સાવધાન: એક ભારતમાં બે ભારત બહુ જોરશોરથી જન્મ લઈ રહ્યા છે. એક ભારત સુંવાળા સસલાઓનું છે અને બીજું ક્રિમિનલ સાયકોનું વિકસી રહ્યું છે….
તમે કોઈ મેટ્રો શહેરની મોટી સ્કૂલ, કોલેજ, શોપિંગ મોલ કે ઓફિસોમાં આંટો મારજો. મોટાભાગના યુવાનો તમને એવા દેખાશે જેને જોતા જ થાય કે આ તો એરકન્ડિશનની બહાર નીકળે એવા જ બેભાન થઈ જશે. એ જ શહેરના અમુક જાહેર વિસ્તારમાં, કે સડક પર નજર ફેરવતા જ આપણને થાય કે આ મવાલીઓ વચ્ચે સ્ત્રીઓ તો શું પુરુષો પણ સુરક્ષિત ના રહી શકે. અને ત્રીજું પણ અતિશય મહત્વનું… આ બન્ને વર્ગ વચ્ચે વિકસી રહ્યો છે, ક્રિમિનલ વૃત્તિ તરફ સાયકો થઈને ઢળતા મિડલ કલાસ યુવાનોનો વર્ગ! આ ત્રણેય વર્ગ ભારત માટે એક યા બીજી રીતે ભયાનક જોખમી છે…
ભારત દૂધની નદીઓનો દેશ હતો એ વાત તો સદીઓ પહેલા જ ઇતિહાસ બની ગયો. આજના ભારતમાં એક વર્ગ પોતાની આવડત અને હોશિયારી કે પહોંચના જોર પર પોતે જ કાયદાઓનો રાજા થઈ ગયો છે તો બીજો વર્ગ શોષાતો, કચડાતો એવો અટવાય ગયો છે કે એ પોતે હવે પોતાના હાથમાં સત્તા લેવાના જોશમાં બેકાબુ બની ગયો છે. અને મોટાભાગના ક્રિમિનલો આ જ બે વર્ગમાંથી પેદા થાય છે. આ કોઈ નવી વાત નથી પણ ભયાનક વાત એ છે કે આ બન્ને વચ્ચેનો એક યુવાનોનો વર્ગ એવો છે જે પોતાની નિષ્ફળતાઓ, લઘુતાગ્રંથિ અને કંઈક નવીન ઓળખ મેળવવાની લ્હાયમાં દેશને ભયજનક નુકસાન પહોંચાડે એ હદનો સાયકો થઈ રહ્યો છે, આવા સાયકો આપણી વચ્ચે જ હોય છે બસ એમને ઓળખવામાં આપણે મોડા પડીએ છીએ…
સુરત જેવી એકાદ ઘટના બને ત્યારે આપણને અચાનક ભાન થાય છે કે ઉપર લખ્યા એવા ત્રણેય વર્ગ હકીકતમાં આપણે જ છીએ. એક સાયકો મવાલી કોઈ યુવતીનું ખૂન કરી નાંખે એની ટીકા આપણે કરીએ છીએ પણ એને બચાવવા આગળ ના આવનાર સુંવાળા સસલા જેવા આપણે જ આ ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ એ આપણને યાદ પણ નથી આવતું. કારણ કે, મૂળભૂત રીતે આપણે ખ્યાલી પુલાવોમાં જીવનાર પ્રજા છીએ. આઝાદી પછી આપણે એકેય ડંડો પણ નથી ખાવો પડ્યો એટલે આપણી પાસે બહાદુરીના ભવ્ય ભૂતકાળની ગાથાઓ સિવાય ગૌરવ લઈ શકાય એવો કોઈ રાષ્ટ્રીય વર્તમાન નથી. ઉપરાંત, હજી આપણે વરસો જૂની ગુલામીની લઘુતાગ્રંથિ અને ગરીબી, બેકારી જેવા વર્તમાન રોગોથી પીડાયા કરીએ છીએ. આ માનસિક તકલીફને સાંત્વના આપવા માટે આપણી પાસે બહાદુરીનો વહેમ, દેશપ્રેમી હોવાની ખોટી સાબિતીઓ અને પોતાની ઓળખ મેળવવાનું આવડત વગરનું એક ઝનૂન માથે સવાર થઈ જાય છે.
આ કરુણ માનસિકતાનું ભયાનક પરિણામ એ આવે છે કે મોટાભાગની સર્જનાત્મક શકિત વ્હેમોમાં જ પુરી થઈ જવાથી વાસ્તવિક પડકારો સામે આવે ત્યારે શેકેલો પાપડ ભાંગવો પણ અઘરો પડી જાય છે. ગાંધીજીની અહિંસાને સોશિયલ મીડિયામાં ગાળો આપવી સહેલી છે પણ એ જ ગાંધીજી તો છોકરીઓની છેડતી બાબતે ચાકુ હુલાવી દેવાની હિંસક માન્યતા રાખતા, પણ આપણી નજર સામે આવી કોઈ ઘટના બને ત્યારે આપણને ગાંધીજીની એ હિંસક સલાહ યાદ આવતી નથી. કારણ કે આપણી શકિતઓ, મર્દાનગીઓ ને વગેરે વગેરે તો ખ્યાલી પુલાવોમાં ક્ષીણ થઈ ચૂક્યું છે. એથી કટોકટીની ઘડીએ કોઈને થઈ રહેલા અન્યાયનો વિડીયો ઉતારવા સિવાય કોઈ જ નક્કર પ્રતિકાર નથી કરી શકતા. છતાં આપણે પોતાના પ્રત્યે સહાનુભૂતિ લેવી છે એટલે પોતાની નાગરિક તરીકેની જવાબદારીમાંથી છટકવા કન્યાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાની દોઢડાહી વાતો કરીએ છીએ. છેલ્લે કંઈ ન થાય તો ફિલ્મોને દોષ આપી દઈએ છીએ. પણ એક વાત ભૂલી જઈએ છીએ કે ફિલ્મોની એમ અસર થઈ જતી હોય તો બાહુબલી જેવા ઝાંબાઝ યુવાનો ગલીએ ગલીએ ફરતા હોત!
બે ડઝન મરદો થઈને જે ટપોરીઓ સામે બાથ ભીડી ના શકતા હોય ત્યાં કોઈ નાજુક કન્યાને ડિફેન્સ તાલીમની સલાહો આપવી એ ખરેખર આપણી બાયલાગીરી છે. આ એ જ મરદો હતા જે ફેસબુકમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી દેતા હતા અને ચીનને ઘૂંટણિયે પાડી દેવાની સલાહો આપતા હતા. એમને અંગ્રેજોની લાકડીઓ સામે મક્કમ ઉભા રહેતા ગાંધીજી બાયલા લાગતા હતા અને એમાં જ માનસિક શકિતઓ ક્ષીણ થઈ જતા જ્યારે ખરેખર ગાંધીજીની ચાકુ હુલાવી દેવાની વાત અમલમાં મુકવાનો વિચાર આવતા જ ટાંટિયાં ઢીલા પડી જતા હતા. વાત આ એક ઘટનાની નથી, આવી ઘટનાઓ છાશવારે આ દેશમાં બનતી જ રહે છે પણ ક્યાંય અપવાદ સિવાય ક્રિમિનલ સાયકોનો કોઈએ સામનો કર્યાનું આપણને યાદ નથી.
કેમ કે આપણી આસપાસ દેખાતા હટ્ટટા કટ્ટટા જુવાનોમાંથી અમુક ભણીગણીને કારમાં ફરતા ને રેવ પાર્ટીઓ કરતા સાવ નમાલા થઈ ગયા છે તો અમુક માથાભારે યુવાનો કોઈ રાજકીય પાર્ટીઓના હાથા બનીને કે કોર્પોરેટ દુનિયામાં ઓળખ મેળવવાના સપનાઓ જોતા પોતે જ ક્રિમિનલ બની ગયા છે. રાષ્ટ્રની રક્ષા કરવા માટે સોશિયલ મીડિયા આપણું અંતિમ માધ્યમ બની ગયું છે. પણ હકીકતમાં ઘણી જિંદગીઓ એવી ગૂંચવાઈ ગઈ છે કે ભગતસિંહોની વાતો કરતા યુવાનો વાસ્તવમાં ગાંધીજીના ત્રણ વાંદરાઓ જેવા મુક પ્રેક્ષક બની ગયા છે ને અમુક યુવાનો ડોન,ભાઈ કે નેતા બની જવાની લ્હાયમાં ક્રિમિનલ થઈ ગયા છે. ક્રિમિનલ વૃત્તિઓને આ દેશના ફલેક્સિબલ કાયદાઓની ખાસ બીક નથી એ વાત વર્ષોથી ઉઘાડી પડી ગઈ છે. છતાં, એમના એન્કાઉન્ટર કરવામાં આપણા માનવ અધિકારો વચ્ચે આવી જાય છે. કેમ કે આપણો એક વર્ગ તો બાયલો નમાલો ને સુંવાળો છે, જેને વાસ્તવિક દુનિયાનું કોઈ ભાન જ નથી ને એમની અંગત જિંદગીમાં એવા કોઈ પડકારો ભટકાયા પણ નથી…
વળી, ક્રિમિનલ અમુક જ્ઞાતિનો કે કોમનો હોય તો જ હથિયાર ઉઠાવવાની ઓનલાઈન (ફક્ત ઓનલાઈન જ) સાચો આક્રોશ જાગે બાકી જ્યાં પોતાની જ લાગણીઓ ભોંઠી પડી જતી લાગે ત્યાં ડાહીડમરી સલાહો આપીને છટકી જવાનું. કેમ કે રાજકારણનો રંગ આપણા લોહીમાં એવો ઉતરી ગયો છે કે આપણી પ્રાથમિક વિચારશકિત પર આપણા કરતા મજબૂત પકડ આપણી રાજનીતિની છે. સાચો આક્રોશ કરતી વખતે આપણે સભાન થઈ જઈએ છીએ કારણ કે ચીન ને પાકિસ્તાન તો આપણને પર્સનલી ગોળી મારે એવા ચાન્સ ઓછા છે, કોઈ સ્ત્રીના પહેરવેશ સામે ધાર્મિક નારાઓ લગાવવા પણ પ્રમાણમાં સહેલાં છે, પણ ટપોરીઓનો સામનો કરવામાં ક્યાંક એકાદ ઘસરકો થઈ પણ જાય!
બાય ધી વે, જગત આમ જ ચાલતું રહેશે, આપણા જેવાઓ ફેસબુક પર લખ્યા કરશે,ને પછી ગોદડા ઓઢીને પોતાની સલામત દુનિયામાં ખોવાઈ જશે, નેતાઓ સિલેકટિવ રાજનીતિ કરતા રહેશે. બાકી, સાયકો ક્રિમિનલની દુનિયા આપણી અત્યારની પરિસ્થિતિમાં પોતાનું જોર વધારતી જ રહેશે…🙏
~ Bhagirath Jogia
Leave a Reply