કંઇક અલગ( સુચન આવકાર્ય)
ચાહવું એટલે પામવુ નથી હોતું. પામ્યા વિનાની ચાહત એટલે નિજાનંદ, આ કુરબાનીમાં પણ સુખ હોય છે, અહી પૂજાથી વિશેષ કશું નથી હોતું.
ઘણા વખત પહેલાથી શરૂ થયેલી લઘુનવલ “ બંધ ડ્રોવર” શબ્દોથી વ્યક્ત થવા ટળવતી લાગણીઓથી ભરચક ભરાએલી ડાયરીની અધુરી દાસ્તાં.
( ડાયરીના સ્વરૂપમાં એક અધુરી પ્રેમકથાની વ્યક્ય અવ્યક્ત લાગણીઓને તારીખોના પાને કંડારવાનો નવીન પ્રયત્ન કર્યો છે. કાલ્પનિક વાત હોવા છતાં મોટાભાગનાને ઓછાવત્તા અંશે કોઈએક પાનાનો જરૂર અનુભવ ભૂતકાળમાં થયોજ હશે તે ખાતરીપૂર્વક કહી શકું છું.)
અડધી લખાઇ ચુકેલી આ લઘુનવલ પુરી કરુ કે નહી તેના અસમંજસમાં અહી સેર કરુ છું. ( આ પ્રયોગ કેવો રહેશે?)
૧-પાર્સલ (કિશન)
આજના ઈન્ટરનેટનાં સુપર ફાસ્ટ જમાનામાં અને એ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાના સમયમાં ખાસ્સો એવો ફર્ક છે. આ ફર્ક ટેકનોલોજીના રોજીંદા ઉપયોગને કારણે છે. ફોન, વિડીઓ ચેટીંગ બધું પ્રેમીઓ માટે આશીર્વાદથી ઓછું નથી, એ વાતને કોઈ જુઠલાવી શકે તેમ નથી.
બાકી પ્રેમ અને લાગણીઓ તો ત્યારે આજના કરતા પણ કદાચ વધારે ઉત્કંઠ હતી.
મિલન મુલાકાત માટે આંખોનું પલભર ટકરાઈ જવું પણ તનમનમાં હજારો સ્પંદનોને જગાડી દેતું જે આજે ચુંબનમાં પણ નથી આપી શકતું.
આજે આઠ નવ વર્ષના છોકરાને ફોન, કોમ્યુટર અને ઈન્ટરનેટ ટેકનોલોજીને કારણે મળતું જ્ઞાન તે વખતે કદાચ પા ભાગનું પણ નહોતું. છતાં ઇચ્છાઓ અને લાગણીઓનું ખેંચાણ કદાજ આજ કરતા વધારે તીવ્ર હશે તેમ હું સજ્જડ પણે માનું છું.
આજે વર્ષો પછી અચાનક જો હું તારી-મારી વાત અહી કહું તો કોઈ સાચું નહિ માને. હું પણ બધું મનમાં ભરીને તારીજ માફક છેલ્લી સફરે નીકળી પડત. છતાં આજે બધું ઉલેચવું જરૂરી બની ગયું છે કારણ,
તારા મૃત્યુ પછી બરાબર ચાર મહીને “તમારી સ્વર્ગવાસી સખીની છેલ્લી ભેટ” એવી નાનકડી ચિઠ્ઠી સાથે તારી ડાયરી મારી ઓફીસના સરનામે મને મળી હતી.. જે મારા પરાણે વાસી રાખેલા અંતરના દ્વારને એકજ હડસેલાથી ખોલી ગયા, સાથે પ્રથમ પારાવાર વેદના અને પછી અસંખ્ય યાદોના લાવા ઉલેચાતા ગયા.
બાકી જ્યારે તું હતી ત્યારે આજ યાદોના પ્રવાહ ફૂલોના ઢગલાં સ્વરૂપે મને મહેકાવી જતા હતા.
આ અંતીમ ભેટ મોકલનાર વ્યક્તિ હતી તારીજ દીકરી મહિમા. કદાચ તને આજની જનરેશનની સમજશક્તિ ઉપર માન અને વિશ્વાસ હશે તેથી તે આ કામ તેને સોંપ્યું હશે તેવું અનુમાન હું લગાવું છું. જોકે તારું એ માનવું ખોટું નથી તે વાત સાથે હું પણ સંમત છું. આજે સમજશક્તિના દાયરાઓ જ્ઞાન અને વિજ્ઞાન સાથે વિસ્તરી રહ્યા છે. વ્યક્તિ સંકુચિતતા ના દાયરા તોડી જન્મ અને મૃત્યુ બંનેને સજતાથી અપનાવી શક્યા છે તો સાથે લાગણીના તાણાવાણાને પણ ઉદારવૃત્તિથી ઉકેલી શકે છે. જોકે એજ કારણે ઝડપથી બંધાય છે અને છુટા પણ પડી શકે છે.
ખેર આપણે તો ઓલ્ડ સ્કુલના રહ્યા, એજ સ્કુલ જ્યાં આપણે દોસ્તીના પહેલા પાઠ ભણ્યા હતા જેને દાયકાઓ તોડી શક્યા નથી. તારી ડાયરી હાથમાં આવી અને હું સુધબુધ ખોઈ બેઠો. અને તે પછીના દરેક એક લાગણીઓની ભરતી અને ઓટને એકેક શબ્દને ફરી કંડારવા બેસી ગયો.
જો તું હોત તો આજે પણ શું આ શક્ય બન્યું હોત? કદાચ ના કારણ એકબીજાને અંતરમાંથી બહાર ના લાવવાની આપણી હોડે આજે પણ રોક્યા હોત….
પ્રેમ જેટલી શક્તિશાળી અનુભૂતિ બીજી કોઈ નથી. એ માટે વ્યક્તિનું સાથે કે હાજર હોવું જરૂરી નથી. પ્રેમની ઉચ્ચતમ અવસ્થામાં તેની હયાતી પણ કોઈ ખાસ ભાગ ભજવતી નથી. એટલે જ મારું હૈયું તારી સમક્ષ ઠાલવી રહ્યો છું.
ઓફીસના બધાજ સ્ટાફને વહેલો ઘરે રવાના કરી મળેલી બંધ ડાયરીને હું કલાકો સુધી મારી છાતીએ વળગાડી સુનમુન બેસી રહ્યો હતો. દાયકાઓ પહેલા તને સદાયને માટે ખોઈ દીધા પછી જાણે અચાનક પામી લીધી હોય એવો અનુભવ થઇ ગયો હતો.. હું જાણતો હતો કે બે પૂંઠાની વચ્ચેના પાનાઓમાં ભરાએલી તું બસ મારી અને મારીજ હતી.
લગભગ એક કલાક પછી મારા ઉછળતાં શ્વાસ જરાતરા હેઠા બેઠાં હતા. છતાં પણ નબળા પડી ગયેલા હૃદયને બહુ ઊંડે કોઈ દુઃખની કસક કરવતથી વહેરી રહી હોય તેવો અનુભવ થઇ રહ્યો હતો. આંખોમાંથી આંસુઓ બહાર નીકળવા તત્પર હતા છતાં હું પુરુષ છું નો ઘમંડ કદાચ તેને રોકી રહ્યા હતા. શરીરની દરેક નાડીઓ જાણે બંધન મુક્ત થવા જોર મારી રહી હોય તેવી પીડાનો ભાસ થઇ રહ્યો હતો. મારા ધ્રુજતા હાથ એ ડાયરીના ઉપરનાં કવરને ફાડીને અંદર ધરબાએલા તારા હૈયાને બહાર કાઢવાની તાકાત નહોતી.
હું બંધ આંખોએ કોણ જાણે ક્યાં સુધી બેઠો રહ્યો હોઈશ તેનો કોઈજ ખ્યાલ નહોતો રહ્યો. ત્યાંજ અંદરથી બંધ ઓફિસનાં બારણાં ધમધમી ઉઠ્યા. હું સફાળો તંદ્રામાંથી જાગી ગયો. ડાયરીને ટેબલના છેક નીચેનાં ચાવી વાળા ડ્રોવરમાં સલામતીથી મૂકી લથડતાં પગે મેં બારણું ખોલ્યું.
“કિશન કશું ભાન છે તમને? કેટલા ફોન કર્યા, જરા જુવો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર. ઓફિસનો ફોન પણ એન્ગેજ આવતો હતો. શું વાત છે?” વાવાઝોડાની માફક કેતકી અંદર ઘુસી આવતા ચિલ્લાઈ પડી. તેના અવાજમાં ગુસ્સા કરતા ચિંતા વધારે હતી.
અને કેમ ના હોય ગમેતેમ તોય માંરી અર્ધાંગીની હતી. મારા જીવનની જ્યોત હતી. મારા સુખ દુઃખની સાથી હતી. તેનાથી વધારે મારી ચિંતા હવે કોણ કરવાનું હતું.
પત્ની અને પ્રેમિકામાં સમય જતા પત્નીની જીત થાય એ વાતથી હું પુરેપુરો પરિચિત હતો. હા હ્રદયનો એ ખૂણો જે મારી સખીનો હતો ત્યાં ખુદ હું પણ રોકાઈ શકું એમ ક્યા હતો! એના ઉપર તો તેનું એક હથ્થુ રાજ હતું. હું બધુય જાણતો સમજતો હતો છતાં જે હાથમાંથી સરી ગયું હતું તેની ઝંખના અનંત નિરંતર હતી….
કેતકી ચાર મહિના પહેલા ભેટમાં મળેલી મારી હ્રદયની નબળાઈ ને જાણતી હતી. એ ભેટ હું જે દિવસે મારી સખીનાં અગ્નિસંસ્કારમાં ગયો હતો હાર્ટએટેકનાં સ્વરૂપે તે ઘડીની યાદગીરી વરૂપે મને મળેલી વિશેષ ભેટ હતી.
ક્રમશ: રેખા પટેલ
Leave a Reply