સોશ્યલ મીડિયાએ બદલી દુનિયા
ઈન્ટરનેટનાં આગમન પછી ટેકનોલોજીમાં ક્રાંતિ આવી, ૧૯૬૦માં ઈન્ટરનેટની શોધનો પાયો નખાયો હતો, જેનો સહુથી મોટો ફાયદો સોશ્યલ મીડિયાને થયો છે.
દુનિયા સાચા અર્થમાં ગ્લોબલાઇઝેશન બની. એમાય સ્માર્ટફોનનાં જન્મ પછી દુનિયા ફોનમાં સમાઈ આગળીનાં ટેરવે આવી ગઈ.
અહી પણ એક સિક્કાની બંને બાજુ મજબુત છે. જેમ તેના ફાયદા છે તેમ તેના ગેરફાયદા પણ ખતરનાક છે. આ એક એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ વ્યક્તિને સુન્યમાંથી સર્જક બનાવે છે, તો સામા છેડે છેક નીચે લાવી પાયમાલ પણ કરી મુકે છે.
સોશિયલ મીડિયા એટલે ઈન્ટરનેટને આધારે દુર રહેલા જાણીતા અજાણ્યા ચહેરાઓનું વર્ચ્યુઅલ જોડાણ છે. જેમાં વિચારોથી લઈને ફોટા, સબંધો, લાગણીઓ અને ધનદોલતની લેવડદેવડ દુર રહીને પણ લેવડદેવડ થઇ શકે છે. તેના ફ્રેન્ડલી ફીચર્સને કારણે ખુબ ઓછા સમયમાં લોકપ્રિય બની ગયું છે.
આ પ્લેટફોર્મ દ્વારા લોકો મળ્યા વિના પણ સતત સંપર્કમાં રહી શકે છે. પરદેશમાં રહેતા સ્વજનો સાથેના સંબંધો અને લાગણીઓને તરોતાજા રાખવામાં આ મીડિયાનો ફાળો મહત્વનો છે. પરસ્પર સુખ દુઃખ માહિતીઓ ફોટા બધું પળવારમાં વહેચી શકાય છે. બાળકોથી દુર રહેલા માતાપિતા કે પતિ પત્ની માટે આ વરદાન સમું છે.
આ પ્લેટફોર્મને કારણે ઘણા છુપાઈ ગયેલા, દબાઈ ગયેલા હુન્નરોને પોતપોતાની શક્તિ મુજબ બહાર આવવાનો મોકો મળ્યો છે. ઘર બહાર પગ મુક્યા વિના પોતાની શક્તિઓ, શોખ અને આવડતને જમાના સમક્ષ મુકવાનો અને તે કારણે મળેલા લાભ લેવાનો મોકો મળ્યો છે.
જેને નજર અંદાજ કરી શકાય તેમ નથી.
આજથી આઠ દસ વર્ષ પહેલા જેને કોઈ જાણતું ના હોય તેને આજે આખી દુનિયા જાણતી થઇ જાય તેવો ચમત્કાર માત્ર આ મીડિયા અને ઈન્ટરનેટને આભારી છે.
ઘરની ચાર દીવાલમાં જીવન વ્યતીત કરતા માટે આ આશીર્વાદ સમું છે. આ પ્લેટફોર્મને કારણે ઘરે બેસીને દુનિયાની સેર કરી શક્યાનો આનંદ પણ લઇ શકાય છે. જે સ્થળોને દુનિયાની અજાયબીઓને ક્યારેય નથી જોઈ એ બધી એક ક્લિકમાં નજર સમક્ષ આવી જાય છે. એમાય કેટલાક થ્રીડી વિડીયો તો એ જગ્યા ઉપર ઉભા રહેવાનો અનુભવ પણ કરાવે છે.
વૃદ્ધ અને અશક્ત લોકો માટે આવી સાઈટ આનંદપ્રમોદનું સાધન બની જાય છે.
એકલતામાં સતત કોઈનો સહેવાસ ઝંખતા વૃધ્ધો માટે આ પ્લેટફોર્મ સમય સાથે જ્ઞાન અને ગમ્મત પીરસે છે. જે સ્થળ કે મંદિર જેવા સ્થાનો ઉપર જવાની માત્ર કલ્પનાઓ કરી શકતા તે જગ્યાના રૂબરૂમાં દર્શન કરી શકે એનાથી મોટો લ્હાવો પણ તેમની માટે બીજો કયો હોઈ શકે.
સોશ્યલ મીડિયાને કારણે લાઈફ સહેલી બની છે એ હકીકત છે. ફેશન સાથે ચાલતા યુવાવર્ગ માટે બધુજ શોપિંગ માટેની સાઈટો અહીંથી સહેલાઈથી મળી જતી હોય છે. સોશ્યલ મીડીયાને કારણે દુનિયાભરની નવી સ્ટાઈલો એકજ ક્લિકમાં નજર સમક્ષ આવી જાય છે જેના કારણે આજે ફેશન જગતમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે.
નાના ગામડાઓમાં પણ લોકોને આના વિષે ખ્યાલ છે તેઓ પણ શહેરો સાથે પગલાં ભરવા તૈયાર રહે છે. હરવાફરવાના શોખીન માટે ક્યા ક્યારે કેવી રીતે જવું હોટલ રસ્તાઓ બધુંજ જ્ઞાન અહીંથી મળી જાય છે.
ટ્રીપ એડવાઈઝર, ગ્લોબલ ગુઝ, યુ વર્લ્ડ જેવી અનેક સાઈટો ઉપરથી ક્યા, કેવી રીતે જવું એની બધીજ માહિતીઓ મળી આવે છે. ટોક અબાઉટ ધ પિપલ જેવી અનેક સાઈટો ઉપર જેતે જગ્યાની મુલાકાત લઇ ચુકેલા ટુરિસ્ટ કે ત્યાંના રહેવાસીઓ ને પ્રશ્નો પૂછી સલાહ લઇ શકાય છે. કે બીજાઓને યોગ્ય સલાહ આપી શકાય છે. જેથી પ્રવાસ સહેલો બની શકે.
આ બધા તેના લાભ છે એજ રીતે ઘણા ગેરલાભ પણ નજરે દેખાય તેવા છે.
ફેસબુક, ઈન્સ્ટગ્રામ, જેવી એપમાં લોકેશન બતાવાય છે. વ્યક્તિ ક્યાંથી ક્યા ફરે છે એ બધું જગજાહેર થાય છે. આ તેમનો આનંદ પ્રદર્શિત કરવા હોય છતાં બીજાઓ ઉપર તેના પ્રત્યાધાત કેવા પડે એ પણ જાણવું જરૂરી છે. સોશ્યલ મીડિયા ઉપર રહેલા દરેક જાણીતા અજાણ્યા ચહેરાઓના વિચારો અને પ્રવૃત્તિઓની આપણને જાણ નથી હોતી.
સોશ્યલ મીડિયાનાં આ પ્લેટફોર્મનો સાચો અને સમજદારીપૂર્વક થતો ઉપયોગ જીવન સહેલું બનાવે છે.તો સામા પક્ષે બેદરકારી અને દેખાડો દંભ વધારી રોજીંદા જીવનમાં હલચલ પેદા કરે છે. સોશ્યલ મીડિયાનો ક્રેઝ ધરાવતા મોટાભાગના ને ફરવાનો આનંદ માણવાને બદલે બીજાઓ સમક્ષ દેખાડો કરવાનો ઉત્સાહ અનેક ગણો વધારે હોય છે.
દુર બેઠેલા પણ ફોટા અને જાહોજલાલી જોઈ ઈર્ષાળુ બને તેમાં નવાઈ નથી. પરિણામે મનદુઃખ થવાની શક્યતાઓ વધી જાય છે. આનાથી આગળ મુશ્કેલીઓને આમંત્રણ પણ મળે છે.
