આપણા બાપ દાદા કે એમની ઉંમરના બીજા કોઈ વડીલો પાસેથી ક્યારેય સાંભળ્યું કે એમને ડિપ્રેશન હતું? તકલીફ તો એમને ય હતી. કોઈએ નવા નવા આઝાદ થયેલા દેશની ગરીબીમાંથી જિંદગી શરૂ કરી તો કોઈએ ખેતરોમાં મજૂરી કરી. કોઈએ નાના મોટા ધંધા કરીને જેમ તેમ પરિવારને બે પાંદડે પહોંચાડ્યું. સ્ત્રીઓની તો પેઢીઓની પેઢીઓ આખી જિંદગી બાળકો પેદા કરવામાં ને પરિવારનું વૈતરું કરવામાં પુરી થઈ ગઈ. ના તો એમની પાસે હાઈપ્રોફાઈલ પાર્ટીઓ કરવાની સગવડ હતી કે નહોતી દુનિયાને હથેળીમાં લઈને માણી શકાય એવા મોબાઇલ- ઈન્ટરનેટની દુનિયા!!!
આ પરિસ્થિતિમાં જીવતા જીવતા ક્યારેક થાકીને એ લોકો ક્યારેક ‘મોળા’ પડી જતા તો ઓટલા પર ચાર પાંચ લોકો ગામ ગપાટા મારતા, બીડીઓના ધુમાડા કરતા ને ચાની મહેફિલ જમાવતા. સંયુક્ત કુટુંબોમાં થતા ઝઘડાઓ ને મનદુઃખમાંથી પણ એમને આત્મહત્યાના વિચારો ના આવતા. કારણ કે જે તકલીફો હતી, સંઘર્ષો હતા, ગરીબીમાંથી ઉદભવેલી કરકસર હતી, એ બધુ જ ‘પોતાના’ માણસોને કારણે હતું. અને એ જ તો જિંદગી હતી. ખુશખુશાલ કે બેહાલ? ઓપિનિયન દરેકના અલગ હોઈ શકે, પણ જેવી હતી એવી જિંદગી હતી. એમાં આત્મહત્યા શું કામ કરવી ને, ડિપ્રેશન વળી કઈ બલાનું નામ હતું? એ શબ્દ જ કોઈએ સાંભળ્યો નહોતો ને એટલે જ જિંદગી જેવી હતી એવી સ્વીકાર્ય હતી…
બદલાતી ઝડપી દુનિયાની તસ્વીર કંઈક એવી રંગીન થઈ ગઈ કે ‘ દુનિયા મેં આયે હૈ તો જીના હી પડેગા, રોતે રોતે હસના શીખો…’ ને બદલે નવી પેઢી ‘મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ…’ ની જીદ પર આવી ગઈ. આ જીદ તો પોતાની ને સમાજની પ્રગતિ માટે આવકાર્ય છે, પણ માનો કે કોઈક કારણે મરજી મુજબની જિંદગી ના જીવી શક્યા તો? તો તરત જ ‘ડિપ્રેશન’ આવી જાય છે ને એ ડિપ્રેશન બહુ લાંબુ ચાલ્યું તો છેલ્લા સ્ટેજમાં જીવનનો અંત પોતાના જ હાથે લાવી દેતી ‘આત્મહત્યા’ બહુ દૂર નથી હોતી. સેલિબ્રિટીઓ ને વિશ્વ મીડિયા પાસેથી આપણે ડિપ્રેશન શબ્દને એક ફેશનરૂપે બહુ ઝડપથી અપનાવી લીધો છે. તો હવે એને ભોગવ્યા વગર છૂટકો જ નથી…
હવે ઓટલા પરિષદો નથી થતી, મોટી મોટી પાર્ટીઓ થાય છે. જ્યાં પોતાના મનની વાત શેર નથી થતી પણ લેટેસ્ટ કાર ને મોબાઈલના મોડેલના પ્રદર્શન થાય છે. આપણે એટલા દંભીને વ્યસ્ત થઈ ગયા છીએ કે ફેસબુક વોટ્સએપમાં પણ નકામા મનાતા માણસોના મેસેજ વાંચવા કે જવાબ આપવા જેટલી પણ તસ્દી લેતા નથી. રજાઓમાં પણ ખાસ અંગત દોસ્તો કે પરિવાર સિવાય આપણને કોઈ મળવા આવે તો આપણને ફાવતું નથી. ટૂંકમાં, જુના જમાના કરતા આપણે અત્યારે બહારની દુનિયા સાથે વધારે કનેકટ છીએ, છતાં આપણું મન દુનિયાથી ડિસકનેકટ જ રહે છે. ચાલો એકવાર માની લઈએ કે બહારની દુનિયા હોય કે ના હોય ખાસ ફરક ના પડવો જોઈએ. પણ આપણી આંતરિક દુનિયા???
