પ્રેમ સાથે લગ્નજીવનમાં વફાદારીનું મહત્વ વધારે
કોઈ પણ સંબંધમાં પ્રેમ હોવો પ્રાથમિક જરૂરીયાત છે. એ સંબંધને કાયમી મજબુત બનાવવા વિશ્વાસ અને વફાદારી હોવા જોઈએ. પ્રેમ લાગણી એ કોઈ આંખે દેખી શકાય તેવી વસ્તુ નથી, તેને અનુભવવી પડે છે. આ એવો અનુભવ જેને માણવા આખું જીવન ઓછું પડે તો ક્યારેક થોડીક ક્ષણોમાં પણ બધું મેળવ્યાની અનુભૂતિ થઇ જાય છે. જેને આજીવન જાળવી રાખવા વફાદારીનું પોષણ જરૂરી છે. એના વગર થોડાજ સમયમાં એ પ્રેમ કરમાઈ જશે. પછી ભલેને જન્મોજનમનો એ લગ્ન સંબંધ હશે.
સામાન્ય રીતે પતિ પત્નીનાં સંબંધોમાં મત અને મિજાજ અલગ હોય અને એ કારણે પ્રેમમાં કદાચ ઘટાડો થાય પરંતુ જો વિશ્વાસ હશે તો એ આજીવન ટકી જશે. પરંતુ જો આ સ્થિતિમાં બેવફાઈ કે અવિશ્વાસ વચમાં આવી જાય તો તેને તુટતા કોઈ રોકી શકાશે નહિ.
અત્યારે વિચારોની મુક્તતા અને ઈન્ટરનેટના માધ્યમને કારણે નાની થઇ ગયેલી દુનિયામાં વ્યક્તિઓ ઝડપભેર વિના રોકટોક નજીક આવી રહ્યા છે. મન ગમતી વ્યક્તિઓ સાથે સબંધ કે મિત્રતા રાખવામાં કશું ખોટું નથી. છતાં દરેક સંબંધોમાં સીમારેખા સાથે પતિપત્ની વચમાં પારદર્શકતા સાથે વિશ્વાસ હોવો જોઈએ.
લગ્નજીવન ટકાવી રાખવા બાંધછોડ જરૂરી છે પરંતુ ખોટા આક્ષેપોના માર નીચે પોતાના સ્વમાનનું રક્ષણ કરવું આત્મ વિશ્વાસ જાળવવો એ પણ એટલું જ જરૂરી છે. નહીતર મુક્ત મને જીવવાને બદલે જીવન ભારરૂપ બની જાય છે.
પતિ પત્ની વચમાં ભરપુર પ્રેમ હોય, છતાં પણ તેમની વચમાં ત્રીજી વ્યક્તિનું આગમન માત્ર તેમની માટેજ નહિ પરંતુ સહુની માટે આશ્ચર્ય અને આધાતનું કારણ બની જાય છે. આમ થવાના કારણો ઉપર વિચાર કરતા સાવ નજીવી બાબતો સામે આવે છે, જેના કારણે સુખી સંસાર ડગમગતા જોવા મળે છે. આનાથી વિરુદ્ધ વફાદારી અને વિશ્વાસ પ્રેમને બમણો કરી નાખે છે.
જગત અને ધરા લગ્ન પહેલાથી એકબીજાને જાણતા હતા. બંનેના ત્રણ વર્ષના પ્રેમ સબંધ પછી લગ્નનાં પવિત્ર સંબંધમાં જોડાયા. લાબા સમયના સહેવાસને કારણે એકબીજાની ખૂબીઓ અને ખામીઓથી પરિચિત હતા. તેના કારણે એડજસ્ટ થવામાં ખાસ તકલીફ નહોતી પડી. જગત મિતભાષી અને શાંત હતો. જ્યારે ધરા વાચાળ અને મિલનસાર યુવતી હતી.
