રાધાષ્ટમી
શ્રી કૃષ્ણનાં પ્રાણોની અધિષ્ઠાત્રી રાધાજીનાં વિરહમાં પીડાતા દ્વારકાધીશને જોઈ પટરાણી રૂખમણીએ, રાસેશ્વરી રાધાજીને સોનાની નગરીમાં પધારવા આમંત્રણ મોકલ્યું.
જવાબમાં રાધાજીએ કહેવડાવ્યું….
મારા પ્રાણનાથનાં પ્રિય દેવી રૂખમણી, તમારા સ્નેહ બદલ ધન્યવાદ. પરંતુ સ્નેહનાં અસ્વીકાર બદલ દિલગીર છું.
જે નટખટ કૃષ્ણને પહેલા શ્વાસથી અનહદ ચાહ્યો છે એની છબી અંતરમાં એવીજ તરોતાજા છે. એ મોરલીનો નાદ કર્ણપટથી આગળ ધડકનનો તાલ બની જીવાડી રહ્યો છે. આની હયાતી રાધાકૃષ્ણની અખંડતા થી વધું શું હોઈ શકે?
મારા તોફાની બાળ સખા ઉપર દ્વારિકાધીશની ઠરેલ નજર બહુ ભારે લાગશે, મારા કાનુડાને ઠેસ પહોચે એ કેમ સહેવાશે?
માખણ ચોરતા, ગાયો ચરાવતા, ધૂળથી લથપથ ગોવાળિયા સામે તમારો રાજા ગંભીર ભાસે.
વાંકોડિયા વાળમાં શોભતાં મારા કાનનાં મોરપીંછ સામે, શ્રી કૃષ્ણનો શ્રુંગાર મને તુચ્છ લાગે તો તમારાથી કેમ સહેવાશે?
મને તો વહાલો ગોપીઓના વસ્ત્ર ચોરતો નટખટ કાનો, આ દ્રૌપદીનાં ચીર પુરતા પુરષોત્તમ સામે તો હાથ જોડાય.
રાસ રમાડતો જસોદાનો જાયો કનૈયો એ રાધાનો દીવાનો. મોરલી છોડી સુદર્શનચક્ર ઘુમાવતો, ઝગમગતો મુગુટ પહેરતો યોગેશ્વર તો દેવી રૂખમણીનો પ્રાણપ્યારો તેનો હાથ કેમ ઝલાય?
દેવી, કહેજો તમારા રાજેશ્વરને કે બરસાનાની રાધા તો આજે પણ તેના મુરલીધરને ડાબે પડખે એકનામ બની શોભે છે, બસ એકવાર રાધેશ્યામ ઉચ્ચારી લે… શ્રી રાધાકૃષ્ણ 🙏
– રેખા પટેલ
Leave a Reply