ખાસ તો વિભક્ત થયેલા મોડર્ન ફેમિલીઝમાં પરિવારના સભ્યો જ એકબીજાને સમય આપી શકતા નથી. દરેકનો અલગ બિઝનેસ, અલગ મિત્રવર્તુળ ને અલગ અલગ સમસ્યાઓ. માણસ ઘરે હોય ત્યારે ય બહારની દુનિયામાં જ વ્યસ્ત રહે છે. અને એ બહારની દુનિયા કેવી? તો એ ઉપર લખ્યું એવી. આવી જિંદગી જીવાતી હોય ત્યાં માણસ લાંબા સમયે ના ઘરનો રહે કે ના ઘાટનો. ‘એકલતા’ની અવસ્થા સમજાય ત્યારે એના સોલ્યુશન્સ બહુ દૂર ચાલ્યા ગયા હોય. સોલ્યુશન નજીક હોય તો ય અંતરો નેચરલી જ એટલા વધી ગયા હોય કે શેરિંગ-કેરિંગ જેવા સોલ્યુશન તો ટાઇમવેસ્ટ લાગે. ને કદાચ તમે સંવેદનશીલ હો તો પણ આખી દુનિયા તો એવી લાગણીશીલ હોતી નથી. એટલે જુના સંસ્કૃત શ્લોક “આત્મન છિદ્રમ ન પ્રકાશયતે” માફક કઠોર ને વ્યવહારુ ડાહ્યાડમરા લોકો સામે આત્મા ખુલ્લો કરવાથી સોલ્યુશન ને બદલે કન્ફ્યુઝન પણ ઉભા થઈ શકે છે! તો એક જ રસ્તો બચે છે આપણી પાસે. ‘એકલતાનો વૈભવ’…
શું કામ દર વખતે આશા રાખવી કે દુનિયા આપણને સમજે? કે કોઈ અંગત વ્યક્તિ આપણો અરીસો બને? નસીબજોગે કોઈક એવુ હમદમ મળી જાય તો ઠીક છે બાકી એકલા આપણી જાત સાથે વાર્તાઓ કરતા ને ગીતો ગાતા જલસા ના કરાય? ફેમિલી મેમ્બર્સ સાથે ગપ્પા મારવા ને અમુક અંગત દોસ્તો સાથે મનની વાત કરવામાં પણ સ્ટેટ્સ ને ‘આ શું વિચારશે મારા વિશે?’ એવી ચિંતાઓ કર્યા વગર ખુલી કેમ ન શકાય? માનો કે આમાંનું કંઈ જ શક્ય ન હોય તો પુસ્તકો વાંચતા, ફિલ્મો જોતા ને ગીતો સાંભળતા ‘પીડા બની પરમેશ્વરી’ની જેમ જીવી ના શકાય? દેવું કરીને પણ ઘી પીઓ જેવી વ્યવહારુ સલાહ તો આપણા ચર્વક ઋષિ આપી ગયા છે. એમને અવગણીને ઉધાર લીધેલો શબ્દ ‘ ડિપ્રેશન’ શું કામ મન પર હાવી થઈ જાય?
નવી પેઢીમાં મહત્વકાંક્ષાઓ વધતી જાય છે. અને એ વધવી જ જોઈએ. મોંઘી બાઇક, બ્રાન્ડેડ કપડાં, લેટેસ્ટ મોબાઈલ વાપરવા જ જોઈએ. કોર્પોરેટ લાઈફ ને આલીશાન ઘરની સાથે લાંબી ગાડી સુધી પહોંચવાના સપના જોવા જ જોઈએ. આપણને સમજે એવો પ્રેમી કે પ્રેમિકા હોવી જ જોઈએ. જિંદગી કોઈ નાની મોટી સમસ્યાઓ વગર સપાટ વહેવી જ જોઈએ…પણ એ તો આદર્શ જિંદગી થઈ, ને એવી જિંદગી આજ સુધી કોને મળી છે? વળી, બધું જ ઠીકઠાક સદનસીબે ચાલતું હોય તો પણ બુદ્ધિ સ્થિર ના હોય તો મોંઘી કાર પણ આઉટડેટેડ લાગે ને પ્રેમિકા પણ સમય જતાં બોરિંગ લાગે. વિદેશની ટુરમાં પણ અમુક પ્રવાસો પછી કોઈ નવાઈ ના લાગે તો ફરીથી ડિપ્રેશન આવશે! ત્યારે ય આત્મહત્યા કરવાની?
આ દુનિયાનો ઉદય થયો ત્યારથી જ જગત આખું દુઃખી છે ને નાશ થશે ત્યાં સુધી દુઃખનું અસ્તિત્વ અણનમ જ રહેવાનું છે. મધુ રાયની એક નવલકથામાં આવે છે એમ ‘સુખ તો એક છલના છે. સુખી થવાના હવાતિયાં મારવાથી માણસ વધારે ને વધારે દુઃખી થતો જાય છે…’ દુઃખોના પહાડમાંથી માણસે પોતાના ધીરજ ધરેલા પ્રયાસોથી સુખનું એકાદ નાનકડું ઝરણું શોધી લેવાનું છે. એમાં થોડા છબછબિયાં કરીને ફરી પાછું દુઃખના શરણે ગયા વગર તો છુટકારો જ નથી. કોઈ સંજોગ આપણા પક્ષમાં ના હોય કે કોઈ વ્યક્તિ આપણું પોતાનું કહી શકાય એવું ના હોય તો પણ આપણને પોતાને તો આપણી જાતથી દૂર કરી શકવાની કોઈની તાકાત જ નથી, સિવાય કે આપણા પોતાની એમાં સંમતિ હોય! નદી કિનારે કે બગીચામાં એકલા બેસીને સિગારેટ પીતા, મોબાઈલ મચેડતા નકામી કવિતાઓ લખવાનું પણ એક સુખ હોય છે. એ સુખ તો આપણી પોતાની જ અમાનત છે ને? એ પણ શક્ય ના હોય તો દુઃખીના દાળિયા થઈ જવામાં પણ કશી ખોટ નથી. એક જ નિયમ યાદ રાખવો કે બસ, મુજે મરના નહિ હૈ…
ડિપ્રેશનનો એક જ ઈલાજ છે, એની સાથે જીવતા શીખી લેવાનું. ફરિયાદ કર્યા વગર કે દુઃખી થયા વગર એની સાથે જીવતા શીખી ગયા તો બદલાતા જમાનાની તાસીર મુજબ ધીમે ધીમે આપણે ડિપ્રેશનથી પણ કંટાળી જશું અથવા તો એ આપણાથી કંટાળી જશે ને ભાગી જશે. સિદ્ધાર્થના લેખક હરમાન હેસ કહેતા એમ જિંદગી પાસેથી મને શું જોઈએ? એક મૂડ, એક પોતીકો રંગ અને બહુ ખુશનસીબ હોઉં તો એક ગીત!
Bhagirath Jogia
Leave a Reply