નરોવા કુંજરોવા
દરેકે પોતાના જીવનનું મૂલ્યાંકન સહુ પ્રથમ જાતે કરવું, સાથે નિર્ણયો પણ સમજીને લેવા જોઈએ. સંપૂર્ણપણે બીજાના મત ઉપર લેવાએલા નિર્ણયોથી ભૂલ થવાની સંભાવના વધી જાય છે. જ્યાં સુધી સાચા ખોટાનું ભાન ના હોય અથવા તો યોગ્ય નિર્ણયો લેવા સક્ષમ ના હોઈએ ત્યારે કોઈ પણ પક્ષે સાચું મંતવ્ય આપવું અઘરું છે. દરેક સમયે સત્ય ઉચ્ચારાય છે એ શક્ય નથી.
ક્યારેક બીજાને મદદ કરવા માટે પણ અસત્ય ઉચ્ચારવું પડે છે આવી પરિસ્થિતિમાં પણ એના ભાગીદાર બની જવાય છે. મહાભારતના સમયમાં કુરુક્ષેત્રના યુદ્ધ સમયે અસ્વ્સ્થામાં હણાયો એ અસ્પષ્ટ જવાબને કારણે તેમનો સત્યનો રથ જમીન ઉપર આવી ગયો હતો. જાણી જોઇને સમજ્યા વિના જુઠ બોલવામાં ક્યારેક મુર્ખ દેખાવાય છે.
આજના સમયમાં હંમેશા સત્યની રાહ ઉપર ચાલવું શક્ય નથી. છતાં કારણ વગર ઉચ્ચારતું કે પોતાના લાભાર્થે બોલાતું અસત્ય નિર્દોષ વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દે છે તેન ભાન થતાં દુઃખ અને ગ્લાની ભાગમાં આવે છે.
મધુરને તેની પડોશમાં રહેતી માલિની ખુબ ગમતી હતી. માલિની એક સુખી સંપન્ન પરિવાર માંથી આવતી યુવતી હતી. બધા સુખ વચ્ચે તેના કુટુંબમાં સ્ત્રીઓની સ્વતંત્રતા ઉપર ભારે કાપ હતો. ભૂતકાળમાં તેની ફોઈએ ભાગી જઈ પરજ્ઞાતિનાં યુવક સાથે લગ્ન કર્યા, ત્યાર બાદ દગો મળતા આત્મહત્યા કરી હતી. આથી માલિની અને તેની નાની બહેન સુરીલીની સ્વતંત્રતા ઉપર ઘરમાં ખુબ દબાણ રહેતું. તેની મમ્મીના સાથને કારણે કોલેજ જવા આવવા અમે મિત્રો સાથે થોડો સમય મળી જતો.
આવા સમયમાં મધુરને પોતાની લાગણીઓ માલિની સુધી દર્શાવવાનો મોકો મળતો નહોતો. એમ પણ હતું કે માલિની એવો કોઈ ચાન્સ આપતી નહોતી. માતા પિતાની વિરુદ્ધમાં જવાની હિંમત પણ નહોતી. ઘર બહાર નીકળતા બહાર બેઠેલા મધુર તરફ નજર સુધ્ધા માંડતી નહોતી આથી મધુરનો અહં ઘવાતો હતો. એક દિવસ તે ઘર બહાર બેઠો હતો તે સમયે પાડોશના ઘરેથી એક નવયુવાન માલિનીના ઘરમાં જેવો અંદર ગયો એવોજ બે મીનીટમાં બહાર આવ્યો. માલિની બારણું બંધ કરી પાછી વળી ત્યારે મધુરે તેને અલપઝલપ જોઈ હતી.
આવનાર યુવાન હકીકતમાં સેલ્સમેન હતો. તેને દુરથી બહાર નીકળતા માલિનીના કાકા જોઈ ગયા. શંકાના વમળમાં ઘેરાઈને કાકાએ મધુરને પૂછપરછ કરી. મધુરે જાણી જોઇને એ કોણ હતો, ક્યારે અંદર ગયો એ વિષે તેને કોઈ ખ્યાલ નથી, બસ તેને માલિની બહાર સુધી મુકવા આવી હતી એવી વાત કહી કાકાનું મગજ ચકરાવે ચડાવી દીધું. આમ નાની સરખી વાતનું વતેસર થઇ ગયું, શંકા અને બદચલનનાં કલંક હેઠળ માલિનીનું ભણતર રોળાઈ ગયું. સમય કરતા પહેલા તેના લગ્ન સાદગીથી સામાન્ય પરિવારમાં થઇ ગયા.
મધુરને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. જીવનભરનો પસ્તાવો તેના ભાગમાં લખાઈ ગયો.
કોઈપણ સ્થિતિમાં બીજાની વાત ઉપર સંપૂર્ણ ભરોષો કરવો યોગ્ય નથી. દરેક વખતે શંકાને બાજુએ મૂકી વ્યક્તિએ પોતે વિચારશીલ બનવું જોઈએ. કોઈપણ નિર્ણય લેતા પહેલા આંખ બંધ કરી આખી સ્થિતિ અને જે તે વ્યક્તિ સાથેના એ પહેલાના લાંબા સમય ગાળાને મૂલવવો જરૂરી બને છે. તોજ સાચો નિર્ણય લઇ શકાય. એકજ સ્થિતિને સહેનાર અને જોનાર બંને માટે અલગ દ્રષ્ટિકોણ દર્શાવે છે. સામાન્ય સ્થિતિમાં આપણેજ આપણી ગાડીના ડ્રાઈવર બની સાચા રાહ ઉપર લઇ જવા છેવટ સુધી પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો આમ ના કરવામાં આવે તો બીજાઓના દોરવાયે ગેરમાર્ગે દોરાવાનો ભય પણ રહેવાનો.
કેટલાક સાચું નથી કહેતા તો ખોટું પણ નથી બોલતા, તેમની સલાહ ગેરમાર્ગે દોરે છે.
જીવનમાં બીજાઓના સલાહ સૂચન હંમેશા આવકાર્ય હોવા જોઈએ. કોઈના અનુભવે ઘણું શીખી સમજી શકાય છે પરંતુ એ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ મુકવો એ પણ મુર્ખામી છે.
જુઠ અને અસત્ય બોલી બીજાઓને ભરમાવવામાં કેટલાક લોકો ભારે કાબેલ હોય છે. જુઠાણાના દિવસો ચાર હોય છે. એ ક્યારેક તો આપોઆપ ઉઘાડું પડી જવાનું, છતાં કોઈને નુકશાનકારક જુઠાણાં સામે, જાણીને ચુપ રહેવામાં આવે તો જાણે અજાણે તેના ભાગીદાર બની જવાય છે.`
જીવનમાં ઘણી વખત એમ બનતું આવ્યું છે કે કોઈની વાત કે સંબંધો આપણને યોગ્ય નથી લગતા. બીજાઓને તકલીફ ના પડે એ માટે આપણે ચુપ રહેવામાં માનીએ છીએ. છતાં એ પોતાની માટે કે બીજાઓ માટે નુકશાનકારક હોયતો આંખ આડા કાન કરવામાં પણ વહેલી મોડી નુકશાની ભોગવવી પડે છે.
બીજાનું અહિત થતું હોય તો ચુપ રહેવામાં ફાયદો છે, એ ગુણ સારો પણ છે છતાં કારણ વિના કોઈ ગેરમાર્ગે દોરાય તેવી પરિસ્થિતિ ઉભી કરવી એ જાણી સમજી કરેલા ગુનાનો ભાગ પણ કહેવાય.
એક સાથે બધાને પ્રિય થવાતું નથી. પરંતુ બધાને પ્રિય રહેવામાં બીજાનું નુકશાન યોગ્ય નથી.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply