છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં સટાસટી ચાલી રહી હતી. કર્ણાટકની ચૂંટણી, ભાજપની પ્રતિષ્ઠા, કોંગ્રેસની ઘરવાપસીના સંકલ્પો અને જનતાને મારામારી, હાલાકી વચ્ચે, પાંચ વર્ષે આવતી ચૂંટણી પતી એ પણ ભયંકર નાટકબાજી સાથે.
મીડિયાને જોતું હતું એટલુ ફુટેજ મળી ગયું, છાપાઓને નવી હેડલાઇનો મળી ગઇ. સોશિયલ મીડિયાને ઠેકડી ઉડાવવાની મઝા આવી ગઇ. 70 વર્ષની ઉંમરના ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનું બીપી વધી ગયું. જે કોઇ દિવસ વધતું નહોતું. દેવગોડા જ્યારે થાય ત્યારે પણ કુમારસ્વામી એચડી સ્ક્રિનની માફક ઉભરી આવ્યા. બે કદાવર પક્ષો વચ્ચેની લડાઇમાં કર્ણાટક બહાર જે પક્ષનું નામ નહોતું સાભળ્યું તેને લાડવો મળી ગયો. કુમારસ્વામીની પત્ની હાઇલાઇટ થઇ ગઇ. જે કોઇ ધારાસભ્યની માફક જ 9 ધોરણ પાસ છે.
રાજકીય ચાલો ચલવામાં આવી અને ગુજરાતમાં પણ… કર્ણાટક જ્યારે આપણે વારસામાં આપેલું હોય તેમ ચર્ચાનો દોર ચાલ્યો. ઘેર ઘેર કર્ણાટકની ચૂંટણીની વાતો થતી હતી, બાકી વર્ષોથી કર્ણાટકની ચૂંટણી થતી આવી છે, ત્યારે આપણે રિમોટ કંન્ટ્રોલ લઇ ચેનલમાં જીતના આંકડા આવે તો ક્યો પક્ષ જીતે તેની પણ તકેદારી રાખતા નહોતા, પરંતુ આ વખતે એક ગુજરાતી નરેન્દ્ર મોદીની શાખ દાવ પર લાગી હતી. જેને ફેકુના હુલામણા નામે ઓળખવામાં આવે છે. એક પપ્પુ જે ક્યારે મેચ્યોર થઇ ચૂંટણી જીતે છે, તેની સૌ કોઇ મીંટ માંડી બેઠા હતા. જો આજે જેડીએસ નામનો પક્ષ કર્ણાટકમાં કિંગમેકર ન બન્યો હોત કે તેનું અસ્તિત્વ નહોત તો અચૂક કોંગ્રસ કર્ણાટકમાંથી પણ બોરીયા બિસ્ત્રા બાંધતી થઇ ગઇ હોત.
નરેન્દ્ર મોદી ચીન અને બાદમાં નેપાળના પ્રવાસે આંતરરાષ્ટ્રીય કુટનીતિ રમી આવ્યા. ત્યાં સુધી તેમણે પ્રચારમાં ઝંપ નહોતું લાવ્યું. પણ જેવા ઝંપ લાવી 20 જેટલી સભાઓ સંબોધી કે કર્ણાટકના ભાજપ પક્ષના જીવમાં જીવ આવ્યો. હવે અમે જીતી જઇશું, મોદી સાહેબ મેદાનમાં ઉતર્યા છે, તેવા બણગા પણ સાત ચોપડી ભણેલા ભાજપના ધારાસભ્યો બોલવા લાગ્યા હતા.
રાહુલ ગાંધીએ સમગ્ર ચૂંટણી દરમિયાન વાતાવરણ કોંગ્રેસમય કરવાની કોશિશ કરી. 1885માં એલન ઓક્ટિવ્યન હ્યુમે કોંગ્રેસની સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધી કોઇ એવો કોંગ્રેસી પેદા નહોતો થયો જે આટલું કર્ણાટક ખૂંદી વળ્યો હોય. કદાચ રાહુલ ગાંધીએ સોસાયટીના કવિઓને પણ મળવાનું બાકી નહોતું રાખ્યું. એટલો પ્રચાર કર્યો હતો.
સામા છેડે નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં અમિત શાહે બોલવામાં ઘણી જગ્યાએ ભાંગરો વાટ્યો. ગુજરાત ચૂંટણી સમયે જ્યારે કોંગ્રેસે ફરી ફરી ફરી ફરી સત્તા ગુમાવી ત્યારે એક જોક્સ ખૂબ વાયરલ થયો હતો. જો ભાજપ પાસે કોંગ્રસ જેટલી સીટ હોત તો આટલી સીટમાં તો અમિત શાહ મેડ પાડી દેત, અને આ વખતે પણ એવુ જ લાગતું હતું. મહજ સાત નવનો ફર્ક છે. કોંગ્રેસ કકડભૂસ થવાની. ત્યાં કોથળામાંથી બીલાડુ નીકળ્યું.
રાજનીતિમાં ક્યારે શું થાય તેનો ખ્યાલ કે ગતાગમ કોઇને હોતો નથી. પેલી હરોળથી છેલ્લી હરોળ સુધી એક એક ધારાસભ્યના નામ ગોખીને બોલી જનારને કે તે કેટલા ધોરણ પાસ છે તેની માહિતી હોય તેને રાજનીતિ નથી કહેવાતી. સફળ રાજનીતિ આ વખતે કોંગ્રેસે રમી છે, અને તે પણ છેલ્લા બોલે.
ભાજપ એટલો ગુંડાધારી પક્ષ પણ નથી કે, કોંગ્રેસના ધારાસભ્યોને એક રૂમમાં ગોંધી રાખે. નવાઇની વાત તો એ છે કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવેલ કે, ભાજપે અમારા બે ધારાસભ્યોને કિડનેપ કરેલા છે. જોકે અહીં કિડનેપ શબ્દ ન લખાય. પરંતુ જેવી સત્તામાં કોંગ્રેસ જેડીએસની ગઠબંધનની સરકાર આવી કે એ બે એમએલએ પણ સામે આવી ગયા. શું ભાજપે તેમને છોડી દીધા હતા ?
આ વખતે મોદી મેજીક ચાલ્યું પણ આંકડાની દ્રષ્ટિએ તેની હાલત ધક્કા ગાડી જેવી થઇને રહી ગઇ. રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા અને વિપક્ષોએ સાથે મળી ભાજપાને જળમૂળથી ઉખાડી નાખવાની, નેસ્તાનાબુદ કરવાની વાતો કરી. સામે પક્ષે માયાવતીના પ્રહાર પણ ખમવા પડ્યા.
કર્ણાટકમાંથી ભાજપનું કોઇ ધારાસભ્ય નેશનલ કક્ષાએ એટલું નથી બોલ્યું પણ ભાજપે બોલવા માટે એક ઉમેદવારની વરણી કરેલી છે, તેવા નીતિનભાઇ પટેલે બાગડોર સંભાળવી પડી અને કોંગ્રેસ પર ચાબખા મારવા પડ્યા. મારા ખ્યાલથી નીતિનભાઇને હવે ગુજરાત છોડી ભાજપનું રાષ્ટ્રીય પ્રવક્તા બની જવુ જોઇએ. જોકે તેમની ઇચ્છા તો મુખ્યમંત્રી બનવાની હતી. જે પૂરી ન થઇ, તેમની ન થઇ તો આપણી જે ઇચ્છા હોય તે ક્યાંથી થાય ?
ભાજપ રાજનીતિની રમત રમવામાં એટલુ મશગૂલ થઇ ગયું કે બંધારણના નિયમોને નેવે મુકી દીધા. વજુભાઇ વાળાની છબી પણ ખરડાવી નાખી. એ જ વજુભાઇ જેમણે મોદી માટે રાજકોટની સીટ ખાલી કરી હતી. હવે વારો મધ્યપ્રદેશનો છે. ત્યાં પણ કર્ણાટક વાળી થાય તો નવાઇ ન લગાવતા. ત્યાં આનંદીબેન રાજ્યપાલની ખુરશી શોભાવી રહ્યા છે.
પણ કર્ણાટકની ચૂંટણીએ ઇતિહાસને દોહરાવી દીધો. અટલ બિહારી વાજેપાયીના નૈતિક મૂલ્યોને યાદ કરાવ્યા. એક મતે વાજેપાયીની સરકાર હારી ગઇ હતી તેમ યેદિયુરપ્પા પણ હારી ગયા. અદ્દલ ગોખેલુ હોય તેમ વિશ્વાસ પ્રસ્તાવ સમયે ભાષણ બોલતા યેદિયુરપ્પામાં જ્યારે અટલજી સમાઇ ગયા હોય તેવુ લાગે.
યેદિયુરપ્પા સાથે તો આ દર પાંચ વર્ષનું છે. તેમણે પોતાની બહુમતી સાબિત કરવાની જ રહે છે. પણ વજુભાઇ વાળાએ ગુજરાતમાં થયેલી 1996 વાળી કરી નાખી. જેની તો હેડલાઇનો બનેલી. વેરની વસૂલાત ચલચિત્ર ચાર વાગ્યે દુરદર્શન પર શરૂ થયુ હોય અને જોવા માટે આખુ ગામ ભેગુ થાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું. વર્તમાનના બીજ ભૂતકાળમાં સંતાયેલા હોય છે, તેમ કર્ણાટકની ચૂંટણી જનતાને મોટો હાર્ટ અટેક આપતા સમાપ્ત થઇ.
મોદી તમારા રાજ્યમાં પગ મુકે તો જ તમારા શરીરમાં ઉર્જાનો સંચાર થાય અને તમે ચૂંટણી જીતી શકો તેવી હિંમત તમારામાં આવે તો માનવું કે ભાજપ મોદી વિના કલ્પી શકાય તેમ નથી, તેવુ ચિત્ર ભારત આખામાં સ્પષ્ટ થઈ ચૂક્યુ છે.
પણ કર્ણાટકનો ઇતિહાસ બોલે છે કે, કર્ણાટકમાં જે સરકાર આવી છે, લોકસભામાં તે સરકારને હારવાના વારા આવ્યા છે. આ વાતને મોટાભાઇ અમિત શાહે અંધશ્રદ્ધા સાથે સરખાવી હતી. તેમણે કહેલું કે,1967માં કોંગ્રેસ કર્ણાટક અને કેન્દ્ર આમ બંન્નેમાં હતી, આ સિવાય આવુ બન્યું નથી. હવે ભાજપની સરકાર કર્ણાટકમાં નથી, તો શું કેન્દ્રમાં આવશે ? એક ચૂંટણી ખાલી સરકાર નહીં હજારો સવાલો છોડી જાય છે.
~ મયૂર ખાવડુ
Leave a Reply