ફેસબુક અને જીવનની સામ્યતાઓ
– બન્નેની શરૂઆતમાં માણસ અતિઉત્સાહી અને કંઈક કરી બતાવવું છે કે વટ પાડી દેવાના મોહમાં હોય છે.
– બન્નેના આરંભે માણસ ખાસ બેઇમાન, કપટી કે લુચ્ચો હોતો નથી.
– નિર્મળ મનથી એ સંબંધોની અને સબંધીઓની જતનથી જાળવણી કરે છે, ફેસબુક હોય કે જીવન હોય.
– મધ્ય ભાગે પહોંચતા સુધીમા એ થોડો નિરાશ, થોડો ગણતરીબાજ, થોડો આશાવાદી અને થોડોક સમજદાર બની ચુક્યો હોય છે.
– ક્યાં સંબંધો છોડી દેવા, કયા સબંધ ઔર મજબૂત બનાવવા અને કયા વિચાર રજૂ કરવા કે કઈ લાગણીઓની જાહેરાત ના કરતા અંગત સુધી જ સીમિત રહેવા દેવી એ ફિલ્ટરની પ્રક્રિયા બરાબર સમજી ગયો હોય છે.
– અંતિમ તબક્કામાં બન્નેની સામ્યતાઓ નવાઈ લાગે એ હદે મેચ થતી હોય છે. અત્યાર સુધીમાં સમજાય ગયું હોય છે કે ફલાણી વ્યક્તિ નકામી કે બનાવટી છે. ફલાણો સબંધ બનાવટી છે અને ઢીંકણો માણસ પીઠ પાછળ ખંજર મારનારો જ છે.
– અંતે સમજાય છે કે અહિયાની અડધી વાતો ખોટી હતી,અડધા માણસો દૂધ ને દહીં બન્નેમાં પગ રાખનાર હતા. અને આપણે માનતા હતા એટલા જરૂરી કોઈ સંબંધ કે કોઈ માણસો મહત્વના હતા જ નહીં.
– પોઝિટિવ અને નસીબદાર માણસ માટે જીવન અને ફેસબુક બન્નેમાં ઘણી વાતો શીખવા જેવી, સમજવા જેવી અને ઘણાં સંબંધો જીવનના છેલ્લા શ્વાસ સુધી હૂંફ આપીને સાથ નિભાવનારા મળી રહે છે.
– અંતે એક મજ્જાની વાત… દરેક વિચારશીલ માણસને એક બ્રહ્મજ્ઞાન તો પ્રાપ્ત થઈ જ જય છે. આ બધો ભરમ હતો,માયા હતી. અડધી જિંદગી જે વિષયોમાં ને જે પંચાતોમાં સમય બગડ્યો એ નકામી અને તદ્દન બિનઉપયોગી હતી, અને એનું કોઈ ભૌતિક મહત્વ નહોતું.
– અહીંયા રાજા બની ગયા હોત તો પણ ખાસ કંઈ જ ફરક નહોતો પડવાનો.અહીંયા પગ જ ન મુક્યો હોત (કે અંગુઠો પણ) તો પણ ખાસ કોઈ પ્રલય આવી જવાનો નહોતો..આપણા વગર પણ ફેસબુક કે દુનિયા આમ જ ચાલતી હોત..
– છતાં, આટલું બધું સમજણરૂપી જ્ઞાન પામી ગયા પછી પણ ફેસબુકમાંથી લોગઆઉટ થવું કે જીવનમાંથી એક્ઝિટ લેવાનું મન થતું નથી… હાળું, હેરાન બરાબરના થયા,પણ આવ્યો તો જલસો પણ ખરો હો સાહેબ…😃😍😐
~ ભગીરથ જોગીયા
Leave a Reply