મહત્વનો સંકલ્પ “શરીર સ્વાસ્થ”
પતિ, પત્ની, બાળકો કે અંગત મિત્રો એ બધાનો સાથ સહારો ત્યાં સુધીજ કામનો કે જ્યાં સુધી પોતાનું શરીર સાથ આપતું હશે. મન સાથે તન તંદુરસ્ત હશે. જીવનની સહુથી મહત્વની અને અઘરી અવસ્થાને સુખરૂપ પાર કરવાના ઉપાય માટે જાગ્યા ત્યારથી સવાર સમજી પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે.
તંદુરસ્તી વિના ઘન દોલત, સઘળાં સુખ એશોઆરામ બધુજ વ્યર્થ લાગશે. કોઈ આનંદ સાચી ખુશી નહિ આપી શકે. નબળું અને દુઃખી મન બધુજ પાસે હોવા છતાં સુખનો અનુભવ કરી શકતું નથી. બધાનો સાથ સહકાર હોવા છતાં અશક્ત શરીર ઉત્સાહથી કાર્યરત રહેતું નથી. કોઈ પણ જગ્યા, પ્રસંગ કે વ્યક્તિ સાથે સુખનો અનુભવ થઇ શકતો નથી. આ માત્ર મનનો રોગ છે તેવું નથી જ્યાં શરીર નબળું ત્યાં બધુજ નબળું.
એક સમય હતો જ્યારે બધાજ કાર્યો હાથે કરવામાં આવતા હતા. સ્ત્રીઓ માટે સવારે પાણી ભરવાથી માંડી ઘરકામ બધા જાતે કરવાના હતા. પુરુષો માટે બહારના કામ પણ મહેનત ભર્યા રહેતા સામે પૌષ્ટિક ખોરાક સાથે પ્રદુષણ રહિત હવામાન રહેતું. આ બધાને કારણે જેટલું પણ જીવન મળતું સ્વસ્થ રહેતું. આજે વિજ્ઞાનની પ્રગતિ અને દવાઓની શોધખોળને કારણે જીવન લંબાઈ ગયું છે છતાં અવનવા રોગોથી ભરેલું અશકત બની રહ્યું છે.
એમાય અર્ધી સદી પસાર કર્યા પછી વૈજ્ઞાનીક રીતે પણ શરીરનો ઘસારો વધવા લાગે છે. તેની અસર રોજીંદા કાર્યોમાં સ્પસ્ટ જણાય છે. જેને રોકવાનું અશક્ય છે, છતાં તેની ઝડપ અવશ્ય ઓછી કરી શકાય છે.
આળસુ કે દેખાવે તંદુરસ્ત લાગતા કેટલાય લોકો એમ કહતા હોય છે કે મારાથી બધુજ થાય છે, મને કોઈ રોગ નથી. માની લઈએ કે આજે તે સાચું છે. છતાં બહુ ઝડપથી નીચે સરકી રહ્યાનો અનુભવ માત્ર પાંચ વર્ષમાં થઇ જશે તેમાં કોઈ શંકા નથી. સમય વીતી ગયા પછી આંખો ખુલે તો એ પણ નકામું છે.
આપણુ શરીર મશીન જેવું છે. એકવાર ઘસારો પડી ગયા પછી તેની સ્થિતિ પહેલાજ જેવી રહેતી નથી. એમાય એક ઉંમર પછી નબળું પડેલું શરીર ફરી મજબુત થવા ખુબ મહેનત માગે છે. તો શા માટે જાગ્યા ત્યાંથી સવાર સમજીને રોજ માત્ર અને માત્ર અડધો કલાક એ શરીરને આપીએ જે છેલ્લા શ્વાસ સુધીનો સહારો છે. રોગી શરીર કોઈ જાતના સુખ ભોગવી શકતું નથી.
પચાસ પછી માત્ર ચાલવું એ કસરત કામની નથી. સાંધાને, મસલ્સને પણ કસરત જોઈએ છે. એ માટે સ્ટ્રેચિંગ એટલેકે આપણા યોગા ખુબ મહત્વના છે. આ ઉંમરે શરીર જકળાઈ જવું, નસ ચડી જવી, થાક લાગવો આ બધું એ નબળા પડતા જતા સાંધા અને મસલ્સને કારણે છે. આ માટે દંડ પિલવાની જરૂર નથી છતાં શરીરની મજબુતાઈ ટકાવી રાખવા એ ભાગોમાં ખેંચાણ થાય એવી એકસરસાઈઝ જરૂરી છે.