લગ્નના દસ વર્ષ આમજ નીકળી ગયા. સમય જતા ધરાને જગતનો શાંત સ્વભાવ કઠતો હતો, બીજા મિત્રોને પાર્ટીઓમાં વીકેન્ડમાં વ્યસ્ત જોતી, મિત્ર વર્તુળમાં રોમેન્ટિક મિજાજના બીજા પુરષ મિત્રોને જોતી ત્યારે જગતના સ્વભાવની મનોમન સરખામણી થઈ જતી. તેને લાગતું જીવન સ્થગિત થઇ ગયું છે. જોકે આવી અનુભૂતિ ક્ષણિક રહેતી, છતાં પરસ્પર પ્રેમને કારણે તેમનું લગ્નજીવન ખુબ સુખી હતું.
વર્ષમાં એક વખત મિત્રો સાથે વેકેશનમાં જતા, મઝા કરતા. એક વખત સ્ત્રીઓ અને પુરુષોએ અલગ ફરવા જવાનું નક્કી કર્યું. આવી આઝાદી પહેલી વખત મળતી હોવાથી પુરુષો ખુશ હતા. બધાએ ગોવા ઉપર મહોર લગાડી ત્યાની મુક્તિમાં મન પસંદ મજા માણવા બધા ઉપડી ગયા.
પોતે પુરુષ છે તો બીજી સ્ત્રીઓ સાથે મોજમસ્તી કરવી તેમનો હક છે, વિચારી જગતના મિત્રો ત્યાં જઈ સ્વછંદી બની ગયા. જગતનું મન આ બધા માટે તૈયાર નહોતું. તેને આમ કરવામાં તેને ધરા, તેનો પ્રેમ યાદ આવી જતો.
” શું ધરાની આવી કોઈ સ્વછંદતા પોતે સહન કરી શકે? અંતરમન માંથી જવાબ મળતો ના. તો પછી ધરા પણ આ કેમ સહન કરે! ” બસ આવા સમયે તે એકલો દરિયા કિનારે મસ્તીમાં ગીતો લલકારતો નીકળી જતો.
પાંચ દિવસ પછી સહુ પોતપોતાના ઘરે પાછા આવ્યા. જગતના એક મિત્રના મ્હોએ જગતની આ વાત સાંભળી ધરાને પતિ માટે અભિમાન થયું સાથે પ્રેમ બેવડાઈ ગયો. તેના શાંત સ્વભાવની પાછળનો મક્કમ પુરુષ તેને બમણો આકર્ષી ગયો.
ધરાએ ખુશી અને અભિમાન સાથે જગતને પહેલાની માફક એક પ્રેમપત્ર પણ લખી નાખ્યો.
” ભલે તું રોજ તારા પ્રેમનું પ્રદર્શન ના કરે પણ એ છલકાઈને મારી આંખો સામે આવતો જાય છે અને હું બેવડા વેગથી તણાતી જાઉં છું. રહી રહીને યાદ આવી જાય છે કે તું મને કેટલો પ્રેમ કરે છે. એક પુરુષ એ પણ ગોવાના મુક્ત વાતાવરણમાં, મિત્રોની સંગતમાં પત્નીને આટલો વફાદાર રહે તેને બીજી કોઈ રીતે પ્રેમ દર્શાવાવની જરૂર નથી.
સમય અને સંજોગો સામે ભલભલો પુરુષ લલચાય, ત્યાં તારી વફાદારીથી હું જીતાઈ ગઈ છું. તું કદાચ એકાદ ક્ષણ માટે હારી ગયો હોત તો મને દુઃખ થયું હોત. છતાં તને છોડી હું ક્યાય જવાની નહોતી. પરંતુ આ ખુશી અને પ્રેમનો અનુભવ ના થયો હોત.”
ચાર લીટીનાં પત્રમાં બંનેનું દસ વર્ષનું લગ્નજીવન હનીમૂનના દિવસોમાં ફેરવાઈ ગયું.
ભલે માનીએ કે પતિ પત્ની બંનેને સમાન હક છે. પરંતુ ખરેખરતો સમાજમાં પુરુષની ભ્રમર વૃત્તિ જગ જાહેર છે. જેમ સ્ત્રીની વફાદારી સર્વસ્વ છે તેમ પુરુષ માટે પણ હોવું જોઈએ.
પતિ પત્નીના સંબંધોમાં કાયમ જોતા આવ્યા છીએ એમ પુરુષને તેના પુરુષપણાનું અભિમાન છે તે માને છે તેને બધુજ કહેવા કરવાની છૂટ છે, તે લગ્નેતર સબંધો બાંધવાની કે ફલર્ટ કરવા આઝાદ છે. ઘરમાં ગમે તેટલો ખુશ હોવા છતાં પોતાની શારીરિક ઇચ્છાઓને બહાર સંતોષતા જરા પણ ખચકાટ અનુભવતો નથી. આમ કરવામાં બડાઈ સમજે છે. મિત્રો સામે આની ચર્ચા કરવામાં શાન સમજે છે. ઘણા પુરુષો પત્ની સામે પણ લગ્ન પહેલાના સબંધોને અભિમાનથી કહે છે. સામે પત્નીના સામાન્ય પુરુષ મિત્રની વાત સાંખી શકતા નથી.
પત્નીને પોતાની માલિકી માને છે. વફાદારીના બધાજ નિયમો માત્ર સ્ત્રી ઉપર લદાએલા છે. પોતાના પતિથી નાખુસ કે અસંતોષી હોવા છતાં તેને સમાજે બાંધી આપેલી બારી બહાર જોવાની છૂટ નથી. આ બધું આજકાલનું નવું નથી. સમય બદલાયો હોવા છતાં મોટાભાગે આ સ્થિતિ કે માન્યતામાં કોઈ ખાસ ફર્ક નથી આવ્યો.
સ્ત્રી પુરુષ તરફથી માત્ર પૈસા કે સલામતી નથી ઇચ્છતી. તેની માટે પણ પ્રેમ, વિશ્વાસ અને વફાદારીનું મહત્વ બધાથી વધારે છે. જોકે કેટલીક સ્ત્રીઓ આ વાક્યને ફેરવી વિરુદ્ધ દિશામાં ફેરવે ત્યારે દરેકનું માથું શરમથી નીચું થાય છે. કારણ સમાજનો મહત્વનો પાયો પુરુષ નહિ પણ સ્ત્રી છે. તેના સંસ્કાર અને આચાર વિચાર ઉપર સ્વસ્થ સમાજની રચના થયેલી છે.
શિક્ષણ અને સમજદારી સાથે સમાનતાના હકોમાં ફેરફાર થયો છે એ વાત પણ સાચી છે. પહેલાના સમયમાં કોઈ દંપતી જો પોતાના લગ્નજીવનથી ખુશ ના હોય તો પતિને બહાર બીજો સંબંધ બાંધવાની તક મળી જતી. આ માટે કોઈ ખાસ રોકટોક નહોતી. જમીનદારો અને પૈસાદારોને વગ પ્રમાણે બહાર અફેર રહેતા, નાચગાન અને ગણીકાઓને ત્યાં તેમની કાયમી અવરજવર તેમનું સ્ટેટસ ગણાતું. સામા પક્ષે તેમની સ્ત્રીઓનાં અંગત નોકર ચાકર નપુંસક રખાતા. જેથી અધુરી ઇચ્છાઓ કોઈ બીજા સાથે પૂરી કરવાનો પ્રયાસ ના થઇ શકે.
સારું છે સમય સાથે બદલાવ આવી ગયો છે. છતાં હજુ સામન હકો બતાવ્યા પ્રમાણે નથી. છતાં સ્ત્રીઓની જાગૃતિના કારણે હવે મોટાભાગની સ્ત્રીઓ આંખઆડા કાન કરવા તૈયાર નથી. આ સ્થિતિમાં પુરુષોએ પોતાના સુખી જીવનને સાચવી રાખવા જાગૃતિ અને સંયમી બનવું જરૂરી છે.
પત્નીને પ્રેમ આપવામાં અને સાચવવામાં તેનોજ ફાયદો છે સમજી એ બાબતે પુરુષોએ પણ જાગૃતતા કેળવવી રહી. પત્ની માટે માત્ર ધરસંસારના સુખો બસ છે એ માન્યતા હવે જૂની થઇ ગઈ. રોજની સવાર લગ્નજીવનના શરૂઆતના મહિનાઓ હોય તેવી પસાર કરવાથી આખો દિવસ ઊર્જિત અને સ્નેહભર્યો જશે.
આપણે ત્યાં પતિપત્ની સમજે કે પ્રેમ છે તો બતાવવો જરૂરી નથી. એકબીજાને આઈ લવ યુ કહેવું જરૂરી નથી. કેટલાક અને વેવલા વેળા સમજે છે. અહી મોટી ભૂલ છે. પ્રેમને સમય ઉપર પ્રદર્શિત કરવો જ જોઈએ. પશ્ચિમની એક રીત સારી છે. પતિ પત્ની એકબીજાને મીઠા સંબોધન, આઈ લવ યુ, અને પ્રેમના પ્રતિક રૂપે હળવા ચુંબન માટે કોઈ સમય, એકાંત કે પ્રસંગની રાહ જોતા નથી.
આમ કરવાથી પ્રેમ મજબુત બને છે તેવું નથી છતાં જીવંત રહે છે, વ્યક્તિ પોતે ઊર્જિત રહે છે. સહુથી નિકટની વ્યક્તિને ખુશી આપવી કે તેની પાસેથી મેળવવા માટે શરમ કેવી. લગ્નના લાંબા સમય પછી પણ પોતાની અંદર રોમાન્સને જીવંત રાખવો એ ખોટું નથી. રોમાન્સનો મતલબ માત્ર શારીરિક જરૂરીયાત નથી. લાગણીઓની જીવંતતા અને માનસિક હળવાશ માટે પણ આ જરૂરી છે.
એકબીજાનું ઘ્યાન રાખવાથી આ જીવંતતા રહે છે એ સાચું નથી. શબ્દોથી થતો પ્રેમ, મીઠી છેડછાડ, નાના મોટા વેકેશન, ભલે સસ્તી પણ ક્યારેક અપાતી સરપ્રાઈઝ ભેટ વગેરે પરસ્પર પ્રેમમાં વધારો કરે છે જે લગ્નેતર સબંધોને જડમુળથી દુર રાખે.
આ બધામાં શારીરિક સભાનતા સહુથી જરૂરી છે. સ્થૂળતા અને અસ્વચ્છતા કોઈને પસંદ નથી.
લગ્ન પહેલા છોકરીઓને પટાવવા અથવા તો ઇમ્પ્રેસ કરવા માટે જે પુરુષો પોતાનું ખુબ ધ્યાન રાખાતા હોય છે, તે લગ્નબાદ આળસુ અને બેદરકાર બની જાય છે. સામા પક્ષે તેમને સ્ત્રીઓ આકર્ષક ગમે છે. પાન મસાલા ચાવતા આળસુ પુરુષને કોઈ સ્ત્રી પસંદ નથી કરતી ભલે તે પત્ની હોય. હા પરાણે ચલાવી લે એ અલગ વાત છે. પરદેશમાં દારુ ચીકનથી ગંધાતા સ્થૂળ પુરુષો પણ આવીજ કેટેગરીમાં આવે છે. પરસ્પર ગમતા રહેવા મહેનત કરવી જોઈએ.આમ થતા લાંબો સમય રોમાંસ જીવિત રહે છે અને સમય પહેલા ઘરડાં થવાતું નથી.
પતિ-પત્નીનો સંબંધ ખૂબ ઉંડો અને મજબૂત છે, પરસ્પર જરૂરીયાતોને સમજી એકબીજા સાથે ખુશી અને દુ:ખને વહેંચવું જરૂરી છે. આમ કરવાથી પ્રેમમાં શંકાને કોઈ સ્થાન નહિ રહે અને લાગણીઓ અકબંધ રહેશે.
– રેખા પટેલ(ડેલાવર)
Leave a Reply