કોરોના વેકસિન અને ભારતની જનતા: વેકસિન લેવી કે લેવી? કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ. તો થોડાક સોલ્યુશનની વાતો પણ કરીએ.
ભારતમાં DCGI-ડ્રગ કંટ્રોલર ગવર્નર ઓફ ઇન્ડિયાએ બે વેકિસનને લીલી ઝંડી આપીને સંપૂર્ણ સલામતીની ખાતરી આપી દીધી છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન. પણ જાહેર જનતામાં અમુક કારણોસર બન્ને વેકસિનની વિશ્વસનિયતા અંગે સવાલો ઉભા થયા છે. અમુક સવાલો સાચા છે તો અમુક સવાલો મીડિયા અને રાજકારણના મેલા ઇરાદાઓના કારણે લોકોના મગજમાં થોપવામાં આવ્યા છે. તો આપણે એ બન્ને વેકસિન અંગે થોડીક સામાન્ય ચર્ચાઓ કરી લઈએ.
કોવિશિલ્ડ હાલના તબક્કે સૌથી વધારે આધારભૂત વેકસિન મનાય રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોગ્રામિંગ હેઠળ એસ્ટ્રાજેનકા બાયોફાર્માસ્યુટિકલ કંપનીએ આ વેકસિન બનાવી છે. ભારતમાં પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ આ વેકસિનનું લાયસન્સ મેળવીને ઘરમેળે પ્રોડક્શન કરી રહી છે. એટલે દેખીતી રીતે જ આને ભારતની પ્રોપર વેકસિન ના ગણી શકાય. સાદી ભાષામાં સમજવા ‘ બહારથી રસોઈ લાવીને ઘરે ગરમ કરવા’ જેવો દાખલો આપી શકાય.
કોમન કોલ્ડ વાઇરસ-એડેનો વાઇરસનું નબળું વર્ઝન થકી કોવિશિલ્ડ બનાવવામાં આવી છે. પહેલી ટ્રાયલમાં લગભગ 70 હજાર અને બીજી ટ્રાયલમાં 30 હજાર દર્દીઓ પર સફળતાપૂર્વક અસરકારક સાબિત થયા બાદ ત્રીજી ટ્રાયલ પછી કોવિશિલ્ડને મંજૂરી મળી છે. એની અસરકારકતા લગભગ 70 ટકા હોવાનો દાવો સિરમ ઇન્સ્ટિટ્યૂટના એડર પુનાવાલા કરી રહ્યા છે.
યુકેમાં આ કોવિશિલ્ડને મંજૂરી મળી ગઈ છે અને ફાઇઝરની વેકસિન સાથે ઠીક ઠીક વપરાશ પણ થઈ રહ્યો છે. વિશ્વના પાંચ સાત દેશો કોવિશિલ્ડ માટે માંગણી કરી ચુક્યા છે. (ભારતની વેકસિન દુનિયા માંગી રહી છે એ આ જ કોવિશિલ્ડ. નહિ કે સ્વદેશી કોવેક્સિન.) ભારતમાં પણ મોટાભાગના નાગરિકોને કોવિશિલ્ડ જ અપાશે એવું DCGI જાહેર કરી ચુકી છે.
હવે આવીએ આપણી સ્વદેશી વેકસિન નામે કોવેકસિન પર. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને ICMR-ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે NIV-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની દેખરેખ હેઠળ બનેલી આ વેકસિન સલામત તો છે. પણ હંમેશની જેમ કંઈક પોલિટિકલ ખેલ રંધાય રહ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
બે ટ્રાયલ બાદ ત્રીજી ટ્રાયલ દરમિયાન કોવેક્સિનને ઈમરજન્સી વપરાશ પૂરતી મંજૂરી મળી ગઈ છે. ICMR ના દાવા મુજબ વાયરસને નિષ્ક્રિય કરીને વેકસિન બનાવી હોવાથી એની સાઈડ ઇફેક્ટસ સાવ નોર્મલ હશે. પણ આ વેકસિનના ટ્રાયલ ડેટા પબ્લિકમાં મુકાયા ના હોવાથી DCGI એ અગાઉ મિટિંગમાં પૂરતા ડેટાના અભાવે મંજૂરી આપી નહોતી. ત્યારબાદ ત્રીજી ટ્રાયલ વખતે ભારત બાયોટેકે ડેટા આપ્યા બાદ મંજૂરી ગઈ. છતાં મીડિયામાં એના વિશેની માહિતી ખાસ મળતી નથી. વળી, એ અંગે કેબિનેટ કે પ્રેસમાં સરકાર દ્વારા કોઈ ચર્ચા થઈ ના હોવાથી મતાંતર થવા સ્વભાવિક છે.
DCGI એ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કોવેકસિન સંપૂર્ણ રીતે સલામત છે. અને એની મંજૂરી હાલમાં ફક્ત ઇમરજન્સી વપરાશ માટે જ આપવામાં આવી છે. તેઓએ ટ્રાયલ ડેટા કે સાઈડ ઇફેક્ટ અંગેની અફવાઓથી દૂર રહેવા જનતાને જણાવ્યું છે. ટ્રાયલ દરમિયાન જે દર્દીઓ મૃત્યુ પામ્યા કે ગંભીર થયા એની સાથે વેકસિનનો કોઈ સંબંધ ના હોવાનું બ્યુરોક્રેટસ કહી રહ્યા છે.
જનતાના ભાગે બેમાંથી ગમે એ વેકસિન આવે તો પણ લેવાની રીત સરખી જ છે. પહેલો ડોઝ ઇન્જેકટેબલ સ્વરૂપે લીધા બાદ 28-30 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ લીધા પછી 14 થી 40 દિવસોમાં એન્ટીબોડી ડેવલપ થઈ જવાથી કોરોના સામે રક્ષણ મળી રહેશે. શરુઆતમાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સને ફ્રીમાં રસી અપાયા બાદ ત્રીજા તબક્કામાં 50 વરસથી ઉપરના નાગરિકોને અને અન્ય ગંભીર બીમારી ધરાવતા દર્દીઓનું રસીકરણ થશે. પણ આ ત્રીજા તબક્કામાં વેકસિન ફ્રી મળશે કે કેમ એ અંગે સરકારે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
બન્ને રસીઓમાં સામાન્ય આડઅસરો જેવી કે તાવ, શરદી, શરીરનો હળવો દુઃખાવો, ઠંડી લાગવી, ચક્કર આવવા વગેરે જોવા મળી શકે છે. પણ આ લક્ષણો કોઈ પણ વેકસિનમાં ઓછાવત્તા અંશે જોવા મળે જ છે. કારણ કે, વેકસિન પણ અંતે તો વાયરસમાંથી જ બને છે. અને નબળો વાયરસ પણ શરીરમાં પ્રવેશતા એની થોડી અસરો દેખાડે, તો જ શરીરની રોગપ્રતિકારક શકિત એની સામે લડીને એન્ટીબોડી બનાવી શકે.
તાજા સમાચાર મુજબ સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત સરકાર વચ્ચે રસીના ભાવ અને કોર્પોરેટ માર્કેટ અંગે નેગોશિએશન થઈ રહ્યું છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ સરકારને 200-250 રૂપિયામાં વેકસિન પુરી પાડવા તૈયાર છે. પણ સાથે સાથે એમને ભારતમાં પોતાનો પ્રાઇવેટ બિઝનેસ પણ કરવો છે. જે મુજબ સામાન્ય નાગરિકો માટે એપ્રિલ મે મહિનામાં હજાર કે બે હજારમાં ઉપલબ્ધ થવાની શક્યતાઓ છે. ઉપરાંત, તમામ મહાસત્તાઓ પોતપોતાની રીતે પુરજોશમાં વેકસિનેશન ઝુંબેશ ચલાવી રહી છે. એ જોતાં ભવિષ્યમાં ઇન્ટરસ્ટેટ કે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે વેકસિન સર્ટિફિકેટ ફરજીયાત થઈ જાય એવી પુરી શક્યતાઓ રહેલી છે. (તો જ સિરમ ઇન્સ્ટિટ્યૂટનો બિઝનેસ થાય!)
ટૂંકમાં, સરકારી સર્વેમાં રજિસ્ટ્રેશન થઈ ગયું હોય એવા તમામ નાગરિકોએ રસી મુકાવવી જ જોઈએ. હાલના તબક્કે કોરોનાને નાથવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. રખેને કોઈક મોટી સાઈડ ઇફેક્ટસ હશે તો પણ પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારીઓના વેકસિનેશન દરમિયાન ખ્યાલ આવી જ જશે. સરકારે આ માટે પણ પૂરતી વ્યવસ્થાઓ કરી જ છે. માટે સામાન્ય નાગરિકોએ ડરવાની જરૂર નથી. તો ઉત્તરાયણ બાદ 16મી જાન્યુઆરીથી નવું સૂત્ર ‘વેકસિન મુકાવો અને કોરોના ભગાવો’ અપનાવી જ લઈએ…
-Bhagirath Jogia
Leave a Reply