આજીવન વિધાર્થી રહેવાથી જીવન વહેતું રહે છે
જીવન વહેતા પાણી જેવું હોવું જોઈએ, રોજ કશુંક નવું જાણી શીખી શકાય છે. બાકી એક્ની એક ઘટમાળમાં જીવનનો સાચો ઉલ્લાસ ઓગળતો જાય છે. મસ્તી મજાક અને ઉત્તેજના હર હંમેશ વિચારોને નવજીવન આપે છે. પરંતુ આ બધાની વચમાં સાચું શીખવા માટે જો યોગ્ય માર્ગદર્શક મળી આવે તો જીવન યોગ્ય દિશામાં સુખરૂપ પૂરું થાય છે. બાકી પથભ્રષ્ટ થતા પણ વાર નથી લાગતી.
જન્મથી શરુ થઈને મૃત્યુ સુધીની અવિરત ચાલતી રહેલી દોડમાં જીવન રથને સુયોગ્ય અને સરળ રીતે આગળ ધપાવવા માટે નિશ્ચિત માર્ગ સૂચવનાર યોગ્ય સારથિની જરૂર રહે છે. આ વિના માર્ગ ખોરવાઈ જવાની એટલેકે ભૂલો કરવાની બીક વધુ રહેલી છે. સમય રહેતા ભૂલો સુધારી શકાય છે. પરંતુ કેટલીક ભૂલો સુધારી શકાય તેવી નથી હોતી ત્યારે ખુશી જીવનમાંથી કાયમને માટે સરી જાય છે. આ માટે યોગ્ય ગુરૂનું જીવનમાં હોવું અતિ આવશ્યક છે.
ગુરુ કોઈ પણ હોઈ શકે, માતા, પિતા, શિક્ષક, સગા સબંધી પત્ની કે પછી બાળકો કોઈ પણ. આનાથી વધારે આગળ વિચારતા કોઈ નિર્જીવ પરિબળ જેમકે પુસ્તક, સમય ઘટના કોઈ પણ જે જીવનની દિશા બદલી નાખે માર્ગ સૂચવે.
સમય સાથે ગુરુ પણ બદલાઈ શકે છે. સમય પોતે પણ મોટો ગુરુ છે. બાળપણમાં માતાથી વધારે સારો કોઈ ગુરુ નથી. એ પછી શિક્ષક સાથે વાંચન જે છેવટ સુધી સાથ આપે છે. જેનો સાથી પુસ્તક હોય તે ક્યારેય એકલો પડતો નથી. ભીડમાં કે એકલતામાં કોઈ પણ સમસ્યા સામે યોગ્ય જ્ઞાન સહારો આપે છે.
અનેક દાખલાઓ વચમાં હું આજે મારા અનુભવને વ્યક્ત કરું તો બાળપણથી પુસ્તકપ્રેમને લીધે ઘણું શીખવા જાણવા સાથે જીવનને યોગ્ય સમયે માણવાની દ્રષ્ટિ મળી. આજે સમયની મળેલી ભેટને કારણે વધારાના વાંચનનો જે અદ્ભુત લ્હાવો મળ્યો તેણે જીવનની દિશા બદલી નાખી. વિચારોને સમજ અને દ્રઢતા આપી, અવળી પરિસ્થિતિને સંભાળી લેવાની સ્થિરતા બક્ષી. વાંચન અને પુસ્તક પ્રેમ મારું વ્યક્તિત્વ વિકસાવવા મદદરૂપ બન્યું. શિક્ષણનું મહત્વ ગજબનું છે. સાયન્સનાં ફીઝીક્સ, મેથ કે કેમેસ્ટ્રી રોજીંદા ઉપયોગમાં નથી આવ્યા. વર્ષો પહેલાનાં એ એક્સ પ્લસ વાય આજે પણ સમજાયા નથી, છતાં એ સમય દરમિયાન જે પરિપક્વતા અને શિક્ષણની સમૃધ્ધતા આવી તે કોઈ પણ સ્થિતિને સાચવી લેવા સક્ષમ રહી.
સુખ દુઃખ, નશીબ સાથે દરેકની અંગત જવાબદારીઓને આધારિત રહીને મળતું આવે છે. દરેક વખતે આપણું ગમતું બને એ શક્ય નથી. તો પછી એ સ્થિતિને અપનાવી તેને અનુરૂપ કેમ ના બનવું! આ સમજ પરિપક્વતા દરેકમાં આવવી જરુરી છે. નહીતર આજકાલ નિત નવી બદલાતી ફેશનની રેસમાં ડીપ્રેશનનો ભોગ બનતા વાર નથી લાગતી.
બીજાઓ કરતા આગળ આવવાની કે દેખાડવાની હોડ પણ નવરાશના સમયની દેન છે. જો આમ ના બને તો સ્વભાવમાં નિરાશા, ચિડીયાપણું કે ઈર્ષાનો ફેરફાર થવા લાગે. આપણી થોડી કોશિશ અને વ્યસ્તતા ખુશી અને પોઝેટીવ બદલાવ લાવી શકે છે.
દરેકના જીવનમાં કોઈ એક સમય એવો આવે છે, હવે શું? નામનો પ્રશ્ન આગળ આવી ઉભો રહે છે. મારી સામે પણ આવોજ સમય આવીને ઉભો હતો. જોકે અમેરિકા જેવા સતત દોડતા દેશમાં બહુ નશીબદારને ફાજલ સમયની ભેટ મળે છે. બાળકોની જવાબદારી પછી જ્યારે મને અધધ સમય મળ્યો ત્યારે ઘણું કરવાની ભૂખ મને વિચારોની ગર્તામાં ધકેલી ગઈ.
તેને હું ડીપ્રેશન તો નહિ કહું પરંતુ એક દિલ દિમાગને એક ભૂખ હતી જેને સંતોષવી હતી. એક સાથે કેટલુંય કરવું હતું. જો એ વખતે સમયે મને યોગ્ય રાહ ના મળી હોત તો કદાચ મને મારી ઓળખ ના મળી હોત.
મારા વાંચન શોખને લેખન સુધી લઇ જવામાં સમયનો સાથ અને પરિવારનો પ્રેમ અગત્યનો રહ્યો. મળેલા વધારાના સમયમાં હું મનગમતું કરીને આગળ વધી ઘણું મેળવી રહી છું. ગુરુ રાહ ચીંધે છે હાથ ઝાલી ભૂલ સૂચવે છે બાકી કઈ રાહ પર કેમ ચાલવું એ આપણે નક્કી કરવું રહ્યું. હું દરેક સ્થિતિમાંથી ઘણું શીખી છું. મારી માટે સમય સાચો ગુરુ બની રહ્યો છે.
એક અધુરી ઝંખના રોજ હળું હળું ઉગતી રહે,
રહે જીવન જ્યાં સુધી સમયની માંગ વધતી રહે.
થંભી ગયેલા સમયની ના મને કોઈ ચાહ રહે.
સમય સાથે પગલાં ઉપાડું એવી રાહ મળતી રહે.
જીવનનો દરેક પડાવ, સમય સાથે કંઈક નવું શીખવી જાય છે. જે દરેક પછડાટ પછી આગળ વધવા, ફરી ઉભા થવા શક્તિ આપે છે, માર્ગ ચિંધે છે. બાળપણમાં મોજ મસ્તી અને શિક્ષણ દ્વારા સમય ઘણું શીખવે છે. યુવાનીમાં અનેક ચઢાવ ઉતાર સાથે સમય આત્મ શક્તિ અને સમજ અપાવે છે. ઉંમરના અંતિમ તબક્કામાં સમય સામે ચાલી આત્મજ્ઞાન કરાવે તો જીવન સફળ થાય છે. બાકી છેવટ સુધી ઉચાટમાં રહી મહામુલા જીવનનો અંત નિશ્ચિત છે.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply