ગયા મહિને એક કોરોના પોઝિટિવ પેશન્ટના સંપર્કમાં આવવાથી ક્વોરેન્ટાઈન થવાનું આવ્યું ત્યારે ઉચ્ચ તબીબી અધિકારીએ સલાહ આપતા કહ્યું કે હળદરવાળું દૂધ પીવાનું રાખજો અને મીઠાવાળા પાણીના કોગળા કરજો. ફાવે તો પ્રાણાયામ પણ કરી શકાય. એનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સ ઓછા રહેશે.
આમ તો એલોપથી સાયન્સના સમર્થકોને આવી સલાહો તુચ્છ લાગે, પણ જેમને કોરોનાના દર્દીઓને મળતી સારવારનો ડાયરેકટ કે ઈનડાયરેક્ટ ખ્યાલ હશે એમણે જોયું જ હશે કે આધુનિક હોસ્પિટલ્સમાં પણ દર્દીઓને હળદરવાળું દૂધ, આયુર્વેદિક ઉકાળાઓ અને હોમીઓપેથીકની આરસેનિક જેવી દવાઓ નિયમિત આપવામાં આવે છે. અને આયુષ મંત્રાલયની સત્તાવાર જાહેરાત પછી સરકારી તંત્રએ પણ આ સારવારની પદ્ધતિને પ્રોત્સાહિત કરવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. છતાંય બાબા રામદેવે જે ‘કોરોનિલ’ દવા શોધી (આમ તો બનાવી માત્ર!) એના સમર્થન-વિરોધનો આટલો ઉહાપોહ થયો એ તો સોશિયલ મીડિયાનો વિષય છે. પણ તત્કાળ સમર્થન અને વિરોધની દલીલોમાં પડ્યા વિના શાંત ચિત્તે તમામ પાસાઓ વિચારી લેવાનો પ્રયત્ન કર્યા પછી આખો વિવાદ બચ્ચાઓનો ખેલ લાગે એમ છે.
મોટાભાગના એલોપેથી નિષ્ણાંતો સ્વીકારી ચુક્યા છે કે કોરોનાની કોઈ જ સ્પેસિફિક દવા શોધવામાં હજી સુધી સફળતા મળી નથી. અને મોટાભાગના વાઇરલ ઇન્ફેક્શન માટે આમ પણ કોઈ જ ચોક્કસ મેડિસિન પર છાતી ઠોકીને ક્યારેય ભરોસો થઈ શકતો નથી. બસ, લક્ષણો પ્રમાણે દવાઓ આપતા જાઓ, શરીર પોતાની રોગપ્રતિકારક શકિત મુજબ ઓટોમેટિક જ વાઇરસ સામેની એન્ટીબોડી બનાવીને સ્વસ્થ થઈ જશે. કોરોનાના મોટાભાગના દર્દીઓ કે જે અન્ય કોઈ રોગથી પોતાની ઇમ્યુનિટી ખોઈ બેઠા નથી કે સાવ નાની ઉંમરના બાળકો અને મોટી ઉંમરના વડીલો સિવાયના તમામ દર્દીઓ પર આ જ પદ્ધતિથી સારવાર થાય છે
શરૂઆતમાં હાઇડ્રોકસિ-ક્લોરોકવિન, પછી ડેકસામિથેઝોન અને હવે ફેમિપિરાવીર પણ આ રીતે સિમ્પટમેટિક ટ્રીટમેન્ટ તરીકે જ ઉપયોગમાં લેવાય છે. કારણ કે શરીર વાઇરસના હુમલાનો સામનો કરવા એન્ટીબોડી બનાવીને સક્ષમ રહે ત્યાં સુધી લક્ષણોને કાબુમાં રાખીને શરીરને તૂટવા ના દેવું એ કોરોના સહિત કોઈ પણ વાઇરલ ઇન્ફેક્શન સામે જીતવાનું મહત્વનું પગલું છે.
હવે એલોપથીની આટઆટલી દવાઓ પણ જો લક્ષણોને જ ઠીક કરતી હોય, આ સિવાય વિશ્વ આખાની મસમોટી ફાર્મા કંપનીઓ પણ લાચાર બનીને હવામાં ગોળીબાર કરતી રહેતી હોય અને આયુષ મંત્રાલયે જ અગાઉ કોરોના બાબતે ઘણી આયુર્વેદિક-હોમીઓપેથીક દવાઓને પ્રોત્સાહન આપ્યું હોય તો હવે રહી રહીને સ્વદેશી-આયુર્વેદિક, બાબા રામદેવની પતંજલિએ બનાવેલી ‘કોરોનિલ’ બાબતે આટલો હંગામો કેમ
સૌપ્રથમ તો બાબા રામદેવે જ્યારે તુલસી, અશ્વગંધા અને ગિલોય જેવા જુના અને જાણીતા અકસીર આયુર્વેદિક ઔષધોમાંથી બનાવેલી કોરોના કિટ અંગે જાહેરાત કરી ત્યારે આયુષ મંત્રાલયે ચોખવટ કરી કે આ પ્રોડક્ટની બનાવટની પદ્ધતિ , બનાવટમાં સમાવિષ્ટ તત્વો, વૈજ્ઞાનિક તપાસ, ટ્રાયલ રજિસ્ટ્રેશન, ક્લિનિકલ ટ્રાયલના રિપોર્ટ, જેવી કોઈ માહિતી મંત્રાલયને મળી જ નથી.
વળી, ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગના લાયસન્સ ઓફિસરે કહ્યું કે પતંજલિએ મંજૂરી માટેની જે એપ્લિકેશન આપેલી એમાં કોરોના વાઇરસનો ઉલ્લેખ જ નહોતો. ફક્ત ઇમ્યુનિટી બુસ્ટર, શરદી, ખાંસી અને તાવની દવા તરીકે મંજૂરી માંગવા પૂરતી જ એપ્લિકેશન રજૂ થઈ હતી. અને એટલે જ ‘કોરોનિલ’ લોન્ચ થયાના પાંચ-સાત કલાકોમાં જ સરકારે દવાની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો. પછીથી રામદેવ બાબાએ પણ સ્વીકાર્યું કે કોરોનાના ગંભીર દર્દીઓ પર આ દવાનો પ્રયોગ નથી જ થયો. ફક્ત હળવા લક્ષણોને મટાડવા પૂરતો જ પતંજલિનો દાવો છે. (અગાઉ એમણે સાત દિવસમાં કોરોનાને 100 ટકા મટાડવાનો દાવો કરેલો.)
આ બધી બબાલો ઉપરાંત, એન્ડેમિક રેમીડિઝ એક્ટ 1954, અનુસાર કોઈ પણ મહામારી વખતે સરકારની મંજૂરી સિવાય કોઈ પણ દવા-ઔષધનો પ્રચાર કે પ્રસાર ના કરી શકાય. આ નોટિફિકેશન ફરીથી એપ્રિલ માસમાં આયુષ મંત્રાલયે પ્રસારિત કરી હતી. એટલે જ્યારે ‘કોરોનિલ’ લોન્ચ થઈને પૂરબહારમાં જાહેરાત પામી ત્યારે આયુષ મંત્રાલય દિગ્મૂઢ રહી ગયેલું અને પતંજલિને નોટિસ ફટકારવાની ચીમકી આપીને દવાની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો.
અમુક નિષ્ણાંતોના મતાનુસાર ‘કોરોનિલ’ બ્રાન્ડ નેમ જાણ્યે-અજાણ્યે પણ કોરોનાની સ્પેસિફિક દવા તરીકેનો ભ્રમ ઉભો કરે છે. અને એમ જ જો પરંપરા અનુસરાતી રહે તો પછી કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી અન્ય એક ડઝન એલોપથી-આયુર્વેદિક દવાઓ કોરોના સંબંધિત બ્રાન્ડ નેમ હેઠળ માર્કેટમાં જાહેરાતો કરતી રહે તો પ્રજા સ્વભાવિક જ ગેરમાર્ગે દોરાય! માટે નામ બદલવાની માંગણી પણ થઈ છે. (ઉદાહરણ તરીકે હળદર વાળું દૂધ ભલે ગળાના ઇન્ફેક્શનમાં અસરકારક હોય, પણ જો કોઈ ફાર્મા કંપની એને ‘કોરોના શેક’ તરીકે માર્કેટમાં વેચતી થઈ જાય તો એ કાયદાકીય અને નૈતિક રીતે પણ ખોટું જ છે. ગ્લેનમાર્ક ફાર્માની પ્રોડક્ટ ફેમિપિરાવિર જ જો ફેમવીરને બદલે ‘કોરોનાવીર’ તરીકે બજારમાં ઉપલબ્ધ હોત તો પ્રજાને અને તંત્રને ગેરમાર્ગે દોરવાની અનૈતિકતા સાબિત થઈ જ હોત!) તો ‘કોરોનિલ’ નામના બદલાવ માટે શું નિર્ણય લેવાય તો એ તો ટૂંકસમયમાં જાણ થશે.
ખૈર, પછી તો ઘીના ઠામમાં ઘી પડી ગયું અને ‘કોરોનિલ’ ને કોરોના મટાડવાની કોવિડ-19 મેડિસિન તરીકેની સ્પેસિફિક જાહેરાત વગર મંજૂરી મળી ગઈ. અને સોશિયલ મીડિયામાં ઉભરાય ગયેલા સમર્થકો-વિરોધીઓ બન્નેને થોડાક સાચા-થોડાક ખોટા પુરવાર કરે એવા તથ્યો બહાર આવ્યા છે. આમ પણ કોરોનાનો ચેપ લાગ્યા પછી આપણે સિવિલ કે કોર્પોરેટ હોસ્પિટલના શરણે જ જવાનું છે એટલે કોરોનિલના અંગત સ્વીકાર કે વિરોધનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. સરકાર કરે એ ઠીક, મારા ભાઈ!
~ ભગીરથ જોગીયા
Leave a Reply