હેપી નેશનલ ડોટર્સ ડે
દીકરી એટલે આગણાંની રંગોળી, જાણે વસંતના ખીલતા રંગો, ખુશીઓના હિલોળાં, ઝરણા સમી રમતિયાળ આહ્લાદક અનુભૂતિ. અને દીકરો એટલે કાળજાને ઠંડક આપતો ઓછાયો. મા બાપના ઘડપણનો સહારો….
આવી વાતો હજારો વખત અલગઅલગ રીતે સાંભળી વાંચી છે. દરેકે પોતાની રીતે તેને મુલવી પણ છે.
આજે હું મારી વાત જણાવીશ. કારણ એક તો ડોટર-ડે એમાય મારે બેવ દીકરીઓ, મને તો માત્ર આ એકજ સુખનો અનુભવ છે. જે કોઈ બીજી ખોટને સ્પર્શવા સુધ્ધા નથી દેતો.
નશીબદાર માતાપિતાને આવો અનુભવ છેવટ સુધી રહે છે. ક્યારેક ઉદાસ હોઉં અને ફોન કરું તો બંને મને કેમ ખુશ રહેવી એ માટે શું કરવું સમજાવે, કોઈ પણ જરૂરિયાતમાં દુરથી પણ પાસે હોવાની સતત અનુભૂતિ કરાવે.
વર્ષો પહેલા લગ્ન પછી દીકરીઓ ઘર છોડતી. અને આજે સમયની માંગ કે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે નાની ઉંમરથી બહાર નીકળી જવું પડે છે. દીકરીઓ ઘણી બહાદુર બની ગઈ છે. પરંતુ હું કહીશ ખરા અર્થમાં બહાદુર માતા પિતા બની ગયા છે.
કાળજાનો કટકો સાવ રમતિયાળ ઉંમરથી દુર કરવો એ કઈ ખાવાના ખેલ નથી. એ માટે વજ્ર જેવું હૈયું જોઈએ. એમાય પરદેશ સાવ અજાણી જગ્યા, અજાણ્યા માણસો વચમાં દીકરીને એકલી મોકલવા માટે એ પોતાને કેમ કરી સમજાવતા હશે? આ મારી માટે વિચારવું પણ અઘરું છે. છતાં આ તેમના ભવિષ્ય માટે જ આમ કરે છે એ હકીકત છે.
આજના વખતમાં દીકરીને હથેળીના છાંયડા કરવાનું બાજુએ મૂકી ધોમધખતા તાપ વિષે, સમાજના દરેક પાસાઓ થી તેને વાકેફ કરવી એ માતાપિતાની પહેલી ફરજ છે. ઘરમાં હોય છે બહાર હોય દીકરીઓને પ્રેમ, ઉચ્ચશિક્ષણ, સમાજના રીતિ રીવાજો અને સંસ્કાર સાથે મજબુત મનોબળ આપવું ખુબ જરૂરી છે. કારણ ભવિષ્યમાં એજ સમાજનો પાયો બનવાની છે.
દીકરીને પારકા ઘરે જવાનું છે વિચારી માત્ર એનેજ શિખામણ આપવી એ સાવ ખોટું છે. દરેક માતા પિતાની એક જવાબદારી એ પણ હોવી જોઈએ કે જે સંસ્કાર, સમાજનો ડર દીકરીઓને બતાવે છે એ બધુંજ, અરે ! તેનાથી વધુ દીકરાઓને શીખવે સમજાવે. કારણ પોતાના ઘર કુટુંબના દીકરાઓ જો શાલીન હશે તો બીજાની દીકરી સુરક્ષિત હશે અને આજ વિચારધારાને અનુરૂપ આપણી પોતાની દીકરી પણ દુનિયાના છેડે ક્યાંય પણ હશે સુરક્ષિત રહેશે. દીકરીઓ સુરક્ષિત તો સમાજ સુરક્ષિત.
કોઈકે મને કહ્યું હતું કે તારે તો ચારેબાજુ છોકરીઓ અને જવાબમાં કહ્યું હતું કે મેં બસ ગુલાબ વાવ્યા છે. મારા જીવનમાં આવેલી બધીજ દીકરીઓ અને દરેકની દીકરીઓ સુખી રહે તેવી પ્રભુ પ્રાર્થના 🙏🤗
– રેખા પટેલ
Leave a Reply