માતૃભાષા દિવસે સહુને અભિનંદન.
દુનિયાના છેડા ઉપર જઇયે કે રહીયે પણ ભાષા આપણી ઓળખ છે.
આપણી ગુજરાતી ભાષા પણ સાવ અનોખી અજીબ છે. શબ્દોના ઉચ્ચારણમાં પણ આખી વાતના અર્થ બદલાઈ જાય છે. આ ટૂંકી વાર્તા આનું ઉદાહરણ છે.😊
કાવ્યા ભાગી ગઈ
કાવ્યા ભાગી( ભાંગી) ગઈ, સાંભળીને બહુ દુખ થયું.” રાજેશ બોલ્યો.
અરે ના હોય! કોની સાથે ? ક્યારે? કેવી રીતે? ફળિયાના નાકે આવેલા પાનના ગલ્લાં ઉપર જાણે રશિયાએ યુક્રેન ઉપર બોમ્બ ફેક્યો. છુટા છવાયા ઉભેલા તમામ ગોળની ચારે બાજુ ચોંટેલી કીડીઓની જેમ ભેગા થઇ ગયા.
“કૈક સમજાય તેમ વાત કર. કાલે તો મેં તેને અગાસી ઉપર આમતેમ ટહેલતા જોઈ હતી. નક્કી એ ભાગવાનો પ્લાન કરી રહી હશે. જોયું કોઈના મનની વાત આપણને ક્યારેય સમજાય નહી.” કોક બોલ્યું.
“અરે મને તો હતું જ કે નક્કી એ કોઈ દિવસ આવાજ સમાચાર સાંભળવા મળશે. બીમાર પતિ અને ઘરડી સાસુ પછી એ કરે શું? જુવાની એ જોર બતાવ્યું.” ચશ્માં સરખા કરતા જમાનાના ખાધેલ કાકા બોલ્યા.
“એ આવી ત્યારથી મને તેના લક્ષણો સારા લાગતાજ નહોતા. આવી ત્યારથી મને ફસાવવા દાણા નાખતી હતી. સારું થયું એની ચાલમાં નાં ફસાયો. લો બોલો હવે ફોડ તો પાડો એ કોની સાથે ભાગી?” મ્હોમાં ઠુંસેલો મસાલો થૂંકતા મોહન નફફટાઈ થી ટટ્ટાર થઇને બોલ્યો.
“આખું ફળિયું બદનામ થઇ ગયું. પોતપોતાની છોકરીઓને હવે દાબમાં રાખજો નહિતર એના રવાડે ચડશે તો આપણે બધાએ મ્હો સંતાડવાનો દિવસ આવશે.” કનુ કાકાએ ચશ્માં નીચેની આંખોને વધુ ઝીણી કરીને કહ્યું.
“અલ્યા બધા તમારી લુલીને જરા વશમાં રાખો. બસ એક સાથે બધા પોતાના મંતવ્યો આપવા આટલાં ઉતાવળા શું કામ બનો છો? આતો ચોરની દાઢીમાં તિનકા જેવું લાગ્યું.” રાજેશે જોરથી બુમ પાડી બધાનેચુપ કર્યા.
“રોજ આજ જગ્યાએ કાવ્યાના નામની માળા જપનારા બધાને આજે એ બદનામ અને રખડેલ લાગી. શબ્દોને બરાબર સાંભળો તો ખરા! ભાગી નહિ ભાંગી કહ્યું હતું મેં” રાજેશે ચોખવટ કરી.
અને સહુના મ્હો જોવા લાયક બની ગયા.
“હશે ભાઈ બધાથી ભૂલ થઇ તું ગુસ્સે ના થા, આપણી ગુજરાતી ભાષા છે જ એવી અર્થના અનર્થ થઇ જાય છે. એમાય નવરા લોકોને બીજાની પંચાત કરવાથી વધારે કશું કામ પણ ક્યા હોય છે? પોતાના સો ગુના માફ પણ બીજાની નાની સરખી ભૂલને છડેચોક ઉછાળે છે. એ વાત થી સહુ કોઈ પરિચિત છે.” દુર બાંકડે બેસેલા વડીલે રાજેશને શાંત પાડતા કહ્યું.
” કાવ્યા છેય એવી શંકાસ્પદ છોકરી કે ભલભલાને અટવાઈ જાય. એક તો ખાસ્સી રૂપાળી અને એમાય આ બે વર્ષ થવા આવ્યા છતાં આડોશ પાડોશ કોઈની મદદ વિના બીમાર પતિ અને ઘરને બરાબર સાચવે, દર અઠવાડિયે તેને દવાખાને લઇ જાય ઉપરથી પાછી નોકરી કરે છે. ના કોઈ સાથે કેમ છો નો સંબંધ સરખો, ના વાટકી વહેવાર. હશે ફોડ પાડીને કહે શું થયું.” કનુકાકા બોલ્યા.
સાચી વાત છે કાકા આતો મારી પત્ની અને કાવ્યાને હમણાંથી બહેનપણા બંધાયા છે એટલેજ અંદરની વાત ખબર પડી. બાકી એ છોકરી બધું દુખ જાતે સહન કરે તેવી બહાદુર છે. કહેતા રાજેશે કાવ્યાની આખી વાત વહેતી કરી.
સ્ત્રીની સાચી મિલકત તેનું ચારિત્ર અને વિશ્વાસ. એમાય જે પરિવાર સાચવવા માટે એ તનતોડ મહેનત કરતી હતી.
પરણીને આવ્યાને માંડ બે વરસ થયા ત્યાંતો નડેલા કાર અકસ્માતમાં તેના પતિનો એક પગ કાયમને માટે નકામો થઇ ગયો અને કમર ઉપર પણ ભારે અસર થઇ જેના કારણે હરવા ફરવામાં તેને બીજા ઉપર આધારિત રહેવું પડતું. કાવ્યા ઘર સાથે બહાર પણ કામ કરતી જેથી જીવનનિર્વાહ માટે બીજાઓ સામે હાથ ના લંબાવવો પડે.
જે પતિની સેવા અને ચાકરી કરવામાં રંગીન યુવાની ઉપર સફેદ ચાદર ઢાંકી દઈ હસતા મ્હોએ જીવન વિતાવતી હતી, તેના ઉપર નજરે જોયેલું ખોટું ના હોય તેમ માની પતિએ વહેમના તીર ચલાવ્યા અને લાગણીશીલ કાવ્યા અંતરથી ભાંગી પડી.
“એમ એવું તે શું નજરે જોયું?”
” ગઈ રાત્રે ઓવરટાઈમ કરી ઘરે પાછાં ફરતાં તેને ઘણું મોડું થઇ ગયું હતું. આથી તેની ઓફિસનો સહકર્મચારી તેને ઘર સુધી મુકવા આવ્યો. તેની બાઈક ઉપરથી ઉતરતાં દુપટ્ટો સીટમાં ક્યાંક ભરાઈ ગયો. તેને છોડાવાની બંને મથામણ કરતા હતા એ દ્રશ્ય તેના પતિએ ઉપરની બારીમાંથી જોયું જેનો અવળો અર્થ તેના સુખી સંસારમાં દીવાસળીનું કામ કરી ગયો.
“સાચી વાત છે ભાઈ સ્ત્રી બધુજ સહન કરી શકે પરતું પોતાનાઓનો અવિશ્વાસ જીરવી શકતી નથી.”
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply