મન સાથેની મારી વાતો
આપણા જીવનની દિશા આપણેજ નક્કી કરી શકીએ તેમ છીએ. જેટલી સાદાઈ જીવનમાં આવે છે, તેટલું વધારે સુખ આવે એ હકીકત છે.
મોઘા કપડાં, ગાડી, જ્વેલરી,બંગલા બધું વાપરી ચુક્યા પછી જ્યારે લાગે કે બસ હવે બહુ થયું, આ બધાથી જ્યારે કોઈ ફર્ક ના પડે ત્યારે માનવું આપણે સુખી થઇ ગયા.
સ્વસ્થ શરીરનો આધાર સ્વસ્થ મન છે. બીજાઓની સારી ખોટી વાતોની અસર મન ઉપર અને પછી શરીર ઉપર પડે છે, શાન્તિ ડહોળાઈ જાય છે.
વિચારો, લાગણીઓ, વિરહ પ્રેમ, ખુશી અને ગુસ્સો આ બધું આપણી માનસિક સ્થિતિ અને જીવનની દિશા બદલે છે.
પોતાની જાતને વધુ ઓળખવા માટે એકલતા અને જાતને ભૂલવા માટે માણસોના ટોળા મદદ કરે એ હકીકત છે. પરંતુ આજ ટોળા ગેરમાર્ગે પણ દોરે છે. દુઃખમાં વૈરાગ્ય યાદ આવે, સુખમાં મહેફિલોની વાતો આવે.
મોટા મોલમાં શોપિંગ કરવા જવાને બદલે બહાર ખુલ્લી હવામાં ચાલવા જવામાં આનંદ મળે, બીજાઓની ગપસપ કરતા આધ્યાત્મિક, મોટીવેશનલ કે જાણકારી ભર્યા લેક્ચર્સ સાંભળવા ગમે ત્યારે માનવું હવે આપણે બુધ્ધીશાળી બની રહ્યા છીયે.
દરેકના મન અને બુદ્ધિ જો સરખા હોત તો જગત સાધુ હોત. બીજાની ભૂલોને ભૂલી આગળ ચાલવામાં જો આપણું ભલું થતું હોય તો શા માટે ના કરવું?
પોતાના અહંને ભૂલી બીજાઓના વિચારોને સમજતા થયા, તેમનું ભલું વિચારતા થયા તો જાણવું આપણે સમજુ થઇ રહ્યા છીયે.
ધર્મ અને ભક્તિને જાણવા, પામવા માટે આશ્રમ અને મંદિર સહેલી જગ્યા છે, અને બજાર, મેળાવડા એનાથી વિરુધ્ધ છે. બંને જગ્યાના અનુભવને જીવનમાં ઉતાર્યા પછી એકાંતમાં બેસી કુદરતમાં સંપૂર્ણપણે ઓગળી જવાની ખેવના જાગે, દરેક પ્રકારના ભાવોને મુક્ત કરી દેવાની ઈચ્છા અને પછી તાકાત આવે ત્યારે માનવું આપણે મનને કાબુમાં રાખતા શીખી રહ્યા છીયે.
– રેખા પટેલ
Leave a Reply