ત્યાં શું થયું એ આપણો વિષય નથી🙂, પણ અમિત શાહના મનમાં આ મદદગારનું નામ લાંબો સમય યાદ રહેવાનું હતું….નામ??? નામ લખો અજયકુમાર બિસ્ત ઉર્ફે યોગી આદિત્યનાથ, પદ??? લખો ગોરખપુરના સાંસદ…
પણ એક સવાલ એમ થાય કે યોગી આદિત્યનાથ પાસે આટલું સમર્થન આવ્યું કેવી રીતે? એના માટે થોડાક પાછલા વર્ષોનો ઇતિહાસ ફંફોળવો ફરજિયાત છે….
આઝાદીની લડાઈમાં એક સાવ જુવાન, ગોરખપુર પીઠના સંત ગાંધીજી સાથે જોડાયને પ્રખર કોંગ્રેસી બની ગયેલા, 1922માં અસહકારના આંદોલનમાં જે હિંસા થઈ અને પોલીસ સ્ટેશન સળગાવવામાં આવ્યું પછી ખિન્ન થઈને ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખ્યું. અને આ યુવાન સંતને ગાંધીજી માટે અણગમો થઈ ગયો. એ દુઃખી મને ફરીથી ગોરખપુર મઠમાં જતા રહ્યા ત્યાં બધું રાજકારણ ભૂલીને લોકોની સેવા અને પ્રભુભક્તિમાં લીન રહેવા લાગ્યા. પણ અચાનક એક દિવસ મનમાં ફરીથી રાજકારણનું ભૂત સવાર થતા હિન્દુ મહાસભામાં જોડાય ગયા. એમનું નામ મહંત દિગ્વિજયનાથ… એમનું પોતાનું સંગઠન અને મહાસભાના સંગઠનથી મહંતનો પ્રભાવ એવો વધ્યો કે નાનકડું મઠ 52 એકરની જમીનમાં ફેલાય ગયું. કદાચ દિગ્વિજય નાથ જાણતા હશે કે જ્ઞાતિઓના મંડળમાં વોટબેંકની રાજનીતિને ટક્કર આપવી હશે તો ગોરખનાથ મઠનો ધાર્મિક પ્રભાવ વધારવો પડશે.
આઝાદી પછી એમણે પોતાના વિશાળ સંગઠન સાથે, અન્ય હિન્દુ સંગઠનો સાથે મળીને રામ જન્મભૂમિ આંદોલન શરૂ કર્યું. 1949-50માં રામ જન્મભૂમિ પાસે જ એમણે નવ દિવસની કથા ‘રામ ચરિતમાનસ’નું ભવ્ય આયોજન કર્યું ને લાખો લોકો ઉમટી પડ્યા. પણ, અંતિમ ખેલ કથાની પુર્ણાહુતી વચ્ચે ખેલાવાનો હતો. પુર્ણાહુતી વખતે જ અચાનક બાબરી મસ્જિદના ઢાંચાની જમીનમાંથી પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રગટ થઈ, અને યુપી સહિત આખા દેશમાં હલચલ મચી ગઈ. (આ મૂર્તિ પ્રગટ થવાની ઘટનાએ એવી હલચલ મચાવેલી કે ભલભલા બુદ્ધિજીવીઓ આજની તારીખે એ બાબતે મૌન સેવીને બેઠા છે!) 1922ના એ યુવાન ક્રાંતિકારી હવે 1950માં ગોરખપુર પીઠના મઠાધીશ બની ગયા હતા…અને ગોરખપુરનો પ્રભાવ યુપીમાં વધવો શરૂ થયો. શરૂઆતમાં બે ચૂંટણી હાર્યા પછી 1967માં દિગ્વિજય નાથને પ્રચંડ બહુમતી સાથે જીત મળી અને એ ગોરખપુરના સાંસદ બન્યા. કહેવાય છે કે અગાઉ બાહુબલી નેતા સિંઘાસન સિંહ સામે બે વાર હારી ગયેલા આ મહંતનું માન રાખવા કોંગ્રેસી સિંહે આ વખતે ઇલેક્શન લડવાની ના પાડી દીધી. બન્નેનો સંબંધ એવો ગાઢ કે બન્ને વાર દિગ્વિજય નાથને હરાવીને સિંઘાસન સિંહ પીઠમાં એમનાં આશીર્વાદ લેવા જાય. કદાચ એ સંબંધનું બલિદાન આ સિંહે આપ્યું હશે!
મહંત દિગ્વિજયના પ્રચંડ હિંદુત્વના પ્રભાવ નીચે ગોરખપુર સહિત પૂર્વ યુપીમાં હિન્દૂ મહાસભા છવાઈ ગઈ, બીજેપી ત્યારે અસ્તિત્વમાં નહોતું. પૂર્વ યુપીના બ્રાહ્મણ બાહુબલીઓ અને મુસ્લિમ ગેંગસ્ટર્સ અને નેતાઓ આ મહંત સામે સાવ દબાય જ ગયા. પણ લોકોને નવાઈ લાગે એમ નહેરુના મૃત્યુના સમાચાર પછી મહંત જાહેરમાં ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યાં. કોઈએ કારણ પૂછ્યું તો કહ્યું કે ‘ટીકા તો મેં નહેરુની ઘણી કરી છે અને હજી કરીશ, પણ એક વાત બધાએ સ્વીકારી જ પડશે કે એના વગર આપણે આજે જ્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા હોત ખરા???’ અફસોસ કે આ દિગ્વિજય નાથ 1967માં સાંસદ બન્યા પછી 1969માં જ દિવંગત થઈ ગયા.. હવે રાજનીતિમાં ઝંપલાવવાનો વારો હતો એમના ઉત્તરાધિકારી મહંત અવૈધનાથનો…
1971માં ઇન્દિરા ગાંધીની પ્રચંડ લહેરમાં કોંગ્રેસના બાહુબલી નરસિંહ પાંડે સામે અવૈધનાથ હારી ગયા. શહેરમાં ફરીથી બ્રાહ્મણોનું રાજ આવ્યું. ગોરખપુર પીઠનું સંગઠન નબળું પડવા લાગ્યું. એકાદ લોકસભાની ચૂંટણીમાં અવૈધનાથે લડવાની જ ના પાડી દીધી. પછી 90ના દાયકામાં રામલહેર વખતે અવૈધનાથ હિંદુ મહાસભા છોડીને ભાજપમાંથી જીત્યા તો ખરા પણ એ એમનો આખરી ચુનાવ હતો. એ પછી એમણે લડવાની ના પાડી દીધી. કદાચ અંદરખાને સમજી ગયેલા કે હવે આપણો ગઢ તૂટી રહ્યો છે. 1998-99ના ઇલેક્શન પહેલા જનતા અવઢવમાં હતી કે અવૈધનાથ લડવાના નથી તો મત કોને આપવો? એમના શિષ્યો ય હજી સુધી તો સરખા પ્રકાશમાં આવ્યા નથી. કોંગ્રેસનું જોર ઘટી ગયું તો સામે માયાવતી-મુલાયમ-કાશીરામે નાખેલા મંડળ રાજનીતિના મૂળિયા ઊંડા ઉતરી ગયેલા. ગોરખપીઠનું જોર અવૈધનાથના સમયમાં નબળું પડી ગયેલુ ને બ્રાહ્મણ બહુબલીઓની જીત નિશ્ચિત મનાતી હતી. મોટાભાગના રાજનૈતિક વિશ્લેષકો કહેતા હતા કે મહંત દિગ્વિજય નાથનું ગોરખપીઠને યુપીનું પાવર સેન્ટર બનાવવાનું સપનું હવે અધૂરું જ રહેશે.
પણ કિસ્મતનું કરવું કે એક દિવસ એક તોફાન થયું ગોરખપુરમાં. અમુક વિધાર્થીઓને બ્રાહ્મણ દુકાનદારો સાથે માથાકૂટ થઈને રાજકીય ઇનવોલ્વમેન્ટ થતા વિધાર્થીઓને ભરબજારમાં ભૂંડી રીતે મારવામાં આવ્યા. આખા ગોરખપુરમાં હાહાકાર થઈ ગયો હતો ત્યાં એક 24 વરસના યુવાન મહંત પોતાના સમર્થકો સાથે બજારમાં નીકળ્યો ને પછી શું થયું એ આપણે જાણવા જેવું નથી. કહેવાય છે કે આખા પૂર્વ યુપીમાં એ દિવસે થયેલી ધમાચકડી હેડલાઈન બની ગયેલી. એ યુવાન મહંતની આક્રમકતામાં લોકો નબળા પડી ગયેલા અવૈધનાથને ભૂલી ગયા અને લોકોને એનામાં દિગ્વિજય નાથની છબી દેખાઈ ગઈ…આ યુવાન સંત એટલે આપણા બુલડોઝર બાબા એવા યોગી આદિત્યનાથ…
પણ યોગીજી સામે ઓછા પડકાર નહોતા. પોતાના ગુરુની અમૂક હારને કારણે પ્રદેશમાં હરિશંકર તિવારી, જમુના પ્રસાદ જેવા બાહુબલી નેતાઓ જોરમાં આવી ગયેલા. આ લોકો સામે ઇલેક્શન જીતવું તો ઠીક ઉભા રહેવું પણ મુશ્કેલ હતું. એ પહેલા ઇલેક્શનમાં યોગીજી સાવ ઓછા મતોથી જીત્યા. એમણે ઓબ્ઝર્વેશન કર્યું કે બીજેપીનું લોકલ કેડર મને હરાવવા માંગે છે, એમણે પ્રચારમાં પણ કોઈ ખાસ મદદ નથી કરી. અને યોગીજીએ અંદરખાને પોતાની એક પર્સનલ ટીમ ઉભી કરીને સંગઠન બનાવવાનુ કામ શરૂ કરી દીધું. 2002માં આ હજારો યુવાનોના સંગઠનનું ઓફિશિયલ રજિસ્ટ્રેશન થયું. નામ?? યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળનું સંગઠન ‘હિંદુ યુવા વાહીની’….(અમિત શાહને સંકટમાંથી ઉગારેલા એ હિંદુ યુવા વાહીની.)
એ પછીના યોગી આદિત્યનાથના કામકાજથી કોઈ જ ભારતીય અપરિચિત નથી. આક્રમક અંદાજ, પ્રચંડ હિંદુત્વમય ચહેરો ને પૂર્વ યુપીમાં વિરોધ ને સમર્થનનો કોમ્બો પ્રતિભાવ. એટલે જ 2017માં બહુમતી સાથે બીજેપી સરકાર બની ત્યારે મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેશવ મોર્યા અને મનોજ સિંહા હતા. બન્ને નેતાઓ સજીધજીને પોતાના હજારો સમર્થકોની નારાબાજી અને મોટા મોટા માથાઓની ગુડબુકમાં રહેતા રહેતા લખનૌ મિટિંગમાં પહોંચી ગયેલા. જ્યારે યોગીજી રેગ્યુલર ફ્લાઈટમાં માંડ પાંચ સાત સમર્થકોને પ્રણામ કરીને લખનૌ ખાતે મિટિંગ એટેન્ડ કરીને રાતે ત્યાં જ સરકારી ગેસ્ટહાઉસમાં સુઈ ગયા. સંઘના મોહન ભાગવત, મોદી અને શાહની અધ્યક્ષતામાં થયેલી આ મિટિંગમાં શું રંધાવાનું હતું રામલલ્લા સિવાય કોઈ જાણતું નહોતું…
કેશવજી અને સિંહા બન્ને સમજતા હતા કે અમારા બન્નેમાંથી એક તો ફાઈનલ જ છે. પણ બીજે દિવસે વહેલી સવારે અમિત શાહે યોગીજીને ફોન કર્યો…..
‘ક્યાં છો, બાબા?’
‘હું તો ગોરખપુર આવી ગયો, કેમ?’
‘અરે, આટલી ઉતાવળ કેમ કરી? ચાલો હું ચાર્ટર્ડ પ્લેન મોકલું છું. લખનૌ આવી જાઓ તાત્કાલિક…’
‘ શું કામ પણ? મિટિંગ તો પુરી થઈ ગઈને..મને કારણ તો કહો…’
‘બાબા, તમે યુપીના મુખ્યમંત્રી છો, હમણાં કોઈને જાહેર કરતા નહિ બસ, અહીં આવો પછી બીજી વાત કરીએ…’
અને આમ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બની ગયા, અને આજે 2022માં ભાજપ શાસિત રાજ્યોના એકમાત્ર મુખ્યમંત્રી જે…..આગળ સમજી જવાનું છે….🙏
-Bhagirath Jogia
Leave a Reply