હજી 6 વિસ્ફોટના ઝાટકામાંથી બહાર પણ આવ્યા ન હતા, અને ત્યાં જ એક બીજો ઝાટકો લાગ્યો…’ ભીડમાં ફરી રહેલી સિયા પોતે જ લાઈવ બૉમ્બ છે, અને એ ખુદ પણ એ વાતથી અજાણ છે…!’
‘કાનજી બધું ખતમ થઈ ગયું કાનજી… બધું જ ખતમ થઈ ગયું…!’, કઇંક ગુમાવી બેઠો હોય એમ નિસાસો નાખતા અર્જુને કહ્યું…!
એ મનોમન હારી ચુક્યો હતો અને જે વ્યક્તિ મનથી હારે એના માટે જીતવું ઘણું મુશ્કેલ બની જતું હોય છે! એની હતાશા જોઈને કાનજી પણ પળભર માટે હતાશ થઈ આવ્યો.
પણ અચાનક જાણે નવું જોમ ઉમેરાયું હોય એમ બોલ્યો,
‘દિનુ કાકા… હજી કેટલો સમય લાગશે ડાકોર પહોંચતા…?’
‘એમ તો એ ગેંગે, ટાર્ગેટ લોકેશનથી નજીક પડે એવી જગ્યાએ જ ડેરો નાંખ્યો હતો, છતાં હજી ૧૫ મિનિટનો રસ્તો બાકી છે. પણ આપ જલ્દી ચલાવો તો 10 મિનિટમાં પણ પહોંચી જઈશું!’
આ વાતચિત દરમ્યાન અર્જુન તો સાવ શૂન્ય થઈ રોડને જ તાકી રહ્યો છે. એનું ધ્યાન પોતાના તરફ દોરી કાનજી એને કહે છે…!
‘અર્જુન આ સમય હતાશ થવાનો નથી. આ સમય છે કઇંક કરી બતાવવાનો…! એ રથયાત્રામાં વિસ્ફોટ થવાનો હશે તો થશે… પણ આપણે અહીં સુધી આવ્યા છીએ. મતલબ કે નક્કી કુદરત આપણી પાસે ‘કઇંક’ કરાવવા માંગે છે!’
‘કાનજી હું બધું ગુમાવી ચુક્યો યાર….મમ્મી, પપ્પા ,સિયા !..બધું જ…કંઈ નથી બચ્યું હવે… હવે હું પણ જીવીને શુ કરું ?’, અર્જુને હતાશ થઇ કહ્યું.
‘હું એ જ કહેવા માગું છું. જ્યારે તારું સર્વસ્વ ત્યાં દાવ પર લાગી જ ચૂક્યું છે. તો પછી કેમ નહીં એક ‘પ્રામાણિક પ્રયત્ન’ કરે…! જે થવાનું હશે એ થોડા સમયમાં થઈ જ જશે. પણ યાદ રાખ, ત્યાં સુધી આપણે નથી હાર્યા…!’
‘અને યાદ રાખ અર્જુન કે દરેક અંત એક નવી શરૂઆત છે!’, અને હમણાં આપણે એ અંતનું વિચારીએ છીએ જે હજી થયો જ નથી. તું અફઝલના અંતનું વિચાર…! કદાચ એનો અંત અને એના છેલ્લા શબ્દો જ આપણી માટે એક નવી શરૂઆત છે. આપણાં સ્વજનો અને નિર્દોષોને બચાવવાની શરૂઆત! અને ત્યાં આપણે એકલા નહિ હોઈએ. આપણું સૈન્ય અને પોલીસબળ પણ આપણને મદદરૂપ થશે!’
કાનજીની વાતોથી અર્જુનનું મન થોડું પાકું થઈ રહ્યું હતું કે ત્યાં જઈ વિસ્ફોટ થાય તો એ પણ જોડે મરવાનો જ છે ને, તો કેમ નહીં કાનજીના કહેવા મુજબ એક પ્રામાણિક પ્રયાસ કરીને મરવું…!
‘કાનજી હું તૈયાર છું દોસ્ત. આજે ‘આર યા પાર’ કરીને જ જંપીશું…!’
