મુજે તુમસે કુછ ભી ના ચાહિયે….
વાહ કેવું સુંદર વાક્ય. છતાં સાવ ખોટું.
દુનિયામાં કોઈ વ્યક્તિ એવી નથી જેને કોઈ એક પાસેથી પણ કોઈ અપેક્ષા ના હોય.
વ્યક્તિને ખુદની પાસે થી પણ અપેક્ષાઓ હોય છે. અપેક્ષાઓ લાગણીઓને જીવતી રાખે છે. જીવનને ગતિ આપે છે. હા અપેક્ષા માત્ર માંગ બનીને રહી જાય ત્યારે લાગણીઓની ભરતીમાં ઓટ આવવા માંડે છે. સુમધુર સંબંધોમાં ગાંઠ પડી જાય છે. લેવા સાથે આપવાની ઈચ્છા વધુ હોય તો પ્રેમ વધી જાય છે.
માંગવાથી પ્રેમ મળતો નથી સાચું, છતાં પ્રેમનો બીજો અર્થ પામવું. માગ્યા વિના તો મા પણ પીરસતી નથી ઉક્તિ મુજબ પ્રેમમાં માંગ રહેવાની. માણસનું મન બહુ ગુઢ છે, કોઈના અંતરની વાત એમ સહજમાં સમજી શકાતી નથી. સામેવાળી વ્યક્તિને શું જોઈએ તે સમજવું અઘરું છે આપનાર માટે પણ આજ સ્થિતિ અવગઢ ભરી હોય ત્યાં પોતાની ઈચ્છા જાહેર કરવામાં કોઈ ગુનો નથી.
આકૃત અને ત્વરા હાઈસ્કુલના દિવસોથી મિત્રો હતા. હમઉમ્ર દોસ્તી ઉંમર સાથે પરસ્પર માટે પ્રેમમાં આકર્ષિત થઇ ગઈ. બંને માનતા અને જાણતા હતા કે તેઓ એકબીજાને પસંદ કરે છે. આજ વિચારી એકબીજાને મનની વાત કહેવાનું ટાળતા. એકરાર કરવાની પહેલ કોણ કરે એ જોવામાં સમય વીતવા લાગ્યો.
દોસ્તીનું વર્તુળ પણ વિશાળ થયું. એમાં નવી આવેલી કૃતિ આકૃત તરફ આકર્ષાઈ. ઝાઝો સમય રાહ જોયા વિના તેણે આકૃત સામે પોતાનું મન ખુલ્લું કરી દીધું. પ્રેમના બદલામાં પ્રેમની માંગણી કરી. શરૂમાં ત્વરા તરફની લાગણીઓને કારણે કૃતિના પ્રપોઝલને ઠુકરાવી દીધું.પરંતુ વારંવાર કૃતિ તરફથી આવતા પ્રેમના સંદેશાઓ અને એની લાગણીઓની વાછટમાં આકૃત મૂંઝાઈ ગયો.
છેવટે કોઈ નિર્ણય લેતા પહેલા ત્વરા સાથે વાત કરવાનું વિચારી તેને આખી હકીકત બતાવી. આજ સુધી ત્વરા માનતી કે આકૃત માત્ર તેનો છે. તેના અહંને ઠેસ પહોચી, કે આટલા લાબા સમયમાં પણ શું એ પોતાના મનના ભાવ જાણી નાં શક્યો? શું માગવું કે કહેવું જરૂરી હતું? તેણે ગુસ્સામાં આવી જઈ આકૃતને કૃતિ માટે અભિનંદન આપી ખોટી ખુશી જાહેર કરી.
આ બધાનો સરવાળો એ થયો કે આકૃતને ખાતરી થઇ ગઈ કે જેને પોતે પ્રેમ માનતો હતો એ માત્ર દોસ્તી હતી. દુઃખી થયેલા આકૃતને કૃતિએ સરળતાથી સંભાળી લીધો અને આખું દ્રશ્ય બદલાઈ ગયું.
ત્વરાની નાદાની અને બંનેની અણસમજને કારણે એક મીઠો સંબંધ બંધાતો રહી ગયો. વખત જતા આ વાતની જાણ થતા બંનેને ભાગ માત્ર અફસોસ ભાગમાં આવ્યો.
પરાણે પ્રેમ થતો નથી. જ્યાં પ્રેમ ના હોય ત્યાં માંગણીઓ પણ કેવી? એક પક્ષીય પ્રેમ કે સંબંધમાં રહેલી અપેક્ષાઓ માત્ર દુઃખ આપે છે.
પામવું અને માંગવું બંનેમાં મોટો ફર્ક છે. માગણીઓમાં, આપણે એટલે પામવું અને હું એટલે માંગવું. જીવન મળે ત્યારથી કે અંત આવે ત્યાં લગી દરેક અપેક્ષાનાં વ્યવહારથી બંધાએલા રહે છે. વ્યવહાર એટલે કે માત્ર બે હાથે લેવાતું નથી. અપેક્ષા ના સંતોષાય તો તેને ઉપેક્ષામાં પરિવર્તિત ના કરવી. આમ કરતા સમાધાનની શક્યતાઓ ઓછી થતી જાય છે. ઇચ્છાઓ એટલી બધી પણ ના લંબાવવી કે તેના પડછાયામાં ખુદનું અસ્તિત્વ ઢંકાઈ જાય.
માંગણીમાં વિવેક ખુબ મહત્વનો છે. માંગ સામે વાળાની મર્યાદા અને હેસિયતથી વધારે નાં હોવી જોઈએ. પારિવારિક કે લાગણીઓના સંબંધોમાં લેવા કરતા વધુ આપવાની વૃત્તિ હોય તો જીવન સરળ અમે મધુર બને છે. પોતાની જાત પાસેથી હેસિયત કરતા વધારે ઇચ્છવું જોઈએ. બમણી અપેક્ષા રાખતા વળતર વધુ મળે છે.
જીવનમાં દરેક ક્ષેત્રે સંઘર્ષ અને અથડામણ રહેવાની. આપવા અને માગવામાં પ્રેમ લાગણીઓ હોય ત્યાં સુધી બરાબર છે પરંતુ જ્યાં પૈસાની વાત આવે ત્યારે દ્રશ્ય બદલાઈ જાય છે. બહુ ઓછા હોય જે સંબંધમાં પૈસાને ગૌણ ગણે, સંબંધ સાચવવા માટે બધુજ જતું કરે. પારકાઓ માત્ર થોડા ઘણાં લઈને પલાયન થઇ જવાનું સાભળ્યું કે અનુભવ્યું હોય પરંતુ હકનું અને હક વિનાનું બધુજ પચાવી જવામાં સહુથી નજીકના વધારે જોવા મળી આવશે.
આવા સંજોગોમાં લાગણીશીલ કે નબળા માણસો હંમેશા જતું કરવામાં કે કજીયાથી દુર ભાગનાર સરળ માણસોની હાર થાય છે, બાકી પચાવી જનારાઓને કોઈ ફર્ક નથી પડતો. આવા વ્યક્તિઓથી દુર રહેવું જરૂરી છે. બને ત્યાં સુધી પૈસાની લેવડદેવડ સબંધોમાં ના આવે તોજ સારું છતાં જરૂરતના સમયે પોતાના જ કામ લાગે એ પણ ખરું. મદદ કરીને બદલામાં કોઈ આશા ના રખાય તોજ સારું સામે મદદ લેનારે પણ સંકટ સમય સાચવી લેનારના અહેસાનને ના ભૂલવા જોઈએ.
“આશા અને અપેક્ષા વચમાં જીવન વીતવાનું છે તો બંને પલ્લાને સરખો ન્યાય આપવામાં ઘણું સચવાઈ જાય તેમ છે.”
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply