જો તમારી રાશિમાં ગુરૂ ગડથોલા ખાતો હોય, શનિ સમસમી રહ્યો હોય, શુક્ર શરમમાં હોય, રાહુ ‘રાઉડી’ બન્યો હોય, કેતુ કંટાળ્યો હોય ને ‘ફિલ્મદંશ યોગ’ બન્યો હોય ત્યારે તમને સવારના પો’રમાં ‘એક હસિના થી એક દિવાના થા’ જોવા જવાની ફરજ પડે.
મોંમાં ચાંદીની ચમચી સાથે જન્મેલી નતાશા (નતાશા ફર્નાન્ડિઝ) પોતાના લગ્ન માટે પૈતૃક સંપત્તિનો ઈંગ્લેન્ડમાં આવેલો સુંદર બંગલો પસંદ કરે છે. તે પોતાના ફિયાન્સ સન્ની (ઉપેન પટેલ) સાથે ત્યાં પહોંચે છે, જ્યાં પહોંચતા વેંત તે ‘મેં ઈસ જગાહ પહેલે ભી આ ચુકી હું’ જેવા સંવાદો ફટકારે છે અને એ સાથે જ તમને આવી અડધોડઝન ફિલ્મો યાદ આવવા લાગે છે અને તમે મનોમન બોલી ઉઠો છો કે, ‘યે મેં પહેલે ભી કિસી ફિલ્મ મેં દેખ ચુકા હું.’ એની વે, ત્યાં તેની મુલાકાત દેવધર (શિવ દર્શન) સાથે થાય છે. જે ભેદી વ્યક્તિ છે. કહે છે કે તે વર્ષો પહેલા મૃત્યુ પામેલા એક વ્યક્તિની આત્મા છે જે પાછી આવી છે. દેવધર ખરેખર કોણ છે અને શા માટે આવ્યો છે એ જોવા તો તમારે ફિલ્મ જ જોવી રહી, પણ ન જુઓ તો સારું.
જે ફિલ્મની લિડ સ્ટારકાસ્ટમાં સૌથી અનુભવી પણ ઉપેન પટેલ હોય તેની એક્ટિંગની સમીક્ષા કરવી પણ પાણી વલોવીને માખણ કાઢવાનો પ્રયાસ કરવા જેવું છે. શિવ દર્શન ડિરેક્ટર સુનિલ દર્શનનો પુત્ર હોવા છતાં અદ્ધરથી નીચે પડે તો પણ એક્ટિંગ જેવું કંઈક કરી શકે તેમ લાગતુ નથી. ઉચ્ચારણોમાં પણ ભયંકર ગોસમોટાળા છે. આખી ફિલ્મમાં ભટકતી આત્મા અને હદયભગ્ન પ્રેમી જેવા એક્સપ્રેશન આપવાના ચક્કરમાં સતત તેના ચહેરા પર જૂની કબજીયાતના દર્દી જેવા હાવભાવ જોવા મળે છે. તે જે બેહુદી રીતે શાયરીઓ ફટકારે છે એ ભાળી જાય તો ભારતભરના કવિઓ પોતાનુ કપાળ કુટી લે. નતાશા ફર્નાન્ડિઝ લાગે છે ક્યુટ પણ એક્ટિંગ અને ઉચ્ચારણમાં તે કેટરિના કૈફની માસીની દીકરી લાગે. ઈવન હવે તો કેટરિનામાં પણ ઘણુ ઈમ્પ્રુવાઈઝેશન છે. ઉપેન પટેલનો પ્રોબ્લેમ એ છે કે એ કોઈ એંગલથી ક્યારેય હીરો જેવો લાગતો જ નથી. તે રોમેન્ટિક સ્માઈલ આપવાનો પ્રયાસ કરે તો પણ કોઈ વિલન ખંધુ સ્મિત આપતો હોય તેવું લાગે.
જેમના ખાતામાં ‘અજય’ અને ‘જાનવર’ જેવી નાઈન્ટિઝની અનેક હિટ ફિલ્મો બોલે છે, સન્ની દેઓલથી અને અક્ષય કુમારથી માંડી અમિતાભ બચ્ચન અને નસિરૂદ્દિન શાહ જેવા ટોચના સ્ટાર્સ સાથે જેઓ કામ કરી ચુક્યા છે અને છેલ્લા ત્રણ ત્રણ દાયકાથી જેઓ ફિલ્મો બનાવે છે તેવા ડિરેક્ટર-પ્રોડ્યુસર સુનિલ દર્શન લાગે છે કે તેમના જૂના જમાનામાં જ કેદ થઈ ગયા છે. દર્શકો તેમનાથી ઘણા આગળ નીકળી ગયા છે અને ડિરેક્ટર જમાના સાથે તાલ મિલાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યાં છે.
ફિલ્મમાં ક્યાંય કોઈ ડેપ્થ જ નથી. બધુ ઉભડક છે પ્રેમ અને રોમાન્સથી માંડીને સસ્પેન્સ સુધીનુ બધુ જ. હવે હું તારી સાથે લગ્ન નહીં કરું કારણ કે મને દેવ મળી ગયો છે એવું નતાશા સન્નીને એટલી સહજતાથી કહી દે છે જાણે પિઝા ઓર્ડર કરતી હોય અને પેલાને(એના ફિયાન્સને) બાજુની કિટલી પરથી 2000ની નોટના છુટ્ટા કરાવી લાવવાનુ કહેતી હોય. એ પછીના દ્રશ્યમાં એ ગુસ્સો કરતી હોય ત્યારે પણ એ મંગાવેલા પિઝા પર ચિલી ફ્લેક્સ ભભરાવતી હોય એવું લાગે. બાળવાર્તાઓ પણ સારી લાગે તેવી સ્ક્રિપ્ટ, ડેઈલીશોપને શરમાવે તેવા ગળે ન ઉતરનારા ટર્ન એન્ડ ટ્વિસ્ટ, રેઢિયાળ ડિરેક્શન, ચવાઈને ચુથ્થો થઈ ગયેલા લાગે તેવા ડાયલોગ્સથી ભરપૂર ફિલ્મ બનાવનારા સુનિલ દર્શનની આ ફિલ્મ તેમના પુત્ર શિવ દર્શનની કેરિયરને તારવાના બદલે ચોક્કસ ડુબાવી દેશે. સુનિલ દર્શનના ડિરેક્શન માટે કહી શકાય કે અબ તો ખંડહર ભી નહીં બતા રહા કી ઈમારત બુલંદ થી.
અમરજીત સિંઘની સિનેમેટોગ્રાફી સારી છે. ગીતોના બેકગ્રાઉન્ડમાં ઝીલાતા ઈંગ્લેન્ડના સુંદર લોકેશનના દ્રશ્યો નયનરમ્ય લાગે છે. એ દ્રશ્યોની ખુબસુરતીમાં તમને માત્ર એક જ ચીજ વચ્ચે ખટકતી લાગે છે, ફિલ્મનો હીરો શિવ દર્શન.
ફિલ્મનું સંગીત તાજેતરમાં જ ‘હું ‘આશિકી 2’ કરતા દસ ગણુ સારું મ્યુઝિક આપી શક્યો હોત’ તેમ કહીને ‘આશિકી 2’ના સર્જકો પર સંગીતની ઉઠાંતરીનો પણ આક્ષેપ મુકનારા (જે થોડે અંશે સાચો પણ હતો) નદિમ-શ્રવણની જોડી ફેમ નદિમ સૈફે આપ્યુ છે. સંગીતમાં 90ના દાયકાના તેમના હિટ મ્યુઝિકની છાંટ જરૂર વર્તાય છે પણ એ સમયનો જાદુ ગુલશન કુમાર મર્ડર કેસમાં તેમની સામે વૉરન્ટ નીકળ્યા બાદ ભારત છોડી ગયેલા નદિમ ફરીથી જીવંત કરી શક્યા નથી. ઓવરઓલ સંગીત સારું છે, ટાઈટલ ટ્રેક અને ‘હુએ બેચેન પહેલી બાર, હમને રાઝ યે જાના…’વારંવાર સાંભળવા ગમે તેવા છે. આખી ફિલ્મમાં બે જ બાબતો દર્શકોને રાહત આપે છે એ છે મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી.
આ ફિલ્મ સિનેમાઘર કે ડિવીડીમાં તો ઠીક પણ ટી.વી. પર આવતી હોય અને તમે સાવ નવરા હોવ તો પણ લૂડો રમી લેજો કાં પૉકેમોન પકડવા નીકળી જજો પણ ‘એક હસિના થી એક દિવાના થા’ જોવાની ભૂલ કરતા નહીં.
ફ્રિ હિટ :
My life may seem glamorous from the outside but off screen it’s as ordinary as anyone else’s. – Shah Rukh Khan
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૦૧-૦૭-૨૦૧૭ )
વેબસાઈટ (davetushar.com)
ફિલ્મ રીવ્યુ
Leave a Reply