કડવું સત્ય”
�યુવાનીના આંગણમાં પગલા માંડતી દીકરીએ પુછેલાં એક સવાલે, રેવતીના અંતરમાં કેટલાય વમળો ઉત્પન્ન કરી નાખ્યા.�” મમ્મી તું જ્યારે કોલેજમાં હતી ત્યારે શું તારે કોઈ બોય ફ્રેન્ડ હતો?”.�સહેજ ચમકી જઈને રેવતીએ માથું હલાવી ના પાડી. પણ એ ચમક અને નકારની વચ્ચેની સ્થિતિ તેને હચમચાવી ગઈ.
શું એ નકારમાં ના હતી કે પછી પરાણે માથું ધુણાવી આવતા વિચારોને રોકવાની મથામણ હતી? ગમે તે હોય પરંતુ એકધાર્યા ચાલતા હાથ અટકી ગયા. ગોળા વણાતી રોટલી અચાનક લાંબી થઇ ગઈ.
માંડ વીસ વર્ષ થયા ત્યાંતો દીકરી પારકી અમાનત છે ઝટ હાથ પીળા કરાવી દેવાની વિચારધારા ધરાવતા સમાજ સાથે પગલાં ભરતા રેવતીના માતાપિતાએ મનોહર સાથેની એક ટુંકી મુલાકાત પછી મુરતિયાની હા છે એવો જવાબ મળતાની સાથેજ આવો વર અને ઘર દીવો લઈને શોધવા જતા પણ નહિ મળે કહી એક મહિનામાં પૂરી ઓળખાણ થયા પહેલાજ તેને પરણાવી દીધી હતી.
સાથે રહેતા એકબીજાને અનુકુળ થઈ જવાશે, પતિની પસંદગીને અપનાવી લઈશ તો સુખી રહીશ. તેમાય પતિના પગલે ચાલવું એ આપણો નારી ધર્મ છે…એવા વિચારો, સંસ્કારોને માએ વિદાઈ વેળાએ પાલવમાં બાંધીને આપ્યા હતા જેના સહારે તેની આજ સુધી ખુશ રહેવાની મથામણ ચાલુ રહી હતી.
પરંતુ પતિના પગલે ચાલવાથી ખુશી મળશે એ વાત હજુ પણ સો ટકા સાચી તો નહોતીજ. પતિને ગમતું કરવામાં અડધી જીંદગી તો નીકળી ગઈ હતી.. પતિ છેવટે પુરુષ જાતી. તાંબાનો ઘડો, તેને મળેલી છૂટછાટ અનુસાર તે મુક્તપણે વિચારી શકતો હતો, અને જો પોતે મરજી મુજબ જીવે તો સમાજ તેનું જીવવાનું દુષ્કર કરી મુકે તેમાં રેવતીને કોઈ શંકા નહોતી. આમ પણ તે વિદ્રોહી સ્વભાવની નહોતી આથી જે પણ મળ્યું હતું તેમાં ખુશ હતી. સુખી રહેવાના એક માત્ર ઉપાય તરીકે પતિના શોખ અને ગમતી તેવો અપનાવી લીધી. છતાં એ અંતરથી સંપૂર્ણપણે સુખી નહોતી. કારણ પોતે એક માટીનો ઘડો હતી જેમ કુંભાર ઘડે તેમ ઘડાઈ હતી.
પરંતુ દીકરીના એક સવાલે અર્ધ જાગૃત પડેલા અંગારા ઉપર પરાણે ઢાંકી રાખેલી રાખને ઉડાડી મૂકી.
બાળપણમાં મિત્રો સાથે રમતા ઝગડતાં કેટકેટલાય સબંધો વધુને વધુ જકડાતા ગયા હતા. એમાં સંજય સાથે વધુ મજબુત અને નજીકનો સબંધ બંધાઈ ગયો હતો. આ સબંધમાં નર્યો હેત, પરસ્પર લાગણી હતી. જોકે આવો નામ વિનાનો સબંધ સમાજને આંખમાં કણાની માફક ખુંચતો હોય છે, આવા કારણસર રેવતીએ તેની યુવાન થતી લાગણીઓ મનમારીને જકડી રાખી હતી, સંજય સાથે એક અંતર બરાબર જાળવી રાખ્યું હતું. છતાં ધબકતું અંતર આ માપનાં અંતરને ક્યા સમજે છે. બધાથી છુપાવીને એ તો છાનુંછ્પનું મનગમતું કરીજ લેતું હોય છે. એકાંતમાં કે રાતની એકલતામાં આંખોમાં ક્યારેક સપનું જીવંત થઇ જતું અને સવાર થતા ઓઝપાઈ જતું.
એ લાગણીઓની ફુંટતી સઘળી કુંપળો કોણ જાણે ક્યારે સિંદુરનાં ભાર હેઠળ ક્યાંય દટાઈ ગઈ તેનો રેવતીને ખ્યાલ સુધ્ધાં નહોતો રહ્યો, બધુજ ભુલાઈ ગયું હતું, કહી શકાય કે ભૂલાવી દીધું હતું.�વર્ષોથી દટાઈ ગયેલી આ બધી લાગણીઓને આજે આ છોકરીના એકજ પ્રશ્નથી હ્રદયનાં ઊંડાણ માંથી બહાર ઉછળી આવી ગઈ હતી, છતાય આ મૌનનો પહાડ યથાવત રહ્યો….
એમાય ગઈકાલની વાત યાદ આવી ગઈ. એ સાંજે મિત્રો સાથે ટોળટપ્પા કરતા અને વોટ્સઅપમાં યુવતીઓનાં અશ્લીલ ફોટાઓ જોઈ ઉશ્કેરણી અનુભવતા મનોહરને રેવતીએ બારણાની તિરાડમાંથી સાંભળ્યો હતો, ત્યારે તો કાયમની મજાક સમજી તેને મન ઉપર લેવાની ભૂલ સુધ્ધા પણ નહોતી કરી. કારણ એ જણાતી હતી કે ગઈકાલને આજની વચમાં લાવી નાહક દિલ શું કમ દુભાવવું. પરંતુ આજે ઘુમરાતા પ્રશ્ને ફરી એ વાતે તેનો ભરડો લીધો.
�”અલ્યા મનોહર લગ્ન પહેલા તારે એકાદ ગર્લફ્રેન્ડ હતી કે નહિ ?” કોઈકે મસ્તીમાં આવી પૂછ્યું.
�અભિમાન ભર્યું હસતા તે બોલ્યો હતો “અલ્યા આ શું બોલ્યો એક? એક નહિ મારે ઘણી ગર્લફ્રેન્ડ હતી. એક જતી ને તરત બીજી આવી જતી. શું જમાનો હતો ,આપણો તો વટ હતો.” અભિમાન ભર્યા સુરે તે બોલ્યો.
“તે ભાભીને આ બધાની ખબર છે કે પછી લગ્ન પછી ડરી ગયો છું” બીજા મિત્રે નાસ્તાની પ્લેટમાંથી ભજિયું ઉઠાવી વળી વાત આગળ વધારી.
” જો અલ્યા આપણે કશુજ છુપાવીને કરતા નથી, મારે આટલી બધી ગર્લફ્રેન્ડ હોવી એતો એની માટે અભિમાન લેવા જેવું છે, કે તેનો પતિ બીજી સ્ત્રીઓને કેટલો પસંદ હતો. હા! આજે રેવતીની ખુશી અને સુખનો પહેલો વિચાર કરું છું એ હકીકત છે. છતાં કોઈ જૂની બહેનપણી મળી જાય તો જરા મજાક મસ્તી કરી લેવામાં કશુ ખોટું પણ નથી. આપણે ક્યા કોઈને ઘરે લાવવી છે. પત્નીનો હક રેવતીનો છે તેનાથી એ ખુશ છે.” કહી આંખ મીચકારી હસવા લાગ્યો.
�રેવતીના પગ નીચેની ઘરતી ધ્રુજી ગઈ. એટલે નહિ કે મનોહરને લગ્ન પહેલા ઘણી બહેનપણીઓ હતી, કે આજે પણ તેઓ મળે તો સબંધ રાખે તેવા ખોટા બણગાં ફુંકી રહ્યો છે. માત્ર એક વિચારથી એ હચમચી ગઈ કે પુરુષ પોતાના લગ્ન પહેલાના જુઠા પ્રેમની કે લફરાની વાતો વધારી ને ઉત્તેજક બનાવીને લોકો સામે ખુલ્લેઆમ વ્યક્ત કરી શકે છે અને એમ કરવામાં એ પોતાની શાન સમજે છે. જ્યારે સ્ત્રી પોતાની જૂની એકાદ સાચી એકાદ લાગણીને લગ્ન પછી બીજાઓ સામે તો ઠીક પોતાની સામે પણ વ્યક્ત કરતા ખચકાય છે.
�રેવતી વિચારી રહી કે ” શું પોતે કોઈ અંગત પુરુષ મિત્ર તરફનો ભાવ આવી રીતે સમાજ સામે વ્યક્ત કરી શકે ખરી? જો પોતે આમ કરે તો શું પતિ અને સમાજ આટલી સહેલાઇ થી તેને સ્વીકારી શકે?” પતિ વરતા સ્ત્રીની ઈમેજ બદચલન સ્ત્રીમાં ફેરવાઈ જતા વાર નહિ લાગે, માત્ર પુરુષ સમાજ નહિ ખુદ સ્ત્રીઓ પણ તેની સામે શંકા અને ઉપેક્ષાથી જોવે તો નવાઈ નથી. માત્ર સ્ત્રી માટે આવું એરમાયું વર્તન શા માટે?
“રેવતી શું વિચારે છે આ રોટલી બળીને ખાખ થઇ ગઈ, આજે બળેલી ખવડાવી કે શું?” બળેલી રોટલીના ધુમાળા સાથે મનોહરની બુમે તેને ચોંકાવી દીધી અને તેના એ અવાજે ફરી રોકાઈ ગયેલા હાથ ચાલવા માંડ્યા અને વિચારો અટકી પડ્યા…કાયમની માફક.
– રેખા પટેલ ( ડેલાવર )
Leave a Reply