ડોના બેનર્જી અને સૌરવ ગાંગુલીના ઘરની બાઉન્ડ્રી એક. બંનેના ઘર નજદીક. જેવુ કે કોઇ ફિલ્મની પ્રેમ કહાની માં થાય, તેવુ ડોના અને સૌરવના જીવનમાં થયુ. હા ભલે ઘર એકબીજાની નજીક હતા. આમછતા કોઇ દિવસ આ બંનેના પરિવારજનો એકબીજા સાથે બોલતા પણ નહિ. મોટાભાગનાની લવસ્ટોરીની શરૂઆત આ રીતે જ થતી હોય છે. ડોના અને સૌરવ નાના હતા, અને બાળમન સહજ કોઇ વાર એકબીજા વાતો કરતા હોય, અને તેમાં પરિવારનું કોઇ સભ્ય જોઇ જાય, તો આવી બન્યું. ડોના તો ઓકે પણ સૌરવ જો વાત કરે તો તેના પરિવારના લોકો તેને ડોનાની સામે મારે. ત્યારે સૌરવના ચહેરા પર હાસ્ય હોય, કારણકે આ ભાઇ માર ખાતા હોય અને નાની ડોના રડતી હોય. કોઇ બાળપણથી ફિકર કરવાવાળુ હોય, તો પ્રેમમાં બીજુ શું જોઇએ. સૌરવને માર ન પડે એટલે ડોના તેનાથી દૂર રહેતી. અને દાદા તેની સાથે વાત કરવાના મોકા શોધતા. નાનો સૌરવ સમજતો થયો , ત્યાંજ તેને લાઇટ થઈ. નહિ યાર કંઇક છે મારા અને ડોનાની વચ્ચે.પણ શું ? તે નાના સૌરવને ખબર પણ ન હતી.
ગાંગુલી સેટ ઝેવિયર્સમાં ભણતા અને ડોના લોરેટો કોન્વેટમાં. સૌરવ ડોનાની એક ઝલક માટે તેની સ્કુલમાંથી ગુલ્લી મારી ડોનાની સ્કુલે આંટા મારતા. જ્યારે ડોના ન હોય ત્યારે સૌરવ પોતાના મનને એ કહિ મનાવતા કે ચાલો તે નથી પણ તેની સ્કુલ તો છે. જ્યારે ડોના સૌરવના મેચ છુપીને જોતી. એ પણ સૌરવની જાણ વિના. એકબીજા આ રીતે દિલને તસલ્લી આપતા. નિ: સ્વાર્થ પ્રેમ, માનો કે પ્લેટોનિક લવ. બંને આગળ વધતા ગયા .સૌરવ ડોના મોટા થયા અને ખ્યાલ આવ્યો કે આ પ્રેમ છે. 12માં ધોરણમાં બંનેએ ગંભીરતા લીધી. આમ છતા બંનેના પરિવારજનો વિરોધી. સૌરવના પરિવારના લોકો કહેતા , “ગેર બ્રાહ્મણ છોકરી, ના ના…”
પ્રેમ ટક્યો સૌરવે પોતાના ક્રિકેટ કરિયર તરફ તો ડોના ઓડિસી ડાન્સ તરફ ધ્યાન આપવા માંડી. ડોના સારી ડાન્સર હોવા પાછળનું કારણ તેના ગુરૂ કેલુચરન હતા. લવ સ્ટોરી આગળ વધતી ન હતી .સૌરવનો પરિવાર ખૂબ અમીર હતો અને ડોનાનો નહીં. સૌરવના ઘરના લોકો કોઇ સમકક્ષ પરિવાર શોધતા હતા, જે ડોનાના પરિવારથી ઉંચો હોય. બીજુ ડોનાનું ડાન્સર હોવુ તેમના પરિવારને મંજૂર ન હતું. ઘરની વહુ નાચે ?
બંને મોટા થયા હતા. સૌરવનું ભારતીય ટીમમાં સિલેક્શન થઈ ગયુ હતું. જેથી તેને વારંવાર રાજ્ય અને દેશમાં મેચ માટે ઘૂમવુ પડતુ. આ તરફ ડોના સૌરવ વિના સાવ એકલી થઈ ગઈ હતી. જ્યારે પરિવારને તેમના સંબંધોની ગંધ આવવા લાગી અને સૌરવની ગેરહાજરીમાં ડોના પર આફત આવી ગઇ. એક છોકરા માટે આ સામાન્ય હોય શકે છોકરી માટે નહિ. ડોનાનું બહાર નીકળવુ બંધ થઈ ગયુ.
અને ત્યાંજ દાદાએ ઇંગ્લેન્ડ સામે 131 રનની ઇનિંગ રમી. દુનિયાને પોતાની દાદાગીરી બતાવી. સૌરવ ફેમસ થવા લાગ્યા. ડોના સૌરવની રાહમાં તડપવા લાગી. બીજી બાજુ સૌરવને લાગ્યુ કે જો તે ડોનાના વિચારમાં રહેશે તો ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રીત નહી થાય. એટલે કરો કંકુના.
સૌરવે ડોનાને ફોન કરી કોલકતા હોવાની જાણ કરી. ફોનમાં સૌરવે કહ્યું,”ડોના લગ્ન કરવા છે, આજે જ, તારા સિવાય હું બીજી કોઇસાથે લગ્ન નહિ કરૂ.” ડોના તૈયાર થઈ ગઈ. સૌરવે છેલ્લે ફોન મુકતા કહ્યું ,”ડોના, આઇ લવ યુ .” ડોનાની આંખમાંથી આંસુ વહ્યા.
ગાંગુલીએ પોતાના સાથી મેલોય બેનર્જીને બોલાવ્યો. ડોનાને ફોનમાં જણાવ્યા પ્રમાણે દક્ષિણ કલકત્તાના બેનર્જી નિવાસે પહોંચ્યા. જ્યાં મીડિયાને આ વાતની જાણ ન થાય એટલે મિત્ર મેલોયના ઘરે રજીસ્ટ્રારને બોલાવ્યો અને બંનેએ લગ્ન કરી લીધા. 12 ઓગસ્ટ 1996, 23 વર્ષનો સૌરવ 20 વર્ષની ડોનાને પરણ્યો.
આ વાત વધારે છુપી ન રહી અને બંનેના પરિવારજનોને ખબર પડી ગઈ. પહેલા દુખી થયા, ખીજાયા અને પછી માની ગયા. 21 ફેબ્રુઆરી 1997 પરંપરાગત રીતે લગ્નના તાંતણે બંધાયા. તેમને ત્યાં ‘સના’ નામની દિકરી આવી. અને અત્યારે પણ આ બંને પરફેક્ટ કપલ છે.
~ મયુર ખાવડુ
Leave a Reply