પહેલીવાર તાલાલા ગિરમાં આમની લેખનશૈલીનો પરિચય થયો. ડો.શરદ ઠાકર…? મને તો શું ખબર કોણ હશે ? પરંતુ ત્યારે દિવ્યભાસ્કરમાં લેખકનો ફોટો છપાતો. એટલે તેમનો ચહેરો જોયેલો. હવે છાપામાં તમારો લેખક તરીકે ફોટો છપાય એટલે તમારૂ અંતરમન કહેવા માંડે ,’અલ્યા ઓય, આ લેખક તો જો જુવાન.’ પણ બાદમાં જ્યારે તમે તે વ્યક્તિને મળો ત્યારે ખ્યાલ આવે લેખક તો તમારા દાદાની ઊંમરના થઈ ગયા. આટલી તપશ્યા કર્યા બાદ ખૂબ પાછળથી 25 વર્ષની ઢળતી વયે અને પાછા બોનસમાં લગ્ન થઈ ગયા બાદ ડો. શરદ ઠાકર સાથે મિલાપ થયો. આ પહેલા આ ડોક્ટર સાથેનો મારો નાતો કેવો હતો ? આ જુઓ…
‘ગીતા તારા દિલમાં ઘણી ટ્રેનો આવતી જતી હશે, પરંતુ તને કહી દઊં મારા દિલમાં તારા નામની એક જ ટ્રેન છે.’
‘આમ તો પ્રશાંત દેખાવે સાવ સામાન્ય લાગતો હતો, પરંતુ બ્યુટીપાર્લરમાં જઈ 5000 રૂપિયાના ખર્ચે તેણે ખૂદનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો.’
તો ચોપાટ નવલકથામાં આવે છે, ‘પૂરૂષને માત્ર ત્રણ જ વસ્તુઓની જરૂર હોય છે, પૈસૌ, પ્રતિષ્ઠા અને પદમણી…’
મારા બાપા ફેસબુક નથી વાપરતા. બાકી આજે જો તે ઊપરના વિધાનો વાંચે તો અચૂક મને અમદાવાદ આવીને મારે. અલ્યા આવા તે તુ ક્યા પુસ્તકનો અભ્યાસ કરે છો…?’
અમારી આઝાદ ચોકની લાઈબ્રેરીમાં એક પટ્ટાવાળો હતો. નામ હતું હિતેશભાઈ. હિતેશભાઈની પાસે જાવ એટલે તમને શરદ ઠાકરના આવા મર્મ અને કર્મશીલ ક્વોટેશનો મળે. તેને મોઢે જ હોય. જ્યારે હું પહેલીવાર તેને મળ્યો અને શરદ ઠાકરની રણમાં ખીલ્યું ગુલાબનો પહેલો ભાગ તેણે મારા હાથમાં જોયો તો આનંદથી ઊછળી પડ્યો, ‘અરે, શું લઈ જાવ છો ?’
મેં પૂછ્યું,‘કેમ ?’
‘અમૃત છે, મારા ભાઈ અમૃત. જીવન સુધરી જશે. ચાર પાનાની વાર્તાઓ છે, પરંતુ શું લખ્યું છે, તમે જુઓ. કાળજે કટારી લાગી જાય.’
મને ખબર હતી કાળજે કટારી તો લાગશે, કારણ કે હું તો ખૂબ પહેલાથી વાંચતો હતો. તેણે ફરી કહ્યું, ‘વેલેરા લાઈબ્રેરીમાં દઈ જજો મારા જીવનની મુડી આજ છે.’ મેં હકારમાં માથુ ધુણાવ્યું. બહાર નીકળ્યો. જ્યારે પાંચ દિવસ પછી પાછી દેવા આવ્યો ત્યારે પેલો બોલ્યો, ‘ખૂબ મોડા આવ્યા.’
હું વિસ્મયપૂર્વક તેની સામે જોઈ રહ્યો, ‘મોડો, અરે મારા ભાઈ 14 દિવસમાં ખાલી પાંચ જ દાડા થયા…’
મારી અને તેની દોસ્તી શરદ ઠાકરના કારણે જામી ગઈ. તેણે મને શરદ ઠાકરના તમામ પુસ્તકો વાંચવા આપ્યા. ઊપરથી મિત્ર સાગર પોપટના કારણે સિંહપૂરૂષ પણ વાંચવા મળી, પરંતુ જે મજા પેલો પટ્ટાવાળો ચોરીચોરીને પુસ્તકો વાંચવા આપે તેવી આમા નહતી. કોઈ બીજુ શરદ ઠાકરની બુક ન લઈ જાય આ માટે શ્રીમાન હિતેશ જૂનાગઢના જૂના કબાટમાં સંતાડીને રાખતા. આમને આમ તે મારો દૂરનો પાડોશી પણ થયો.
એકવાર ચાલીને આઝાદ ચોક લાઈબ્રેરી જતો હતો. હું સાઈકલ લઈ પાછળથી આવતો હતો. ત્યારે કોલેજમાં જવા માટે સાઈકલ એ સારૂ વાહન ગણાતું. જૂનાગઢને હું પ્રદુષણ મુક્ત રાખવા માગતો હતો ! મેં હિતેશભાઈને જોઈ સાઈકલ રોકી અને કહ્યું, ‘બેસી જાવ…’
‘ના, હવે મયુરભાઈ મારૂ વજન તમે ન ખમી શકો, હું તો શરદ ઠાકરના નાયકની જેમ છું, શરીર સૌષ્ઠવ ધરાવતો.’
હવે તેનો વજન 40 કિલો હતો. આખરે મેં પરાણે બેસાડ્યો. શરદ ઠાકરની વાર્તાઓ વાંચીને હકિકતે તેના વજનમાં વધારો થઈ ગયેલો. બહાઊદ્દિન કોલેજ આવી ગઈ ત્યારે મેં તેને હળવેથી પૂછ્યું, ‘આ શરદ ઠાકરને આટલો પ્રેમ કેમ કરો છો…? કારણ કે આખા રસ્તે તેણે ડો. શરદ ઠાકરની કથાઓમાં આવતી શાયરીઓની બાંગ પોકારી પોકારીને મારા કાનમાંથી મેલ કાઢી નાખેલો.
તેણે હળવેકથી કહ્યું, ‘મારા લગન નથી થયા…!’ હું કોલેજમાં ચાલ્યો ગયો.
હિતેશને તેના પિતા બે જ સાથે રહેતા. તેના જેટલા ભાઈ હતા બધા અકસ્માતે મરેલા. હવે એક હિતેશ જ હતો. પછી તો હિતેશે આઝાદ ચોકની લાઈબ્રેરીને બાઈ બાઈ કરી નાખ્યું. 7 મહિના પછી જ્યારે તે મળ્યો ત્યારે મેં તેને પૂછ્યું, ‘કેમ લાઈબ્રેરીમાં દેખાતા નથી ?’
‘મયુરભાઈ મને કાઢી મુક્યો. હવે શરદ ઠાકરની બુક કેમ વાંચુ…? ઊપરથી હમણાં કોઈ કામ નથી. એટલે પૈસા પણ નથી. અને તમને તો ખબર છે ને શરદ ઠાકરના પુસ્તકો કેટલા મોંઘા આવે છે.’
હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણવા ગયો અને ત્યાંના બુકફેરમાં ડો. શરદ ઠાકરની રણમાં ખીલ્યું ગુલાબ જોઈ. મારી પાસે હતી, પણ મેં હિતેશ માટે લીધી. તેને મઝા આવે. આજની તારીખે મારી પાસે રણમાં ખીલ્યું ગુલાબના બે ભાગ છે. એક મારા માટે અને એક હિતેશ માટે. હિતેશ મને મળતો નથી. સુખનાથ ચોકમાં તે રહેતો ત્યારે એકાદવાર આટો મારી આવેલો, લાઈબ્રેરીએ ગોહેલ સાહેબને પૂછેલું, પણ એ ટાલિયો સરખો જવાબ જ ન આપે. વિચાર્યુ છે કે શરદ ઠાકરના આટલા મોટા ફેનને તેની પ્રિય બુક વિના તો મરવા ન દેવાય. હવે ક્યારેક જૂનાગઢ મળે તો ઘરે લઈ જાવો છે, જેથી ચોપડી પકડાવી શકું.
આ તમને હસાવવા કે રડાવવા નથી લખ્યું. શરદ ઠાકરે ગુજરાતને પ્રેમ કરતા શીખવ્યું છે, એટલા માટે લખ્યું છે. તમે તેની પહેલી નવલકથા ચોપાટની પ્રસ્તાવના વાંચશો તો ખ્યાલ આવશે… અરે, હું જ કહી દઊં….
2011માં કૃષ્ણકાંત ઊનડકટે શરદ ઠાકરને પોતાની ઓફિસે બોલાવ્યા. દિવ્યભાસ્કરમાંથી અભિયાનમાં કૃષ્ણકાન્ત ભાઈનું આગમન થયેલું. જેવા શરદ ઠાકર ત્યાં પહોચ્યા કે, કૃષ્ણકાન્ત ભાઈએ પ્રસ્તાવ મુક્યો, ‘તમારે અભિયાન માટે નવલકથા લખવાની છે.’
ત્યારે ડો.શરદ ઠાકરની વ્યસ્તતા જુઓ. બે કોલમ લખતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ભાસ્કરમાં ધારાવાહિક ચલાવતા. અને અમારી સાથેના વાર્તાલાપમાં પણ તેમણે કહેલું, ‘હું શાંતિથી રાતે સૂવા માંગુ છું. હું છેલ્લા કેટલાય વર્ષોથી સૂતો નથી.’
કે.કેનો આગ્રહ અને ઊપરથી જ્યોતિબેનનો હઠાગ્રહ ભળતા સોનામાં સુગંધ થઈ અને ગુજરાતને શરદ ઠાકર પાસેથી નવલકથા મળી. આ નવલકથાનું નામ ચોપાટ. ડો. શરદ ઠાકર વાર્તાકાર હતા ત્યારે બાળક હતા, પરંતુ પુખ્તવયમાં એટલે કે નવલકથામાં તેમને પ્રવેશ કે. કેએ કરાવ્યો. હવે જોવા જેવું છે.
ત્ચારે ડો.શરદ ઠાકરે કહેલું હું ક્રાઈમ થ્રિલર નહીં લખું. હું રોમેન્ટીક થ્રિલર લખીશ. અને મારી નવલકથા 30થી 35 પ્રકરણમાં પૂરી થઈ જશે. શરદ ઠાકર સામે થમ્સ અપ કરવામાં આવ્યું. પરંતુ વિધાતાને કંઈક ઓર મંજૂર હતું. કે.કે અભિયાન છોડી સંદેશમાં ચાલ્યા ગયા. અને શરદ ઠાકર પાંગળા થઈ ગયા, પરંતુ એ શરદ ઠાકર હતા. તેમણે લખવાની શરૂઆત કરી ત્યારે ગિરીશભાઈ ત્રિવેદી અભિયાનના તંત્રી બની ચુક્યા હતા. ગિરીશભાઈ ત્રિવેદી સાથે તેઓ એવા ભળી ગયા કે, વાત ન પૂછો. તેનું કારણ ગિરીશભાઈ જૂનાગઢની એ જ સ્કૂલમાં ભણેલા જ્યાં ડો. શરદ ઠાકર પછી ભણ્યા હતા.
આ નવલકથા સફળ ગઈ એટલે તેમને બીજી નવલકથા લખવાનું આમંત્રણ મળ્યું. આ નવલકથાનું નામ શ્વાસ-વિશ્વાસ. ડો. શરદ ઠાકર સ્વીકારે છે, હું કોઈ દિવસ કાલ્પનિક કથાઓ નથી લખતો. હું વાસ્તવિકકથાઓ લખવામાં જ માનું છું, મેં અત્યાર સુધી જેટલું પણ લખ્યું છે, તે તમામ હકિકતોની એરણ પર તપાસીને લખ્યું છે. યુવાનો અને યુવતીઓ મારી પાસે પોતાની લવસ્ટોરી કહે છે, અને મને લાગે કે આ લખ્યા જેવું છે, તો હું લખું છું. તેમને અમારા ટીવી નાઈનના કલીંગ્સ એ જ પૂછતા હતા કે આ તમે તમારા પાત્રોના નામકરણ કઈ રીતે કરો છો ? તો તેમણે હસતાં કહેલું, ‘હું ગાઈનેકોલોજીસ્ટ છું, અને મેં જ અડધા ગુજરાતના છોકરા છોકરીઓના નામ પાડ્યા હશે, એવુ લાગે છે.’
તો વાત આડે પાટે ચઠી ગઈ. બન્યું એવુ કે બીજી નવલકથા બે મહિનામાં જ શરૂ કરવાની હતી. શરદ ઠાકરે મનમાં ધારી લીધેલું કે લખવું તો સત્યઘટના પર. હવે જ્યારે ગુજરાતના આ કામદેવ ધારે અને ન બને તેવું થાય ? 1999ની એક સત્યઘટના તેમના હાથમાં લાગી ગઈ. નવલકથા લખાઈ અને એસ.એમ.એસનો ડો. શરદ ઠાકર પર મારો થયો. નવલકથા પોપ્યુલર થઈ ગઈ.
જ્યારે ડો. સાહેબ દક્ષિણ ગુજરાતમાં ભાષણ આપવા માટે ગયા ત્યારે એક વ્યકિતએ તેમનો રસ્તો રોકી લીધો. તેની સાથે આખુ ટોળું હતું, ‘તુ મોટો લેખક હોય તો તારા ઘરનો ! એટલું કહી જવા દઈએ છીએ કે એ… ને જો જીવતો જવા દીધો તો તારી ખેર નથી. એના મનમાં એ હું સમજતો આખી દુનિયાએ બંગડીઓ પેરી છે કે હું…?
આ જાદુ છે ડો. શરદ ઠાકરની કલમમાં, ગમે એમ તોય અમારા જૂનાગઢના રહ્યાને…
~ મયુર ખાવડુ
Leave a Reply