નિવૃત્તિની નવરી પળો
રીટાયર્ડ મેન્ટ, નિવૃત્તિ એટલે કે જિંદગીની અવિરત દોડધામ પછી હાશકારો. જેમની પાસે સમય, શરીર સાથ અને સંપતિ આ ચાર પાસે હશે તેમની નિવૃત્તિની મજા બેવડાઈ જાય છે. નિવૃત્તિની મજા માનનારા બધાજ સો ટકા નિવૃત્ત અને સુખી હોય તેવું જરૂરી નથી.
જિંદગીની અઢળક ગમતી ક્ષણો વચમાં પણ દરેકને કૈક ઓછા વત્તા અંશે તકલીફ રહેવાની, યુવાનીમાં કાર્યની વ્યસ્તતા સાથે કુટુંબના ભરણપોષણની જવાબદારીઓ વચમાં કોઈ મરજી મુજબ જીવી શકાતું નથી. દરેકને એવા સમયની શોધ હોય છે જ્યાં એ નચિંત બની જીવી શકે. આથીજ સમયાનંતરે વેકેશન લેવાતા હોય છે. છતાં સેલ્ફ એમ્પ્લોય, એટલેકે ધંધાકીય વ્યક્તિઓ માટે કામનો બોજ તો અંદરખાને રહેવાનો. નોકરી કરતા હોય તેમની માટે વેકેશન રાહત જરૂર આપે છે.
નોકરીયાત માટે રીટાયર્ડ થવાનો સમય નક્કી હોય છે. પરંતુ ધંધામાં રહેલા વ્યક્તિ માટે આવો ઉંમરને લઈને નક્કી કરાતો કોઈ સમય હોતો નથી. આવા લોકોએ જાતેજ આ સમય નક્કી કરવો પડે છે.
શરીર કંતાઈ જાય ત્યાં સુધી કામ કરનાર માટે રીટાયર્ડ મેન્ટનો સમય કોઈ ખાસ કામનો નથી રહેતો. ઘર અને ઓટલા સિવાય બીજું ખાસ કરી શકાય નહિ, વધારામાં ઘરમાં બેસી રહેવાને કારણે બીજાઓને પણ વચમાં નડે એમ પણ બને.
તો સામા છેડે અઘરું છે અર્લી રીટાયર્ડમેન્ટ, એટલે કે સમય કરતા પહેલા કશુંજ ના કરતા ખાલી બેસી રહેવું સમય જતા તકલીફ વધારે છે. અતિ વ્યસ્તતા પછી દરેકને વિચાર આવે કે બસ હવે કઈ કરવું નથી. આટલું બધું કોની માટે? સાચું છે પરંતુ કામ માત્ર બીજાઓ માટેજ નહી, વ્યક્તિ પોતાની ખુશી માટે પણ કરે તે જરૂરી છે. સાવ નવરા પડ્યા પછી શું કરવું તેનો વિચાર પહેલા થી કરવો જોઈએ. કારણ મન અને શરીર જો મજબુત હશે તો સાવ નવરાશ માફક નહિ આવે.
પચાસ વર્ષના મંદારની પચ્ચીસ વર્ષની સુઝબુઝ અને મહેનતને કારણે તેની આર્થિક સધ્ધરતા ઘણી સારી થઇ ગઈ હતી. પરિવારમાં બે બાળકો અને પત્ની હતા. ઘણું મેળવ્યા પછી મંદારને લાગ્યું બસ હવે બહુ થયું. હવે માત્ર આરામ કરવો છે. આજ સુધી બસ કામ સિવાય કોઈ ખાસ શોખ કે અંગત મિત્રો કેળવ્યા નહોતા. એક રીતે જીવનની મઝા માણી નહોતી.
ખાસ વિચાર્યા સિવાય કામધંધો સંપૂર્ણપણે બંધ કરી દીધો. કોઈજ કામ નહિ કોઈ ઝંઝટ નહિ. થોડો સમય ઘરે આરામ કરીને વિતાવ્યો. આ સમય દરમિયાન પત્ની બાળકો સાથે રહ્યા, બે ત્રણ વેકેશન કરી લીધા. થોડા સગાવહાલાને મળી આવ્યા તેમની મહેમાનગતિ માણી આવ્યા. આમ છ મહિના નીકળી ગયા.
યુવાન થવા આવેલા બાળકોની અલગ દુનિયા હતી. પત્ની પણ તેની કિટીપાર્ટી અને મિત્રોમાં વ્યસ્ત રહેતી હતી. દરેકને પોતાની લાઈફમાં પાછુ ફરવું હતું. બાળકો તો એમની રીતે વ્યસ્ત થઇ ગયા. પરંતુ પત્નીની આઝાદી જોખમમાં લાગી. બહેનપણીઓ સાથે શોપિંગ કરવું ગપ્પા મારવા બધું ઓછું થઇ ગયું હતું. મંદાર સાથે સમય વ્યતીત કરવો તેની જરૂરિયાતો ઉપર ઘ્યાન આપવું તેની પહેલી જવાબદારી હતી.
થોડાજ દિવસોમાં બંનેની ઇચ્છાઓ ના પૂરી થતા કચકચ શરુ થઇ ગઈ. પછી તો એમ પણ બનવા લાગ્યું કે મંદારને આ બધામાં થી બચવા કારણ વગર બહાર જવું પડતું. રોજ મિત્રોને ત્યાં પણ કેમ જવાય. બધા પોતાના કામમાં વ્યસ્ત હોય. છેવટે મંદારને પોતાની વ્યસ્તતા માટે ફરી કામ શોધવાની ફરજ પડી.
જોકે આવા સમયે યોગ્ય શોખ કે તેના જેવા મિત્રો કે પછી પત્નીનો સાચો સહકાર હોત તો કદાચ જીવનનો સાચો આનંદ એ ઉઠાવી શક્યો હોય.
દરેક કામનો યોગ્ય સમય હોય છે. તેને અનુરૂપ રહેતા કાર્યો સરળ બને છે. સાથે નિવૃત્તિનો અર્થ એ નથી કે સંપૂર્ણપણે સ્થગિત થઇ જવું. આસ કે ઝંખના નથી તો આગળ વધવાની ખેવના નથી. આમ કરતા જીવનનો ઉત્સાહ ઘટી જાય છે. મેળવેલું, સંગ્રહેલું બધું એળે જાય છે. વધુ મેળવવા, જોવાની કે જાણવાની જીજ્ઞાસા જીવનને વહેતું રાખે છે. દરેકની જરૂરીયાત અલગ અને સમજશક્તિ અલગ હોય એ પ્રમાણે માંગ પણ જુદી હોય છે.
નિવૃત્તિ પછી શોખને સમય આપવો એજ મોટી ખુશી છે. આ સમય પોતાની માટે જીવવાનો હોય છે. આજ સુધી બીજોં માટે કુટુંબ માટે પોતાની ઈચ્છા અનિચ્છાને એકબાજુએ મુકીને કર્યું. હવે સમય છે મરજી મુજબ જીવવાનો. પરંતુ શરીર સાથ આપે તોજ આ બધું શક્ય બને છે.
સાથે વધુ સમય ઘરમાં રહેવાનું હોવાથી ઘરના સદસ્યો સાથે પણ સમજણ રાખવી પડે. ઘડિયાળના કાંટા સાથેની દોસ્તી ઘટાડવી પડે છે. જો સદસ્યો વ્યસ્ત હોય તો સમયસર ચા નાસ્તો બધુજ ખોરવાઈ જવાનું.
અત્યાર સુધી તમે કમાતા હતા, મોટા ભાગે બહાર રહેતા હવે કાયમ સાથેજ ઘરે રહેવાના આથી તેઓનાં રોજીંદા કાર્યક્રમમાં ફીટ થવા ઘણી બાંધછોડ કરાવી પડશે એ માટે તૈયારી રાખવી જોઈએ. સાવ નવરા હોઈએ ત્યારે ઘરમાં કે બહારના નાના કામોમાં હાથ આપવો ખાસ જરૂરી છે.
યોગ્ય માન અને પ્રેમ મળે તો કોઈ કામમાં નાનામ નથી હોતી. આમ થોડું જતું કરતા નિવૃત્તિના સમયને સાચી રીતે જીવી શકાય છે.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply