બીજા દિવસે અર્જુન અને કાનજી ને લાયબ્રેરી પહોંચવામાં મોડું થયું,અને બીજી તરફ સિયાએ લાયબ્રેરી પહોંચ્યા બાદ રેસ્ટોરાં મિટિંગની વાત જાણતા મિતાલીની ઝાટકણી કાઢી – ‘દેખ મિતાલી, તને કાનજી એ રિકવેસ્ટ કરી કે અર્જુનનું સ્મોકિંગ છોડાવવા એ કઇંક કરવા માંગે છે… અને તે મને એમાં મદદ કરવા માટે કહ્યું… અને તારા કહેવા પર મેં એને બુક પણ સજેસ્ટ કરી, કારણકે કાલે એને સ્મોક કરતા જોઈ મને પણ લાગ્યું કે મારે એને મદદ કરવી જોઈએ… પણ આજે! આજે તું મને જોડે રેસ્ટોરાંમાં લઇ જવાની વાત કરે છે…! હદ છે યાર..!’
‘સિયા… સિયા… શાંત થા યાર… ઇટ્સ નોટ અ બિગ ડીલ!’
‘યા… યા… સ્યોર ડિયર!, અને એમ કહે પેલા કાનજીને તે મારા નામ સિવાય બીજું શું શું કીધું છે…!’ – એણે વધુ ગુસ્સા સાથે કહ્યું.
‘બસ ખાલી નામ જ કીધું છે… અને એ વાત વાતમાં કહેવાઈ ગયું… સોરી! પ્લીઝ આજે જોડે આવજે ને, હું એકલી કઇ રીતે જઉં, પ્લીઝ… નહીંતર મારી અને કાનજીની મિટિંગ બગડશે… પ્લીઝ!’
‘એક શરતે આવીશ… ચારેય એક જ ટેબલ પર બેસીસું… હું અર્જુન જોડે એકલી નહીં બેસી શકું! એક તો કાલે મમ્મીના વહેમમાં માનીને એની જોડે બીજી વાર સામેથી માથું ભટકાવ્યુ… ખબર નહિ શુ વિચારતો હશે એ મારા માટે!’
‘ઓહ… ડોન્ટ થિંક ટુ મચ… અને આપણે જોડે બેસીસું બસ!’
અને ત્યાં જ અર્જુન અને કાનજીએ સીડીઓ પરથી પ્રવેશ કર્યો. લેટ થવાના કારણે કાનજી અર્જુન પર ભારે ગુસ્સે હતો, અને એમાં પાછો વધારો કર્યો અર્જુનના એ ગુલાબી શર્ટએ – ‘તને ના પાડી હતી છતાં આ જ શર્ટ પહેર્યો કેમ…?’ – કાનજી એ બગડતા કહ્યું.
‘અરે જવા દે ને યાર… એમ પણ મને કપડામાં ઝાઝી સમજ નથી પડતી… કપડાંથી શુ ફેર પડે છે!’
એ બંને બુક રિટર્ન કરવા કાઉન્ટર પર ઉભા રહ્યા.
‘મારો કાનજી તો જો… કેટલો સરસ લાગે છે આજે!’ – મિતાલીથી બોલી જવાયું.
‘મારો કાનજી!?’ – સિયાએ કઇંક અલગ જ ભાવે પૂછ્યું, અને પછી ઉમેર્યું – ‘મિતાલી, never judge a book by its cover, and never judge a person by his clothes’ (પુસ્તકને તેના ફ્રન્ટપેજ તેમજ વ્યક્તિને તેના કપડાંથી ક્યારેય ન ઓળખવું જોઈએ!)
‘આ ‘તારો કાનજી’ પણ કંઈ દૂધનો નહાયેલો તો નથી જ હં… કાલે નહો’તું જોયું, પોતે પણ તો સ્મોક કરતો હતો!’
‘એક્ઝેટલી ડિયર… હું એ જ તો કહું છું… કાનજી દિલથી પણ એટલો જ સારો છે! બાકી આજના સમયમાં પોતાના મિત્રનું સ્મોકિંગ છોડાવવા કોઈ આટલું પણ ન કરે! કાનજીએ મને કહ્યું હતું કે એ પોતાના બનતા પ્રયત્ન કરી ચુક્યો હતો, અને એ પણ બંને જોડે હોય ત્યારે જ સ્મોક કરતો હોય છે… સો હવે બંને ધીરે ધીરે બંધ કરી દેશે!’
‘આઈ હોપ સો…!’ – સિયાએ નિસાસો નાખ્યો.
બીજી તરફ કાઉન્ટર પર તો લાયબ્રેરીયન સાહેબે અર્જુનને રીતસર નો ઉધડો જ લીધો હતો.
‘આ શું હાલત કરી છે ચોપડી ની…આમ બે ભાગ કરીને લાવ્યા કરતા તો ના લાવતો એ સારું રહેતું!’
‘સોરી સર… રાત્રે વાંચ્યા બાદ ખુલ્લી ચોપડી પર જ સુઈ ગયો અને એમાં…!’ – અર્જુન
કાનજી હાલ બધો ગુસ્સો વિસરી જઈ, અર્જુન ની કલાસ લેવાઈ રહી હતી એ જોઈ દાંત કાઢી રહ્યો હતો.
‘હવે આને મારે શુ કરવું…!’
‘એ તો મને કઈ રીતે ખબર સર…!’ – અર્જુને સાવ નાના બાળકની જેમ જવાબ આપ્યો, પણ એનાથી સાહેબ વધારે ગુસ્સે થયા,
‘એક તો ચોપડી ફાડીને લાવે છે, અને પાછો સામે જવાબ આપે છે. ચાલ પૈસા કાઢ… બાઇન્ડિંગના પૈસા ભોગવ!’
અર્જુને ફફડતા હાથે વોલેટ કાઢ્યું અને 100ની નોટ ધરી.
‘100 નહીં…છૂટ્ટા 15 રૂપિયા આપ…!’
હવે આ નવાબઝાદા પાસે નાનામાં નાની નોટ તરીકે 100ની નોટ નીકળે અને એ સાહેબ છુટ્ટા માંગે!
એની નજર દોડી એના પરમમિત્ર કાનજી પર…! કાનજીએ પૈસા ચૂકવ્યા અને અર્જુને ફરી સાહેબને અગણિત વાર સોરી કહ્યું.
‘ઘેલો…!’ – સિયાના મુખમાંથી અનાયસે જ સરી પડ્યું, અર્જુને પણ એ સાંભળ્યું, હવે સાહેબની ફટકાર પણ એને મીઠી લાગી.
સાહેબની ફટકાર સહ્યા બાદ એ સિયા તરફ આગળ વધ્યો.
‘સિયા આજે પણ એક બુક સજેસ્ટ કર ને… પછી જઈએ રેસ્ટોરાંમાં’ – અર્જુને બુકાની પાછળની માંજરી આંખોમાં તાકતા કહ્યું.
સિયાએ મિતાલીની ધારદાર ત્રાંસી નજરોએ જોયું, અને શેલ્ફમાંથી જે પહેલી દેખાઈ એ બુક કાઢી અર્જુનને પકડાવી દીધી.
ચારેય જણે બુકસ્ ઇસ્યુ કરાવી.
સાહેબે ફરી એક વખત અર્જુનને જોઈ કહ્યું – ‘ખાલી ઊંઘવાનું નહીં, જોડે બુકનું પણ ધ્યાન રાખજે હો!’
લાયબ્રેરી છોડી,ચારેય જણ એક રેસ્ટોરાંમાં પ્રવેશ્યા.
‘અરે અર્જુન ભીડ તો જો, મને નથી લાગતું અહીં જલ્દી જગ્યા મળે!’
‘તો કોણે કીધું હતું, ડોઢું થઈ અહીં આવવા!’
‘દેખ ભાઈ, પેલું ખૂણામાં બે જણનું ટેબલ ખાલી છે, હું અને મિતાલી જોડે ત્યાં બેસીએ છીએ… તું થોડીવારમાં જગ્યા થાય એટલે સિયાને લઈને ક્યાંક બેસી જજે!’
‘મતલબ…! આપણે ચારેય જોડે નથી બેસવાના?’
‘ના… હું કાલે તને થોડું ખોટું બોલ્યો હતો! એકચ્યુલી મિટિંગ તો મારી અને મિતાલીની જ ગોઢવાઈ હતી, પણ એ જે રીતે આનાકાની કરતી હતી એના પરથી મને લાગ્યું જ કે એ સિયાને જોડે લાવશે જ… એટલે મેં તને પણ બોલાવ્યો!’
‘એટલે આ બધું તારા માટે છે એમ ને… હું એમ જ તને કાલે વધારે મહત્વ આપતો હતો!’ – અર્જુને સહેજ ચિડાઈને કહ્યું.
‘એ બધું છોડ… જગ્યા મળે એટલે ગોઠવાઈ જજે!’ – કહી કાનજી છેલ્લા ટેબલ પર ગયો અને મિતાલી પણ એની પાછળ થઈ. બંને ટિપિકલ લવ બર્ડ્સની જેમ જઇ બેઠાં.
આ તરફ અર્જુન અને સિયા થોડી અસગવડ અનુભવતા ઉભા રહ્યા. થોડી વારે એમને પણ ટેબલ મળી ગયું. સિયાને જે વાતનો ડર હતો એ જ થયું, એને અર્જુન જોડે એકલું બેસવું પડ્યું. અર્જુન મનમાં ખુશ થયો હતો પણ કાનજી પર એટલો જ અકળાયો હતો, ‘સાલો હરામી, એની મિટિંગ ગોઠવીને, મને કબાબમાં હડ્ડી બનાવી જોડે લઇ આવ્યો!’
થોડીવારે વેઈટર ઓર્ડર લેવા આવ્યો.
‘એક અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ’ – બંને લગભગ જોડેજ બોલી ઉઠ્યા. બંનેની પસન્દ પણ સરખી!
થોડીવારે ઓર્ડર પણ આવી ગયો.
બંને શુ વાત કરે એની સમજણ પડતી ન હતી.
‘તો કેવી લાગી બુક… આખી વાંચી પણ કે એમ જ પાછી આપી…!?’ – સિયાએ વાત ચાલુ કરવા કહ્યું.
‘હા… તે આપી હોય તો વાંચવી તો પડે જ ને!’ – અર્જુને સહેજ શરમાતા જવાબ આપ્યો.
બાજુમાંથી એક કાકી પસાર થયા અને બબડયા – ‘આ આજ કાલ ના છોકરા – છોકરીઓ… ભગવાન ભલું કરે આમનું તો!’
દેખીતી રીતે જ સ્પષ્ટ હતું કે એમનું એવું કહેવા પાછળ સિયાના મોંઢે વીંટાળેલ કપડું જ કારણ હતું! બાકી તો ત્યાં બીજા પણ કેટલાય કપલ્સ બેઠા હતા, પણ સમાજની માનસિકતા મુજબ છોકરીઓ ચેહરો ઢાંકીને કઇંક કરે એટલે એ કઇંક ખરાબ જ કામ કરી રહી હોય!
એમને અવગણી થોડી વારે અર્જુને સિયાને કહ્યું,
‘સિયા તારા બંને હાથ ટેબલ પર મુકીશ પ્લીઝ!’
સિયાને કંઈ સમજાયું નહીં, છતાં થોડા ખચકાટ સાથે બને હાથ ટેબલ પર ફેલાવ્યા.
અર્જુને પોકેટમાં હાથ નાંખી, બંને મુઠ્ઠીમાં કઇંક કાઢ્યું.
સિયાની ખુલ્લી હથેળીમાં પહેલી મુઠ્ઠી ખોલતા કહ્યું, – ‘સિયા,આ સિગારેટનું પેકેટ… આજથી હું સિગરેટ બંધ કરીશ. આઈ પ્રોમિસ. અલબત્ત ખરું કહું તો, સદંતર બંધ કરવું હમણાં અઘરું છે. પણ હા… ધીરે ધીરે બંધ કરી દઈશ. તને હું ખોટું વચન નહિ આપી શકું. માટે જે છે એ આ જ છે!’
સિયા એને ફાટી આંખે જોતી રહી. પ્રોમિસની વાત તો દૂર, એ આખી બુક પણ વાંચશે એવું પણ સિયાને નહોતું લાગતું! અને એણે વચન પણ ખોટું ન આપ્યું, ધારતો તો એને સારું લગાડવા કહી શકતો કે ‘હવે બસ બંધ’, પણ એની વાતમાં એની પ્રામાણિકતા દેખાતી હતી.
સિયાએ ઉત્સુક નજરે બીજી મુઠ્ઠી તરફ જોયું.
અર્જુને બીજી હથેળીમાં એક ‘કડું’ મૂક્યું અને કહ્યું – ‘આ મારા તરફથી એક નાની ભેટ… આમ તો ઘણી સસ્તી છે,પણ કદાચ તને ગમશે!’
સિયા એને બસ જોઈ રહી. પોતે એના વિશે કેટલા ખોટા અનુમાન બાંધી બેઠી હતી. મિતાલીને એ સમજાવતી હતી કે કપડાથી માણસ ન પરખાય, પણ એ પણ તો અર્જુનને એના થોડાક બાહ્ય પરિચયથી જ પારખી બેઠી હતી!
અર્જુનની પ્રામાણિકતા અને સરળતાથી સિયાના હૃદયમાં લાગણીની એક નાની કુંપળ ફૂટી, જેને એણે ‘દોસ્તી’નું નામ દેવાની તૈયારી દર્શાવી.
Mitra✍😃
( ક્રમશ: )
Leave a Reply