ગુજરાત વિધાનસભાની ધાંધલ ધમાલમાં જેટલી કોમેડી સર્જાય તેટલી સરકસ જોતા પણ ન સર્જાય હોત. નાના બાળકોની સામે ભાજપ અને કોંગ્રેસે બતાવી દીધુ કે, અમે નાના બાળકોથી પણ કમ નથી. ગાંધીનગરના ઘ-5માં આ બધુ થયુ. આ ઘ-5 વાંચીને તો ધારાસભ્યો હજુ પણ પહેલા બીજા ધોરણમાં હોય તેવુ લાગી રહ્યું છે. સાંભળો આમના નિવેદનો.
નિર્મલાબેન વાઘવાણી : નિર્મલા બેન ડોક્ટર હોવા છતા ખૂદનો ઈલાજ ન કરી શક્યા. તેઓ જમણી બાજુ પડ્યા અને ડાબી બાજુએ પાટો વાળ્યો. પત્રકારોએ પૂછ્યુ, ત્યારે જવાબ આપ્યો કે, ‘હું તો જમણી બાજુ પડી ગઈ હતી.’ અરે બેન તો ડાબી બાજુ શું કામે પાટાપીંડી કરી આ મોટો પ્રશ્ન છે. સંજય દત્તને ખબર પડી ગઈ હોત તો કહેત, ડોક્ટર હોતે હુએ ભી આપકો નઈ માલુમ… યા માઈલા..
નીતિન પટેલ : વર્તમાન પત્રમાં લખેલુ હતું ત્યાંથી વાંચ્યુ કે બળવંતભાઈ ઠાકોર અધ્યક્ષ રમણલાલ વોરાની પાછળથી હુમલો કરવા માટે આવ્યા. પોતાનો બચાવ કરવા તેઓ શક્તિસિંહ બાપુની પાછળ સંતાઈ ગયા. આને કહેવાય વિરોધપક્ષથી ખુદનો બચાવ કરવો. ઉપરથી બળવંત ભાઈ અને નીતિન ભાઈને બાહુબલી અને કટ્પ્પા જેવા સંબંધો હોવાનું પણ સામે આવ્યુ. બળવંત ભાઈ નીતિનભાઈની પાછળ 50 મીટર દોડ્યા. જેથી આગામી ઓલમ્પિક સ્પર્ધાની 50 મીટર રેસમાં તેમનું નામ સામેલ થઈ શકે છે.
શક્તિસિંહ ગોહિલ : ભાજપ તો બળવંત ઠાકોરને અલ્પેશ ઠાકોર અને પરેશ ધાનાણીને હાર્દિક પટેલ બનાવી બેઠી છે. આને કહેવાય જોક ઓફ ધ યેર. તેમણે તો એ પણ કહ્યું કે ભાજપના ધારાસભ્યો અમને ગળુ દબાવી મારી નાખવા માગે છે. હા, તેમનું સંખ્યાબળ વધારેને એટલે !!!
ભાજપના એક ધારાસભ્ય : હું તો મારી સાથે બંદુક રાખુ છું. આવુ કહ્યું. ગબ્બરને શરમ આવે છે.
બળદેવ ઠાકોર : બધાએ મને ધક્કો માર્યો. હવે 122 જણા કંઈ ધક્કા મારે…? આ કંઈ મંદિરમાં પૂજા થોડી હતી. અને આમ તો બળદેવજી આ આખી ઘટનામાં તમને ઈજા જ નથી પહોંચી.
ખેડુત : આમા માર તો હું ખાવ છું, પણ હવે તો આ લોકોને ખુદની જ પડી છે, કે મને આટલુ લાગ્યુ. આને આટલુ લાગ્યુ. આત્મહત્યાનો પ્રશ્ન તો સાઈડમાં રહી ગયો. ખેડૂત બેભાન છે.
~ મયુર ખાવડુ
Leave a Reply