ગઈકાલે શ્રીલંકાનું ભારત સામે જે પ્રકારનું વર્તન હતું, તે સમજુ ઘોડાને ઢસડીને પાણી પીવા માટે લઈ જાઓ, તો પણ આવે નહીં તેવુ હતું. ક્રિકેટની દુનિયામાં અત્યારે ભારત જે પ્રકારે રાજ કરી રહ્યું છે, તે જોતા આગળના સમયમાં બીજા દેશમાંથી કોઈ ક્રિકેટનો ધુરંધર પાકે તેવુ લાગતું નથી. શ્રીલંકન ક્રિકેટ ટીમ તો કુમાર સંગારકારા અને મહેલા જયવર્દને જેવા ક્રિકેટરોની નિવૃતિ બાદ ખખડી ગઈ હોય તેવુ લાગે છે. બાકી શ્રીલંકન ક્રિકેટ ટીમના રેકોર્ડસ પર નજર કરીએ તો ભારતને એક સમયે ઓસ્ટ્રેલિયા, સાઊથઆફ્રિકા કે ઈંગ્લેન્ડ જેવી ટીમ સામે મુકાબલો કરતા જેટલો ડર ન લાગતો તેટલો શ્રીલંકા સામે લાગતો હતો. 952 રનનો ટેસ્ટમાં માઈલસ્ટોન કહો કે પછી રનનો માઊન્ટ એવરેસ્ટ આ ખડકનાર શ્રીલંકન ટીમ જ હતી. અને એ પાછુ ભારત સામે. અત્યારે ગરીબી આટો લઈ ગઈ હોય અને લાચારની જેમ બેસવુ પડે તેવી શ્રીલંકન ટીમની હાલત છે. એ ટેસ્ટમેચમાં શ્રીલંકન ઈતિહાસના ઘાતક પ્લેયર એવા સનથ જયસુર્યાએ 340 રનનો પહાડ એકલાહાથે ઊભો કરી દીધેલો. અને અત્યારે ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ જ્યારે વર્ષો જૂનુ દેવુ ચૂકવતી હોય તેવુ લાગે.
ત્યારની બેટીંગ લાઈન-અપ એ પ્રકારની હતી. મારવન અટ્ટપટ્ટુ ક્રિઝ પર ઊભો થઈ જાય તો હલવાનું નામ ન લે તેવો પ્લેયર. સનથ જયસુર્યા જેવો ઘાતક બુલડોઝર, ઊપરથી અર્જુન રણતુંગા ગમે ત્યારે બાઝી પોતાના હાથમાં લઈ લે તેવો વયોવૃદ્ધ થયો હોવા છતા પોતાની બાદશાહી કાયમ રાખતો બલ્લેબાજ ! અને અત્યારે ટીમનું નામ નથી બદલાયું પરંતુ એ ટીમના 11 ખેલાડીઓ કોણ તે પણ માંડ 35 ટકા ભારતીયો જાણતા હશે. ચેતન ભગતે પોતાની ટ્વીટમાં કહેલું કે, ‘શ્રીલંકન ટીમની શાળાઓમાં એક કલાક તો માત્ર હાજરી પૂરવા માટે જોઈએ, તેટલા લાંબા નામ હોય છે.’
ભવેન કચ્છીએ તો પોતાની કોલમમાં લખેલું કે, ક્રિકેટનો રસ ખૂબ ઓછો થઈ રહ્યો છે, એક સમય હતો જ્યારે ભારતીયોને બર્મુડાની ટીમ-11 સાથે અવેજીના 5 ખેલાડીઓના નામ યાદ હોય અને અત્યારે ભારતની ટીમના ઘણાને યાદ નથી ! અરે, આર્ટિકલ વાંચ્યા પછી મને લાગ્યું કે મને ખૂદને યાદ નથી. મારા માટે તો 2003ના વિશ્વકપનો એવો સમય હતો કે, હું ઓસ્ટ્રેલિયાની આખી ટીમને કડકડાટ યાદ રાખી શકતો. મેથ્યુ હેડન સાથે એડમ ગિલિક્રિસ્ટ આવે તેની વિકેટ પડે એટલે કપ્તાન રિકી પોન્ટીંગ આવે પછી ક્રમશ: ડેમિયન માર્ટીન, ડેરેન લેહમન, સ્ટીવ વો, ગ્લેન મેકગ્રા, જેસન ગેલેસ્પી, એન્ડી બિકલ, શેન વોર્ન, બ્રેડ હોજ અને હવે તો ઓસ્ટ્રેલિયાના ઓપનરોના નામ નથી ખબર.
શ્રીલંકાની ટીમ માટે તો એવુ કહી શકાય કે, ટેસ્ટ, ટ્વેન્ટી અને વનડે આમ ત્રણેમાં વિશ્વ રેકોર્ડ આ અડધા વિન્ડીઝીયન દેખાતા કાળીયાઓના નામે જ છે. અગાઊ ટેસ્ટનો કહ્યો, પરંતુ જ્યારે સાઊથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 400 રનનું રમખાણ મચ્યું તેના થોડા સમયમાં જ 443 રનનો નેધરલેન્ડ સામે જીરાફ જેવો લાંબો લચક સ્કોર કરી દીધેલો. આજે પણ આ સ્કોર રેકોર્ડ બુકમાં અકબંધ છે. તો બીજી તરફ કેન્યા સામે T20 મેચમાં આરામથી 260 કરી દીધા. હવે ગમે તેટલી ફાસ્ટ બેટીંગ કરો આ રેકોર્ડે પહોંચતા જ ફીણ આવી જાય.
મુથૈયા મુરલીધરન જેવો બીજો બોલર પણ નથી આપી શક્યા. વચ્ચે અજંતા મેન્ડિસ જેવો ફિરકીબાઝ લઈને આવેલા, પરંતુ ભારતને હેરાન પરેશાન કર્યા બાદ વિરેન્દ્ર સહેવાગે જ મેન્ડિસના ભૂક્કા બોલાવી દીધા. જે તે સમયે અજંતાને બીજો મુરલીધરન ગણવામાં આવતો, તે પણ કાળનીગર્તામાં ખોવાઈ ગયો, લોપ થઈ ગયો, વિલિન થઈ ગયો.
શ્રીલંકન ટીમ પાસે કુમાર સંગારકારા જેવો વિકેટકિપર પ્લસ બેટ્સમેન પણ નથી. સૌથી વધારે રન કરીને પોતાના જ કુટુંબી જયસુર્યાના રેકોર્ડને ધ્વંસ કરનારો આ બેટ્સમેન જ્યારે 2011ની વિશ્વકપ ફાઈનલ ભારત સામે હાર્યો, ત્યારે તમામ જવાબદારી તેણે પોતે સ્વીકારી અને ભારતીય ટીમની જીતની ઊજવણીમાં હસતો રહ્યો. રાજકોટમાં જે 48 બોલમાં 90 રન કરીને સંગારકારા આઊટ થયેલો ત્યારે ભારત માત્ર 3 રનથી જીત મેળવી શકેલું.
આવુ માત્ર શ્રીલંકન ટીમ સાથે નથી થયું. એક સમયની ઘાતક અને જેની સામે ક્રિકેટ બોર્ડ મેચ રાખે તો બે દિવસ તાવ આવી જાય તેવી વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે પણ થયું છે. અત્યારે તો વેસ્ટ ઈન્ડિઝે પોતાનું નામ બદલી વિન્ડીઝ કરી નાખ્યું, પણ વિન્ડીઝની રેંન્કિંગ એ હદે ગગળેલી કે બાંગ્લાદેશની પાછળ ચાલ્યું ગયેલું. કેરેબિયનોએ એ પછી તો પોતાના ભવ્ય ભૂતકાળને વગોળવા માટે ફિલ્મ બનાવી. અને ક્રિકેટર્સને બતાવ્યું કે આપણે પેલા પણ આવા જ હતા અત્યારે પણ આવા જ છીએ. આપણા શરીરની રચના બીજા ક્રિકેટરો કરતા અદભૂત છે. ઘડીના છઠ્ઠા ભાગમાં મેચ આંચકી લેવાની ક્ષમતા આપણે ધરાવીએ છીએ. અને એટલે જ પછીથી ભાગેડુ વિજય માલ્યાની ટીમનો ઓપનર ક્રિસ ગેલ અને મુંબઈને ત્રણવાર આઈપીએલ જીતાડનારો કેરોન પોલાર્ડ વધારે આક્રામક બન્યા. ખાલી ક્રિકેટના મેદાનમાં જ નહીં ડાન્સમાં પણ… તો પણ બ્રાયન લારા, વેવેલ હેન્ડસ, માર્વલ ઢીલોન( જેના બોલમાં સચિને સિક્સ મારી દરિયાની નજીક બોલ નાખી દીધેલો) તેવા ધુરંધરોની ખોટ વર્તાય છે.
વધીને અત્યારની સમસ્યા માત્ર શ્રીલંકન ટીમની નહીં, પરંતુ આંતકવાદ સામે જજુમી રહેલી અને ઘરનું જ ગ્રાઊન્ડ ભૂલી ગયેલી પાકિસ્તાન ટીમની પણ છે. પાકિસ્તાન માટે એમ કહેવાય કે, તેની ધરતીમાં જે બોલર પેદા થાય તેવા ક્યાંય નથી થતા. બેટીંગ લાઈન અપ વિખેરાય જાય તો પણ પાકિસ્તાન હસતા હસતા આરામથી સામેની ટીમને ઓલઆઊટ કરી નાખતી, એ પણ મોટા માર્જીનથી. જેની પાછળનું કારણ નંબર 1 વસીમ અક્રમ જેવો એલબીડબલ્યુનો માસ્ટર, વકાર યુનસ જેવો જીનિયસ બોલર, શોએબ અખ્તર જેવી એક્સપ્રેસ, દાનિશ કનેરિયા, સકલૈન મુસ્તાક જેવા સ્પીનર અને ઊપરથી એક ઓલરાઊન્ડર તો તેમણે પાળીને જ રાખ્યો હોય. અત્યારે હાઈટમાં લાંબો બોલર લઈ આવ્યા, પરંતુ વિકેટો લેનારો બોલર પાકિસ્તાન હજુ શોધે છે.
એક સમયે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને જોઈ રાતના સપના આવવા લાગતા કે કાલ તો હારી જશું. પણ સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટરે વિદેશની ધરતી પર ન માત્ર ઓસ્ટ્રેલિયાને પણ બીજી ટીમોને કેમ હરાવવું તે દુનિયાને શીખવ્યું. ઓસ્ટ્રેલિયાનો છેલ્લો ફાસ્ટ બોલર શોન ટેટ હતો. જે 150ની સ્પીડથી 6 બોલ એકધારા નાખી શકતો. ગ્લેન મેકગ્રાને ભારતીયો હજુ 2003ના વિશ્વકપમાં સચિનને 4 રનમાં આઊટ કર્યો એ બદલ ગાળો ભાંડે છે. બ્રેટલી જેવો હાઈસ્પીડ પાવરફુલ અને શક્તિશાળી બોલર હતો અને અધૂરામાં પૂરો શેન વોર્ન.
ન્યુઝીલેન્ડ અને આફ્રિકાનું સરનામુ તમને સેમીફાઈનલ સુધી મળશે, પરંતુ ત્યાં હવે કેટલીક વિકેટો પડી જાય એટલે પૂરૂ થવાને આરે છે. આ બધાની વચ્ચે અને કાળ સમયખંડને સંભાળીને ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ધુરંધર ક્રિકેટરો પેદા થતા રહ્યા છે. ક્રમશ: સુનીલ ગાવસ્કરને સચિને રિપ્લેસ કર્યો સચિનને કોહલીએ… કપિલ દેવને ગાંગુલીએ ગાંગુલીને ધોનીએ… કે.શ્રીકાંતને સહેવાગે સહેવાગને શિખર ધવને… રવિ શાશ્ત્રીને કુંબલેએ કુંબલેને આર.અશ્વિને…. બિશનસિંહ બેદીને અજીત અગરકરે અગરકરને જાડેજાએ… દ્વવિડને પૂજારાએ…. બસ, આમ જ રહ્યું તો ક્રિકેટર પેદા કરવાનું હબ ભારત બનીને રહેશે, ક્યાંક એવુ ન થાય કે પછીથી ઓસ્ટ્રેલિયા કે શ્રીલંકામાં પણ ભારતનો જ ખેલાડી રમતો હોય…. !!!
~ મયુર ખાવડુ
Leave a Reply