સ્ત્રીનું પગભર થવું જરૂરી કેટલું?
સ્ત્રીને, પુરુષને આધારિત બનાવે છે તેની ભીરુતા કે પછી સમર્પણ અને વિશ્વાસ. તેની સમજ અને લાગણીઓ તેને પગભર થતા ટોકે છે. પરિણામે જીવનભર તે બીજાઓને આધારિત થઇ જીવે છે. જોકે આ ગ્રંથી તેનામાં જન્મની સાથે સમાજ દ્વારા થોપી દેવામાં આવે છે, પછી સંસ્કારોનું પાણી તેને મજબુત બનાવે છે. કશુજ ખોટું નથી સંસ્કારો દ્વારા થતું ઘડતર પરંતુ આજ કારણે પહેલા પિતા, ભાઈ, પતિ અને છેલ્લે પુત્ર. આમ પુરુષના વર્ચસ્વ હેઠળ દબાએલી રહે છે જે તેના આગવા વ્યક્તિત્વને રૂંધી નાખે છે.
સુખના દિવસોમાં આ સ્થિતિ સામાન્ય લાગે છે પરંતુ આવતી કાલની કોઈને ખબર નથી. એક હળવો આંચકો પણ તેના સોનેરી મહેલને જમીનદોસ્ત કરી નાખે છે ત્યારે માત્ર પસ્તાવો હાથ રહે છે. તેની ભૂલ કે અજ્ઞાનતા તેને ઠોકરો ખાતી અથવા સમાજ નીચે કચડાયેલી રહી જીવવા મજબુર કરે છે.
આવી સ્થિતિ માંથી બચવા માટે સ્ત્રીએ પગભર થવું જરૂરી છે. દરેકે કોઈ પણ કપરા સંજોગોમાં આજના આશરાને છોડવું પડે ત્યારે શું? એક એવી જગ્યા એવો માર્ગ તેની નજર સમક્ષ હોવો જોઈએ. જ્યાં કચડાઈને રહેવા બદલ હિંમતભેર આગળ વધી શકે. આ માટે શિક્ષણ ખુબ જરૂરી છે. સમય અન સંજોગો અનુરૂપ હોય તો ભણેલી સ્ત્રીઓએ જરૂર ના હોય છતાં પોતાને અનુરૂપ પાર્ટ ટાઈમ કામ કરવું જોઈએ જેથી કરીને બહારની દુનિયા સાથેનો સંપર્ક જળવાઈ રહે.
દુનિયાની ઊંચનીચનો અનુભવ પણ જીવનમાં જરૂરી છે. આ માટે મખમલી જીવનમાંથી પણ બહાર આવવું જોઈએ. ઘણી વખત ખુબ મહત્વકાક્ષી ભણેલી સ્ત્રી વર્તમાનના સોનેરી સુખ અને એશોઆરામ સામે સ્વપ્નાઓને નજરઅંદાજ કરે છે. પરિણામે પરાવલંબી બની જાય છે. આજ તેની મોટી ભૂલ બને છે. ઘરની જવાબદારીઓ પૂરી કર્યા પછી પોતાને પગભર રહેવા શોખ રૂચી પ્રમાણે અનેક વ્યવસાયમાં જોડાઈ શકાય છે.
હું આજે બીજા કોઈનું ઉદાહરણ આપવાને બદલે મારી ખુદની મનની વાત મુકીશ. કારણ દરેકની જેમ મારી પણ એક ઈચ્છા અધુરી હોવાનો અફસોસ ક્યારેક સતાવે છે. અમેરિકા જેવા દેશમાં આવીને કદીયે બહારની દુનિયાના સંપર્કમાં વ્યવસાયિક રીતે નથી આવી. એ અનુભવ દ્વારા હું કદાચ વધારે શીખી શકી હોત કે જાતને વધુ ડેવલપ કરી શકી હોત. કારણ અનુભવથી મોટો બીજો કોઈ ગુરુ નથી. જોઈ સાંભળીને જે શીખીએ તેના કરતા વધુ એ સ્થિતિ માંથી પસાર થઈ જાણી શકીએ. શરીર સાથે મન પણ મજબુત બને છે.
અંગત રીતે એવું કોઈજ સુખ બાકી નથી જે મને જીવનમાં ના મળ્યું હોય. છતાં ક્યારેક વિચારતા લાગે કે ઘણું બાકી છે જે મેળવી શકાયું હોત. શીખી શકાયું હોય કારણ જાણવા અને શીખવાને કોઈજ અંત નથી. પોતાના પગ ઉપર ઉભા રહેવામાં આત્મવિશ્વાસનો વધારો થાય છે. કાલે કોઈપણ સ્થિતિનો સામનો કરવા સક્ષમ બની શકાય. જોકે સોશ્યલ મીડિયાના સંપર્કમાં રહીને લેખન પ્રવૃત્તિને જીવનનો ભાગ બનાવી ઘણું જાણી શક્યાનો આનંદ છે છતાં વાસ્તવિક જગતમાં મળતા અનુભવોથી અજાણ રહ્યાનો અફસોસ પણ ક્યારેક ખટકે છે.
ખેર આતો અનુભવ માટેની વાત છે. પરંતુ જેને સાચે જરૂરીયાત હોય તેની માટે પોતાના પગ ઉપર ઉભા રહેવાની તાકાત જીવાડી જાય છે. મુશ્કેલીના સમયમાં માર્ગ અને સહારો બની રહે છે.
લોપાના લગ્ન થયા ત્યારે તેનો પતિ વ્યોમેશ ખુબ સુખી અને સાધનસંપન્ન હતો. શરૂવાતના વર્ષો જાહોજલાલીમાં વીત્યા. બે બાળકો સાથે દસ વર્ષ પલકારામાં નીકળી ગયા. આ દરમિયાન ઘણા સંબંધો બંધાયા હતા. લોપા આજ સંસારમાં વ્યસ્ત રહેતી.
નસીબનું ચક્ર ક્યારે ફરશે તેનો અંદાજ પહેલેથી નથી આવતો. વ્યોમેશને ધંધામાં મોટી ખોટ આવી. ધંધાને બચાવવા અને ખોટને સરભર કરવાના બધાજ પ્રયત્નો નિષ્ફળ ગયા. એજ ટેન્શનમાં હાર્ટએટેક આવી જતા પરલોક સિધાવી ગયો. આડત્રીસ વર્ષની લોપા બે બાળકો અને માથે દેવા સાથે નોંધારી બની ગઈ. શરૂવાતમાં સગાઓ અને મિત્રોએ સહારો આપ્યો. તે જાણતી હતી કે આ બધું ટૂંક સમય માટે છે પછી બધું જાતેજ કરવાનું હતું. બાળકોના ભવિષ્યની ચિંતાએ લોપામાં હિંમત ભરી અને તેને કામ લાગી તેની ભણતરની ડીગ્રી અને વાચાળ પ્રકૃત્તિ
હોટલ રીસેપ્શનિષ્ટની નોકરીમાં નાનમ ના રાખતા કાર્ય અને સ્વભાવને કારણે થોડાજ સમયમાં આસીસ્ટન મેનેજર બની નોકરીમાં નક્કી સ્થાન બનાવી બાળકોનાં ભવિષ્યને સધ્ધર કરવામાં સફળ બની. જનાર પાછળ જવાતું નથી વિચારી જિંદગીને એકલતામાં ના વિતાવતા બહારની દુનિયામાં મિત્રો અને નવા સબંધો બનાવી જીવવા લાયક બનાવી શકી.
સ્ત્રી પુરુષને સમોવડી બને તેનાં કરતા જીવન ખુશીથી જીવી શકે તેને લાયક બને તે જરૂરી છે. એમ નથી કે બધીજ સ્ત્રીઓ લાચાર અને અબળા છે. કેટલીક માથાભારે સ્ત્રીઓ પુરુષોને પણ સારા કહેવડાવે છે. જોકે આ આંક પ્રમાણમાં ઘણો ઓછો છે. મોટેભાગે સ્ત્રીનું શારીરિક કે માનસિક શોષણ થતું હોય છે. કારણ માત્ર તેની લાચારી.
જોકે સમાજમાં જેમ જેમ કેળવણીનો વ્યાપ વધતો ગયો તેમ રૂઢીચુસ્ત સમાજનો અંત આવતો ગયો. શિક્ષણનો પ્રચાર વધતા સ્ત્રીઓ પોતાના અધિકારો અને હક્કો માટે આગળ આવી. પોતાના સ્વતંત્ર વિકાસ માટે ગમે તેવી પરિસ્થિતિ નો મુકાબલો કરવાની તેની હિંમત વધી. આજે પણ એકવીસમી સદીમાં જ્યારે સ્ત્રીઓ ઉપર થતા જુલ્મ નજર સમક્ષ આવે છે ત્યારે દુઃખ સાથે ગુસ્સો ઉભરાઈ જાય છે.
જો સ્ત્રી જાતે કમાતી હોય તો કોઈ પણ કપરી સ્થિતિમાં અલગ રહી પોતાનું જીવન વ્યતીત કરી શકે છે. બાકી તેને જે સ્થિતિ મળી હોય તેને અનુરૂપ થઈને જીવવું પડે છે. બસ ભણતરથી આત્મવિશ્વાસ વધવો જોઈએ નહિ કે સ્વછંદતા. દરેકને જીવન જીવવાનો અધિકાર છે સ્વતંત્રતાનો દુરુપયોગ કરવામાં ફાયદા કરતા નુકશાન વધુ રહે છે.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply