જાણ નથી જનારને કે એના ગયા પછી, જે રહી ગયું બાકી, તેને ભાગે શું આવે છે?
અનંત ખાલીપન…જે ના દિવસે વ્યક્ત થાય ના રાતના એકાંતમાં- રેખા પટેલ (ડેલાવર)
એ ખાલીપણું અંતરમાં ઊંડે ઉતરી ઘીમેઘીમે એને કોતરતું રહે છે. ક્યારેક બંધ હોઠોની ચુપ્પી પાછળ, કે આંખોની ભીનાશમાં તરવરી ઉઠે છે. ભરેલા આ જગતમાં ભયાનક એકલતાનો અનુભવ થાય છે. આજુબાજુ રહેલાની ખુશીઓ જોઇને પણ આંસુની બારાત લઈને આવે છે. તો કોઈના દુઃખ પણ તેના દર્દમાં વધારો કરે છે.
આ બધાથી સાવ વિપરીત એ સાવ જડ અને લાગણીઓ વિહીન પણ બની જાય છે. લોખંડી મજબુત મનની વ્યક્તિ પણ કાચના ગોળાની માફક કણકણમાં વિખેરાઈ જાય.
શારીરિક પીડા કરતા માનસિક વ્યથા વધુ દુઃખદાયક હોય છે. બહારની પીડા યેનકેન પ્રકારે ઓછી કરી શકાય છે, એ માટે દવાઓ અને હોસ્પીટલમાં સર્વિસ મળે છે, ડોક્ટરોના નિદાન પછી તેની સારવાર શક્ય બને છે.
પરંતુ માનસિક વ્યથાને પીડાને ઓછી કરવા વ્યક્તિએ જાતેજ પહેલ કરવી પડે છે એ પણ દુઃખનાં કપરા સમયમાં ખુબ મુશ્કેલી ભર્યું હોય છે. દુઃખી દિલના કે ભગ્ન હર્દયની વ્યક્તિઓ મોટાભાગે વ્યથાને છુપાવી રાખવાનું પસંદ કરે છે.
એક રીતે જગ હસીથી બચવા આમ કરતા હશે. છતાં આ સાચો રસ્તો નથી.
દર્દ, આંસુ સાથે હર્દયમાં લોહીના કણકણમાં રેલાય છે ત્યારે એ શરીર સાથે મન ઉપર કબજો કરી લે છે. અંતરનું દુઃખ અંતરમાં રાખતા એ માનસિક રોગ બની જાય છે જેનો ઈલાજ અઘરો કે અશક્ય બને છે.
સત્યેન અને ફરાહ બંને વચ્ચે કિશોરાવસ્થામાં પ્રથમ દોસ્તી અને પછી પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા હતા. સમય જતા બંને ગળાડૂબ પ્રેમમાં પડ્યા. કોલેજ પૂરી થયા સુધીમાં બંનેને કોઈ ખાસ અડચણોનો સામનો કરવો નહોતો પડ્યો.
ખરી કસોટી એ પછી શરુ થઇ જ્યારે બંનેના પ્રેમની વચમાં ઘર્મ આવીને ઉભો રહ્યો. હિંદુ અને મુસ્લીમ બે અભેદ્ય દિવાલે તેમને અલગ કરી મુક્યા. દુર રહીને પણ તેઓ એકબીજા માટે તડપતા હતા. એવામાં ફરાહનું નિકાહ નક્કી થયાના સમાચાર જાણતા સત્યેન પાગલ થઇ ગયો. દુનિયાદારીની હવે કોઈ પરવાહ નથી વિચારી ફરાહને લઇ ભાગી જઈ લગ્ન કરવા સુધીની તૈયારીઓ સાથે મળવા પહોચી ગયો.
ફરાહના પરિવારને તે મળવા આવ્યો છે તેની જાણ થતા તેના ભાઈઓ ફરાહના દેખતા જ સત્યેન ઉપર હુમલો કરી તેને ઘાયલ કરી નાખ્યો. ફરાહ સત્યેનને ખુબ પ્રેમ કરતી હતી, તેના પ્રેમીની આવી હાલત સહન નાં થતા બધાના દેખાતા ત્યાજ પાસે પડેલી છુરી થી આત્મહત્યા કરી લીધી.
આ ઘટનાથી બંને પરિવારમાં હાહાકાર થઇ ગયો. દરેક જણ પસ્તાવા લાગ્યા. સમય જતા સ્વજનોની વેદના સમાવા લાગી. પરંતુ સત્યેન સાવ પથ્થર થઇ ગયો હતો. સુધબુધ ગુમાવી ચુકેલા સત્યેનને હવે સમાજની કે જાતની કોઈ પરવા નહોતી. તેના બંધ હોઠ અને શૂન્ય આંખોમાં બસ માત્ર ફરાહ જીવતી હતી.
તેને આ સ્થિતિમાંથી બહાર લાવવાના બધા ઉપાયો નકામા નીવડ્યા હતા. તેની ચુપ્પી એજ તેનો મહારોગ બની ગયો.
અંગત સ્વજનનું દુઃખ આજુબાજુ રહેલા બધાને દુઃખી કરે છે. છતાં એ દરેકને પોતાની જિંદગી હોય છે આથી સમય સાથે આગળ નીકળી જાય છે. માત્ર જેના ઉપર વીતે તેનેજ તેનો વરવો અનુભવ થાય છે.
બહારથી ખુશ દેખાતા બધાજ હકીકતમાં ખુશ હોય તેવું જરૂરી નથી એવીજ રીતે બિચારા જણાતા બધા હકીકતમાં દુઃખી નથી હોતા. સામાન્ય માનસિક સુખ અને દુઃખ વ્યક્તિની સમજ ઉપર આધારિત હોય છે. ઘણી વખત સહજ સ્થિતિને પણ ગેરસમજને કારણે અજ્ઞાનતાને કારણે અસહ્ય માની દુઃખી થવાય છે. આ પરિસ્થિતિ હાથે કરીને ઉભી થયેલી કહેવાય જેના કારણે મળેલું બધું સુખ વેડફાઈ જાય છે.
હકીકતમાં કોઇપણ પરિસ્થિતિ કાયમી નથી એમ સમજીને સુખ કે દુઃખ બંને જરૂરીયાત મુજબનો સમય આપી એમાંથી બહાર નીકળી જવામાં સમજદારી છે. અણગમતી સ્થિતિ કે યાદોને પકડી રાખવાથી આગળ વધી શકાતું નથી. અત્યારનો ઝડપી સમય અને સમાજ હવે બહુ જલ્દી આગળ વધવામાં માને છે. નાં ગમતો કે દુઃખી સમયને ભુલવામાં ડહાપણ છે.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply