ડિપ્રેશનમાં સાઈકોથેરાપી અને કાઉન્સિલ ટ્રીટમેન્ટ સાથે હકારાત્મક દ્રષ્ટિકોણ
જીવન અને તેનો અંત આપણા હાથની વાત નથી. પરંતુ તેને કેમ જીવવું એ જરૂર આપણા હાથમાં છે.
હા! બીમારી અને જન્મથી મળેલા રોગો અને સંભવિત સમસ્યાઓ સામે કદાચ આપણે લાચાર થઇ જઈએ એ અલગ વાત છે. પરંતુ ગમે તેવા કપરા સમયમાં પણ જીવનને ટૂંકાવી નાખવાનો વિચાર,વેડફી નાખવાની લાચારી એ મજબુરી નહિ પણ કાયરતા છે.
જો બહુ ધ્યાનથી આજુબાજુ નજર નાખવામાં આવે તો દરેક એકને પોતાનાથી દુઃખી અને લાચાર વ્યક્તિ જરૂર જડી આવશે એ વાતમાં કોઈ શંકા નથી. આત્મહત્યાના વધતી જતી સંખ્યા ચોકાવી જાય છે.
ડેન્માર્કના ગ્રીનલેન્ડમાં ૧૦૦,૦૦૦ માણસોએ ૮૨ આત્મહત્યાના કેસ નોંધાય છે. જેમાં ટીનેજર અને યંગ એડલ્ટનો આંક દુઃખ સાથે આંચકો આપી જાય છે.
સાઉથ આફ્રિકાનો દેશ લેસોથો બીજા ક્રમે આવે છે. જેમાં ઉપરની સંખ્યામાં ૨૮ લોકો આત્મહત્યા કરતા નોંધાયા છે. જેમાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે. આ બધા આંકડા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા બહાર પડે છે. ગયાનામાં એઇડ્સ અને ગરીબી મોટું કારણ છે. યુક્રેન લિથીયાના, સાઉથ કોરિયામાં વધુ મોટી સંખ્યા નોંધાઈ છે. જ્યાં ગરીબી અને બીમારી આત્મહત્યાનું વધારે મોટું કારણ છે.
પરંતુ અમેરિકા, યુરોપ, અને ભારત જેવા પ્રગતિશીલ દેશોમાં જ્યારે વધતા જતા આત્મહત્યાના કેસો વિષે સાંભળવા મળે ત્યારે વિચાર કરવા પ્રેરિત થવાય છે. વિશ્વભરમાં આઠ થી દસ લાખ લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે. જેમાં મોટાભાગના ૫ થી ૪૫ વર્ષના હોય છે. જે યુવા ધનની દરેક કુટુંબને, દેશને જરૂર છે તેમનું આમ કરવું કોઈને પોસાય તેમ નથી આથી આ આંકડાને ધટાડવા દરેકે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આજ કારણે આ વિષયની યોગ્ય છણાવટ સાથે હું આજના લેખને વધુ મહત્વ આપું છું.
એકલા અમેરિકામાં ૨૦૨૦માં ૪૫,૭૯૯ આત્મહત્યાના કેસ નોંધાયા હતા. જે ૧૦૦,૦૦૦ માં ૧૦ થી ૧૨ વ્યક્તિઓ ગણી શકાય. સામે ભારતમાં પણ લગભગ આવો મોટો આંકડો બહાર પડે છે. આત્મહત્યા એ વધારે પડતું ડીપ્રેશનનું એક કારણ છે.
અભ્યાસમાં નિષ્ફળતા, પ્રેમ સબંધ તિરાડ, ધંધામાં મંદી, બે રોજગારી, ગરીબી આ બધા મુદ્દાઓને લઈને સહુથી વધાર આપધાત થતા હોય છે. જેના વિષે સહુ કોઈઓ જાણે છે. આ સાથે એક વધારાનું કારણ છે દવાઓનો ઓવરડોઝ જેના વિષે ઘણા અજાણ છે.
ડીપ્રેશન અને માનસિક તણાવને રોકવા માટે અપાતી દવાઓનો ઓવરડોઝ પણ આત્મહત્યા તરફ ઘકેલે છે.
આવીજ એક બીમારી આજકાલ નાના બાળકો અને કિશોરોમાં વધી રહી છે જેનું નામ ADHD “એટેન્શન ડેફીસીટી હાઈપર એક્ટીવીટી ડીસઓર્ડર”
જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થતો નથી, બાળકો બેધ્યાન અને આળસુ હોય છે. ભણવામાં ઘ્યાન કેન્દ્રિત થતું નથી અથવા તો બીજાઓ સાથે યોગ્ય રીતે ભળી શકતા નથી.
જોકે આ બધું યુવાન થતા સુધીમાં આજુબાજુના માહોલ પ્રમાણે બરાબર થઈ જાય છે, છતાં કેટલાક દિવસે જે સ્થિતિ નથી હોતી તેને અનુભવે છે ટૂંકમાં દિવાસ્વપ્નોમાં રાચે છે, ભૂલી જાય , એકલા એકલા બોલ્યા કરે, બીજાઓ સાથે રહેવામાં વાત કરવામાં મુશ્કેલી અનુભવે વગેરે સ્થિતિઓ સામે મેડિસિન અપાય છે જેના કારણે મગજ ઉપર કંટ્રોલ રહે અને એ માનસિક નોર્મલ રહે.
જરૂરીયાત પ્રમાણે દવા અને તેનો ડોઝ કામ કરી જાય છે પરતું આજકાલ દવાઓનો બીજ જરૂરી ઉપયોગ થઇ રહ્યો છે જેમાં સહુથી વધારે દવા કંપનીઓ અને હોસ્પિટલોની સાંઠ ગાંઠ પણ જવાબદાર છે. જેનો ભોગ દર્દીઓ બની જાય છે. ખાસ કારણ વગર અપાતી આવી દવાઓના બંધાણી થઇ જાય છે અને જીવનભરનું દુઃખ બાંધી લે છે.
માનસિક રીતે ઠંડા અને ધીમા એવા દર્દીઓને એમ્ફેટામાઇન, ડેક્સટ્રોએમ્ફેટામાઈન જેવી દવાઓ અપાય છે જેના કારણે દર્દી ઉત્તેજના અનુભવે છે અને કાર્યક્ષમતા વધે છે. આ દવાની અસરને કારણે ઊંઘ રોકી શકાય છે. જેનો ઉપયોગ અમેરિકામાં ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે આખી રાત જાગતા રહેવા આનો ઉપયોગ કરે છે. આખું વર્ષ પાર્ટીઓમાં મિત્રો સાથે સમય વ્યતીત કરનારા પરીક્ષા સમયે વધુ વાંચન કરવા માટે આવી દવાઓ લેતા અચકાતા નથી. જે હાનીકારક નહિ પણ ક્યારેક જીવલેણ પણ બની જાય છે.
અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારની દીકરી પ્રિયા આવા જ કોઈ કારણોસર એડ્રેરાલ દવાની આદી બની ગઈ. કોલેજ દરમિયાન પોતાને મળેલા પ્રોજેકટને અને વાંચન માટે વધારે સમય ફાળવવા ADHD માટેની દવાનો ઉપયોગ કાર્યદક્ષતા વધારવા કરવા લાગી જે તેની સહુથી મોટી ભૂલ પુરવાર થઇ.
પ્રિયા તેના મંગેતર સાથે માતાપિતાથી દુર બીજા સ્ટેટમાં રહેતી હતી. આથી પરિવાર તેની આ ટેવથી અજાણ હતો. થોડા સમય બાદ અચાનક તેના વર્તનમાં ફેરફાર નોંધવા લાગ્યો. જેમાં ખુશમિજાજી એવી પ્રિયા સાવ અતડી અને બાઘી બની ગઈ. દિવસો સુધી નહાવાનું અને માથું ઓળવાનું છોડી દીધું.
રાત્રે અચાનક બારીમાં દુર આકાશ તરફ જોઈ કહેતી જો એલિયન આપણને લેવા આવ્યા છે, કોઈ બારણે છે એવો ભ્રમ કરી લાકડી લઇ ઘરમાં ફરતી. આ બધા વર્તન સામે તેના મંગેતરને ખુબ ચિંતા થતી. શરૂવાતમાં કારણ સમજાયું નહિ છેવટે તેના માતાપિતાને આ વાતની જાણ કરાતા તેને મનોચિકિત્સક પાસે ગયા ત્યારે જાણવા મળ્યું કે દવાના ઓવરડોઝને કારણે તેના જ્ઞાનતંતુઓ ઉપર ભારે અસર થઇ છે. પરિવારની સમયસુચકતા અને પ્રેમને કારણે ધીમેધીમે પરિસ્થિતિ સુધરી શકી.
માનસિક રોગ હોય કે તણાવ સહુથી વધારે અસરકારક થેરાપી છે આવી વ્યક્તિને પ્રેમ હુંફ અને સમય આપવો. તેમની સાથે વાર્તાલાપ ચાલુ રાખવાથી તણાવ અને ડીપ્રેશન માંથી બહુ ઝડપથી બહાર આવી શકે છે અને દવાની ખાસ કોઈ જરૂર રહેતી નથી. હા બીમારી હોય તો વાત અલગ છે. છતાં પ્રેમ ભર્યા સહવાસની દરેક વખતે જરૂરીયાત છે.
ડીપ્રેશનમાં રહેતી વ્યક્તિને વધારે પડતી સલાહ પણ નિરાશ કરી શકે છે. બહુ સહેલું છે કહેવું કે ખુશ રહો તણાવ મુક્ત રહો. આ બધું માનસિક છે ડીપ્રેશન જેવું કશું નથી…. વગેરે
હકીકતમાં જે પરિસ્થિતિ આપણે પચાવી નથી સકતા એ સ્થિતિ અને દુઃખ આપણી ઉપર હાવી થઇ જાય છે. વધારે પડતા વિચારો અને માનસિક દબાણ વિવેક બુદ્ધિ અને સહનશક્તિનો નાશ કરે છે. પરિણામે અવિવેકી પગલું ભરાઈ જાય છે.
સામાન્ય પરિસ્થિતિમાં વ્યક્તિએ જાતેજ તેને દુર કરવા માટે ગમતો કોઈ પણ શોખ અપનાવી ભલે ગમે કે ના ગમે તેમાં વ્યસ્ત રહેવા પ્રયત્ન કરવો. પસંદગીના કે પોતાનાં માણસો સાથે વધુ સમય વ્યતીત કરવો. દુઃખની વાત કે ઉગતા સવાલો વહેંચવા જોઈએ.
ખાસ તો જ્યારે પણ નકારાત્મક વિચારો વધી જાય તેના ઉપર નિયંત્રણ ના આવે તો અચૂક મનોચિકિત્સક પાસે જવું જોઈએ. આ કોઈ શરમજનક સ્થિતિ ધરાવતો રોગ નથી કે તેને સંતાડવો પડે. એક માનસિક તણાવ આપતી સામાન્ય બીમારી છે જેની સારવાર એન્ટીડિપ્રેસન દવાઓથી થઇ શકે છે. યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં દર્દીને દવાઓ મળવી ખુબ જરૂરી છે.
યોગ્ય દવા સાથે ફેમિલીનો સાથ આવા તણાવમાંથી ઝડપથી મુક્તિ અપાવે છે. વ્યક્તિ જો બધું મનમાં ભરી રાખે તો આ ડિપ્રેશન તેને આત્મહત્યા સુધી લઇ જાય તો નવાઈ નથી. મોંધુ જીવન ટુંકાવી નાખવાથી હાથમાં કશુજ આવતું નથી. ઉપરથી પોતાના નજીકના અને વહાલાઓને ભાગે એથી પણ કપરી સ્થિતિ અને દુઃખ આવી જાય છે
માત્ર નકારાત્મકતા વધી જતા આવતા ડિપ્રેશનમાં સાઈકોથેરાપી ટ્રીટમેન્ટ અને કાઉન્સિલ દ્વારા જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ હકારાત્મક તરફ ઝડપથી બદલાય છે. આ સાથે ખુશ રહેવા બનતા પ્રયત્નો વ્યક્તિએ જાતે કરવાના હોય છે. સંતુલિત આહાર અને એકસરસાઈઝ સાથે વ્યસ્ત રહેવા ગમતું કરવું જરૂરી છે.
ખુશમિજાજી અને આશાવાદી વ્યક્તિઓના સંપર્કમાં રહેવાથી જીવન પ્રત્યેનો અભિગમ જરૂર બદલાય છે. આ સાથે દુઃખી કે જરૂરમંદ વ્યક્તિને મદદ કરવાથી સંતોષ અને આત્મવિશ્વાસ વધે છે. મેડીટેશન અને યોગા પધ્ધતિ પણ માનસિક સંતુલન વધારે છે. તો બસ આટલું બધું હાથમાં હોય તો શું કામ નબળાં પડવું.
કોઈ એવી નબળી ક્ષણે ડિપ્રેશનમાં ઘેરાએલા વ્યક્તિને જો અવિવેકી પગલું ભરવાનો વિચાર સુધ્ધા આવે તો માત્ર અડધો કલાક જે સહુથી પ્રિય હોય તેની સાથે છુટ્ટા મને વાત કરવી જોઈએ, પોતાના હોવા ના હોવાથી તેને કેટલો ફર્ક પડશે તેનો વિચાર કરવો. આમ પણ શક્ય ના બને તેમ હોય તો પોતાની મનોદશા સંતાડ્યા વિના આજુબાજુ જે પણ હોય તેની સાથે વાત કરવી જોઈએ. આમ પણ મરવાનો વિચાર છે તો સંતાડીને શું કામ બસ જે પણ છે તેને કોઈ યોગ્ય સામે ઉલેચી નાખવું.
ચોક્કસ એ કપરી ક્ષણ પસાર થઇ જશે. કાલનો ઉગતો સુરજ ચોક્કસ રોશની લઈને આવશે. જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ દરેક એકે અપનાવવો જોઈએ આમ કરતા આવા રોગોથી મુક્ત રહી શકાય છે.
હવે સામા પક્ષે આપણી સામે આવી કોઈ દુઃખી તનાવગ્રસ્ત વ્યક્તિ આવે તો આપણી ફરજ કેટલી? આવી વ્યક્તિની વાતોને ખુબ શાંતિથી સાંભળવી તેની વાત કાપ્યા વિના તેનો વાંક કાઢ્યા વિના સહાનુભુતિ આપવી. તેને હંમેશા એવું પ્રતીત કરાવવું કે તે એકલો નથી. હું તારી સાથેજ છું.
દુનિયામા લાખો લોકો માનસિક બીમારીથી પીડાઈ રહ્યાછે. એની અસર તેમના કુટુંબીજનો ઉપર પડે છે. અતિ ઝડપી ભૌતિક દેખાડામાં ડીપ્રેશન સામાન્ય થતું ગયું છે. પરતું તેની તીવ્રતા મોત સુધી ખેંચી જાય ત્યારે એ ભયાનક લાગે છે. આ બીમારી માનસિક અને પછી શારીરિક રીતે વ્યક્તિને તોડી નાખે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ આજે વિશ્વમાં પાંત્રીસ કરોડથી પણ વધુ લોકો આ બીમારીથી પીડાય છે. જીવનમાં આર્થિક સમસ્યાઓ, પ્રેમમાં દગો, નીચાજોણું થવું, હાર કબૂલવી, લાંબી બીમારી કે પછી અણગમતી સ્થિતિમાં મગજમાં રહેલા સંવેદનાના વાહન માટેના જરૂરી રસાયણોનું સંતુલન ખોરવાઈ જતા ડિપ્રેશનનો જન્મ થાય છે.
જેમ શરીરના બીજા ભાગોમાં આવતી નબળાઈ કે બીમારીને દવા અને એકસરસાઈઝ દ્વારા સરખી કરી શકાય છે તેમજ અ મગજના યંત્રને પણ સુયોગ્ય કરી શકાય છે. બસ તેના ઉપચાર માટે વ્યક્તિએ ખુલ્લા મને વાત કરવી જરૂરી છે. તેને છુપાવાવની કોઈ જરૂર નથી. આની સ્વીકૃતિ ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં મોટો ભાગ ભજવે છે.
માત્ર માનસિક વિચારોનું ડિપ્રેશન હકારાત્મક અભિગમ દ્વારા અને દવાઓ દ્વારા ઝડપથી દુર થઇ શકે છે. પરતું નકારાત્મક સ્થિતિ દ્વારા મળેલું ડિપ્રેશન એમ દુર થતું નથી. આ માટે સહનશીલતા દાદ માંગે છે. પરિસ્થિતિ કાયમ આવી નથી રહેવાની એ મક્કમ મને વિચારવું જોઈએ. એને દુર કરવા કે એમાંથી પસાર થવા મજબુત મનોબળ જોઈએ. જ્યાં આપણી સલાહ કામ નથી લાગતી. આવી કોઈ પણ વ્યક્તિ નજર સમક્ષ હોય ત્યારે તેને સલાહ નહિ સહારો આપવો, ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમજી તેનો હાથ ઝાલવો માનવતાની પહેલી ફરજ છે.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply