હવે હું નહિ ભૂલું
છ વર્ષના જસીનો ગમતો તહેવાર એ ક્રિસમસ. મોડા ઉઠાવાની ટેવ છતાં ક્રિસમસની સવારે તે પાંચ વાગ્યે ઉઠીને દોડતો નીચે ફેમીલી રૂમમાં આવી જતો. વિલીયમના નાના સુંદર સજાવેલા ઘરમાં ફાયરપ્લેસ પાસે ગોઠવાએલા ટ્રી પાસે બેસી નાનકડાં બે હાથમાં હડપચી ટેકવી કુતુહલતાથી નીચે પડેલી રંગબેરંગી કાગળથી વિટાવેલી ભેટોને તાકી રહેતો.
આંગળીઓમાં સળવળાટ હોવા છતાં તે એકપણ પેકેટ ખોલતો નહિ.
બધી ભેટો સાથે મળીને ખોલાવી એવું નાનપણથી તેની મોમ એમીએ સમજાવ્યું હતું. ચાર વર્ષ મોટો ભાઈ જેસન પહેલા તેની સાથે જાગી જતો. પરંતુ બે વર્ષથી હવે સાત વાગ્યેજ ઉઠતો. કદાચ તેને હવે સાંતાકલોઝ સાથે બહુ બનતું નથી એવું જસી વિચારતો.
ક્રિસમસની આજ સવારે બધાની બહુ રાહ જોયા પછી તે કંટાળ્યો. થાકીને તેણે ઘરમાં બુમો પાડવાની શરુ કરી.
” મોમ ડેડ ગુડ મોર્નિંગ, ઇટ્સ ક્રિસમસ મોર્નિંગ. વેક અપ બ્રધર.”
તેની બુમો અને ઉત્સાહ જોઈ તેના મોમ ડેડ, અને ભાઈ નીચે આવી ગયા.
” જસી પહેલા નાસ્તો કરી લે પછી ગીફટના બાકસ ખોલીશું”
જસીનો જીવ આજે ગમતા નાસ્તામાં જરાય નહોતો. તેની ચકળવકળ થતી ભૂરી આંખોમાં હજુ પણ લાલ લીલા ચમકતા પેપર ઉપર મંડરાતી હતી.
મોમ ડેડ અને જેસનને ખબર હતી કે હમણાં શું થવાનું છે. કારણ ગઈરાત્રે જસીના સુઈ ગયા પછી નાનકડા ફેમિલીની મીટીંગ ભરાઈ હતી. જેમાં આજની સવાર માટે એક યોજના અમલમાં મૂકી હતી.
કારણ હતું જસીની બેફીકરાઇ અને ભૂલી જવાની ટેવ. કોઈ પણ સોંપવામાં આવેલું કામ તે ભૂલી ગયો કહી વાતમાં ઉડાવી દેતો. તેની કામચોરી કરતા બેદરકારી વધારે હતી. કોઈ પણ કામ તેની રમત સામે મહત્વનું નહોતું.
સ્કુલનું ગમે તેટલું જરૂરી કાર્ય કે હોમવર્ક હોય બીજા દિવસે તેનો જવાબ રહેતો “હું ભૂલી ગયો.”
સ્કુલમાંથી આ બાબતે ચિઠ્ઠી ઘરે આપવા મોકલતા તો પણ આજ જવાબ “મોમને આપવાનું ભૂલી ગયો.”
છેવટે ક્લાસ ટીચર ફોન કરી એમીને સ્કુલમાં બોલાવતા અને તેના હોમવર્ક કે પ્રોજેક્ટના ભૂલી ગયાની વાત જણાવતા. છેવટે રોજ હવે બધું હોમવર્ક એમી ઇમેલમાં મંગાવતી અને જસીને બધું જાતે બેસીને પૂરું કરાવતી.
ત્રણ અઠવાડીયા પહેલા બનેલી ઘટનાને કારણે બધાએ ભેગા થઇ એક કીમિયો કરવાનું નક્કી કર્યું. એ દિવસે સ્કુલમાં રજા હતી. જેસન તેના ડેડી સાથે બહાર ગયો હતો. એમી નહાવા માટે બાથરૂમમાં ગઈ. ત્યાજ ફોન આવ્યો, રૂમમાં બેસી નાની નાની ગાડીઓને લાઈનમાં ગોઠવીને રમતા જસીએ તે ઉપાડ્યો.
“જસી બેટા તારી મોમને કહેજે અમે આજે અગિયાર વાગ્યે આવીએ છીએ તો તે ઘરે રહે.” નાનીને ફોનમાં જણાવ્યું.
” ઓકે ગ્રાન્ડમા ” કહી ફોન મૂકી તે ફરી રમવામાં વ્યસ્ત થઇ ગયો.
નાહી પરવારી એમી જસીને લઈને ગ્રોસરી લેવા ઉપાડી ગઈ. ત્યાંથી તે તેની મિત્રને ત્યાં જવાની હતી. અગિયાર વાગ્યે કહ્યા પ્રમાણે એમીના મોમ ડેડ તેના ઘરે આવી પહોચ્યા. શિયાળાનો સમય હતો. બહાર ઠંડી અને પવનનું જોર વધારે હતું. ઘણીવાર ડોરબેલ વગાડ્યા છતાં કોઈએ બારણું ખોલ્યું નહિ. થાકીને બંને તેમની ગાડી ચાલુ કરી તેમાં બેડી ગયા.
જસીના નાના તેમનો ફોન ઘરે ભૂલી ગયા હતા. છતાં સારું હતુકે ગાડીમાં પેટ્રોલ હતું. આથી કલાક જેટલું તે ગાડીની હીટ ચાલુ રાખી અંદર બેસી રહ્યા.
છેક સાડાબારે એમી ઘરે આવી. આ આખી ધટનાથી બધાને હવે જસીની આદત વિષે ચિંતા થવા લાગી. અને તેમણે નિર્ણય કર્યોકે આ છોકરાને સુધારવા કૈક કરવું જોઈએ..
નાતાલ નજીક આવી રહી હતી. જસીની સાન્તાક્લોઝ પાસેથી લેવાની વસ્તુઓની સૂચી આવી ગઈ હતી.
મોમ મારે જે પણ જોઈએ છે તે બધું મેં એક કાગળ ઉપર લખી દીધું છે. મને એક મોટું સ્ટોકીંગ આપ હું તેમાં આ લીસ્ટ મૂકી દઈશ.” કહી આખું લીસ્ટ વાંચવા બેસી ગયો. વાયોલીન, માર્કર, ગાડીઓનો સેટ અને છેલ્લે ભૂલી ના જવાય એટલે હાઈલાઈટ કરીને લખેલું આઈપેડ.
” જસી જો બેટા કશું ના આવે તો ચલાવી લેવાનું. સાન્તાક્લોઝ બહુ બધાને આપવાનું હોય છે માટે ભૂલી શકે છે.” મોમે લીસ્ટ જોઈ જણાવ્યું.
” મોમ મે છેલ્લે લાલ પેનથી, પ્લીઝ ડોન્ટ ફરગેટ લખ્યું છે એટલે તે નહિ ભૂલે.” જસીએ જવાબ આપ્યો. છતાં તેને હવે ચિંતા થવા લાગી હતી.
“જો તારી માફક સાન્તાક્લોઝ પણ વસ્તુઓ ભૂલી શકે છે,” ડેડી વચમાં બોલ્યા.
નાતાલની સવાર આવી, જસીને હવે ચિંતા હતી કે સાન્તાને બધું યાદ તો રહ્યું હશે ને?
છેવટે બધાની ભેટ વારાફરતી ખુલવા લાગી. મોમ માટે મેકઅપ, ડેડી માટે જેકેટ, જેસનનું પ્લે સ્ટેશન, કપડાં અને નવી સ્કૂલબેગ વગેરે હતા. માત્ર જસી માટે ક્રેયોન બાકસ હતું. આ જોઈ તે રડવા લાગ્યો.
બધાએ તેને સમજાવ્યો કે સાન્તાકલોઝ ભૂલી ગયા લાગે છે. જેમ તું બધું ભૂલી જાય છે તેમ એ પણ ભુલી શકે ને?”
કંઈ નહિ ફરી આપણે તેમને યાદ રાખવા જણાવીશું. અને તું પણ હવેથી કોઈએ કહેલું ખાસ યાદ રાખજે જેથી સાન્તા તારું યાદ રાખે. કારણ તે આખું વર્ષ બધાને જોતા હોય છે.” ડેડીએ તેને સમજાવતા કહ્યું.
” ડેડી મોમ હું હવે કશું નહિ ભૂલું પણ સાન્તા કેમ મનેજ ભૂલી ગયા. મારી એક પણ ભેટ ના લાવ્યા” કહી ફરી એ રડવા બેઠો.
ત્યાજ ડોરબેલ વાગ્યો. નાના નાની હાથમાં બે બેગ લઈને અંદર આવ્યા.
” અરે જસી સાન્તાકલોઝ ભૂલથી તારી ભેટો અમારે ત્યાં મૂકી ગયા હતા. એ પણ બહુ ભૂલકણા થઇ ગયા છે.” નાનાએ જસીને હાથમાં બેગ પકડાવી.
જસીએ કુદકો મારી બેગને બે હાથમાં જકડી લીધી. તેને ખુબ નવી લાગી કે તેના લીસ્ટ પ્રમાણે બધુજ નાનાને ઘરે પહોચી ગયું હતું. સારું હતું કે સાન્તાક્લોઝ ને પોતાનું લીસ્ટ યાદ રહ્યું હતું. જો એમ ના બન્યું હોત તો આજે તેને કશુજ નાં મળ્યું હોય.
” નાનું એ મારી જેમ ભૂલવા લાગ્યા છે. પરંતુ હું હવે કશુજ નહિ ભૂલું પ્રોમિસ” કહી જસી નાનાને વળગી પડ્યો.
બધા મેરી ક્રિસમસ કહી એક બીજાને ભેટીને હસી પડ્યા.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply