મને એક વિચાર આવ્યો છે.
હું તને દારિકા કહીને બોલાવુ તો કેવું ?
એનાથી તને એક ઓળખ મળશે.
દારિકા – એક દિકરી, મારી વિશ્વાસુ સખી.
ગમે તેમ તોય આપણે પરસ્પર જોડાયેલાં તો છીએ, ખરું ને ?
મારી દાદી મને પૂછ્યા કરે છે કે હું કેમ સતત જાત સાથે વાતો કર્યા કરું છું ?
મારી દાદી અર્ચી અમ્માને તારા અસ્તિત્વની ખબર નથી.
હું શું કહુ છું તે તું જ સમજી શકે તેમ છે, અને એટલે જ હું તારી સાથે વાતો કર્યા કરૂ છું, તારા સર્જન પાછળની કહાણી…
તું તો એક ભૃણ માત્ર છે હજુ. કુદરત તને બાહ્ય તકલીફોથી બચાવે છે.
હું જ્યારે જ્યારે બોલીશ ત્યારે તું સાંભળીશ તો ખરી, પણ મારી નિંદર જેમ હરામ થઇ ગઇ છે તેમ તારી ઉંઘ બગડશે નહીં. મને આવતા દુ:સ્વપ્નો તને ખલેલ નહીં પહોંચાડે.
હું આપણી પથારીમાં પડખાં ફેરવતી હોઉ છું, તે તને અનુભવાય છે ખરું ?
મારૂ કમનસીબ છે કે હું નથી બાળકી કે નથી સ્ત્રી. હું પણ જો તારી જેમ જ મારી માના ગર્ભમાં ટૂંટિયુ વાળીને આરામથી સુતેલો ટચુકડો ભૃણ હોત તો, મને કોઇ સ્પર્શી પણ ન શકત.
કોઇની સાથે વાત કરી હૈયું હળવું કરવાની મને જરૂર ન પડત.
હું માત્ર ચૌદ વર્ષની જ છું અને છેક મધ્ય પૂર્વના વિસ્તારમાં જતી રહેલી મારી માની મને ખુબ જ ખોટ સાલે છે.
તેણે જવું કંઇ જરૂરી હતું… બોલ ?
તે આપણા માટે ઘડૂલો ભરીને સોનું કમાવા ગઇ છે, બોલ…
સાથે રહેવા કરતાં પૈસા વધારે અગત્યના કેવી રીતે હોઇ શકે ?
મા ગઇ તે પહેલાની મા મને યાદ આવે છે. તે મારા વાળ ઓળી આપતી, મારું મોં ધોઇ આપતી અને શાળાના મારા એક માત્ર સફેદ ગણવેશને પણ ધોઇને તેને કાંજી પણ કરી આપતી હતી.
હું હવે શાળાએ જતી નથી એટલે હવે તે સફેદ ગણવેશની મને જરૂર રહી નથી.
મારો નાનો ભાઇ હજુ શાળાએ જાય છે.
તે હજુ માત્ર અગિયાર વર્ષનો જ છે પરંતુ મારી માફક તેને માની ખોટ સાલતી નથી કારણ કે હું તેના શાળાના ગણવેશ ધોઇ આપુ છું અને બન્ને સમયનું ભોજન બનાવી આપું છું. પરંતુ તે મારી સામે જોવાનું અને વાત કરવાનું ટાળે છે.
તેનું આવું વર્તન મને ખૂબ દુભવે છે, પરંતુ મને ખબર છે કે તે આવું કેમ કરે છે. તેને એવું લાગે છે કે મેં પિતાજી પાસેથી મા નું સ્થાન છીનવી લીધું છે. તે પિતાજીની આજૂબાજૂમાં ફરકતો પણ નથી.
મારી દાદી અર્ચી અમ્માને બરોબર દેખાતું નથી અને સંભળાતું પણ નથી. તે કદી એવું પણ નથી પૂછતી કે હવે હું શાળાએ કેમ નથી જતી. હવે હું ઘરે હોઉ છું અને તેને નાળિયેર છીણવામાં અને મરચાની ચટણી બનાવવામાં તેને મદદરૂપ થાઉ છું એનાથી તે ખુશ છે.
દારિકા, એક માત્ર તું જ એવી છે જેની સાથે હું હૈયું હળવું કરી શકું છું. પણ મારે પણ કોઇ સાથે વાત કરવી પડે તે જરૂરી છે.
મારી તબિયત પણ સારી રહેતી નથી અને મને સતત ડર લાગ્યા કરે છે.
માને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે તે શું કહેશે, તે શું કરશે ?
તે પાછી આવે અને તેને ખબર પડે તે પહેલાં મારે કંઇક કરવું પડશે.
દિવસ દરમિયાન પિતાજી નથી મારી સામે જોતા કે નથી મારી નજીક આવતા.
એમને તો માત્ર રાત્રે જ માની ખોટ સાલે છે, અને ત્યારે જ મને બોલાવે છે.
તેઓ માત્ર પોતાની એકલતાનો જ વિચાર કરે છે, નહીં કે મારી !
મને ખબર છે કે ભાઇને પણ રાત્રે સરખી ઉંઘ આવતી નથી. અમે બન્ને પિતાજી બોલાવશે તેવી બીકથી રાત્રિપર્યંત ફફડ્યા કરતાં હોઇએ છીએ. ઘણી વાર તો તેમના શરીરમાંથી દારૂની વાસ આવતી હોય છે.
આ ઘરનો કારભાર સંભાળવા માટે દાદી વધારે વૃધ્ધ ગણાય. ખરેખર તો માએ જતા પહેલાં પોતાની નાની બહેન પુંચી-અમ્મા જેવી, યુવાન હોય તેવી કોઇ સ્ત્રીને ઘરની જવાબદારી સોંપવી જોઇતી હતી. એવું કોઇ જે પિતાજીની જરૂરિયાતોને સંતોષી શકે તેમ હોય. શું મા પિતાજીની જરૂરિયાતોને ભૂલી ગઇ હશે ?
દારિકા, હું તને સ્પષ્ટ કહી દઉ છું કે મારે જ્યારે વાત કરવી હશે ત્યારે હું કંઇ તને પુછવા નહી બેસું. મને જ્યારે રાત્રે ઉંઘ નહી આવે, મને જ્યારે રડવું આવશે, મને જ્યારે કોઇ સાથે વાત કરવાનું મન હશે, ત્યારે હું તને પરેશાન કરીશ. કંઇ એવું થોડું છે કે માત્ર પિતાજીને જ હૂંફની જરૂર હોય છે ? તેમની જરૂરિયાતો તો માત્ર શારીરિક હોય છે. મારે તો ઉભરો ઠાલવવો હોય છે.
મને ખાતરી છે કે મારી સાથે આવું બને તે મા કદી ઇચ્છે નહીં. એ તો એવું ઇચ્છતી હતી કે તે પાછી ફરે ત્યાં સુધી હું પવિત્ર, કુંવારી રહું. મને યાદ છે કે હું જ્યારે રજસ્વાલા બની ત્યારથી તે મને પુરુષોની લાલસાભરી આંખોથી બચાવતી હતી. મારો ‘સમયગાળો’ પૂરો ન થાય ત્યાં સુધી બીજા તો ઠીક પણ પિતાજી અને ભાઇને પણ મારી આજુબાજૂમાં ફરકવાની છુટ નહોતી. તે સમયે મા મને ઘડા ભરી ભરીને માથાબોળ નવડાવતી હતી. તેણે મને સોનાનાં બુટિયાં ભેટમાં આપ્યાં હતાં અને મારા ડાઘાવાળાં કપડાંને ધોઇને ચોખ્ખાં કરી આપ્યા હતાં. અને એટલે જ તો આ બધું મને અકળાવી રહ્યું છે. મારી આટલી બધી કાળજી લીધા બાદ તે મને રઝળતી મુકીને કેમ જતી રહી?
બધો વાંક આ સોનાના ઘડૂલાનો જ છે. તેણે આપણી બધાની જિંદગી રોળી નાખી છે.
તેની વિદાયની સાથે જ આ ઘરમાં કોઇ દુષ્ટ તત્વ આવી ગયું છે. રાત્રે મારા અને પિતાજીના ગંદાં કપડાંની વાસ મારો પીછો છોડતી નથી.
હું ઘડેઘડા ભરીને ભલે ગમે તેટલું માથાબોળ નહાઉં તો પણ આ ગંદી વાસ મારો કેડો મુકતી નથી.
દારિકા… ઓ દારિકા… તું ક્યાં છે ? તું મારાથી શા માટે છુપાય છે ? હમણાં હમણાં એવું લાગે છે કે જાણે તું મારી અંદર હૂંફ અને સુરક્ષા અનુભવતી નથી અને મને સધિયારો પણ નથી આપતી. એવું લાગે છે કે જાણે હું જેમ તારી સાથે વધુ ને વધુ વાતો કરુ છું તેમ તેમ તું મારાથી દૂર થતી જાય છે. ક્યાંક છેક ગર્ભમાં તો તને હું સ્પર્શી ગઇ નથીને ? શું તું એટલે જ તો એકદમ મૌન અને સ્થિર બનીને સાવ હલ્યાચલ્યા વગર મારી અંદર પડી રહેતી નથીને ?
દારિકા, મને તારાથી ડર લાગી રહ્યો છે. એવું લાગે છે કે જાણે તને અચાનક જ તારી ઓળખ મળી ગઇ છે અને હવે તને મારા બોલવા ઉપર શંકાઓ થવા લાગી છે.
જાણે તું હવે માત્ર એક મૌન, સહાનુભૂતિભર્યો ભૃણ નથી રહી. તું જાણે મને પડકારી રહી છે. તું તારા રક્ષણાત્મક કવચમાંથી છટકીને બહાર આવી ગઇ છે.
તને કદાચ હાનિ પહોંચી છે અને એ માટે તું મને જવાબદાર ગણે છે.
તું માત્ર મૌન શ્રોતા રહી નથી પરંતુ મને પૂછે છે કે ” મારું કોઇ ભવિષ્ય છે ? હું જન્મીશ કે પછી મારા જન્મ પહેલાં જ તું મારાથી છૂટકારો પામવાનું તો નથી વિચારી રહી ને ?”
દારિકા, તું મને પરિસ્થિતિ સાથે તાલ મિલાવવાનો સમય પણ આપતી નથી.
વાત કરીને તેં મારા અંતરાત્માને ઢંઢોળ્યો છે.
આ બધું ભયાવહ છે. મને એવું પ્રતીત થાય છે કે જાણે મારી સાથે દગો થયો છે અને મારો સર્વનાશ થયો છે. તું માત્ર એક મૌન શ્રોતા બનીને કેમ રહી શકતી નથી ?
તું મારી વાત સમજવા પ્રયત્ન કર, મેં કંઇ ઇચ્છાપૂર્વક તારું સર્જન કર્યું નથી.
પિતાજીએ તને મારી અંદર આરોપિત કરી છે.
તું એમની પૌત્રી છે, મારું સંતાન નહીં !
મારે તો સંપૂર્ણ સ્ત્રી બનીને મારા પિતા ન હોય તેવા પુરૂષના સંતાનોની મા બનવું છે.
જો, મેં તને ફરીથી દુભવી અને મૂંઝવણમાં મુકીને ?
તું હવે મારી ભિતર મૌન રહી શકીશ નહીં. તું પૂછે છે કે “શું હું જન્મીશ ?” દારિકા, આ પ્રશ્નનો ઉત્તર હું કેવી રીતે આપી શકું દિકરી ?
આપણી બન્નેની જિંદગીઓ સામસામે છે… ક્યાં તો તું બચીશ અને ક્યાં તો હું બચીશ.
જો તું જન્મીશ તો મારું મૃત્યુ નિશ્ચિત જ છે… કલંકિની તરીકે… !
~ ધર્મેન્દ્ર ત્રિવેદી
Leave a Reply