હાથ તમે ઝાલ્યો જ્યાં, મને ચોમાસાનાં શુકન થયા,
વિત્યા દિન એકલતાના, સાથ સથવારે નુતન થયા.
વહેતી નદીના સામા કિનારા, મળી દરિયે પૂજન થયા.
અલગ રાગ બે જીવનના, મહેફિલમાં એક ધૂન થયા.
એક સાથે જીવન શરુ કર્યું ત્યારે આપણે બંને સાવ અલગ હતા, માત્ર એક વાત સરખી હતી એ પરિવાર માટેનો પ્રેમ. એજ કારણે પરિવારની સમંતિ થી ખાસ વિચાર્યા વિના માટે પંદર દિવસમાં જીવનનો મહત્વનો નિર્ણય લઇ એક થયા.
આજે જ્યારે વિચારીએ છીએ ત્યારે બહુ નવાઈ લાગે છે. એક ડ્રેસ લેવો હોય કે એક સામાન્ય વસ્તુ ખરીદવી હોય તો એ માટે કેટલો લાંબો વિચાર કરીએ, તેની ગુણવત્તા જોઈએ. ઓન લાઈન હોય તો કસ્ટમર રીવ્યુ વાંચીએ છીએ, તેની રીટન પોલીસી જોઈએ.
જ્યારે આતો આખા જીવનનો સવાલ હતો, સુખ દુઃખ બધા અ એક સંબંધ ઉપર નિર્ભર હતા છતાં ખાસ કોઈ ઊંડો વિચાર વિમર્સ નહિ. આપણે કંઇ અણસમજુ કે અભણ પણ નહોતા, છતાં ઝડપથી આજીવન બંધાઈ ગયા.
વાત એ દિવસોની, હું બહુ તોફાની, વાચાળ અને મિજાજી હતી, અને તમે સરળ અને શાંત. મને સમયનાં કાંટામાં બંધાવું ગમતું નહિ, તમે સમયને અનુસરનાર હતા. મને ગીત ,ગઝલો, વાંચનનો ભારે શોખ જ્યારે તમારે આ બધું સાવ ઓછુ. ત્યારે ક્યારેક મને લાગતું ઉત્તર દક્ષીણ છેડા ભેગા થયા છે.
પરંતુ આ વિરુધ્ધાભાસ લાંબો ચાલ્યો નહિ. સાવ સહેલાઈથી જાણ બહાર ક્યારે બંને છેડા એક થઇ ગઈ ગયા તેનો આપણે બંનેને ખ્યાલ ના રહ્યો. અને આજે બધું બોલ્યા વિના સમજાઈ જાય છે. કહ્યા વિના થઇ જાય છે. હું માનું છું આજ સાચું સહજીવન.
આજે ધંધાના મોટા ફેંસલા તમે ચુટકીમાં કરી નાખો છો અને સાવ નજીવા ઘરસંસારના ફેંસલામાં મારી સંમતી માગો છો.
આમ તેત્રીસમાં લગ્નની ઉજવણી વેળાએ…
“સરિતાએ સાગરના હાથમાં એક પત્ર મુક્યો, બદલામાં સાગર સરિતાને સમાવી લેવા પૂનમની ભરતી બની ગયો” 🤗
– રેખા વિનોદ પટેલ
Leave a Reply