‘થેટ્સ લાઈક માય બૉય. પણ એક વાત યાદ રાખજે અર્જુન…! એ ભીડમાં તારા મમ્મી પપ્પા પણ હશે, તારો પ્રેમ સિયા પણ હશે. પણ ત્યાં તારે સહેજ પણ સ્વાર્થી નથી બનવાનું! માનું છું કે સિયા પાસે બાકીના વિસ્ફોટોની માહિતી છે, માટે એને બચાવી આપણી પ્રાયોરિટી રહેશે, પણ ફક્ત સિયાને જ બચાવવી એ આપણું લક્ષ નથી જ! તું એક નિર્દોષને બચાવીને પોતે મરી પણ જઈશ તો પણ તારા સ્વજનોને તારા મોત પર ગર્વ થશે. કારણ કે એ તારી ‘શહીદી’ કહેવાશે…!’
દિનુ તો બસ મોં ફાડીને સાંભળી જ રહ્યો! જાણે મહાભારત વખતે કૃષ્ણએ અર્જુનનો રથ હાંકી એને ઉપદેશો આપી, સાચો માર્ગ બતાવ્યો હતો. એમ હમણાં કળયુગનો કાનજી, રથના બદલે કાર ચલાવતાં, અર્જુનને સમજાવી રહ્યો છે!
અર્જુન વારંવાર એની ઘડિયાળમાં દેખી રહ્યો હતો. 15 મિનિટનો રસ્તો કાનજીએ ગાડી પુરઝડપે દોડાવી 8 મિનિટમાં પાર પડ્યો. પણ ડાકોર પહોંચ્યા ત્યાં તો અંદર સુધી જવા માટે જગ્યા જ નહીં…! છેક દૂર દૂર સુધી કાર અને બાઇક્સ પાર્ક કરેલ! એમણે ગાડી એમ જ રસ્તા વચ્ચે મૂકી અંદર પગપાળા જવાનું નક્કી કર્યું!
કેટલીય પબ્લિક અંદર જઇ રહી હતી તો કેટલીય દર્શન પતાવી નીકળી રહી હતી. અને ભીડના સામા પ્રવાહે ચાલવું હમણાં ઘણું અઘરું થઈ રહ્યું હતું!
એમની છોડેલી કાર બાજુ થોડી ભીડ જમા થઈ ચૂકી હતી. ‘કારમાં લાશ પડી છે…!’, ના સમાચાર વાયુ વેગે આગળ વધી રહ્યા હતા. અને ઘણાય લોકો એ કુતુહલ નિહાળવા બહાર તરફ ધસી રહ્યા હતા. એક રીતે જોતા એ હમણાં એ અર્જુન અને કાનજીના પક્ષે જ હતું, જેટલી ભીડ ઓછી થાય એટલો ભય ઘટે!
પણ ડાકોરમાં રથયાત્રા હોય અને ભીડ ન હોય એવું કંઈ રીતે બને! ટોટલ ભીડની માંડ 20% બહાર તરફ એ કૌતુક નિહાળવા જઇ રહી હતી. બાકીની બધી જ રથયાત્રામાં હતી!
અંદર પહોંચ્યા બાદ આ ત્રિપુટીની મૂંઝવણમાં ઔર વધારો થયો! આટલી ભીડમાં સિયાને શોધવી ક્યાં…?, અને આજુબાજુનું વાતાવરણ આખું રણછોડ રાયના જયજયકારથી ગુંજી રહ્યું હતું, માટે આવી ભીડમાં બુમો પાડીને શોધ આદરવી લગભગ સમયનો બગાડ જ હતો!
‘કેમ નહિ આપણે પણ એમની જેમ નગરરચનાનો લાભ ઉઠવીએ…?’, અર્જુને અચાનક કહ્યું.
‘મતલબ…?’, દિનુ અને કાનજીએ જોડે પૂછ્યું.
‘મતલબ એમ કે આપણે પણ ડાકોરના ઘર અને ધાબાઓનો ઉપયોગ કરી સિયાને શોધીએ તો…? ત્યાં ભીડની ‘રશ’ પણ નહીં નડે. અને નજર પણ દૂર સુધી પડી શકશે!’
બધા એ વાતે સંમત થયા.
દિનુ અને કાનજી એક દુકાનમાં થઈ એના ધાબે ચડ્યા, અને ત્યાંથી દેખાતી ભીડનો નજારો જોઈ લગભગ ગોટે જ ચઢી ગયા !, દૂર દૂર સુધી બસ ભીડ જ ભીડ! જાણે કીડીઓના દરની આસપાસ અઢળક કીડીઓ દેખાય એટલી ભીડથી હમણાં કાનજી અને દિનુની આંખોમાં ઉભરાતી હતી!
‘અહીં વિસ્ફોટ થાય તો કેટલી જાનહાની થાય!’, દિનુના ગળામાંથી અનાયસે જ સરી ગયું.
‘હું કોઈ કાળે આ વિસ્ફોટ નહિ થવા દઉં!’, કાનજીએ જાણે મનોમન ગાંઠ વાળી અને એક ધાબેથી બીજા ધાબે ઝડપથી કુદતા કુદતા, નીચે બાજુએ સિયા માટે નજર દોડવા લાગ્યો. અર્જુન પણ નીચે ભીડને ચીરતો કાનજીની જોડે જોડે થવા પ્રયત્નો કરતો રીતસરનો ભાગી રહ્યો હતો!
અચાનક કાનજીની નજર સામે દેખાતા ‘ગોમતી ઘાટ’ પર પડે છે. અને એ મનોમન કઇંક નિશ્ચય કરી લે છે!
દિનુ એની ઉંમર અને થોડા વજનના કારણે એટલી ઝડપે નથી દોડી શકતો જેટલી ઝડપે કાનજી દોડી રહ્યો છે! કાનજી એને રોકીને કહે છે,
‘કાકા… સિયાને શોધવામાં આપણે બે જણ સમય બગાડીએ એ યોગ્ય નથી… તમે એક કામ કરો, આર્મીની મદદ માંગી, બને તેટલી ટૂંકમાં વાત સમજાવી, ઝડપથી સામે દેખાતો ‘ઘાટ’ ખાલી કરાવો! આપણે ત્યાંજ વિસ્ફોટ કરીશું!’, એની વાત સાંભળી દિનુ પાછો વળવા તૈયાર થાય છે,
‘પણ ધ્યાન રહે ભીડમાં આ વાતની ખબર ન પડે. નહીંતર અફરા-તફરીમાં કામ વધુ બગડી શકે છે!’, કાનજી દિનુને બુમ પાડીને કહે છે!
આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ ઘેરો માર્યો છે, અને કોઈ પણ સમયે વરસી પડવાની તૈયારી દર્શાવી રહ્યા છે! બિલકુલ એ બોમ્બની જેમ, જે કોઈ પણ સમયે કાળ બની તૂટી પડવાની તૈયારીમાં છે!
‘કાનજી સિયા દેખાઈ…?, બસ ૧૨ મિનિટ બાકી છે!’, અર્જુને નીચેથી કાનજીને બુમ પાડતા કહ્યું.
‘નથી દેખાઈ રહી અર્જુન…!’, કાનજીએ રઘવાયા થઈ કહ્યું.
બીજી 2 મિનિટ એમ જ ભીડ ચીરતા અને ધાબા પરથી કૂદી સિયાને શોધવામાં વીતી. ધાબા પરથી કાનજીએ ઘાટને ઝડપથી ખાલી થતા જોયો! પબ્લિક રીતસરની આમથી તેમ દોડી રહી હતી. જે વાતનો ડર હતો એ જ થઈ ચૂકી હતી, ભીડમાંથી ‘જય રણછોડ માખણ ચોર’ ના અવાજ સાથે ‘બૉમ્બ…બૉમ્બ’ નો પણ અવાજ આવી રહ્યો હતો. અને એમાં અર્જુનને ઘણી અગવડ પડી રહી હતી. મોટાભાગની ભીડ જીવ બચાવવા બહાર તરફ ધસી રહી હતી. અર્જુન જેટલું આગળ વધતો એનાથી વધારે ભીડમાં ધક્કા વાગતા પાછળ ફેંકાઈ જતો !
‘અર્જુન… એ રહી સિયા !’, કાનજીએ મોટેથી બુમ પાડી, અર્જુનને સિયા તરફ અંગુલી નિર્દેશ કર્યો.
અર્જુન કંઈ પણ પૂછ્યા કીધા વિના સામે આવતા લોકોને રીતસરના ધક્કા મારતા એ તરફ આગળ વધવા માંડ્યું. કાનજી પણ સીડીથી ઉતારવાનો બદલે પહેલા માળેથી સીધો કૂદી પડ્યો. પગમાં થોડી ઇજા થઇ પણ એ સમયે એની ઇજા વિશે વિચારવા ઉભો રહે એ કાનજી શાનો !
થોડેક દૂર, એક ખૂણામાં સિયા ઉભી રહી રડી રહી હતી. એકાએક અર્જુનને સામે જોતા એની આંખો વધુ જોરથી વહેવા માંડી! ‘શું ખરેખર એ આવી પહોંચ્યો છે કે એ સપનું જોઈ રહી છે…’, એની ખાતરી કરતી હોય એમ એ અર્જુનને એક ધક્કા સાથે ભેટી પડે છે..!
‘સિયા બૉમ્બ ક્યાં છે…?’, એ બંનેનું ધ્યાન ભંગ કરતા કાનજી પૂછે છે.
‘કયો બૉમ્બ કાનજી…?’, અર્જુને એને પૂછ્યું.
‘ઢોલ વાળો બૉમ્બ… કદાચ એ ‘પણ’ બૉમ્બ હોઈ શકે!’
‘એ ‘પણ’ બૉમ્બ હોઈ શકે મતલબ…?’, સિયા મુંજાતા પૂછે છે!
‘એ બધું સમજાવવાનો હમણાં સમય નથી… છેલ્લી સાતેક મિનિટ બચી છે બસ…! અર્જુન તું સિયાને લઈને ઘાટ તરફ જા, દિનુકાકા એ ઘાટ લગભગ ખાલી કરાવી નાખ્યું છે. ગમે તે થાય પણ વિસ્ફોટ ત્યાં જ થવો જોઇએ!, અને સિયા તું જલ્દીથી બોલ બૉમ્બ ક્યાં પ્લાન્ટેડ છે…?’
આટલી વિકટ પરિસ્થિતેમાં પણ એક માત્ર કાનજી જ છે જે હિંમતની સાથે ધીરજથી કામ લાઇ રહ્યો છે.
‘ઢોલમાં બૉમ્બના નામે ગોઠવાયેલ ચીજ એક છટકું ન હોતા, ખરેખર એક બૉમ્બ પણ નીકળી શકે!’, એવી અર્જુનને શંકા થવી તો દૂર, પણ એનો ખ્યાલ માત્ર પણ એને નથી!
સિયા એને બીજા બોમ્બના સ્થળની માહિતી આપે છે. અને કાનજી બે આર્મી મેનની મદદ લઇ એ સ્થળે પહોંચે છે!
અહીં અર્જુન સિયા સાથે ભીડના સામા પ્રવાહે રીતસરનો દોડી રહ્યો છે! રસ્તામાં સિયા એના પર પ્રશ્નોની વણઝાર વરસાવી દે છે…’ બીજો બૉમ્બ એટલે… !’, ‘આપણે ઘાટ પર કેમ જઈએ છીએ. બૉમ્બ તો બીજી તરફ છે…!’ ‘ઘાટ પર વિસ્ફોટ કરવાથી તમારો શો મતલબ હતો…?’, પણ અર્જુન એક પણ પ્રશ્નનો જવાબ આપ્યા વિના બસ આગળ દોડી રહ્યો છે!
અચાનક એની નજર એક વૃદ્ધ સ્ત્રી પર પડે છે, અને એના પગ રોકાઈ જાય છે. ભીડના ધક્કાઓથી એ વૃદ્ધા એક ખૂણામાં જઇ પડી છે. એને ઉભી કરવી તો દૂર, પણ કેટલાક તો એને ઓળંગી કે લાત મારતાં આગળ વધી રહ્યા છે! ઘડીભર તો અર્જુનને થાય છે, ‘હમણાં આગળ વધવું જ યોગ્ય હશે’,
પણ કાનજીના શબ્દો કાનમાં પડઘા પાડતા ગુંજી રહ્યા છે. ‘તારે બિલકુલ પણ સ્વાર્થી નથી બનવાનું. એક નિર્દોષની જાન બચાવવા તારે મરવું પણ પડે તો પણ ખચકાતો નહીં…!,
‘એમની જગ્યા એ તારી મા પણ હોઈ શકત! શું ત્યારે પણ મોં ફેરવીને ચાલ્યો જાત…?’, એનું અંતરમન એને પૂછી બેસે છે. અને આખરે મન ન માનતા એ વૃદ્ધા સુધી ખેંચાઈ જ જાય છે! એને ઉભી કરે છે અને એ વૃદ્ધા એનો આભાર માને છે. અને સિયાને જોઈ કહે છે ‘ભગવાન તમારી જોડી સલામત રાખે !’,
‘મા… મા’ ની બુમો પાડતો એનો દીકરો એને શોધતો ત્યાં આવી ચઢે છે. અને પળનો પણ વિલંબ કર્યા વિના સિયાનો હાથ પકડી અર્જુન ફરી ઘાટ તરફ દોટ મૂકે છે…!
‘દીકરા એ તરફ બૉમ્બ છે…!’, એનાથી બનતું જોર લગાવી એ વૃદ્ધા અર્જુનને કહે છે, પણ એને કયાં ખબર જ છે કે જે બોમ્બની એ વાત કરે છે એ ક્ષણો પહેલા એની સામે જ હતો!
અર્જુન સિયા સાથે ઘાટ તરફ દોડી રહ્યો છે. ભીડ તદ્દન બેકાબુ બની ‘બૉમ્બ…બૉમ્બ’ની બુમો પાડી દોડી રહી છે. માત્ર આ બંને જ છે જે ભીડથી વિરુદ્ધ ઘાટ તરફ દોડી રહ્યા છે. ઘાટ લગભગ ખાલી થઈ ચૂક્યો છે. અને બાકીના થોડાક લોકો છે, એ પણ પુરઝડપે બહાર તરફ દોડી રહ્યા છે !
ડાકોરનો ‘ગોમતી ઘાટ’, એના નામ પરથી ગોમતી નદી પર બનવેલો છે. સામાન્ય રીતે યાત્રાળુઓ ડાકોર મંદિરના દર્શન પતાવી, ઘાટ પર ફરવાના હેતુએથી આવતા હોય છે. બાળકો માટે ઘોડેસવારી, બોટિંગ, ખાણીપીણીની વસ્તુઓએ બધું ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. પાણીના કિનારે 7-8 પગથિયાં બનવેલા છે, જ્યાંથી નહાવાનું તેમજ પૂજાવીધીનું કાર્ય સંપન્ન કરવામાં આવે છે. બોટીંગ દ્વારા સામેના છેડે આવેલા નાનકડા મંદિર સુધી જવાની પણ વ્યવસ્થા છે. ઘાટ પર પથ્થર અને સિમેન્ટનું ફ્લોરિંગ કરેલ છે, અને ત્યાંની દુકાનો તેમજ પાણી ફરતે કરેલ રેલીંગને આછા નારંગી રંગથી રંગવામાં આવેલ છે. ઘાટ સુધી આવવાના ત્રણથી ચાર રસ્તા આવેલા છે. જેમાંથી એક મંદીર તરફ જાય છે, અને બાકીના બજાર તરફ!
મંદીર વાળા રસ્તે થઈ, સિયા અને અર્જુન ઘાટ પર પહોંચે છે! હમણાં આખા ઘાટ પર માંડ એ બે જણ હાજર છે. અર્જુન એની ઘડિયાળમાં નજર નાખે છે. અફઝલના સમય કહ્યા મુજબ ‘છેલ્લી ચાર મિનિટ’ જ બાકી છે!
‘સિયા… જલ્દીથી જેકેટ ઉતાર…!’
‘પણ કેમ અર્જુન… આવા સમયે તને જેકેટની પડી છે…!’
‘સિયા કહ્યું એટલું કર… હમણાં તને કંઈ સમજાવવાનો મારી પાસે સમય નથી…!’ ગુસ્સામાં આવી એની પર રાડ પાડે છે.
‘પણ મેં અંદર બીજું કંઇ નથી પહેર્યું…!’, એના ગુસ્સાથી ડરી, એ એની વિવશતા દર્શવાતા સહેજ રડમસ અવાજે બોલી ઉઠે છે.
અર્જુન તરત એનો શર્ટ કાઢે છે અને સિયાને પકડાવી એની તરફ પીઠ ફેરવી ઉભો રહી જાય છે. અર્જુન એને એમ કેમ કરવી રહ્યો છે, એની સિયાને કાંઈ સમજ નથી પડી રહી, છતાં એ ઝડપથી જેકેટ કાઢી અર્જુનનો શર્ટ પહેરી લે છે.
‘પણ અર્જુન જેકેટ કેમ કઢાવ્યું…?’, સિયા એને પ્રશ્ન પૂછે છે, જે સાંભળી અર્જુન એની તરફ ફરે છે. અને એક ઝાટકાથી એને ભેટી પડે છે.
‘એ જેકેટમાં બૉમ્બ છે સિયા…!’, એને ભેટી રહી હળવેકથી અર્જુન એના કાનમાં ગણગણ્યો. સિયાના હાથમાંથી જેકેટ છટકી પડે છે. અને એની હાલત તો એવી થઈ ગઈ કે જાણે ‘એને વાઢો તો લોહી પણ ન નીકળે’ એના પગ તળે તો જાણે એને જમીન જ નથી અનુભવાઈ રહી!
એ કેટલા મોટા વિશ્વાસઘાતનો ભોગ બની હતી એનો એને અંદાજ આવે છે. ફારૂકનું વહેલા નીકળવું, એને થોડોક ટાઈમ રોકવા કહેવું, જેકેટ પહેરવા ઝેબાનો આગ્રહ કરવો, બધી કડીઓ એક પછી એક એના મગજમાં સેટ થતી જાય છે!
પણ એનો પ્રેમ જીવ પર આવી જઈને પણ એને બચાવવા આવી ચુકયો હતો, એનો પણ એને અનહદ આનંદ છે!
એ બંને પ્રથમ વખત એકબીજાનું એટલું ચુસ્ત આલિંગન માણી રહ્યા હતા! એમના માટે સમય તો જાણે રોકાઈ ચુક્યો છે. સિયા અને અર્જુન એકબીજાને ચુસ્ત આલિંગમાં જકડી રાખી એકબીજાને એમની હાજરીનું ભાન કરાવી, ‘બધું ઠીક થઈ જશે’નું આશ્વાસન આપી રહ્યા છે. અને કુદરત પણ જાણે એમના મિલનની ક્ષણો વધાવી લેવા માંગતી હોય એમ ઝરમર ઝરમર વરસાદ વરસવાનું ચાલુ કરી દે છે!
બીજી તરફ, કાનજી દિનુને શોધી કાઢી, એને પ્લાન્ટેડ બૉમ્બ પાસે આર્મી મેન સાથે મૂકી આવી, પોતે ઘાટ પર આવી પહોંચે છે!
ઘાટ વચ્ચે ઉભા, એકબીજાને બાહોમાં લઇ વરસાદમાં પલળી રહેલા એના બે પ્રિય મિત્રોને જોઈ, દોડતો આવતો કાનજી ઘડીભર થંભી જાય છે!
પણ એ હજી પણ સભાનપણે જાણે છે કે ઘાત હજી સંપૂર્ણ ટળી નથી! સિયાના હાથમાંથી છટકીને પગ પાસે પડેલું એ જેકેટ ગમે ત્યારે કાળ બની વરસી શકે છે!
કાનજી, એમને બંનેને સહેજ પણ ખલેલ ન પડે એમ તેમની નજીક પહોંચે છે, અને જેકેટ ઉપાડી લઇ ઘાટના પગથિયાં તરફ આગળ વધે છે.
સિયા-અર્જુનના મિલનનું દ્રશ્ય જાણે એની આંખોમાં હમેશાં માટે કંડારી લેવા માંગતો હોય એમ કાનજી એમની તરફ જુએ છે, અને જોરથી બુમ પાડે છે,
‘કાવ્યા ચૌધરી…! અર્જુનનો સાથ ક્યારેય ન છોડતી. મારો અર્જુન એની માંજરી આંખો વાળી સિયા વગર નહીં રહી શકે…!’
અર્જુન અને સિયા એ કળી શકે કે ‘કોણે…? અને ક્યાંથી…? બુમ પાડી…!’, એ પહેલાં જ એ બુમ પાછળ કોઈના પાણીમાં પડવાનો અવાજ પણ સાથે દોરાઈ છે! ઘડીના છઠ્ઠા ભાગમાં જ આખી ઘટના ઘટી જાય છે…!
‘કાનજી….!’, દોડીને પગથિયા સુધી પહોંચી અર્જુન, કાનના પડદા ફાડી નાખે એવી, કાનજી ના નામની બુમ પાડે છે.
પણ કાનજી ત્યાં છે જ ક્યાં તે જવાબ આપે!
( ક્રમશ: )
Leave a Reply