પ્રીત ના જાણે રીત
સાવ એવું નથી કે હું તને ભૂલી ગયો.
શ્વાસનો એક ધબકારો બસ ચુકી ગયો.
સાવ એવુ નથી કે બંધન તોડી ગયો
ડાળ તૂટી પછી પાનાં જેવું જીવી ગયો…
વાહ શાયર વાહ, તારી એકેએક શાયરી ઉપર જાન કુરબાન. હાઈરાઈઝ પંચતારક લક્ઝુરીયસ અપાર્ટમેન્ટની છેક ઉપર ગાર્ડન ટેરેસમાં ઝબુકતી ઝીણી લાઈટ્સ અને ચોતરફ ગોઠવાએલા રંગીન ફુવારાઓ વચમાં ગાદી તકિયા ઉપર બેઠેલા સ્નેહે તારીફની અદામાં બે હાથ ઊંચા કરી વાહવાહી ભરી. સાથે આજુબાજુ બેઠેલા પચાસ જેટલા મહેમાનો પણ તાળીઓની ગડગડાટ વચ્ચે સામેના સ્ટેજ ઉપર બેઠેલા બત્રીસ તેત્રીસ વર્ષના યુવાન તરુણ આનંદને વધાવી લીધો.
” આભાર આપ સહુનો , બસ પરમ મિત્ર સ્નેહની ઈચ્છાને માન આપી હું અહી ઉપસ્થિત રહ્યો છું, બાકી મહેફિલ હવે ભૂતકાળ બની ગઈ છે. હા શાયરીના શોખને હવે પુસ્તકો લખીને ટકાવી રાખ્યો છે. એક કહું કે હું ટકી રહ્યો છું.” અંતરની હૈયાવરાળ ઠાલવી, ભરી મહેફિલમાંથી તરુણ બહાર આવી પાળી પાસે ઉભા રહી નીચે સડેડાટ દોડતી લાઈટો ઝબકાવતી ગાડીઓની હારમાળા જોવા લાગ્યો.
એક પછી એક શાયરોની મહેફિલ જામતી ગઈ છતાં પપ્પા સાથે પરાણે ખેંચાઈને આવેલી અઢાર વર્ષની સોનિયા હજુ પણ તરુણ આનંદના નશામાંથી બહાર નીકળી નહોતી. શું અદા, શું અવાજ ,શું દર્દ આહ અને વાહ…ગઝલોની શોખીન સોનિયાને પપ્પાના મિત્રની બર્થડે પાર્ટીમાં આજ કારણે આવી હતી.
બાકી દસ વર્ષ પહેલા થયેલા મમ્મી પપ્પાના ડિવોર્સ પછી પપ્પાને, નવી મમ્મીને કે તેમના મિત્રોને ખાસ મળવાનું બનતું નહોતું. તેને પ્રેમાળ પપ્પાને મળવામાં કોઈ વાંધો નહોતો પરંતુ તેમના સુખી જીવનને જોઇને મમ્મી માટે દુઃખ થઇ આવતું. મમ્મી તેની સાથે ખુશ હતી છતાં એકલતા તેને ડંખતી એ વાતથી સોનિયા પરિચિત હતી. મોર્ડન જમાના સાથે તાલ મિલાવતી, સોનિયાની હમઉમ્ર મિત્ર તરીકે વર્તતી મમ્મીને ક્યારેક એકાંતમાં ગઝલો સાંભળી ઉદાસ થઇ જતી કે આંખોના ભીનાં થઇ આવેલા ખૂણા લુછતી જોઈ હતી.
મહેફિલ પૂરી બધા ડીનરમાં વ્યસ્ત થઇ ગયા. સોનિયા સામે ચાલી તરુણ સાથે ઓળખાણ કરવા પહોચી ગઈ ” સર, મને શાયરીઓનો લીટરેચરનો ખુબ શોખ છે. તમને વાંધો નાં હોય તો મને શીખવાડશો?”
પાસે ઉભેલા સ્નેહે આ સાંભળી તરુણને સોનીયાની ઓળખાણ કરાવી, તેને શીખવાડવા માટે ભલામણ પણ કરી.
” એક શરતે શીખવું કે મને સર નહિ તરુણ કહેવાનું હોય તો. મને સર કહી તું આધેડ બનાવે એ નહિ ચાલે.” આમ વાતવાતમાં બંને વચ્ચે બાર તેર વર્ષ ઉંમરનો તફાવત ઓગળી ગયો.
” તરુણ આપણે મળ્યા પહેલી વખત છતાં તમને નામ અને તમારા લખાણથી હું અને મારી મમ્મી તમને વર્ષોથી જાણીએ છીએ. મારી મમ્મી તમારા દરેક પુસ્તકો ખરીદે છે, તમારી દરેક શાયરી,ગઝલ તેમને મોઢે છે. એજ કારણે હું પણ હવે તમારી ગઝલોની દીવાની છું. તમે આ પહેલા આ શહેરમાં નહોતા તો ક્યા હતા? સોશ્યલ મીડિયામાં પણ તમારો કોઈ કોન્ટેક્ટ નંબર નથી.”
” હા હું મારી જાતને બધાથી દુર રાખું છું. હૈયે લાગેલા ધાને રુઝાતા વાર લાગે છે. અને કેટલાક ઘા નાં રુઝાય એમાજ મઝા છે. હવે હમણાં અહી રોકાવાનો પ્લાન કરીને આવ્યો છું. જોઈએ નશીબ ક્યા લઇ જાય.”
” એટલે? ઘા! કેવો ઘા?” સોનિયાના અવાજમાં વધુ જાણવાની તત્પરતા આવી ગઈ.
” કઈ નહિ ફરી ક્યારેક ચાલ અત્યારે બધા સાથે એન્જોય કર ” કહી તરુણે વાત વાળી લીધી.
શહેરની બેસ્ટ કોન્વેન્ટ કોલેજમાં ભણતી સોનિયા વિચારોથી અને સ્વભાવથી સ્વતંત્રમિજાજી હતી. મમ્મીને સરપ્રાઈઝ આપવાનું વિચારી જાતેજ દર ગુરુવારની સાંજે છ થી સાત તરુણના નવા લીધેલા ફ્લેટ બાજુમાં ઓપન ગાર્ડન કેફેમાં મળવાનું નક્કી કરી લીધું.
શરૂવાતમાં આમજ થતું પછી તો એ ગમે ત્યારે તરુણના ઘરે ટપકી પડતી. શીખવાનો શોખ હવે તેને તરુણ પ્રત્યે લાગણીઓમાં ખેંચતો જતો હતો. સોનિયા તેને આકર્ષવા પ્રયત્નો કરતી. છતાં એ જોતી કે તરુણ યુવાન વયે પણ કોઈ આધેડ જેવી સંયમતા રાખે છે. પોતે આટલી સુંદર અને યુવાન છે છતાં દુરી બનાવી રાખે છે.
એક વરસાદી સાંજે એ તરુણને ત્યાં પહોંચી ગઈ. નોકરે બારણું ખોલ્યું. અને જણાવ્યું સાહેબ તેમના રૂમની બાલ્કનીમાં બેઠા છે. એ અંદર ગઈ, તરુણ પાસે પડેલી બે ખાલી બીયરની બોટલો અને ધીમા વાગતા સંગીત વચ્ચે દુનિયાદારીથી વિમુક્ત વિચારોના કોઈ અલગ અવસ્થામાં હતો.
” હાય તરુણ કેમ છો? લાગે છે કોઈનો વિરહ આસમાને ચડી ટપકી રહ્યો છે”.
જિંદગી કુછ એસે મકામ પે લઈ હૈ હમેં, કી તું નહિ તેરી જુસ્તજુ ભી નહિ
ગુજર રહી હૈ જિંદગી બડે શાન સે, ફિર ભી ચૈન ઔર કહી આરામ નહિ. … તરુણ આટલું બોલી ચુપ થઇ ગયો.
પ્રેમ એતો અનરાધાર ભીંજવતી લાગણીઓનું નામ છે. એની માંગને સંતુષ્ઠ કરવા કોઈ ઉંમર કે સમયની મર્યાદા નથી. ઘેરાયા પછી વરસે નહિ એ વાદળીઓ શું કામની. આંસુ થઇ ટપકે નહિ એ લાગણીઓ શું કામની. આજે મને તમારી ઉદાસી અને અલગારી અવસ્થાનું કારણ જણાવો. હું સાંભળ્યા વિના ક્યાય જવાની નથી.” સોનિયાના અવાજમાં જીદ હતી.
ના છુટકે તરુણ વીસ વર્ષ પાછળ ધકેલાઈ ગયો. હ્રદયના ઊંડાણ માંથી વાતની શરૂવાત કરી.
ત્યારે એ માત્ર દસ વર્ષનો કિશોર હતો. નાનપણથી શાયરી ગઝલો જાણે વારસામાં લઈને આવ્યો હતો. ખુબ મધુર અવાજ ને કારણે સોસાયટી અને સ્કુલમાં બધે પ્રખ્યાત થઇ ગયો હતો.
બાજુના મકાનમાં રહેવા આવેલી તેના કરતા આઠેક વર્ષ મોટી સંધ્યા પણ આજ કારણે તેની દોસ્ત બની ગઈ હતી. દરરોજ સાંજે તરુણને બોલાવી તેની કવિતાઓ અચૂક સાંભળતી. કિશોર અવસ્થામાં પગલાં માંડતા તરુણને મન સંધ્યા તેની રાધા હતી. આમ પોતાનાથી વયમાં મોટી રાધાનો આ કાનો રાધાનો દીવાનો બની ગયો. આ કિશોર માટે સંધ્યાને પણ લાગણી ઉભરાઈ જતી. તેના વાંકડિયા વાળમાં આંગળીઓ ફેરવતા એ કહેતી પણ ખરી કે “કાશ તું હમઉમ્ર હોત.” બસ આજ વાક્ય તરુણને માટે બસ હતું.
આમ ત્રણેક વર્ષ નીકળી ગયા. સંધ્યાની સગાઇ થઇ ગઈ. તરુણ માટે આ સમય બહુ કપરો સાબિત થયો. લગ્નની આગલી રાત્રે સંધ્યાએ તેને પાસે બોલાવી માત્ર આટલુજ કહ્યું કે ” આપણી વચમાં ઉંમરની દીવાલ રહી છતાં તું મારો પ્રથમ પ્રેમ રહ્યો છે અને હું તને જીવનની છેલ્લી ક્ષણો સુધી યાદ રાખીશ.બસ તું મને ભૂલી જીવન જીવતા શીખી જજે” આટલું કહી તેને તરુણના ગાલ ઉપર હળવું ચુંબન કર્યું.
સંધ્યાના લગ્ન પછી તરુણ સાવ ચુપ થઇ ગયો. પ્રતિઘાત રૂપે સંધ્યા ક્યા છે તે જાણવાની કે પોતે શું કરે છે એ તેને ના જણાવવાની તરુણે તકેદારી રાખી. પ્રેમ અને વિરહનાં હજારો ગીતો લખ્યા અને મુશાયરા ભર્યા. પરંતુ કોણ જાણે છેલ્લા કેટલાય વર્ષોથી એ હવે તેની રાધાના પ્રેમમાં જાતેજ ડૂબવા માગતો હતો આથી બધી સંવેદનાઓને એ કાગળમાં ઉતારવા લાગ્યો આમ કરતા પુસ્તકો ખડકાઈ ગયા.એક રીતે આવક પણ વધતી ચાલી.
કોણ જાણે સોનિયામાં શું દેખાયું કે તેને શીખવવા સાથે જીવનમાં નજીક પણ આવવા દીધી.
“દેખાવમાં સંધ્યા કેવી હતી? કોઈ ફોટો ખરો?” સોનિયા પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછવા લાગી.
સોનિયાની ઘણી જીદ પછી એક જુનો વીસ વર્ષ પહેલાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો તેના હાથમાં મૂકી દીધો. સોનિયા એ ફોટાને બહુ ઘ્યાન પૂર્વક જોતી રહી.
“તરુણ આજે જો તમને સંધ્યા મળે તો શું કરો?”
“સોનિયા ત્યારે પણ ફેસલો સંધ્યાનો હતો અને આજે પણ તેમાનો જ હશે. હું ક્યારેય એમની ઉપરવટ ગયોજ નથી. ખેર છોડ બધી વાત તું જા ઘરે હવે જો વરસાદ પણ બંધ થઇ ગયો છે. તારા મમ્મી ચિંતા કરશે.”
“બે દિવસ પછી મારી બર્થડે આવે છે તમારે ડીનર મારા ઘરે કરવા આવવું પડશે વચન આપો તો જાઉં.” તરુણને જમવા આવવાનો વાયદો લઈને સંધ્યા ઘરે જવા નીકળી.
એ સાંજે બ્લ્યુ જીન્સ ઉપર આછું વાદળી ટીશર્ટ પહેરેલો તરુણ ખુબ સુંદર લાગતો હતો. હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈ સોનિયાની બર્થડે વિશ કરવા પહોચી ગયો.
આવો તરુણ, આજે તો કાતિલ લાગો છો કહી એક આંખ મીચકારી, થેક્યું કહેતા રૂપકડી સોનિયાએ હાથમાંના ફૂલોને જાતેજ ખેચી લીધા. તરુણને દીવાનખંડમાં બેસાડી તેની મમ્મીને બોલાવવા અંદર ગઈ.
“કેમ છો સોનિયાના મ્હોએ તમારા ખુબ વખાણ સાંભળ્યા છે, આજે પ્રત્યક્ષ મળવાનું બન્યું” કહેતી ચાલીસેક વર્ષની પરંતુ માંડ બત્રીસની લાગતી તેની મમ્મીએ બહાર આવી બે હાથ જોડી અભિવાદન કરતા કહ્યું.
પરસ્પર આંખો મળતા બંને એકબીજાના ચહેરામાં કશુક શોધવા લાગ્યા
તું? તમે? એક સાથે ભાવમીશ્રીત ઉદ્ગારોએ એકબીજાને સામસામી લાવી દીધા.
તરુણ તું આટલા વર્ષો ક્યા હતો? મેં તને શોધવા પ્રયત્ન કર્યો હતો. તારા વિષે તારા જીવનની ખુશી વિષે જાણવું હતું.” સંધ્યાના અવાજમાં ઉમળકો અને પ્રેમ હતા.
“આજ કારણે હું મારી જાતને છુપાવતો હતો કારણ મને ખબર હતી તમે મારી આજુબાજુ જે શોધવા મથો છો એવું કશુજ મળવાનું નથી” તરુણના અવાજમાં વ્યથા હતી.
માય ડાર્લિંગ મોમ, એન્ડ ડીયર તરુણ. બસ હવે બહુ થયું તમારો અવ્યક્ત પ્રેમ હવે જગજાહેર બની જાય એવા આશીર્વાદ છે. આજના સમયમાં આઠ દસ વર્ષની દીવાલ સહેજમાં ઓગાળી શકાય છે. પ્રીત ના જાણે રીત.” બંનેના હાથ એક સાથે પકડીને સોનિયા બોલી.
“હેપી બર્થડે ટુ મી”
– રેખા પટેલ ( ડેલાવર)
Leave a Reply