દુનિયાભરની જવાબદારીઓ હસતાં મ્હોએ ઝીલતો પરિવારનો આધારસ્તંભ એટલે પિતા
દર વર્ષે જુનના ત્રીજા રવિવારે પરિવારના સહુથી મહત્વની વ્યક્તિનું સન્માન દર્શાવવા ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
જેમ મા એટલે હથેળીનો છાંયો આપનાર જનેતા, એમ પિતા એટલે જનેતા સહીત બાળકો અને આખા પરિવારને પોષણ આપતું વટવૃક્ષ. પિતા ભલે બાળકને જન્મ નથી આપતા, ભલે હાલરડાં ગઈ સુવાડતાં નથી પરંતુ જે દિવસથી બાળકનો જન્મ થાય છે એજ દિવસથી પિતાનો પણ નવો જન્મ થાય છે.
સાવ નચિંત એવા યુવાનમાં જવાબદારીઓનો જન્મ થાય છે. એ પહેલા માત્ર પોતાના સુખ અને સુવિધાનો ખ્યાલ કરતો યુવાન પિતા બન્યા પછી સહુ પહેલો વિચાર બાળકનો, તેના ભવિષ્યનો કરતો થઇ જાય છે. આવા પિતાને યાદ રાખવા માત્ર એક દિવસ પુરતો નથી. છતાં આ દિવસને વધાવી લેવા દરેકે પિતાનો આભાર માનવો જ રહ્યો.
આજે જ્યારે આપણે પિતાના ખભેખભા મિલાવી શકીયે એવા થઇ ગયા હોઈએ ત્યારે માત્ર આભાર એ બસ નથી. જેમ પિતાએ આંગળી પકડી ચાલતા શીખવ્યું, સામે ચાલી આપણો છૂપો ગુસ્સો, અણગમો વહોરી જમાના સાથે તાલમેલ કરતા શીખવ્યાં, એમ હવે તેમની ઢળતી ઉંમરે તેમનો સહારો બનતા પહેલા આજના સુપરફાસ્ટ જમાનામાં તેનું કો બોર્ડ બની ટેકનોલોજી સાથે હરણફાળ ભરતા શિખવવું જોઈએ.
જે સમય શોખ કુટુંબના ભરણપોષણ પાછળ વીતી ગયો એ સમય પાછો આપવામાં બાળક સક્ષમ નથી પરંતુ હવે પછી આવનાર સમયને બમણા ઉત્સાહથી એ જીવી શકે એવા સ્વપનો અને રસ્તો કરી આપવાની જવાબદારી યુવાન થઇ ચુકેલા બાળકોની છે. તેને નજરઅંદાજ કરી શકાય નહિ.
આ દિવસનો ઉદભવ કેવી રીતે થયો એ વિષે જો વાત કરીએ તો ૫ જુલાઈ ૧૯૦૮ના રોજ વેસ્ટ વર્જીનીયાના એક ચર્ચમાં આ દિવસે એક ખાણમાં કામ કરી રહેલા ૩૬૨ પુરુષો એક વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા તેમના વિષે શોક વ્યક્ત થઈ રહ્યો હતો એવા સમયે પિતાને સન્માન આપવાની વાત ચર્ચાઈ હતી.
આજ સમયે વોશિંગ્ટનમાં રહેતી સોનારા લુઈસ નામની ૧૬ વર્ષની યુવતીની માતા તેના પાંચ નાના ભાઇએઓને મૂકી મૃત્યુ પામી હતી. આટલી નાની ઉંમરે તેના માથે જવાબદારીઓ આવી ગઈ હતી. આ માટે તેના પિતાનાં સાથ અને જરૂરિયાતનો તેને અહેસાસ થયો. તેણે મધર્સ ડે સાથે ફાધર્સ ડેની ઉજવણી માટે પીટીશન ફાઈલ કરી. શરૂવાતમાં તેને બહુ વોટ મળ્યા નહિ. છતાં તેણીએ પ્રયત્નો ચાલુ રાખ્યા. તેને સ્થાનિક ચર્ચ સમુદાયનો સાથ મળ્યો છેવટે તેની ઝુંબેશ અને પ્રયત્નોને કારણે આ દિવસની શરૂવાત થઇ.
૧૯૧૪મા મધર્સ ડે અને ૧૯૭૩માં ફાધર્સ ડેને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી.
આ દિવસની ઉજવણી માટે પિતાને કોઈ ભેટ નહિ આપો તો ચાલશે . પરંતુ આજના સમયમાં સહુથી કિંમતી અને જરૂરી એવો તમારો સમય ચોક્કસ આપજો. જે પિતાએ પોતાનો બધો સમય બધી સુવિધા બાળકો માટે નજરઅંદાજ કર્યા હોય તેની માટે આટલું તો અવશ્યપણે કરી શકાય. પિતાનો હાથ હાથમાં લઇ ચોક્કસ કહેવું ” પપ્પા આઈ લવ યુ, હું હંમેશા તમારી સાથે છું.”
પહેલાના પિતા કરતા આજના પિતા બેવડી જવાબદારીઓ નો ભાર સહન કરે છે. એક જમાનો હતો જ્યારે બહારકામ કરીને એ ઘરે આવે ત્યારે ધરમાં રહેતી સ્ત્રી, બાળકો પાણીનો ગ્લાસ લઈને સામે હાજર થઇ જતા. ઘરનાં કોઈ કામ તેમના માથે નહોતા આવતા. આજે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. માતા પણ બહાર કામ કરવા લાગી છે માટે તેને ઘરકામ અને બાળકોની જવાબદારી વહેચવી પડે છે. પરિણામે પિતા તરીકે પતિના માથે વધારાનો ભાર આવી જાય સ્વભાવિક છે.
આજના પિતાને બાળકના જન્મ પછી નોકરી ઉપરથી પેટરનીટી લીવ મળે છે. કારણ માતા સાથે બાળકની સારસંભાળ રાખવાની હોય છે. બાળકને સાચવવાથી લઈને, બોટલથી દૂધ પીવરાવવું ડાયપર બદલવું અને હાલરડાં ગાઈ સુવાડવા સુધીનું દરેક કાર્ય કરવું પડે છે. સાથે ઘરકામમાં મદદ અને રસોઈ પણ શીખવી પડે છે. આમ પિતાનું કામ પણ બેવડાઈ જાય છે, જે એ હસતા મ્હોએ કરે છે.
સદીઓથી પિતાને કઠોર વ્યક્તિત્વના દર્શાવાય છે. બાળકને માતા લાડ લડાવે છે તો પિતા રસ્તો ચિંધે છે. બાળકને સીધા રસ્તે વાળવા તેને ક્યારેક કડક પણ થવું પડે છે. તેનો અર્થ એ નથી કે તેનો પ્રેમ કાચો છે.
જીવનને યોગ્ય દિશામાં વાળવા શિસ્ત ખુબ જરૂરી છે, એ માટે પિતાનો કડપ અને માર્ગદર્શન જોઈએ. પિતાનો પ્રેમ નારિયેળની કાચલી સમો ઉપરથી કઠણ રુક્ષ અને અંદરથી પોચો મુલાયમ હોય છે.
આખા દિવસની બહારના કઠોર જગત સામે માથાફોડી કરી પિતા ઘરે આવે ત્યારે એમના કાન માત્ર બાળકોનો પ્રેમ અને તેમની સફળતાની વાતો સાંભળવા તરસતા હોય છે. આવા પ્રેમ ભૂખ્યા પિતાને પ્રેમ આપવામાં શું કામ કચાશ રાખવી.
બાકી કોઈ અમરપટો નથી લાવ્યું. નાની વયે વ્હાલા પિતાને ગુમાવી દેવાનું દુઃખ આજે પણ મને અંદરથી ઝંઝોળી નાખે છે. પિતા માટે કઈ પણ નાં કરી શ્કાયાનું દુઃખ આજીવન રહેવાનું. છતાં જે પણ નશીબદાર છે એ બધા બસ પિતાને ગળે વળગાળી એક વાર કહેજો
” પપ્પા આજથી તમારી બધી જવાબદારી મારી છે”
– રેખા પટેલ (ડેલાવર )
Leave a Reply