તંદુરસ્ત શરીર પછી આવે છે નિરોગી મન. જે બધાજ સુખનો પ્રતિનિધિ છે.
સદા ખુશ અને ઉત્સાહી રહેવા સતત તેને કાર્યરત રહેવું અત્યંત જરૂરી છે. હકારાત્મક વિચારો અને ગમતી પ્રવૃત્તિઓ મનને છેવટ સુધી નિરોગી અને ઉત્સાહીત રાખે છે. જેનો પ્રતિભાવ સીધો શરીર ઉપર પડે છે. જેના કારણે ઉંમરના કોઈ પણ પડાવને વ્યક્તિ ગ્રેસફુલ જીવી શકે છે.
જેમ બાળપણની ઊછળકૂદ, કિશોરાવસ્થાની મસ્તી મજાક, યુવાનીની ચંચળતા જીવનમાં આનંદનો વધારો કરે છે તેમ ઘડપણમાં એક ઠહેરાવ સાથે વિચારોની પરિપક્વતા જરૂરી છે.
મનને તંદુરસ્ત રાખવા, યાદશક્તિને ટકાવી રાખવા મેડીટેશન યોગા જરૂરી છે. સાવ સામાન્ય લાગતી શ્વાસ ઉચ્છવાસની પ્રક્રિયા મનના ભાવોને પણ સંતુલિત કરે છે, સ્થિરતા બક્ષે છે. સ્વભાવમાં સ્થિરતા આવે છે.
યોગ્ય આહાર પણ ખુબ મહત્વનો છે. જે તળેલો, ગળ્યો, ચરબીયુક્ત ખોરાક પચ્ચીસ ત્રીસ વર્ષે ખાઈ શકતા હતા તે હવે પચવામાં અઘરો પડે છે, જેના કારણે ચરબી શરીરમાં જમા થાય છે અને શરીર રોગોનું ઘર બની જાય છે.
છેવટ સુધી ખુશમિજાજી રહેવા કોઈ પણ ગમતો શોખ ટકાવી રાખવો જોઈએ જેના કારણે કોઈ એવા સંજોગોમાં ખાસ કરવા જેવું ના હોય ત્યારે સચાવાએલો શોખ સમય પસાર કરવા કામ લાગે. આવા શોખને કારણે મનગમતા મિત્રો પણ જીવનમાં મળતા જાય છે.
પચાસ પછીના જીવનમાં મિત્રો કે પોતાના કહી શકાય એવા સ્વજનોની ખાસ જરૂર પડે છે. કારણ એજ કે આ સમય એવો એક સમય છે કે જેને યુવાની પછીનાં બે દસકા વ્યસ્ત રહી બધો સમય આપ્યો એવા બાળકો પોતપોતાના જીવનને સોનેરી બનાવવા ઘર બહાર નીકળી ગયા હશે કે વ્યસ્ત થઇ ગયા હશે.
આ કારણે જીવનમાં ખાલીપો નક્કી અનુભવાય છે, આને સમયની ભેટ માની ભુલાઈ ગયેલા મીઠા સબંધો, જુના મિત્રો અને આપ્તજનો સાથે વ્યતીત કરવાનો, દુર હોય તેમની સાથે ફોન દ્વારા સપર્કમાં રહી આનંદ માણી શકાય છે.
આ ત્રણ પગલાં જીવનના અંત સુધી સુખ અને સમૃદ્ધિ આપશે જેના કારણે જીવન જીવવા જેવું બની રહેશે. બાકી પાછલી ઉંમરે ફાજલ સમય અને એકલતા વધુ રહેવાની, ત્યારે ઉપરનાં પાસા જો નબળા હશે તો વૃદ્ધાવસ્થા અને એકલતા બીમારી અને ડીપ્રેશન તરફ ધકેલી દેશે. જીવન નર્ક સમું લાગશે.
રોજ સવારે માત્ર આટલુજ વિચારવું જોઇયે
” આજનો દિવસ હું ખુશ રહીશ, મનભર જીવી લઈશ. આજે મારા કારણે કોઈને દુઃખ નાં થાય તેનો હું ખ્યાલ રાખીશ. કાલ માટે મજબુત રહીશ.”
– રેખા પટેલ (ડેલાવર )
Leave a Reply