આજથી વીસેક વર્ષો પહેલા પોતાના શોખ માટે બધું વપરાતું હતું, કપડાં થી લઈને લકઝરીયસ વસ્તુઓ જરૂર પ્રમાણે લાવતી અને વપરાતી હતી. એ બધું આજે બીજાઓને બતાવવા ખરીદાય છે. કારણ આજે દરેકને બધું ફોટા વિડીઓ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર મુકવાની આદત થઇ ગઈ છે. પરિણામે એકની એક વસ્તુ વધારે વખત વાપરવી પણ તેમને અયોગ્ય લાગે છે.આ રીતે ખોટા ખર્ચાઓ પણ વધી ગયા છે.
સોશ્યલ મીડયાની આદી બની ગયેલી માન્યતાને પોતે ક્યા જાય છે એ ફેસબુકમાં ચેકીન દ્વારા બતાવવાની આદત હતી. રેસ્ટોરન્ટથી માંડીને શોપિંગ, વેકેશન સાથે ઘર બહાર પગ મુકે એ બધું જાહેરમાં પોતાની લાઈફસ્ટાઈલનો દેખાડો કરવા જગ્યા સ્થળ બધુજ બતાવતી.
તેના વેકેશનની આવી પોસ્ટ જોઈ નજીકનાં એરિયામાં રહેતા યુવાનોએ એક રાત્રે તેનાં ઘરમાં ચોરી કરી ઘણું લઇ ગયા. બાકી એ જે એરિયામાં રહેતી હતી ત્યાં આવો કોઈ બનાવ પહેલા થયો નહોતો. આવી આદતો ક્યારેક આવો અમે ઘરે નથી અને બંધ ઘર તમારે હવાલે જેવું થાય છે ત્યારે પસ્તાવો હાથ આવે છે.
જગજાહેર આ મીડિયા પ્લેટફોર્મ જેટલું સરળ લાગે છે તેટલું એ છે નહિ. કશુજ પ્રાયવેટ નથી. નાનામાં નાની વસ્તુ પણ ડેટા કલેક્ટ દ્વારા બીજાઓના હાથમાં જઈ શકે છે. પરિણામે સંકટમાં ફસાઈ જવાનાં ચાન્સીસ વધી જાય છે. સોશ્યલ મીડિયા ઉપર મુકાતા ફોટા વિડીઓ બધુજ પબ્લિકમાં રહે છે જેનો ફોટો શોપ કરીને દુરુપયોગ પણ થાય છે. જેના પરિણામે નિર્દોષ હોવા છતાં બદનામ થવાના ઘણાં ઉદાહરણો નજર સમક્ષ છે.
વોટ્સએપ ઉપર ઘણી એવી કલીપો ફરતી જોવા મળે છે જેમાં જરા પણ તથ્ય હોતું નથી પોર્ન વિડીયોમાં ફોટોસોપ દ્વારા કોઈ સેલિબ્રિટીના ચહેરાને સાંકળી તેને ખોટી ચીતરાય છે. આમાં લોકોની વિકૃતતા જાહેર થાય છે છતાં મોટાભાગના આને સત્ય સમજી લે ત્યારે પીડીતને ભાગ બદનામી આવે છે.
ફોટોશોપ વિશે જાણવું પણ જરૂરી છે. જેમાં ચહેરો રંગ આંખોથી લઈને શરીરના દરેક ભાગનો આકાર બદલી શકાય છે. અરે એક ચહેરો બીજા શરીર ઉપર લગાવી શકાય છે. બાજુમાં રહેલી વ્યક્તિ ગાયબ કરી શકાય કે ત્યાં બીજીને જોડી શકાય છે.
આ બધું થયા પછી ફોટામાંની મૂળ સ્થિતિ અને પરિસ્થિતિ બદલાઈ જાય છે જેના કારણે ઘાતક પરિણામો પણ આવી શકે છે.
આ પ્લેટફોર્મને કેવી રીતે ઉપયોગી કરવું એ વ્યક્તિના પોતાના હાથમાં છે. સોશ્યલ મીડીયા ઉપર સંપૂર્ણ વિશ્વાસ ના રાખતા પોતાની વિચારશક્તિને પણ ઘ્યાનમાં રાખીને સાવચેતી પૂર્વક વર્તવું જરૂરી છે. આમ કરતા અહી ઘણું નવું જાણી શકાય છે ઘણું મેળવી શકાય છે. છતાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.
– રેખા પટેલ
Leave a Reply