સબંધ અને સંબોધન
શું સંબોધન થી સબંધ બંધાય અને જળવાય છે ?
‘તુંકારો’ હોય કે માનાર્થ ,સંબોધનમાં મહત્વની છે શબ્દોમાં રહેલી હેતાળતા.
જે નક્કી કરે છે સબંધ કેટલો નજીકનો અને મહત્વનો છે. લાગણીઓમાં બનાવટ હોય તો ગમે તેવું સંબોધન કૃત્રિમ લાગે છે. ક્યારેક માનવાચક શબ્દ સામે તુંકારનો ભાવ વધુ આત્મીય અને મીઠો લાગે છે .
જેને ગાઢ પ્રેમથી સમર્પિત હોઈયે તેને ‘તું’ કહેવાની મજા પણ અલગ જ હોય છે.
આ પણ આટલુજ સાચું છે કે જેને માન આપતા હોઈએ તેને તમે કહેવામાં અને સાંભળવામાં પણ આનંદ આવતો હોય છે. કેટલીક ઓફિસરોની પત્નીઓ તેમના પતિને સાહેબ કહીને બોલાવે છે કારણ તેમની આજુબાજુ કામ કરતા માણસો તેમને સાહેબ કહે છે તો આ માનવાચક શબ્દ પત્નીઓને મીઠો લાગે છે અને તેઓ પણ અપનાવી લે છે.
આવીજ રીતે કેટલીક દેશમાં અને પરદેશમાં તો ખાસ, મમ્મીઓ બાળકો સાથે તેમના પતિને વ્હાલમાં ડેડી કહીને સંબોધે છે. આમ કરવામાં તેમને એક આનંદ હોય છે કે આ વ્યક્તિ તેના બાળકોનો પિતા છે.
કસ્તુરબા પણ ગાંધી બાપુને બાપુ કહી સંબોધતા હતા , કેટલીક સ્ત્રીઓના પતિ બહુ ઉચાં સ્થાન ઉપર હોય તો તેઓ તેમના પતિને નામ પાછળ ભાઈ લગાડી તેમનાં નામને માનવાચક રીતે ઉચ્ચારતા હોય છે.
બાકી કોઈના નામ પાછળ ભાઈ કે બહેન લગાડી સંબોધવું તે તેમને અપાતા માન કે લાગણીનો દેખાવ માત્ર છે.. બાકી લાગણીઓ તો વહેતી નદી જેવી હોય છે, જે સમય પ્રમાણે તેનો રસ્તો આપોઆપ કરી લેતી હોય છે.
એક વાતનો ખ્યાલ હંમેશા રાખવો જરૂરી બને છે કે સંબોધનની રામાયણ માં કોઈનું અહં નાં ઘવાય.
કેટલાકને કોને કેવી રીતે બોલાવવા તેનું કોઈ ભાન હોતું નથી. જાહેરમાં સ્ત્રીઓને હમેશા માન થી બોલાવવી ઘટે છે ,હા મિત્ર હોય તો વાત અલગ, છતાય પરસ્પર એકબીજાનું માન સાચવવું મિત્રોની ફરજ બને છે.
બાકી જ્યાં પ્રેમ હોય ત્યાં ટુંકારો તો આવીજ જવાનો. આપણે શું ભગવાનને દરેક વખતે તમેજ કહીએ છીએ ? નાં ક્યારેક જગત પિતાને પણ આપણે તું કહી આપણી ભાવના અર્પણ કરીએ છીએ, મારા વ્હાલા કહી સંબોધીએ છીએ.
આવીજ રીતે આપણા ગમતા કલાકારો જે જાહેર જીવનમાં બહુ આગળ પડતા છે નામવંતા છે તેમને આપણે વાતોમાં ટુંકારે કે નામથી બોલાવીએ છીએ, પણ જ્યારે તેમની સામે જઈયે ત્યારે શું તેમને માત્ર નામ અને ટુંકારે બોલાવી શકીશું? ના કારણ આમ કરવાથી આપણા ગમતા પાત્રોની મજાક ઉડાવતા હોઈએ તેવું લાગશે અને સામે વાળી વ્યક્તિ પણ આ ટુંકારો સહન નહિ કરી શકે. માટે જગ્યા અને સ્થાન જોઈ સંબોધન કરવું જોઈએ.
આપણે, ઘરમાં થતી વાતચીતમાં, અરસપરસના સંબોધનની સીધી અસર નાના બાળકો ઉપર પણ પડી શકે છે ,ક્યારેક દેરાણી જેઠાણીના સંબોધન માં દેરાણીના બાળકો પણ ભાભી બોલતા કે જેઠાણીના બાળકો કાકીને બદલે નામથી બોલાવતા થઇ જાય છે ,અહી ભાવ અને માન એક સરખા જ હોય છે માત્ર સંબોધન બદલાઈ જાય છે.
અરે હા ! ક્યારેક તો મજાકમાં પણ સાવ ઓડીનરી લલ્લુ પંજુ જેવાને પણ શેઠ કે રાજા જેવા શબ્દોનું ઉપનામ અપાય છે. સાવ કાળો હોય તેને સફેદો કહેવાય તો સાવ પાતળાને પહેલવાન પણ કહેવાય છે. જોકે આ વાત થઇ મજાક ની પણ ક્યારેક આ નામ ઉપનામ માણસની ઓળખ પણ આપતા હોય છે.
આપણા સમાજમાં જેમ પૈસો વધે તેમ સંબોધન પણ બદલાતા જાય છે ,જેમકે ગરીબ રાખતો હોય ત્યારે મનુને મનીયો કહે છે પછી પૈસો કે હોદ્દો વધતા મનુભાઈ પછી મનુભાઈ શેઠ જેવા માનવાચક ઉપનામ મળી જાય છે “નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ” .
આવીજ રીતે કોઈ માટે મનમાં માન હોય તો તેને બોલાવવાની લઢણ અલગ હોય છે અને કોઈ માટે સ્વાર્થ કે ગુસ્સો હોય તો બોલવાની બોલાવવાની લઢણ સાથે સંબોધન ને પણ બદલાઈ જાય છે.
ક્યારેક એમ પણ બને છે કે આપણે કોઈને કાયમ તમે કહેતા હોઈએ તેને ગુસ્સામાં આવીને ટુંકારો થઇ જાય ત્યારે સામાન્ય રીતે થતી બોલચાલ આસમાને પહોચી જાય છે.
એક ટુંકારો વાત થી વધી ગાળાગાળી સુધી પચોહાવાનો રસ્તો ખુલ્લો કરી આપે છે , બરાબર આમજ જો કાયમ તું કહેનારને ગુસ્સામાં તમે કહી એ ત્યારે તેજ વસ્તુ આઘાત જનક લાગી વાત વધારી મુકે છે.
કોઈને સંબોધનમાં ફરજ ના પાડવી જોઈએ કારણે સંબોધન દિલથી થતા હોય છે,પરાણે બોલતા સબંધોમાં સાહજીકતા ચાલી જતી હોય છે.”સંબોધન થી સબંધ નથી મપાતો, સમજણ અને લાગણી થી મપાય છે ”
– રેખા પટેલ (ડેલાવર, યુએસે )
Leave a Reply