લગ્નજીવનની વાતો સારી નરસી”
લગ્ન આપણી સમાજ વ્યવથાનો એક મજબુત ખંભો.
જેમાં એક સ્ત્રી, પુરુષ અગ્નિની સાક્ષીએ ચારફેરા ફરી એકબીજાને જીવન પર્યંત વફાદારી થી સુખ દુઃખમાં સાથ આપવાના વચને બંધાય, મૌલવી પાસે “કુબૂલ હે” કહી બંધનને સ્વેચ્છાએ સ્વીકારે કે ચર્ચમાં ફાધરની સામે ‘આઈ ડુ’ના શપથ લઈને કદી સાથ ના છોડવાની પ્રોમિસ આપે. કે પછી કોર્ટમાં મેરેજના પેપેર ઉપર સહી કરી સિવિલ મેરેજ કરીને સહજીવન દરમિયાન એકબીજાના સુખ દુઃખમાં જિંદગીભર સાથે રહેવા એકબીજાને મન વચન કર્મથી અપનાવે છે.
આ પવિત્ર ગણાતી લગ્ન વ્યવસ્થામાં પતિ પત્ની બંને જિંદગીની આખરી ક્ષણ સુઘી અનુકુળ બની પોતાની અગવડને અવગણી પ્રથમ પોતાના પ્રિય પાત્રના સુખની ચિંતા કરે છે. જ્યાં સ્વાર્થનું પ્રમાણ નહીવત હોય છે. આજ પગલાં ઉપર ચાલીને જીવન વ્યતીત થતી ગૃહસ્થી સુખી કહેવાય છે.
આજકાલ જગતમાં લગ્નવ્યવસ્થા ડામાડોળ થતી જાય છે આ બાબતની સહુથી વધુ અસર યુરોપમાં જોવા મળે છે અને ત્યાર બાદ અમેરિકા આવે છે. છતા પણ યુરોપ કરતા અહી સ્થિતિ સારી ગણી શકાય. આ બધાની સરખામણીમાં ભારતમાં લગ્નવ્યવસ્થા હજુ પણ એકંદરે મજબૂત છે.
આમ જોવા જઇયે તો અમેરિકામાં અલગ અલગ દેશમાંથી આવીને વસેલી પ્રજા છે. આથી આ દેશમાં ઘણા ભિન્ન ભિન્ન રીતિ રીવાજો અને પરંપરાઓ જોવા મળે છે. પોતાનો દેશ અને ત્યાની સંસ્કૃતિને છોડીને આવેલા ઇમિગ્રન્ટ પોતાના મૂળને જાળવી રાખવા સંસ્કારોનું જતન કરવા પ્રયત્નશીલ રહેતા હોય છે. તેના કારણે બ્રિટન કરતા આ દેશની નૈતિકતા પ્રમાણમાં મજબુત છે.
આજ કાલ શિક્ષિત અને સુધરેલા લોકોમાં લિવ-ઈન રીલેશન બહુ ચલણ જોવા મળે છે. જેમાં સ્ત્રી-પુરુષ પરંપરાગત લગ્ન પ્રથાને માળીયા ઉપર ચડાવી બંને એક સાથે ઘરસંસાર માડે છે. જ્યાં પરસ્પર સમજુતી અને અનૂકૂળતા જોડાયેલી હોય છે. ઉપરાંત બનેનાં કામ પણ વહેચેલા હોય છે.જેમાં એક બીજાનો અહં ના ઘવાય તે રીતે આ સબંધ જોડાએલો હોય છે. સાથે રહેવાનું અને પરસ્પર મદદરૂપ થવાની ભાવના સિવાય ખાસ બંધન હોતા નથી.
કોઈ કારણસર આમાં ભંગાણ પડે તો કોર્ટ કચેરીના ઝગડા વીના કે માલમિલકતની વહેચણી વિના અલગ થઈ જાય છે. અલગ થવું પણ બહુ સરળ હોય છે. જવાબદારીથી ભાગતા આજના યુવક અને યુવતીઓનાં ખાસ વર્ગમાં આ વ્યવસ્થા બહુ અનૂકૂળ આવે છે.
હવે મૈત્રીકરારના નામે આ વ્યવસ્થા ભારતના મોટા શહેરોમાં જોવા મળી રહી છે. આ કરાર દ્રારા બાળક હોય છતાં વરસો પછી એક બીજાને અનૂકૂળ ના આવતા આ યુગલમાં ભંગાણ પડે ત્યારે બાળકની જવાબદારી ખાસ કરીને મા સ્વીકારે છે અને સિંગલ પેરેન્ટસની શરૂઆત થાય છે. આજ પગલે ચાલીને આજકાલ “સીંગલ મધર”ની સંખ્યા સૌથી વધું જોવા મળશે. સામા પક્ષે “સીગલ ફાધર” જેવો શબ્દ ઓછો સાંભળવા મળે છે.
હવે કોઈ સિંગલ પેરેન્ટ જોવા મળે તો કોઈ નવાઈ નથી પામતું. એકલા હાથે બાળકોનો ઉછેર કરવો ભણેલા સભ્ય સમાજમાં અને શહેરોમાં હવે એક સામાન્ય વાત બની ગઈ છે. જોકે સિંગલ પેરેન્ટના કારણે બાળકોનો જે રીતે જોઈએ એવો વિકાસ થતો નથી. કારણકે મા કે બાપ જે પણ એકલા હાથે બાળકને ઉછેરે છે એને ઘરનું અને બહારનું કામ એકલા હાથે કરવું પડે છે. તેથી બાળકને જરૂરી સમય આપી શકતા નથી. આવી પરિસ્થિતિમાં બાળ સહજ ઉછેર યોગ્ય રીતે થઈ શકતો નથી. આવા વાતાવરણમાં ઉછરેલુ બાળક બહુ સહજતાથી ખોટા માર્ગે ઘકેલાઈ જાય છે ક્યારેક તો પ્રેમની ભૂખ તેને ડ્રગ્સ અને બીજી બદીઓ તરફ કાચી યુવાન વયે ઘકેલી દે છે.
આ સિંગલ પેરેન્ટ્સહૂડને લીધે ડ્રગ અડિક્શન અને ક્રાઇમ અને માનસિક અસ્થિરતાનું પ્રમાણ વધી ગયું છે. આજ રીતે એકલા રહેતા સ્ત્રી કે પુરુષના જીવનમાં પણ સાચા પ્રેમનો અભાવ અને હંમેશની તાણ હોવાને કારણે શારીરિક માનસિક સંતોષના બહાના હેઠળ ડ્રગ્સ કે નશાની આદત વધતી જાય, અને ડીપ્રેસનમાં જીવતા જોવા મળે છે.
અમેરીકામાં વસતા ભારતીયોમાં હજુ પણ ડિવોર્સનું પ્રમાણ ઓછું છે. ગળથુથીમાં મળેલા સંસ્કાર અને સામાજિક ડરને કારણે ડિવોર્સ અને લીવ ઇન સબંધો ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં ઘણા પતિ પત્ની શરૂઆતથી એકબીજાને અપનાવી શકતા નથી પરંતુ સમાજના ડરને કારણે કે માતાપિતાના દબાવના કારણે પરસ્પર સમજુતીથી મન મારીને જિંદગી કાઢી નાખતા હોય છે. જ્યારે અમેરિકામાં આવું બનવાની શક્યતાઓ નહીવત હોય છે. અહી ના ફાવે તો તરત રસ્તા અલગ થઈ જતા હોય છે.
હવે ભારતમાં યુવાન યુવતીઓને પણ આવા અણગમતા સબંધમાં બંધાઈ રહેવા તૈયાર હોતા નથી માટે છુટાછેડાના દાખલા દિવસેને દિવસે વધતા જાય છે. આમાંથી બચવા યુવાનો હવે લગ્ન માટે સાથીની પસંદગીમાં બહુ ચોકસાઈ થી કરવા માગે છે. આ માટે લગ્ન નક્કી થયા પછી સમય માંગે છે જેથી એકબીજાને બરાબર સમજી ઓળખી શકે.
અમેરિકામાં પણ પરણેલા યુગલોમાં પ્રેમ, વફાદારી અને સમજદારી અહી ભરપુર છે, પતિ પત્ની એકબીજાને અનુકુળ થઇ રહેવા માટે ખુબ પ્રયત્ન કરે છે. બંને કામ કરતા હોવાથી ઘરમાં પણ એકબીજાને સો ટકા મદદરૂપ થવા કામની વહેચણી કરી સંસારને વ્યવસ્થિત બનાવવાના તેમના પ્રયત્નો આપણા ભારતીય પુરુષ પ્રધાન સમાજને શરમાવે તેવા છે. અહી કોઈ જોહુકમી કે ગુલામી નથી. બંને સ્વતંત્ર અને સ્થિતિ પ્રમાણે વ્યવસ્થા સંભાળતા જોવા મળે છે.
લગ્નની ઉંમર વટાવી ગયેલા માટે એકબીજાને અનુરૂપ થવું અધરું છે. જ્યાં પહેલા બાવીસથી પચ્ચીસ વર્ષની વચ્ચેની ઉમરમાં લગ્ન થઇ જતા હતા.જ્યારે આજે અ જ લગ્ન માટેની ઉમર આજે ત્રીસથી આડત્રીસની વર્ષની વય મર્યાદા પહોચી ગઈ છે. પાકટવયે ભેગા થયા પછી વિચારોની પરિપકવતા બહુ સજ્જડ થઈ જાય છે ત્યાં એકબીજા માટે બાંધછોડ કરવું મુશ્કેલી ભર્યું બની જાય છે. આ કારણે હવે અમેરિકામાં મોટી માત્રામાં પરણવાની ઉંમર વટાવી ચુકેલા ભારતીય યુવાન યુવતીઓ જોવા મળે છે
અહીયા વસતી પચરંગી પ્રજાના કારણે ભારતીય યુવાન કે યુવતી જો શ્વેત,અશ્વેત કે હિસ્પેનિક લોકો સાથે સબંધ જોડી દે છે ત્યારે આખા કુટુંબમાં તણાવ ફેલાઈ જાય છે. કારણકે સાવ અલગ રહેણી-કરણી વાળા સાથે જીવન વિતાવવું બહુ અઘરું હોય છે. સામાન્ય રીતે કપલને આ સ્થિતિમાં તકલીફ પડતી કારણ તેઓ આ માટે પહેલેથી સજ્જ હોય છે. પરંતુ માંબાપને સતત ભય સતાવે છે કે આ લગ્ન સબંધ ગમે ત્યારે તૂટી પડશે, અને તેની સહુથી માઠી અસર તેમના જન્મેલા બાળકો ઉપર પડશે અને તેઓ આ લગ્ન માટે મંજુરી આપતા ડરે છે.
જો કે દરવખતે આપણે વિચારીએ તેવું બનતું નથી. અહીયા ઘણા કિસ્સઓ એવા પણ જોયા છે કે જ્યાં પોતાનો સગો દીકરો તેનામાં ભારતીય સંસ્કારો ભરેલું લોહી દોડે છે તે પોતાના માં બાપને જાકારો આપે છે અને એક પરદેશી બીજા ધર્મનો યુવાન પોતાની પત્નીના માતા પિતાનો સંપૂર્ણ બોજો હસતા મ્હોએ ઉઠાવી લેતો હોય છે.
અમેરિકામાં એક મોટી સમસ્યા આ છે કે હવે કોઈને સંયુક્ત કુટુંબમાં રહેવું નથી. ભારતમાં તો સંયુક્ત કુટુંબની પ્રથા સૈકાઓથી ચાલતી આવી છે.અને આજે પણ લોકો મને કમને ભેગા રહે છે. જેમ કે પિતાને જો ધંધો હોય તો પિતાના ધંધામાં પુત્ર જોડાય છે. ત્યાં સુધી તેની પાસે પોતાનું કહી શકાય એવું મકાન કે ખાસ કોઈ મિલકત હોતી નથી.એક સામાન્ય નોકરીથી આ મોઘવારીમાં ઘર અને આખો જીવનનિર્વાહ ના ચાલી શકે માટે મન મારીને પણ તેને સાથે રહેવું પડે છે.
જ્યારે અમેરિકામાં મધ્યમ કમાણીએ સ્વતંત્ર રહેવું ભારત કરતા ઘણું સહેલું છે. અહી પતિપત્ની સાથે કામ કરીને ભાડે ઘર રાખી શાંતિથી એકલા રહી સકે છે. તેમાય આજકાલના યુવાનોને લગ્ન પછી માં બાપનું બંધન સ્વીકાર્ય નથી આથી લગ્ન પહેલા જ માબાપથી જુદા રહેવા જાય છે. જેના કારણે તેમના સબંધોમાં ભલે નજીકતા નથી હોતી તો સમા પક્ષે કડવાશ પણ નથી આવતી. દરેક મરજી મુજબ અને સમજણ મુજબ જીવન જીવતા હોય છે.( જીઓ ઓર જીને દો)
– રેખા વિનોદ પટેલ (વિનોદિની)
Leave a Reply