અમેરિકન અન્ડરવર્લ્ડનું ગુજરાતી કનેક્શન!
‘અહા! જિંદગી’ના વાર્ષિક અંક-૨૦૧૦માં પ્રકાશિત
કોલમ- ફલક
આપણે જેને ‘માંહ્યલો’ કહીએ છીએ તે એક્ઝેક્ટલી શું ચીજ છે? જીવનની કેટલીય બાબતોનાં ઉદગમસ્થાન આપણને ક્યારેક તાર્કિક રીતે સમજાતાં હોતાં નથી.
‘એન ઓફર યુ કાન્ટ રિફ્યુઝ.’
આ અતિપ્રચલિત વાક્ય વાસ્તવમાં ‘ધ ગોડફાધર’નો એક સંવાદ છે. કોઇ કૃતિ કે એનો નાનકડો અંશ પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી લે પછી ક્યારેક જનમાનસનો હિસ્સો બનીને સમયની સપાટી પર જુદાં જુદાં સ્વરૂપોમાં તરતો રહેતો હોય છે. મારિયો પુઝોએ ૧૯૬૯માં લખેલી નવલકથા ‘ધ ગોડફાધર’ આજે ચાર દાયકા પછી પણ ખૂબ વંચાય છે. આ પુસ્તક પરથી ફ્રાન્સિસ ફોર્ડ કપોલાએ આ જ નામની ફિલ્મ, રાધર, ત્રણ ફિલ્મોની શંૃખલા બનાવી, જેણે સર્વકાલીન શ્રેષ્ઠતમ્ ફિલ્મોમાં મજબૂત સ્થાન મેળવી લીધું. મારિયો પુઝોએ આ ફિલ્મોનાં સ્ક્રીનપ્લે લખ્યાં હતા. પુઝોએ અપરાધની દુનિયામાં રમમાણ રહેતા ઇટાલિયનઅમેરિકન પરિવારો વિશે એટલી અસરકારતાથી લખ્યું કે લોકો માનવા લાગેલા કે પુઝો પોતે ક્રાઇમવર્લ્ડ સાથે કોઇક રીતે સંકળાયેલા હોવા જોઇએ, એ સિવાય તેમને ‘અંદર કી બાત’ની આટલી ઝીણવટભરી જાણકારી કેવી રીતે હોય? પુઝોએ જોકે અન્ડરવર્લ્ડ કનેક્શનવાળી આ વાત ઘસીને નકારી કાઢી હતી.
1999માં મૃત્યુ પામેલા મારિયો પુઝો મોટા લેખક ગણાયા, પણ નાનપણમાં કોઇએ કલ્પના નહીં કરી હોય કે આ છોકરો આગળ જઇને આટલું નામ કાઢશે. તેમના ઘરનું વાતાવરણ કોઇ રીતે ‘લેખકજીવ’ને પોષણ આપે એવું નહોતું. મારિયો પુઝોનાં માબાપ અભણ હતાં. ‘મારી મા તો મારંુ લાઇબ્રેરી મેમ્બરશિપ કાર્ડ જોઇને છળી ઊઠતી,’ ફ્રેશ એર નામની એક અમેરિકન રેડિયો ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મારિયો પુઝોએ કહેલું, ‘સંતાનની બેગમાંથી નશીલી દવાની પડીકી જોઇને અત્યારની મમ્મીઓના જે રીતે હોશકોશ ઊડી જાય છે એવી જ કંઇક પ્રતિક્રિયા મારી મા મારી વાંચવાની ચોપડીઓ જોઇને આપતી. એ કહ્યા કરતી- વાંચીને આંખો ફોડ્યા કરવાથી તારો દહાડો નથી વળવાનો. મા તો બિચારી એવું જ માનતી કે મારો દીકરો મોટો થાય ને એને ક્યાંક ક્લાર્કની નોકરી મળી જાય એટલે ભયો ભયો. મારે પેટનો ખાડો પૂરવા કાળી મજૂરી ન કરવી પડે એ જ તેના માટે બહુ મોટી વાત હતી.’
બચપણનો પારિવારિક માહોલ કંઇ માણસનાં ભવિષ્ય વિશેનો આખરી ચુકાદો ન તોળી શકે. નાનપણનો ઉછેર વ્યક્તિની જીવનયાત્રા નક્કી કરતાં અનેક પરિબળોમાંનું એક પરિબળ માત્ર હોઇ શકે, એ કંઇ એની સમગ્ર જિંદગીનો જડબેસલાક નકશો ન પેશ કરી શકે.
…‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ‘ટૂંકી વાર્તા અને હું’ વિશેષાંકમાંથી જોકે શબ્દસ્વામીઓની સાહિત્યયાત્રાનો નકશો જરૂર મળે છે. આ અંકમાં આપણી ભાષાના ૬૧ નવલિકાકારોનાં આત્મકથન શબ્દસ્થ થયાં છે, જેમાંનું એક ગોરધન ભેસાણિયાનું છે. વર્તમાન ગુજરાતી સાહિત્યજગતમાં સારા વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠા પામેલા ગોરધન ભેંસાણિયા માંડ પાંચેક ચોપડી ભણ્યા છે. તેમણે લખ્યું છે- ‘…(મારો) વાંચનશોખ વધ્યો પંદરસોળ વર્ષની ઉંમરે. ત્યારે અમે સીમાડાના ખેતરે કૂવો ખોદાવીને વાડી શરૂ કરેલી. વાળુ કરીને વાડીએ જ સૂવા જવાનું. દિવસભર ભારે પરિશ્રમ કર્યો હોય છતાં વાંચ્યા વિના તો ચાલે જ નહીં. ફાનસનાં અજવાળે રાતના વાંચતો રહું… દિવસેય જો પાણી વાળતો હોઉં તો પુસ્તક સાથે જ હોય. ક્યારો ભરાય ત્યાં સુધીનો સમય મળે. …ઘણી વખત મારા બાપુજી આવતા હોય ને દૂરથી જોઇ જાઉં તો ગમે તેવું પુસ્તક હોય, નેફામાં ભરાવી દેવાનું! હું દરરોજનું એક પુસ્તક વાંચી નાખતો, પણ કોઇને ખબર ન પડે તેમ. વાંચન પણ ચોરીછૂપીથી કરવું પડે તેવું બહુ ઓછા લેખકોનાં નસીબમાં હશે.’
ગોરધન ભેસાણિયાએ વાંચનની જેમ લેખન પણ ચોરીછૂપીથી જ કરવું પડતું. ક્યારેક છપાયેલ લેખ કે વાર્તાની પ્રતો મારા બાપુજી જોઇ જાય તો સાંભળવું પડતું- ‘આવા ધંધા કરશો તો ભૂખે મરશો. જરાક કામમાં ચિત્ત રખાય. આમાંથી રોટલા નહીં મળે.’
અદ્લ મારિયો પુઝોની મા જેવા જ શબ્દો!
ખોબા જેવડા વતનના ગામમાં લાઇબ્રેરી ક્યાંથી હોવાની? દોઢ ગાઉ દૂર બીજા ગામે લાઇબ્રેરીમાંથી પુસ્તકો લેવાઆપવા જવું પડે. આ લાઇબ્રેરી પુસ્તકોના માત્ર બે મોટા કબાટ, જે ત્રણચાર વરસ માંડ ચાલ્યા. શોધ પાછી આગળ ચાલી. છ કિલોમીટર દૂર બીજા એક ગામમાં લાઇબ્રેરી હતી, પણ પુસ્તકો બહારગામ લઇ જવાની મનાઇ. ગોરધન ભેસાણિયા લખે છે- ‘અમારી મદદ કોઇ કરે એમ નહોતું, કારણ કે ઘરના વડીલો જ કહેતા- ‘આ બેય છોકરા (ભેસાણિયા અને પાડોશી) બગડી ગયા છે. ચોપડીયું વાંચ્યા કરે છે.’
ચોક્કસ પ્રકારના વાતાવરણમાંથી આવતી વ્યક્તિ સાવ જુદા જ ક્ષેત્રમાં અણધારી ગતિ કરે અને ગજબનાક કાઠું કાઢે તો એને ચમત્કાર કહેવાય? ગુજરાતી ભાષાસાહિત્યમાં અમર સ્થાન બનાવી ચૂકેલા અને જેમણે લખેલી કૃતિઓ સ્કૂલો-કોલેજો-યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ તરીકે વર્ષોથી ભણાવાય છે તે ખેડૂતપુત્ર પન્નાલાલ પટેલ પોતે ફક્ત આઠ ચોપડી ભણ્યા હતા! તેઓ છએક વર્ષના થયા ત્યારે તેમના ગામમાં કામચલાઉ નિશાળ જેવું શરૂ થયેલું. આખો દી’ માના પડખાંમાં લપાયેલા રહેતા પન્નાલાલને ટીંગાટોળી કરીને નિશાળે લઇ જવા પડતા. માંડ થોડાંએક વર્ષોનું ભણતર પામેલા પન્નાલાલ પટેલે લખેલી ‘કંકુ’ અને ‘માનવીની ભવાઇ’ જેવી રચનાઓ પરથી પછી તો અવોર્ડવિનર ફિલ્મો પણ બની.
Pannalal Patel
‘મારા સાહિત્યસર્જન માટે શરૂઆતથી જ ‘ચમત્કાર’ શબ્દ વપરાતો આવેલો છે,’ ઉમાશંકર જોષીએ સંપાદિત કરેલાં અફલાતૂન પુસ્તક ‘સર્જકની આંતરકથા’માં પન્નાલાલ પટેલ લખે છે, ‘વળી કોઇક વાર એમ પણ કહેવાયું છે, પન્નાલાલનાં સાહિત્યસર્જનમાં પન્નાલાલનું પોતાનું શું? એટલે કે પન્નાલાલને તો (બધું) સહજ (યા તો કુદરતી રીતે જ) ઊકલી આવ્યું છે… હું પણ એ વાતનો સ્વીકાર કરતાં કહું છું કે આ પ્રકારનાં મંતવ્યોમાં ઘણું બધું તથ્ય સમાયેલું પણ છે!… મને ક્યારેય લેખક થવાનો વિચાર તો આવેલો જ નથી પછી મથામણ કરવાની કે ચિંતન કરવાની તો વાત જ ક્યાં રહી! મારા સહાધ્યાયી મિત્ર ઉમાશંકર જોશીએ મને લખવા માટે સૂચન કર્યું અને મેં એ ઝીલી લીધું. કોઇ પણ પ્રકારના ખચકાટ કે પ્રશ્ન વગર. અને આમ અણધારી રીતે મેં સાપને દોરડું સમજીને પકડી લીધેલો. એ પછી ભણેલી દુનિયાનો ને વિદ્વાનોનો આવકારઅહોભાવ જોવા મળ્યો ને એ પછી જ મને ખબર પડેલી કે દોરડું નથી પણ આ તો સાચોકલો સાપ, બલકે ફૂંફાડા મારતો ભોરિંગ છે!’
ટેક્નિકલી અલ્પશિક્ષિત પન્નાલાલને ભાષાની ખેંચ કદી પડી નહીં. શબ્દોનો ધોધમાર પ્રવાહ એમની ભીતરથી ફૂટતો હતો. આપણે જેને ‘માંહ્યલો’ કહીએ છીએ તે એક્ઝેક્ટલી શું ચીજ છે? જીવનની કેટલીય બાબતોનાં ઉદગમસ્થાન આપણને ક્યારેક તાર્કિક રીતે સમજાતાં હોતાં નથી. અલ્પ શિક્ષણ મળ્યું હોવા છતાંય પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ ઊંચાઇ પ્રાપ્ત કરી ચૂકેલી સત્ત્વશીલ વ્યક્તિઓને જોઇને સવાલ થાય કે સ્કૂલકોલેજનું ફોર્મલ ભણતર માણસને શું આપી શકે? ખૂબ બધું, જરૂર પૂરતું અથવા બહુ જ ઓછું… અને આ ત્રણેય જવાબો સાચા હોઇ શકે છે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply