અંતરમાં રહેલી સદભાવના સામેવાળાને સ્પર્શે છે
જેવું વાવીશું એવુજ પામીશુ. મરચીનો છોડ વાવી ટામેટાં નહિ મેળવી શકાય. જેવો વહેવાર કરીશું એવુજ સામેવાળા પાસેથી પાછું મેળવીશું.
જે કર્મમાં માને છે, ધર્મને જાણે છે તેઓ આ વાતનો જરૂર સ્વીકાર કરશે. અત્યારે મળી રહેલા સુખ અને દુઃખ આપણા કર્મોના ફળ છે. આ જન્મમાં કોઈને દુઃખી નથી કર્યા તો પછી કડવા ફળ શા માટે મળે છે? જવાબમાં અચૂક સાંભળવા મળે છે કે ગત જન્મના ફળ બીજું શું? આમાં કેટલી સચ્ચાઈ છે તે હજુ સો ટકા કોઈ કહી શકતું નથી, તો નકારી શકાતું પણ નથી.
આપણી સચ્ચાઈ અને સાલસ સ્વભાવ પછી પણ જો દુઃખ કે અપજસ મળે છે. ત્યારે જરૂર પ્રશ્ન થાય છે કે આપણી સાથે આમ કેમ બને છે. દરેક વખતે જેવા સાથે તેવા થવામાં આનો અંત આવતો નથી. આ ચેનલને રોકવી એ આપણા જ હાથમાં છે. કડવાશની સામે મીઠાશ આપતા બહુ જલ્દી ત્રાજવા સંતુલન પામી જશે અને સામેથી પણ મીઠાશ મળવા લાગશે. જે આજ સાથે બંનેની આવતી કાલ પણ સુધારી દેશે. જો આમ નહિ કરવામાં આવે તો આ સામસામાં ભાલા ફેંક ચાલ્યાજ કરવાના અને બંનેબાજુ ઘાયલ થતા જવાના. આ માટે સહુ પહેલા વ્યક્તિએ પોતાના વિચારો ને હકારાત્મક મોડ આપવો પડે છે.
માલવ અને મયુર બંને ભાઈઓમાં નાનપણથી ભારે સંપ હતો. માતા પિતા હયાત હતા ત્યાં સુધી બંને ભાઈઓ અને તેમનો પરિવાર એક ઘરમાં રહેતો હતો. માલવણી પત્ની પ્રિયા અને મયુરની શ્વેતા વચમાં પણ એકંદરે સંપ હતો.
માતા પિતાના મૃત્યુ બાદ બંને ભાઈઓ પરિવાર સાથે છુટા પડ્યા. નાના સરખા મતભેદને કારણે મનભેદ રચાઈ ગયા. ભાઈઓ બહારના કામોની વ્યસ્તતાને કારણે બધું ભૂલી ગયા. પરંતુ તેમની પત્નીઓ વચમાં એક અદ્રશ્ય દીવાલ સર્જાઈ ગઈ. એક બહાર કોઈના વિષે બોલતી તો સામે બીજી પણ તેના જવાબમાં ઉમેરી વગોવણી કરતી.
આમ જે વાત ઘરની ચાર દીવાલો વચમાં રહેવી જોઈએ એ બધી જગજાહેર થવા લાગી. બહારના લોકો પોતાની મરજી મુજબ તેમાં વધારો કરી વાત વધારી મુકતા પરિણામે મનદુઃખ પણ વધવા લાગ્યા. હવે સમય એવો આવ્યો કે કઈ પણ બોલ્યા વિના તેમની વચમાં કલેશ રહેતો. તેમના મનમાં દુઃખ રહેતા. જેની અસર તેમના પરિવાર ઉપર પણ પડવા લાગી.
માલવ અને મયુરના માતાપિતા ખુબ ભક્તિભાવ વાળા હતા આથી બંને ભાઈઓમાં એક સમજ હતી.
” બીજાને દુઃખ પહોચાડી કે તેમના વિષે વધારે નેગેટીવ વાતો વિચારોથી છેવટે નુકશાન પોતાને થવાનું છે. કરેલી ખોટી વાતો જ્યારે સામે વાળી વ્યક્તિ સાંભળે ત્યારની વાત છે પરંતુ તેને બોલવા માટે તમારે પહેલા ખોટું વિચારવું અને બોલવું રહ્યું. જેની અસર તમારી અને તમારી આજુબાજુના ઉપર પ્રથમ થવાની.”
આ વાતને માનતા તેઓએ એકબીજાને મળીને કૈક નિર્ણય કર્યો. પરિણામે સ્વરૂપે પ્રિયા અને શ્વેતા કઈ પણ બોલે તો તેમને તરત ત્યાં જ રોકી દેતા અને બંને સામે બીજાના વખાણ કરી સમજાવતા, તેમના વિષે સારું વિચારવા કહેતા આમ કરતા ધીમેધીમે કડવાશ ઘટતી ગઈ અને બંને પરિવારોમાં મીઠાશ ફેલાતી ગઈ.
આમ માત્ર વિચારો અને ભાવ ને કારણે ઘણી કડવાશ ઓછી થતી જાય છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્વરૂપે સામેથી ગુસ્સો અપાવે ખોટું વર્તન દાખવે તો સામે તેના જેવા થવામાં આપણી શક્તિ નો વ્યય થાય છે, નેગેટીવીટીમાં વધારો થાય છે. એક રીતે આમ બન્યા કરે તો તેનો વાર સફળ થયો ગણાય છે. પરંતુ સામે જો શાંત રહેવામાં આવે કે ચુપ થઈ આગળ નીકળી જવામાં આવે તો એ નેગેટીવીટી થી દુર રહેવાય છે. વારંવાર આમ થવાથી સામે વાળો પણ છેવટે શાંત થઇ જાય છે..
હાલની પરિસ્થિતિ એવી છે કે દરેકે પોતાના સ્વભાવમાં સ્થિરતાનો વધારો કરવોજ રહ્યો. એ માટે માત્ર ભણતર કામ નથી લાગવાનું. પોતાના સ્વભાવમાં સુધારો અને સંતુલન કરવા માટે પણ વિચારવું રહ્યું. જે સારું વાંચન અને સમજુ માણસોના સત્સંગ દ્વારા મેળવી શકાય છે.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply