ચ્હા સાથે ચાહ : ફ્રેન્ડશીપ ડે
એકબીજાના મનના દ્વારે મિત્ર બનીને જાજો
સુખમાં સાથે હસજો દુઃખમાં વહારે દ્યાજો.
સબંધ મિત્રતા કેવો હોય છે! હલકો એ સાવ વાદળ જેવો,જેની સંગમાં ઉડવું ગમે છે. અને લાગણીઓના ભાર સાથે એ પર્વત જેવો ભારેખમ. જેના ભાર નીચે આખી જિંદગી કચડાઈ રહેવું ગમે છે.
જેને હંમેશા હુંફાળા સબંધોનું વળગણ રહેલું હોય, જે સબંઘોની જાહોજલાલીમાં જીવનાર હોય તે મિત્રતાનો માંડવો હંમેશા હૃદય આંગણે રાખે છે.
મારા માટે પ્રેમ કરતા મિત્રનું મહત્વ વધારે છે. કારણ કે પ્રેમ કોઈને કોઈ આકર્ષણને કારણે થતો હોય છે. જ્યારે સાચી મિત્રતા માત્ર મન મળતા અકારણ થઇ જાય છે. જ્યાં દેખાવ કે ઘન કે પદને મહત્વ નથી. દોસ્તીને સદાય જીવંત રાખવા માટે આ બધાથી દુર રહેવું પડે.
“દોસ્તીમાં જ્યારે મારું તારું કે આગળ વધવાની હોડ આવી જાય છે ત્યાં દોસ્તીના તાર તુટવા લાગે છે. પછી મીઠાશના ગમે તેટલા સાંધા કરો એ સુરીલા સુર રેલાવતા નથી”.
મિત્રને ખરેખર પ્રેમ કરતા હોય, મિત્રતાને અખંડ રાખવી હોય તો તેના સુખ દુઃખ બંનેને અપનાવવા. હરિફાઈ જરૂરી હોય તો આવડત થકી આગળ વધવું મિત્રને પાછળ પાડીને આગળ વધવાનું કદી પણ ના વિચારવું જોઇયે.
” જ્યાં ઇર્ષા આવી ત્યાં મિત્રતા તૂટી”
કોઈ એવી નબળી ક્ષણોમાં મિત્રે કરેલી એના મનની વાત, એક વાર સાંભળ્યા પછી કાયમને માટે ભૂલી જવી. ભૂલ થી એની સામે પણ એ વાતનું ફરી ઉચ્ચારણ કરી તેને શરમમાં મુકવાની કોશિશ ના કરવી.
” મિત્રતામાં વિશ્વાસ બહુજ મોટી વસ્તુ છે”
મિત્ર ઉપર કરેલા ઉપકાર કદીયે ગણી બતાવવા નહિ. એ બીજા બધાના ઉપકારને માથે લઇ શકશે. પણ મિત્ર જો કહેશે તો તેનું સાહસ તૂટી જશે. એ શરમથી ઝુકી જશે.
મિત્રએ આપેલા સાથને કદી પણ ના ભુલવો ભલે આજે કોઇ પણ બાબતે એ દુર હોય.
આવી સાવ સાદી લાગતી વાતો જો ઘ્યાનમાં રાખવામાં આવે તો મિત્રતા સદાય જીવંત રહેશે
અને જીવનને નવપલ્લિત રાખશે. જૂની મિત્રતા ઉંમરને સહેજમાં ઘટાળી નાખે છે. ગમે તેવી પરિસ્થિતિમાં જીવન જીવવા સહરો બને છે.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply